નિવૃત્ત થયાપછી-(૩) રશ્મિ જાગીરદાર

જીયા અપને ખાતિર, તો ક્યા જીયા?

“પ્રેમને તારા વર્ણવવા . …………સરનામાં નથી મળતાં.”

કાવ્યની આ પંક્તિઓ અચાનક જ સુશીનાં  મનમાં સ્ફૂરી. અને તે સાથે જ તેને કૈક યાદ આવ્યું, પણ આ પળની ખુશીને તે ગુમાવવા નહોતી માંગતી.એટલે મનને પાછું વળી લીધું અને પોતાના ખોળામાં પોઢેલા બે અનમોલ રતનને સુશી અનિમેષ નજરે તાકી રહી. પીકનીકમાં  આખો દિવસ મઝા તો ખુબ આવી તેની સાથે થાક પણ ખાસ્સો  લાગ્યો હતો, તેનો અહેસાસ તો ઘરે પહોચ્યા પછી જ થયો. જમવાનું બહાર પતાવી દીધેલું હતું, એટલે મોડા ઘરે પહોચ્યા ત્યારે સૌને પથારી જ દેખાતી હતી.પડતાં ભેગા જ બધાં ઊંઘી ગયાં.

સવારે   જશવંતલાલની આંખ ખુલી, ત્યારે તેમણે જોયું કે સુશી પથારીમાં બેસીને કંઇક વાંચતી હતી. તેને ખલેલ પહોંચાડ્યા વગર  તે પત્ની સામે જોઈ રહ્યા. થોડીક જ વારમાં સુશીનું ધ્યાન ખેચાયું, એટલે તેમણે  પૂછ્યું,  “શું વાંચે છે?”  “આ જુઓને, મારી ઊંઘ  પહેલેથી ઓછી, એટલે રાત્રે જ્યારે જાગી જાઉં, ત્યારે કંઈ ને કંઈ લખવા બેસી જતી. છેલ્લા કેટલાંક વખતથી ચાર્મી નાની તેની સંભાળ, પૂજા-દીપકની અને તમારી જોબ, એ બધી દોડધામમાં હું એ વાત જ ભૂલી ગયેલી.” “લાવ મને જોવા દે.” કહીને તેમણે  ડાયરી લીધી.અને મોટેથી વાંચવા લાગ્યા.

“ખોવાયેલી છું હું પણ શોધું તને,

 રૂપાળી છું હું, પણ તું ગમું મને.

વાહ, સુશી,સરસ. અને ડાયરીમાં તેં આટલું બધું લખ્યું છે? મને કોઈ દિવસ બતાવ્યું પણ નહિ?” ” તમારી પાસે હવે સમય છે નિવૃત્તિ પછી, પહેલાં ક્યાં હતો?” પ્રશ્નનો જવાબ પ્રશ્નથી જ મળ્યો. પછી કહે,” હમણાં બધા વોટ્સેપ અને ફેસબુક પર આવું લખે છે તો મારું લખેલું  મુકું તો?” જશવંતલાલે સુશીની વાતને વધાવી લીધી, અને ધીમે ધીમે વોટ્સેપ અને ફેસબુક પર મુકતા શીખવાડી પણ દીધું.

 રસનો વિષય હતો,એટલે સુશીએ   લખવાનું પુરજોશમાં શરુ કર્યું, એટલુંજ નહિ પોતાનાં સર્કલમાંથી, લખવાનો શોખ ધરાવતી બહેનો સાથે અઠવાડીયે એકવાર મળીને, દરેકની કૃતિઓ વાંચીને એકબીજાની ક્ષતિ દુર કરતાં અને  વધુ સારું લખવા પ્રયત્ન કરતાં. તેમની આવી સભાને તેઓએ “જ્ઞાન ગોષ્ઠી” નામ આપ્યું.

 જશવંતલાલ અને સુશી એકવાર કોઈના લગ્નમાં પોતાને ગામ ગયાં. ત્યાં બે દિવસ રહેવાનું થયું તે દરમ્યાન તેમના ધ્યાનમાં આવ્યું કે, નાના ગામમાં માત્ર પ્રાઈમરી શાળા જ હતી. એટલે મોટા ભાગની છોકરીઓ, એટલું જ ભણીને ઘરે બેસી જતી. તેમને બહાર ગામ ભણવા મોકલવા કોઈ તૈયાર નહોતું. વળી પોતાનાં છોકરાઓને બહારગામ ભણવા મોકલતાં અને ખર્ચો કરતાં. પણ છોકરીઓ પાછળ એવો ખર્ચો કરવાનું ટાળતા. અને તેમને  દીકરીઓની સલામતીની ચિંતા પણ રહેતી. જશવંતલાલે  તેઓને ઉપાય સૂચવ્યો. તેમણે કહ્યું, ” જુઓ શહેરમાં મારો એક ફ્લેટ  ખાલી પડ્યો છે. તેમાં ગામની દીકરીઓ રહીને ભણશે.તેમની સલામતીની ચિંતા ના કરશો. જે સાવ ગરીબ છે અને આગળ ભણવા માંગે તેમની ફી ની વ્યવસ્થા માટે પણ હું પ્રયત્ન કરીશ. હવે હું નિવૃત્ત થયો છું, એટલે મારી પાસે સમય છે અને મારે તેનો સદુપયોગ કરીને, આ ગામનું મારા પર જે ઋણ છે, તે વાળવાનો એક નાનો પ્રયત્ન કરવો છે. વળી આપણે સૌએ –” બેટી બચાઓ, બેટી પઢાઓ.– અભિયાનમાં પણ, આપણો  ફાળો આપવો જોઈએ.”

ગામના લોકોને જશવંતલાલની વાતો ઘીથી લસલસતા શીરાની જેમ ગળે ઉતરી ગઈ. અને શરુ થયું -બેટી પઢાઓ– અભિયાન. છેવાડાનાં નાના ગામોમાં જ્યાં શાળાઓ નહીવત હતી તેની ચિંતા હવે જશવંતલાલને થવા લાગી. તેમણે  પોતાના કેટલાંક નિવૃત્ત મિત્રોની સહાયતા લઈને,એવા ગામોમાં અઠવાડિયે એકવાર જઈને ગામના બાળકો અને વૃધ્ધોને અક્ષરજ્ઞાન આપવા માંડ્યું. અને તે કામ ઉપાડી લે તેવા જુવાનીયાઓ તૈયાર કર્યા.

નિવૃત્તિ પહેલાં ૯ થી ૮ ની જોબ કરીને પણ, થાકી જતા જશવંતલાલમાં એક નવું જ જોમ પ્રગટ્યું હોય તેમ, તે આખો આખો દીવસ  વ્યસ્ત રહેતા.રાત્રે પણ મોડા સુધી કંઇક ને કંઇક કામ રહેતું. તેમના ફોનની રીંગ સતત વાગતી રહેતી.આ બધાની વચ્ચે, પોતાની વ્હાલી,  ચાર્મીને લેવા મુકવા જવાનું, કે તેની સાથે રમવાનું પણ ચુકતા નહિ. દીપક અને પૂજા પોતાના  માતાપિતાની કામગીરીથી પ્રભાવિત હતા. નિવૃત્તિમાં તેમના દ્વારા થતી પ્રવૃત્તિને લીધે માબાપ પ્રત્યે તેમનું માન અનેક ગણું વધી ગયું. પિતા તો પહેલાં પણ જોબમાં વ્યસ્ત હતા, પણ માતા સુશીબેન તો હંમેશાં ઘરના કામમાં અને અને ઘરના સભ્યોની સરભરામાં જ ડુબેલાં રહેતા. તેમનો સાહિત્ય શોખ, જ્ઞાન અને આવડત જોઇને બંને ખુબ રાજી થતાં. પૂજા પણ સાજે આવીને ઘરનું કામ પતાવવામાં સાસુને મદદ કરતી. ઘણીવાર  તો કહેતી કે, ” મમ્મીજી તમારે લખવું હોય તો જાવ ઘરનું કામ તો હું પતાવી દઈશ, પહેલાં મને આવાં  કામનો ખુબ કંટાળો આવતો  હવે એવું નથી,” તો વળી. તે  લખવાના કામમાં વ્યસ્ત હોય ત્યારે ચાર્મી કહેતી, “બધા શાંતિ રાખો દાદીને લખવાનું છે.”

 પોતાને આવું ઈમ્પોર્ટન્સ મળે છે, તે વાતથી સુશીને ખુબ હરખ થતો. અને વધુ જોમથી તે લખતી. હવે તો તે લગભગ બધી જ સ્પર્ધાઓમાં પોતાની કૃતિઓ મોકલતી અને ઇનામો પણ મેળવતી. ઇનામની રાશીનું તો કંઈ ખાસ મહત્વ નહોતું, છતાં નાનામાં નાનું ઇંનામ તેને માતા  સરસ્વતીના આશીર્વાદ સ્વરૂપ લાગતું અને તેને  ખુશીઓથી ભરી દેતું અને વધુ ને વધુ લખવા માટે પ્રેરણા પૂરી પડતું. ખાસ વાત એ પણ રહેતી કે, આજ સુધી પતિ, પુત્ર કે પુત્રવધુની કમાણી તેના હાથમાં આવતી. જ્યારે ઇનામની રકમ તેની પોતાની કમાણી! એનો આનંદ અદભુત રહેતો.

 સતત પ્રવૃત્તિમય રહેવાથી આળસ , કંટાળો અને થાક જેવાં દુષણો આપોઆપ શરીરથી દુર રહેતાં હોય છે. આ અનુભવથી તેઓને એક જ્ઞાન એ પણ લાધ્યું કે, કાંટાળો એ નિષ્કિય રહેનારનો સાથી હોય છે. ગામડેથી ભણવા આવતી છોકરીઓને પણ તેઓ એ વાત સમજાવતા. આ રીતે ભણીને તૈયાર થતી દીકરીઓ જ્યારે જોબ કરતી કે, પછી યોગ્ય પાત્ર સાથે લગ્ન કરીને સુખી થતી, ત્યારે સૌથી વધુ આનંદ આ દંપતીને થતો. કામ કામને શીખવાડે એ ન્યાયે તેમને નવી પ્રવૃત્તિઓ મળતી જ ગઈ. હવે એ દંપતીએ એક બીજું કામ પણ ઉપાડ્યું. -પુસ્તક પરબ-માંથી જ્ઞાન ગોષ્ઠીની બહેનોને જરૂરી પુસ્તકો આપીને તેમની લેખન પ્રવૃત્તિને પ્રદીપ્ત કરતાં. તો વળી ઘરડા ઘરમાં જઈને ત્યાના વૃધ્ધોને પુસ્તકો પહોચાડતા અને સરક્યુલેટ થતાં રહે તેની તકેદારી રાખતા.

 “જેણે દાંત આપ્યા છે તે ચાવણું પણ આપે જ ”   એ કહેવતને આ દંપતી સહેજ જુદી રીતે જોતું. “નિવૃત્તિ મળી છે, તો પ્રવૃત્તિ પણ મળશે જ.” અને થતું પણ એવું જ. ફરીથી એક નવી પ્રવૃત્તિ તેમને મળી ગઈ બંને જણા સવારે સાડા પાંચ વાગે લાફીંગ ક્લબમાં જવા લાગ્યાં. કલબના ગુરુજી ખરેખર જ્ઞાની હતા, તેઓ સવારમાં આંખ,નાક,મોં,ગરદન, ખભા, હાથ, પેટ, ઘુંટણ, પગ, એમ તમામ અંગોની કસરત કરાવતા. એના લીધે વધુ સ્ફૂર્તિ લાગતી. આ ઉપરાંત મધુપ્રમેહ અને વર્ટીગો જેવા રોગમાં રાહત આપતી કસરત પણ હતી. આ પ્રવૃત્તિ શરુ કરવાથી શારીરિક તંદુરસ્તી પણ સરસ થવા લાગી. આવી બધી પ્રવૃત્તિમાં રમમાણ રહેનાર આ અનોખું દંપતી હવે તંદુરસ્તી અને મન-દુરસ્તીના પાઠો બીજાને શીખવાડી શકે તેવા કાબેલ બન્યું.

 એક વ્યક્તિ જ્યારે પોતાને માટે બધું જ કરી છૂટે છતાં જેટલી ખુશી ના મળે, તેટલી ખુશી  એક દોરા ભાર કાર્ય બીજાને માટે કરે તો પણ મળી જાય.એ વાતથી વાકેફ કોઈ  કવિ એ જ આ ગીત રચ્યું હશે.-

 ” લે લે દર્દ પરાયા, કર દે દુર ગમકા સાયા, તેરી ખુશી, તુજકો મિલ હી જાયેગી.”

 સુશીને આ ગીત ખુબ ગમતું હતું. તે રસોઈ કરતી વખતે હંમેશા આ ગીત ગાતી. તે દિવસે પણ સાંજે રસોડામાં તે આ ગીત ગાતી હતી ત્યાં ઈંગ્લીશ મીડીયમમાં ભણેલી પુત્રવધુ, પૂજા આવી,(પહેલાં તો તે રસોડામાં ભાગ્યે જ આવતી.) તેણે  પૂછ્યું, ” મમ્મીજી આ તમારું ગમતું ગીત છે નહિ? એનો અર્થ શું થાય છે?”   ” બેટા આ ગીતની તો દરેલ લાઈન ઘણું બધું કહી જાય છે.તે કહે છે, તમે જ્યારે કોઈનું દુઃખ ઓછું કરવા સ્હેજ પણ પ્રયત્ન કરો, તેના દુઃખમાં દિલાસો આપો કે ભાગીદાર બનો તે વખતે, સામેની  વ્યક્તિને જેટલો આનંદ થાય, તેનાથી અનેક ગણો આનંદ તમને પોતાને થાય. અને ઊંડાણથી સમજાવુ તો બીજાને માટે કંઈ કરવાથી મનને જ ખુશી નથી મળતી પુરા જહેનમાં ખુશી અને શકુનનો અહેસાસ થાય છે. એટલે મારી તો તમને સલાહ છે કે, –તમે જ્યારે નિવૃત્ત થાવ ત્યારે બીજાને માટે જીવજો, –જીયા અપને ખાતિર તો ક્યા જીયા? કિયા અપને ખાતિર તો ક્યા કિયા? ખરું કે નહિ?”

અસ્તુ.

રશ્મિ જાગીરદાર .

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.