ચૈતન્યમય ઘડપણ (૮) નિરંજન મહેતા

ઘડપણની વાત આવે એટલે નરસિંહ મહેતાનું પદ યાદ આવે: ‘ઘડપણ કેણે રે મોકલ્યું’

ઘડપણ સાથે ઘણું બધું સંકળાયેલું છે – ઘડપણ એટલે બીમારી, એકલતા, પરવશતા. યાદ છે ને:

अंगना तो परबत भयो देहली भाई विदेश

પણ આજના જમાનામાં આ બધાની ઉપર જઈને જીવન જીવવું એટલે ચૈતન્યમય જીવન.

કહેવત છે કે ઘરડા જ ગાડાં વાળે – પણ આને જરા જુદી દ્રષ્ટિએ નીહાળીએ. લોકો આપણને પૂછવા આવે તે પહેલા આપણે જ પ્રવૃત્તિમય થઇ જઈએ એ જ ચૈતન્યમયતા..

ઘડપણ આમ તો શારીરિક પરિસ્થિતિ છે, પણ જ્યારે માનસિક રીતે પણ તમે ઘડપણ અનુભવવા માંડશો ત્યારે તમે ખરેખર ઘરડાં થયા છો. આમ જ્યાં સુધી તમે માનસિક રીતે ઘડપણને નથી સ્વીકારતા ત્યાં સુધી તમે ઘરડા નથી અને એ માટે સરળ ઉપાય છે ચૈતન્યમય બની રહેવાનું.

આપણને ખબર છે કે રાજકારણ, સાહિત્ય, મનોરંજન જેવા સમાજના જુદા જુદા ક્ષેત્રોમાં સાઠી વટાવી ચૂકેલા લોકો સક્રિય હોય છે. તેમની ચૈતન્યમયતા જ તેમને આમ કરવા સહાયરૂપ બને છે. તો ઇતિહાસમાં કેટલીયે વ્યક્તિઓના દાખલા જોવા મળશે જેમણે ઘડપણમાં જ પોતપોતાના ક્ષેત્રે પ્રસિદ્ધિ મેળવી છે.

ચૈતન્યમયતા એ વ્યક્તિની પ્રકૃતિનું હકારાત્મક વલણ છે. એકલતામાંથી બહાર નીકળી તમારું જીવન અન્યને ઉપયોગી થઇ પડે એમ કરવું, તમારા અનુભવોને ફેલાવવા, અન્યોને મદદરૂપ થવું એના જેવું ઉત્તમ કાર્ય કોઈ નથી.

મારામાં શક્તિ નથી, મારામાં ધગશ નથી, હું બીજાને સહારે છું – આવા નકારાત્મક વલણોને વળગી રહેવા કરતાં હું કશુક કરી શકું છું – ભલે નાના પાયે, આ વિચાર જ સમાજમાં તે વ્યક્તિને આગળ લઇ જવામાં મદદરૂપ બને છે.

ચૈતન્યમય એટલે સમાજસેવા માનનારા સમજી લે કે સમાજસેવા નહિ પણ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ તમારું ઘડપણ ચૈતન્યમય બનાવી શકે છે. ઘરમાં જ પરવશ થઈને રહેવાને બદલે ઘરમાં જ કેટલાય એવા કામ હશે જે તમે તમારી શક્તિ મુજબ કરી શકશો. એકવાર જીવન પ્રત્યે આ અભિગમ અપનાવશો એટલે તમારા જીવનની રાહ બદલાવાની શરૂઆત થઇ જશે જે ત્યારબાદ તમને બહારની પ્રવૃત્તિઓ તરફ ખેંચી જશે. એક સમય એવો આવશે કે તમે સમયની તાણ અનુભવશો. સાથેસાથે તમે અનુભવશો કે તમે સાચા અર્થમાં જીવન જીવી રહ્યા છો.

ઘડપણને ચૈતન્યમય કેમ બનાવવું તેના અનેકાનેક માર્ગો છે પણ કયો માર્ગ અપનાવવો એ જે તે વ્યક્તિ ઉપર નિર્ભર છે. તમે ધાર્મિકવૃત્તિવાળા હો કે સાહિત્યિકવૃત્તિવાળા, કે પછી તમે સમાજસેવામાં માનતા હો, તમે ઈચ્છો તેવી પ્રવૃત્તિઓ તમને સાથ આપવા તત્પર છે ફક્ત પહેલ તમારે કરવાની છે.

એકવાર માનસિક રીતે તૈયાર થશો પછી પાછું વળીને જોવાપણું નહિ રહે. જુવાનીમાં જેટલાં કાર્યરત હતાં તેનાથી વધુ કાર્યરત હોવાનું તમે તમારી પાછલી જિંદગીમાં અનુભવશો કારણ આ માર્ગ તમે સ્વેચ્છાએ સ્વીકાર્યો છે અને તમારી જિંદગી વધુ આનંદમય બની રહેશે.

ઉંમર વધતાની સાથે સાથે વ્યક્તિને અનેક કારણોસર પોતાની આસપાસનું વાતાવરણ અનુકુળ નથી લાગતું. તેમાંય જેણે પાછલી જિંદગીમાં પોતાના જીવનસાથીને ગુમાવી હોય તેને માટે તો તે ઓર કઠિન બની રહે છે. સ્વાભાવિક છે કે આવા માહોલમાં તે પોતાના અન્ય કુટુંબીજનનો સાથ ઝંખે. તેઓ તેના તરફ વધુ ધ્યાન આપે તેવી તમન્ના ધરાવે. પણ અન્ય સભ્યો પોતપોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત હોવાથી આવી અપેક્ષા પૂર્ણ કરી નથી શકતા. આવી પરિસ્થિતિમાં માનસિક અસ્વસ્થતા ફગાવી દો અને પરિસ્થિતિને અનુકુળ થાઓ તે જ ઉત્તમ ઉપાય છે. જે વ્યક્તિ અન્યોની મજબૂરી સમજી શકે છે અને તેને અનુકુળ બની રહે છે તેનું ઘડપણ ઘડપણ નથી રહેતું. જેમ પાણી પોતાનું સ્થાન મેળવી લે છે તેમ આ વ્યક્તિ પણ પોતાનો જીવનરાહ બદલી બીજાને બોજારૂપ ન બનતા સહાયરૂપ બને છે. આનું નામ જ ચૈતન્યમયતા.

કહેવાય છે કે નવરા બેઠા નખ્ખોદ વાળે જેમાં વયસ્કો ખાસ. પણ બીજાની નિંદા ન કરવી અને અન્ય રીતે સક્રિય બનવું તે પણ ચૈતન્યમયતાનું જ એક સ્વરૂપ છે. પાછલી જિંદગી ન બગડે તેની મહત્તા સમજી અન્ય એક પ્રવૃત્તિ પ્રભુભક્તિમાં જે રત રહે છે તે પણ ચૈતન્યમયતા જ છે જે તેમનું ઘડપણ સુધારવામાં મદદરૂપ બને છે.

એક અન્ય પ્રવૃત્તિ છે ઘરડાઘરમાં રહેતા એકલદોકલને સાથ આપવો. અશક્ત અને એકલતા અનુભવતા આવા લોકોની સાથે હળીમળીને તેમને ટેકો આપવો, તેમને તમારા અનુભવોને વહેંચવા, આ બધાને કારણે ન કેવળ તમે તેમનું પણ તમારી પણ એકલતા દૂર કરી તમારું ઘડપણ સાર્થક બનાવી શકશો.

આજના સમયમાં નવી નવી ટેકનોલોજીના આવિષ્કાર થાય છે પણ આપણે ઉંમરલાયક થયા અને હવે આ બધું ન થાય તેમ માની બેસી ન રહેતા જે સમજી અને પૂરો ઉપયોગ કરે છે તેની પ્રવૃત્તિ પણ સકારાત્મક બની રહે છે. કમ્પ્યુટર શીખવા માટે ઉંમરનો કોઈ બાધ નથી. જમાના સાથે કદમથી કદમ મેળવીને પ્રગતિની મહેચ્છા એ જ ચૈતન્યમયાતાની નિશાની છે. કમ્પ્યુટરના વિકાસની સાથે જ્ઞાનનો વિકાસ પણ વ્યાપક બની રહ્યો છે. આમાંથી મેળવેલી માહિતી ન કેવળ પોતા માટે રાખતા અન્યોને પણ તેની લહાણી કરવાની પ્રવૃત્તિ જીવન જીવવાનો એક નવો રાહ બની રહેશે જેનો આંનદ અનન્ય હોય છે.

નોકરીયાત વર્ગને ફરજીયાત નિવૃત્તિ લેતા પહેલા હવે નિવૃતિમાં શું કરીશ ના વિચારો અકાળે વૃદ્ધ બનાવી મુકતા હોય છે. પણ જે સમજદારીપૂર્વક ભવિષ્યની જીવનરેખા ઘડી કાઢે છે તેને માટે નિવૃત્તિકાળ કાળ નથી બનતો. ઉલટાની આવેલ પરિસ્થિતિ કદાચ આશ્ચર્યજનક પણ બની જાય. આ સમય તે પોતાની રીતે તો ભોગવે છે પણ જે કાર્યો નોકરી દરમિયાન કરી શકાયા ન હતા તે પણ સુપેરે પાર પાડે છે. આવી વ્યક્તિને ઘડપણનો સ્પર્શ નથી થતો. પણ જેનું મન સંકુચિત હશે અને નવીનતાની ધગશ નહિ ધરાવતો હોય અને સ્વમાં જ રત રહે છે તેને માટે ઘડપણ નિવૃત્તિના પ્રથમ દિવસથી જ શરૂ થઇ જાય છે.

ચૈતન્યમય ઘડપણનું બીજું સ્વરૂપ છે બાળપણનું પુનરાગમન જ્યારે નાના પૌત્રો/દોહીત્રોનો સાથ સાંપડે છે. તેમની સાથે રહીને ઘડપણ બાળપણ બની જાય છે. તેમની બાળરમતો, કાલીઘેલી બોલી, તેમની નાજુક આંગળીઓનો સહારો લેવો અને આપવો, આ એક જુદા સ્વરૂપની ચૈતન્યમયતા છે. આવો લહાવો મળે એ પણ એક અનન્યતા છે. પણ જે વ્યક્તિ આ બધાની અવગણના કરે છે તેના માટે વૃધત્વ જ મુબારક. આ જ બાલ્યાવસ્થા યુવાવસ્થાએ પહોંચે છે ત્યારે ત્યાં સુધીની તેની પ્રગતિમાં ભાગીદાર બનવું કોને ન ગમે? જે આમ કરે છે તે પોતાના ઘડપણને વીસારી દે છે.

આમ અનેક રીતે ઘડપણને ચૈતન્યમય બનાવી શકાય અને કેવી રીતે તેનો લાભ લેવો તે દરેક વ્યક્તિ પર આધારિત છે.

( ૨૦૦૫માં યોજાયેલી એક નિબંધ સ્પર્ધામાં આ લેખને બીજું ઇનામ મળ્યું હતું તે નજીવા ફેરફાર સાથે)

Advertisements
This entry was posted in વૃધ્ધત્વનો સ્વિકાર. Bookmark the permalink.

2 Responses to ચૈતન્યમય ઘડપણ (૮) નિરંજન મહેતા

  1. fulvatishah કહે છે:

    aacharaN maa mukavaa jevu…

    Like

  2. Rajul Kaushik કહે છે:

    સમજીને અમલમાં મુકવા જેવી વાત .

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.