વૃદ્ધત્વનો સ્વીકાર(૯) અલ્પાબેન વસા

વૃદ્ધત્વનો સ્વીકાર??   હા… ખૂબ જ પ્રેમથી અને ઉમકાળભેર કરવાનો છે. પ્રકૃતિની રચનામાં સવાર, બપોર, સાંજ — શિયાળો, ઉનાળો ને ચોમાસુંની જેમ જીવનમાં પણ ત્રણ તબક્કા બાળપણ, યુવાની ને વૃદ્ધાવસ્થાનું ક્રમાનુસાર આયોજન થયેલા છે. પણ આ વૃદ્ધત્વ ના સ્વીકાર અને સત્કાર માટેની આગોતરી માનસિક તૈયારી કરવી ઘટે.

ભણતર અને ખેલકૂદમાં બાળપણ, અને કડી મહેનત ને મોજશોખમાં યુવાની તો ક્યારે આવી ને ચાલી જાય છે તે ખબર જ નથી પડતી. અચાનક એક દિવસ અરિસામાં માથા પર સફેદ વાળ જોતા મનમાં ચીંતા કરાવી જાય છે. પણ બસ, આ જ સમય છે મનનું સમતુલન રાખવાનો. ને અહીં થી શરૂ થાય છે વૃદ્ધત્વના સ્વીકારની માનસિક તૈયારી.

સૌથી પહેલા તો આપણે આપણો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. વૃદ્ધાવસ્થા શ્રાપ નહીં, વરદાન છે. જેમ સંધ્યાનું આગવું રૂપ છે, તેમ વૃદ્ધત્વ પણ જીવન સંધ્યા જ છે. તેમાં સુરજનો પ્રખર તાપ નહીં પણ લાલ, પીળી, ગુલાબી રંગની મનલોભાવન હલ્કી છાંય પડે છે. આ સુંદર, શાંત રંગોમાં સુરજ કેવો હસતો લાગે છે, તેમ માણસ પણ ઢળતી ઉંમરે સુખ, સંતોષની આભા વાળો કોમળ ને મૃદુ લાગે છે.

આખા જીવન દરમ્યાન થયેલા ચઢાવ – ઉતાર અને અનુભવના નિચોડ રૂપ પેદા થયેલા જ્ઞાન ને જ્યાં જરૂર હોય, જે સામેથી માંગે ત્યાં વહેંચવાનો સમય છે. અત્યાર સુધી ખૂબ બોલી લીધું, હવે ખોટો વાણીનો વિલાસ અને વિવાદ કરવા કરતાં મૌન રહી ઘીની જેમ શબ્દો વાપરવા જેથી નવી પેઢીને અપ્રિય ન થઈ પડાય.

વધતી ઉંમરને હેતુપૂર્ણ બનાવવાનો, ગૌરવાન્વિત બનાવવાનો સમય છે. નિરાંતની અમીરાત ને મનગમતી પ્રવૃત્તિ કરવાનો માંડ મળેલો સમય છે. એને ગર્વ ભેર વધાવી લો.

ભવિષ્યનો ડર- કાલે શું થશે? , હવે હું ઘરડી થઈ ગઈ, મારાથી આ નહી થાય, વગેરે વગેરે નકારાત્મક વિચારો મગજમાં થી સદંતર કાઢી નાખવા. હા, માનું છું, શારીરિક અક્ષમતા ધીરે ધીરે આવે છે. તાકાત ઓસરવા લાગે છે. પણ જો પહેલેથી જ મન મજબૂત કરી, પહેલા કરતા હતા તે બધું કરતા રહીએ, તો ભલે થોડી વાર લાગે પણ થઈ તો જશે જ. અને આવે વખતે યાદ કરવા ગાંધીજી, રતન ટાટા, અમિતાભ બચ્ચન, અને કદાચ આપણા દાદા- દાદી. ગાંધીજી ૮૦ વર્ષ, મૃત્યુ પર્યંત સતત કાર્યશીલ હતા. અમિતાભ બચ્ચન ને આજે ૭૫ વર્ષે પણ શું કોઈ વૃદ્ધ કહેવાની હિંમત કરી શકે? ને આપણા દાદી, આટલા બધા બાળકો પેદા કરી, બધું કામ હાથે કરવા છતાં પણ કેવા કડે- ધડે હતા. બદલાતા સમય સાથે તાલમેલ જાળવી રાખી ગ્રેસફૂલી ગ્રો થવાનું છે.

નિષ્ક્રિય થઈને તો ક્યારેય બેસી ન રહેવું. મગજ ને કાર્યશીલ રાખવું. શારીરિક, માનસિક ને વ્યવહારીક ક્ષમતા ધ્યાનમાં રાખી, નિવૃતિમાં કંઈ પણ પ્રવૃત્તિ શોધી લેવી. યાદશક્તિને સતત સતેજ રાખતા રહેવું. ” કોશીશ કરનેવાલોંકી કભી હાર નહી હોતી” મંત્રને આત્મસાત કરી લેવો. પછી વૃદ્ધત્વનો સ્વીકાર કેટલો ખૂબ સરળ થઈ જશે.

જે થવાનું છે તે તો થઈને જ રહેવાનું છે. કુદરતનો નિયમ છે.  વૃદ્ધત્વ તો દરેક સજીવને, મનુષ્ય, પશુ-પક્ષી, ફળ-ફૂલ, ઝાડ-પાન, બધાંને આવે છે. તો પછી હસતા હસતા તેનો સ્વીકાર કેમ ન કરવો? તે માટે આપણે તો બસ આપણામાં થોડો બદલાવ લાવવાનો છે. કોઈપણ જાતની ફરિયાદ છોડીને, જૂનું- આપણો જમાનો યાદ કર્યા વગર, વર્તમાન પ્રવાહ સાથે વહેવું. દા.ત બાળક સાથે તેના નવા કાર્ટૂન કેરેક્ટરની વાતો કરવી, ને યુવાન સાથે આ ફેસબૂક, વોટ્સ એપ, ને ટ્વીટરની આપ- લે કરવી. જેથી જનરેશન ગેપ ન નડે. આપણે સહુના પ્રિય જ થઈને રહીયે.

વૃદ્ધત્વને આપણે નકારી તો નથી જ શકતા, પણ પ્રયત્નોથી તેને ઠેલી તો શકાય જ છે. શરીરને ચુસ્ત, દુરસ્ત રાખતા રહેવું. કસરત, યોગા, પ્રાણાયામ જેવી શારીરિક કસરત તો કરતા જ રહેવું. ઘડપણને દૂર ઠેલવા માટે આહાર પણ ડોક્ટરને પૂછી બદલવો જોઈએ. સાત્વીક ને શરીરને પથ્ય આહાર જ લેવો. આયુર્વેદાચાર્ય વાગ્ભટે કહ્યું છે, ” हितभुक् मितभूक् रूतुभुगिति, स: एव निरोग: भवति।” એટલે જે પોતાના હીતમાં હોય, આછું ભોજન ( ઉણોગરી) અને યોગ્ય સમયે અને રૂતુ પ્રમાણે ભોજન કરે તે હમેશાં નિરોગી રહે છે.

ઉત્તરાવસ્થાનું આયોજન આગોતરું જ કરી લેવું. માથે મજબૂત છત, પાસબૂકમાં પૈસા, અને તંદુરસ્ત તન- મન હોય તો આ જ છે જીવનનો શ્રેષ્ઠતમ સમય.

ખાસ મનમાં ઠસાવી લેવું કે આપણે વૃદ્ધત્વ તરફ નહી બુદ્ધત્વ તરફ જઈ રહ્યા છીએ. જન્મ દિવસે આપણને શુભેચ્છા મળે છે, ” शतं जिवम् शरद: । ” એટલે સો શરદ રૂતુ સુધી જીવો. પણ આપણે પથારીમાં સૂતા સૂતા સો વરસ નથી જીવવું. આપણે તો–

   पह्येम् शरद: ।             સો શરદ રૂતુ સુધી જોવો.

   शतं श्रुणुयाम् शरद:।     સો શરદ રૂતુ સુધી સાંભળો.

   शतं अब्रवाम् शरद: ।     સો શરદ રૂતુ સુધી બોલો.

   शतमदीनांस्याम् शरद: । સો શરદ રૂતુ કોઈની દયા પર ન રહે. ( शतम्+अदीनां )

         ” ધ સીક્રેટ ” નામની બુકમાં પણ કહ્યું છે, આપણી ઈચ્છા જ બળવત્ત છે. જેવું ઈચ્છીએ તેવું જ થાય. તો પછી શા માટે મોળું કે ઓછું ઇચ્છવું?

પરિવર્તન, એ પ્રકૃતિના નિયમને વળગી પોતાની આદત, સ્વભાવ, ટેવ- કુટેવને બદલી લો. ખૂબ મજા આવશે પોતાના નવા અવતારને, રૂપને જોવાની. જાણે પોતે ડીઝાઈન કરેલો, પોતાનો નવો જન્મ.  ચાલશે, ફાવશે ને ગમશે ના આત્મસાત કરેલા મંત્ર સાથે ઊગતી પેઢીનો ખૂબ પ્રેમ, વહાલ અને આળ પંપાળ પણ મળશે, જે આખી જીંદગી નથી મળ્યું તે મેળવવાનો, પામવાનો ને માણવાનો આ ઉત્તમ સમય છે.   ઉંમરનો આ એક એવો પડાવ છે જ્યાં ફરી બાળક બની જવાય છે. આ સુંદર તક ગુમાવવા જેવી તો નથી જ.

આ તો પરોઢિયે કોઈ સંન્યાસીની જેમ સમાધિસ્થ થઈ જતો પવિત્ર સમય છે. તેનો સ્વીકાર તો હોંશભેર અને ઉમકાળભેર જ આવકાર હોય. જીંદગી જે કાંઈ બક્ષે, એનો ઉપભોગ કરતા આવડે તો કોઈ રંજ ન રહે. સ્વીકૃતિ એ જ સ્વસ્તિ !

અત્યારે ખાસ યાદ આવે છે, કવિ શ્રી અવિનાશ વ્યાસનું ખૂબ જાણીતું ને માનીતું થયેલા ગીત,

” કહું છું જવાનીને પાછી વળી જા,

ઘડપણનું ઘર મારું આવી ગયું છે. “

અલ્પાબેન વસા

 

Advertisements
This entry was posted in વૃધ્ધત્વનો સ્વિકાર. Bookmark the permalink.

2 Responses to વૃદ્ધત્વનો સ્વીકાર(૯) અલ્પાબેન વસા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s