નિવૃત્ત થયા પછી(૫) સ્વાતિ શાહ.

નિવૃત્ત થયા પછી – સંપૂર્ણ નિવૃત્તિ..

“ બસ હવે બહુ ઢસરડા કર્યા. ક્યારે નિવૃત્ત થઈશ.” સુશીલાબહેનના શબ્દો સાંભળતા જશવંતભાઈ હસી પડ્યા. “શાળામાં ભણાવવાનું છોડી દે એટલે નિવૃત્ત. તને ક્યાં કોઈ રોકવાનું છે?” જશવંતભાઈના શબ્દ પર સુશીલાબહેન વિચારી બોલ્યા, “ હા, વાતતો તમારી સાચી છે. મને શાળામાંથી કોઈ દબાણ નથી. પણ હવે એક વરસ તો છે બાકી નિવૃતિમાં. નોકરીમાંથી ઓફીશીયલ નિવૃત્તિ લેવામાં જ માન રહે.”

“બસ તો તેં નક્કી કરીલીધું છે તો બોલીશ નહિ.” જશવંતભાઈ જરાક ચિડાઈને બોલ્યા. દીકરો વહુ રોજ આમ સુશીલાબહેન અને જશવંતભાઈ નો વાર્તાલાપ સાંભળતા અને એકબીજાની સામે માર્મિક હાસ્ય કરતાં.

પૂજા સાસુને બૂમ મારી કહેતી, “ મમ્મી ચાલો નાસ્તો ઠંડો થાય છે, વળી સ્કુલનું મોડું થશે.” સંવાદો રોજના ચાલ્યાં કરતાં. બધાં પોતાનાં રોજીંદા જીવનમાં વ્યસ્ત. પૂજા દીકરીને સ્કુલે મોકલી રુટીન કામ પતાવી ફ્રી થઇ જતી. સુશીલાબહેન તો શાળા છુટે પછી સાંજના સાડાપાંચ વાગે ઘરે આવતાં. દીકરો દીપક અને જશવંતભાઈ બંનેને ઓફીસ પતાવી ઘરે આવતાં સાડાસાત વાગી જતાં એટલે પૂજા લગભગ આખો દિવસ પોતાની રીતે પસાર કરી શકતી. જેમજેમ વર્ષ પુરું થવામાં આવ્યું તેમતેમ પૂજાને ટેન્શન થવા લાગ્યું. એક રાતે દીપકને કહે, “ દીપક હું મમ્મી સાથે ઘરમાં આખો દિવસ કેવી રીતે રહીશ? એમનો નિવૃત્ત થવાનો દિવસ નજીક આવે છે અને મને થાયછે કે હાય રામ હવે મમ્મી આખો સમય ઘરે રહેશે? મારી પ્રવૃતિનું શું?

રાતના પાણી લેવા ઉઠેલા સુશીલાબહેનના કાને પૂજાના શબ્દ પડે છે. આખી રાત પાસા ફરતા વિતાવીને સુશીલાબહેન સવાર ક્યારે પડે તેની રાહ જોતા જાગતા પડ્યા રહ્યાં. પરોઢ થતા મનમાં એક ઝબકારો થાયછે અને નિવૃતિમાં પ્રવૃત્ત થવાનો અને પોતાના સ્વપ્ન પુરા કરવાનો નિર્ણય મજબૂત થઇ ગયો. સવારે સુશીલાબહેનનો રોજ કરતાં પણ વધારે ખીલેલો ચહેરો જોઈ જશવંતભાઈ ટકોર કરતાં બોલ્યા, “ રાતના કોઈ નવું સુંદર સ્વપ્ન જોયું લાગે છે. તું ના કહે તો પણ તારું મોં ચાડી ખાય છે.”

“ ના રે કંઈ ખાસ વાત નથી. બસ આમજ. પૂજા બેટા, આજે મને આવતા થોડું મોડું થશે. રસ્તામાં એક બે મિનીટનું કામ છે તો પતાવીને આવીશ.”

શાળામાં બે ત્રણ શિક્ષક નિવૃત્ત થતાં હતાં. ખાસ ફેરવેલ પાર્ટી રાખેલ હતી તે દિવસે સુશીલાબહેનને સપરિવાર જવાનું હતું. રાતના જમવાના ટેબલ પર સુશીલાબહેનની નિવૃત્તિ પ્લાનની વાત ચાલી. “ફન્કશન બહુ સરસ રહ્યું. ચાલો કાલથી તારે શાંતિ.” પૂજા અને દીપકે એક બીજાં સામું જોયું ત્યાં સુશીલાબહેન બોલ્યા, “ હા નોકરીની પળોજણ નહિ. પણ પૂજા બેટા, હું રોજ સવારે દસ વાગે શાળા જવા નીકળતી હતી તેની જગ્યાએ સાડાદસ વાગે હું આંગણ વાડી જઈશ. સવારે જવાની ઉતાવળ નહિ હોય એટલે મહારાજ ને રસોઈ બધું સમજાવી દઈશ. તું સવારમાં છુટી. હું સાડાદસ વાગે જમી અને જઈશ એટલે તું પાછળનું સંભાળી લેજે. સાંજે પાછી મહારાજ ના આવવાના સમય સુધીમાં આવી જઈશ. એટલે તારે ચિંતા નહિ.”

“ કેમ નવું શું કામ કરવાની છું?” જશવંતભાઈના પ્રશ્ન સામે સુશીલાબહેનનો જવાબ મગજમાં તો તૈયાર હતો તે બોલ્યાં, “ હું શાળામાંથી નિવૃત્ત થઇ છું. જીવનમાંથી નહિ! મારે નિવૃત્ત થવા પહેલા ઘણી પ્રવૃત્તિ કરવાની છે. મારે આંગણ વાડીમાં સેવા આપવી છે. મારાં જે સ્વપ્ન બાળપણમાં અધૂરાં રહ્યાં તે પણ પૂરા કરવા છે.”

સુશીલાબહેન સવારે સાડાદસ વાગે નીકળતાં જેથી અગિયાર વાગે આંગણ વાડીમાં જઈ કામ શરુ કરીશકે. આંગણ વાડીમાં પરવારી બપોરે ત્રણ વાગે પહોંચે હરિની હવેલીએ અને લાગીજાય હરિ સેવામાં. પહેલાજ દિવસે હવેલીમાં પહોંચતા પ્રભુ ને કહ્યું,

“ હે પ્રભુ,

નિરાકારને આકાર આપવો છે મારે,

ઓમકારમાં લય પૂરવો છે મારે,

ધબકારમાં પ્રાણ પૂરવો છે મારે,

હંમેશને માટે શ્રુંગાર કરવો છે મારે,

બસ, એજ કોશિષ કરવી છે મારે.

અત્યાર સુધી ઘર નોકરી વચ્ચે ચગડોળે ચઢી હતી. મને મારા જીવનનો કોઈ આકાર લાગતો નહોતો. હવે બસ ઓમકારમાં લય પૂરી જીવનને કંઈ સાર્થક કરવું છે.” બાળપણમાં દાદી પાસે હવેલી સંગીત સંભાળતા ત્યારથી ખૂબ શોખ લાગેલો પણ અડધી ઉંમર ભણવામાં અને અડધી ભણાવવામાં પસાર થઇ ગઈ. હવે મોકો મળ્યો હવેલી સંગીત શીખવાનો. ત્રણ વાગ્યાથી ચારવાગ્યા સુધી ફુલ સેવા કરતાં. ભગવાનના જાતભાતનાં હાર બનાવતા અને પોતાની કલા ત્યાં આવતી બીજી સેવાર્થી બહેનોને શીખવતા. સાડાચાર વાગે મહારાજના આવવાના સમયે તો પાછા ઘરે પહોંચી જતા. પૂજા સાથે બેસી ચા પીવાની, હવેલી અને આંગણ વાડીની વાતો કરતાં. પાછા સાંજના હવેલી સંગીત શીખવા જતા અને આરતી પતાવી ઘર ભણી. હવેલી નજીક હોવાથી ચાલીને જવામાં શરીર સુખ પણ જળવાતું.

દીપકને એમ હતું કે નવું નવું છે એટલે મમ્મીને બધું ગમશે. પરંતુ આ કંઈ લાંબુ ના ચાલે. “પૂજા, તું બહુ ખુશ ના થઈશ. આતો નવું નવું બધું ગમે. પછી તો મમ્મી ઘરેજ. તું તારા પ્રોગ્રામ અત્યારથી સમજી વિચારીને કરજે.” “ ના દીપક એવું નથી મમ્મી તો એમની પ્રવૃતિથી ખૂબ ખુશ છે. અમે બંને સાંજે સાથે ચા પીવા બેસીયે છીએ તો મસ્ત અલકમલકની વાતો કરીએ છીએ. મારે રસોડાનો અને મહારાજનો સમય સાચવવાનો ભાર પણ નથી રહ્યો.”

રવિવારની રજાના દિવસે જશવંતભાઈએ ટકોર કરતાં કહ્યું, “ સુશીલા, ક્યાં સુધી આમ દોડાદોડ કરીશ? નિવૃતિમાં હવે તો જરા શરીરને આરામ આપ.” “ આ શું બોલ્યા? મારે અત્યારથી નિવૃત્ત નથી થવું. પ્રવૃત્તિ વગરનું જીવન ઈ કંઈ જીવન કહેવાય? જ્યારે મનુષ્યની બધી પ્રવૃત્તિ બંધ થાય ત્યારે તે નિવૃત્ત અને નિશ્ચેતન કહેવાય. મારે હજી ઘણું કરવાનું છે અને શીખવાનું છે. નિવૃત્ત જીવન એટલે સંસારિક ઉપાધીમાંથી મારે એકાંતવાસ હજી નથી ભોગવવો. મને આ સંસારિક કાર્યો ઉપાધી રુપ નથી લાગતાં. હજી નિવૃત્તિને વાર છે.”

જશવંતભાઈ, દીપક અને પૂજા સુશીલાબહેનની વાત સાંભળી ખુશ થયાં. આજીવન પ્રવૃત્તિ દરેકે કરતાં રહેવું જોઈએ. નિવૃત્તિ એટલે ખાલી કામધંધા માંથી અને ફારેગ થવું એ નહિ, ખરા અર્થની નિવૃત્તિ તો ત્યારે લીધી કહેવાય જ્યારે પાપથી મુક્તિ મેળવી એકાંત વાસ લઈએ. જશવંતભાઈ એ વ્યવસાય માંથી નિવૃત્તિ લઇ સુશીલાબહેનને મદદ કરાવવાનો નિર્ણય લીધો અને એ નિર્ણયને અનુરુપ જીવન જીવવા લાગ્યા. પણ જ્યારે સુશીલાબહેન નિવૃત્તિ લઇ પોતાની પ્રવૃતિમાં લાગ્યાં ત્યારે ઘરના સર્વેને જરા આશ્ચર્ય થયું.

જે પૂજા સાસુના ઘરમાં આખા દિવસની હાજરીના ડરથી ગભરાઈ ગયેલી તે પણ હવે હળવી બની ગઈ. સુશીલાબહેન એક સાસુ તરીકે પૂજાની મનોસ્થિતિ સમજી શકતા હતાં. એનું મુખ્ય કારણ આપણો સમાજ. સાસુ વહુનો આંતરો ઘણાં બહેનોએજ પ્રસ્થાપિત કર્યો છે. સુશીલાબહેન માટે નિવૃતિની વ્યાખ્યા કંઇક જુદી હતી, જે પૂજાને આસપાસ જોવા નહોતી મળતી આથી ગભરાયેલી રહેતી. પણ જ્યારે સુશીલાબહેનની નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ પૂજાએ જોઈ અને અનુભવી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ કેવી હોઈ શકે.

સુશીલાબહેને ત્યારે જશવંતભાઈ ને સમજાવ્યું કે, “રોજીંદા વ્યવસાયમાંથી નિવૃત્ત થઇ ઘરનાં સભ્યોને મદદરુપ થઇ કુટુંબ, સમાજ ને ખરા અર્થમાં ઉપયોગી થાવ તો તે નિવૃત્તિ સાર્થક થાય અને નવી પ્રવૃતિમાં જોડાવાનો આનંદ લઇ શકાય. આ સ્થૂળ શરીરને કયારેક નિવૃત્ત કરી શકાય છે પણ સુક્ષ્મ શરીરનું શું? મનુષ્યમાં સાચી સમજણ આવે ત્યારે તે સુક્ષ્મ શરીરથી નિવૃત્ત થઇ શકેછે. આજે હું ઘરના બધાં સભ્યોની હાજરીમાં એક ફોર્મ ભરવાની છું. તેછે દેહદાનનું ફોર્મ. હું જ્યારે સંપૂર્ણ નિવૃત્ત થઇ જાઉં ત્યારે મારા દેહનું મેડીકલ કોલેજમાં દાન કરી દેશો. હું ત્યારે મારી સંપૂર્ણ નિવૃત્તિ અનુભવીશ.

અસ્તુ.

 

 

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.