વૃદ્ધત્વનો સ્વીકાર (6) – રોહિત કાપડિયા

લાંબુ જીવન મળ્યું હોય તો ઘડપણ આવે એ નિશ્ચિત જ હોય છે. ઘડપણ આવે એટલે આંખોની રોશની ઓછી થાય,કાનોની સાંભળવાની ક્ષમતા ઓછી થાય, ચાલ ધીમી પડી જાય,પાચનશક્તિ મંદ પડી જાય,શરીરમાં કમજોરીનો અનુભવ થાય.નાની-મોટી બિમારીઓનો સામનો કરવો પડે. આ બધું જ સહજ છે કારણ કે શરીર પણ એક મશીન છે અને ઘસારો અનિવાર્ય છે.સમય પણ જાણે ધીમી ગતિએ પસાર થતો હોય એવું લાગે. પોતીકાઓ પણ ઘણી વાર પારકા થઈ જાય. જીવનનો આ કાળ સહુથી વધુ કપરો લાગે. જીવનમાંથી જાણે રસ જ ઉડી જાય.આ સમયે જો મન – સ્વીકાર, હકારાત્મકતા અને પ્રાર્થના આ ત્રણને અપનાવી લે તો વૃદ્ધાવસ્થા મહોત્સવ બની જાય. દુઃખ કદાચ દૂર ન થાય પણ દુઃખને માણતા આવડી જાય. દુઃખનો સ્વીકાર કરવાથી દુઃખ હળવું બની જાય. હકારાત્મકતા દુઃખમાં હિંમત આપે. પરિસ્થિતિને જોવાની દૃષ્ટિ બદલી નાખે. પ્રાર્થના આપણી શ્રદ્ધાને પીઠબળ આપે. આપણને સતત એક અહેસાસ રહે કે હું એકલો નથી, ઈશ્વર મારી સાથે છે.કેટલી સુંદર વાત કોઈએ કહી છે- મુઝે ગમ ભી ઉનકા અઝીઝ હે, કે ઉન્હીકી દી હુઈ ચીજ હે. આ જિંદગી આપણને ઈશ્વર તરફથી મળેલી અણમોલ ભેટ છે.ફરિયાદ કરવાને બદલે ફરી ફરીને યાદ રાખવાનું છે કે જિંદગી જીવવા માટે મળી છે.

વૃદ્ધાવસ્થાને શ્રાપને બદલે વરદાન ગણી લઈએ,મળેલાં ફાઝલ સમયને ઈશ્વર તરફથી આપણને મળેલો જિંદગીનો શ્રેષ્ઠ સમય ગણી લઈએ.આ સમયમાં આપણે આપણી જાતને મળી લઈએ.જીવનને જાણી લઈએ.મૃત્યુને માણવાની તૈયારી કરી લઈએ.ખુદ અને ખુદાની સાથે પ્રીત જોડી લઈએ. બધાની વચ્ચે રહીને પણ એકલાં જીવતા શીખી લઈએ.કદાચ બિમારીનાં દુઃખ,દર્દ અને વેદનાથી વૃદ્ધાવસ્થા ઘેરાયેલી છે તો પણ આ સમયને કર્મો ખપાવવા માટે મળેલી તક ગણીને હસતાં હસતાં તકલીફો સહન કરી લઈએ. કદાચ આ બધી વાત એટલી સરળ નથી તો અશક્ય પણ નથી. બધા પાસે રોદણાં રડવાથી કે ફરિયાદો કરવાથી પરિસ્થતિ બદલાવાની નથી એ સત્યને સમજી લઈએ. જીવનમાંથી જીવંતતા જતી રહેશે તો જીવન વધુ અકારું લાગશે. એનાં કરતાં તો યોગ્ય રસ્તે, યોગ્ય રીતે અને યોગ્ય અભિગમથી પરિસ્થિતિનો સામનો કરવાથી જરૂરથી હળવાશ અનુભવાશે. ઉમર એનું કામ કર્યા જ કરે છે, પણ વૃદ્ધાવસ્થા એ અવસ્થા છે જે શરીરને આવે છે. મનને જો કેળવીએ તો મન સદાય યુવાન રહી શકે. મનનો રીમોટ કંટ્રોલ આપણાં હાથમાં રાખી એને ચલાવતા આવડી જાય તો જિંદગી હર હાલમાં જીવવા જેવી લાગે.

અનેક તકલીફોમાંથી પસાર થી રહેલાં એક વૃદ્ધને કોઈએ પૂંછ્યું “how old are you ?” અને એ વૃદ્ધે હસતાં હસતાં કહ્યું ” I am twenty years old with sixty additional years of experience. ” બસ, આ ખુમારીમાં જ જિંદગીને જીવંતતાથી જીવવાની કળા, સદાબહાર યુવાન રહેવાની કળા અને વૃદ્ધત્વને મહોત્સવ બનાવવાની કળા છુપાયેલી છે. સ્વીકાર, હકાર અને ઓમકારને હૃદયનાં ધબકારમાં વણી લઈને જિંદગીની કાર ને હંકારવાની છે. ને જો એમ થશે તો કારની ગતિ કદાચ ધીમી પડશે પણ  મંઝીલ સુધી પહોંચતા જુસ્સો અને જોમ ક્યારે ય ઓછાં નહીં થાય.

એકલાં એકલાં બગીચામાં બાંકડે બેસી પાછાં ફરવું. લાકડીના ટેકે સાચવી સાચવીને પગ મૂકતા, આંખોની ઝાંખપનાં કારણે પાંચ મિનિટનું અંતર પચ્ચીસ મીનીટે પૂરું કરતાં એ થાકી ગયાં હતાં . બીમારીઓનું દુઃખ તો હતું જ પણ એનાથી વધુ છોકરા-વહુ તરફથી થતી ઉપેક્ષા એનાં દિલને કોરી ખાતી હતી. જીવન એને અકારું લાગતું હતું. તે દિવસે વિચારોમાં ચાલતાં ચાલતાં એમની લાકડી કેળાંનીછાલ પર પડી અને એ ચત્તાપાટ પડી ગયાં. સારો એવો માર વાગ્યો હતો. ત્યાં જ એક પાંચ-છ વર્ષનો છોકરો દોડતો આવ્યો ને તેણે દાદાને ઉભાં થવામાં મદદ કરી. દાદાના એક હાથમાં લાકડી આપી અને બીજા હાથે એમની આંગળી પકડી સાથે સાથે ચાલવા લાગ્યો. ચાલતાં ચાલતાં એણે કહ્યું “દાદા, કાલે સર્કસમાં પણ જોકર આવી રીતે ચત્તોપાટ પડતો હતો ને પછી પોતાની જ મેળે હસતાં હસતાં ઉભો થઈ જતો હતો તો શું એને વાગતું નહિ હોય ? “દાદાએ કહ્યું ” બેટા, વાગતું તો હોય જ પણ એ હસીને સહન કરી લે છે કારણ કે એને જીવવું છે ” આટલું કહેતાં જ દાદાની આંખમાં ચમકારો થયો ને એ પણ હસી પડ્યાં. ત્યાં જ બાજુનાં મંદિરમાંથી ઘંટારવ સંભળાયો ને ઘણાં લાંબા સમય પછી એમણે ઈશ્વરને ભાવપૂર્વક વંદન કર્યા.
એકવાર ઈશ્વરમાં શ્રદ્ધા દ્રઢ થઈ જાય તો દુખો સહન કરવાની શક્તિ આપોઆપ આવી જાય. વૃદ્ધાવસ્થાનાં સ્વીકારથી એક વાત નક્કી થઈ જાય કે આપણું દુઃખ આપણે જાતે જ સહન કરવાનું છે. આપણે જાતે જ પરિસ્થિતિને હળવી બનાવવાની છે. આંખે ઓછું દેખાય છે તો દ્રષ્ટિને ભીતરમાં વાળવાની છે. કાને ઓછું સંભળાય છે તો આત્માનો અવાજ સાંભળવાનો છે. જીભ થોથવાય છે તો મૌનની મસ્તીનો અનુભવ કરવાનો છે. પગ સાથ નથી આપતાં તો વિચારોની પાંખે આત્મચિંતન કરવાનું છે. જે વર્ષો વિતી ગયાં તે દોડધામમાં જતાં રહ્યાં. હવે સમય મળ્યો છે તો સાચા અર્થમાં જીવી લેવાનું છે.
બહુ દોડ્યા કર્યું, ચાલ થોડો પોરો ખાઈ લઈએ.
બહુ બોલ્યાં કર્યું, ચાલ થોડા ખામોશ થઈ જઈએ.
બહુ શમણાઓ જોયા, ચાલ થોડા જાગૃત થઈ જઈએ.
બહુ માંગ્યા કર્યું,ચાલ થોડું આપતાં થઈ જઈએ.
બહુ પરિગ્રહ કર્યો,ચાલ થોડું ખાલી થઈ જઈએ.
બહુ વિચાર્યા કર્યું, ચાલ વિચારશૂન્ય થઈ જઈએ.
બહુ ઈચ્છાઓ રાખી, ચાલ,અપેક્ષારહિત થઈ જઈએ.
બહુ મિત્રો બનાવ્યા, ચાલ હવે એકાકી થઈ જઈએ.
બહુ સંબંધો બાંધ્યા, ચાલ હવે ખુદને મળી લઈએ.
બહુ બોઝ ઉઠાવ્યો, ચાલ હવે હળવા થઈ જઈએ.
બહુ યાચનાઓ કરી, ચાલ હવે પ્રાર્થના કરી લઈએ.
બહુ વર્ષો વિતાવ્યા, ચાલ હવે જિંદગી જીવી લઈએ.

આ વિષયે તેમની લઘુકથા

વૃદ્ધાવસ્થા

                                                                                —————

    વૃદ્ધાવસ્થા- યાદોને વાગોળવાની વેળા, વૃદ્ધાવસ્થા- વરદાન,વૃદ્ધાવસ્થા-વૃદ્ધિ પામવા માટેનો અવસર,વૃદ્ધાવસ્થા-જીવનનો સાર, વૃદ્ધાવસ્થા- અનુભવોની વહેંચણી કરવાનો- સમય, વૃદ્ધાવસ્થા- વિવિધરંગી સૂર્યાસ્ત ટાણું, વૃદ્ધાવસ્થા- એકલતાને માણવાનો સમય, વૃદ્ધાવસ્થા- સ્વને જાણવાનો સમય,વૃદ્ધાવસ્થા- પીડાને પોતીકી કરવાનો સમય, વૃદ્ધાવસ્થા- વહાલાંને વહાલ કરવાની વેળા ——- એક સુપ્રસિદ્ધ અખબારના ‘વિશ્રાંતિ’ વિભાગ અંતર્ગત એ લેખકનાં લેખને ચશ્માનાં તૂટેલા કાચમાંથી વાંચતા અમુલખરાય મનોમન વિચારવા લાગ્યાં– આ લેખકોને લખવું બહુ સહેલું છે. વાસ્તવમાં વૃદ્ધાવસ્થા કેટલી આકરી હોય છે. બુઢાપો કેટલો વસમો  હોય છે.ઘડપણ કેટલું દર્દમય હોય છે. બધાથી ઉપેક્ષિત થઈ જિંદગીની એક એક પળ કાઢવી કેટલી કપરી હોય છે. બીમારીની વેદના એકલાં એકલાં સહેવી કેટલી કઠીન હોય છે. મોત આવતું નથી અને જિંદગી જીવાતી નથી. આ લેખકો જિંદગીની સચ્ચાઈ બતાવવાનાં બદલે શ માટે ખોટા અલંકારોથી ભાષાને મઢીને જિંદગીને શણગારવાની કોશિષ કરતાં હશે. લાવ, આજે તો એ અખબારની ઓફિસમાંથી એ લેખકનો ફોન નંબર લઈ એમને  જણાવું કે વૃદ્ધાવસ્થાનાં આવાં સુંદર કાલ્પનિક ચિત્રોને બદલે બિહામણી સચ્ચાઈની વાતો રજૂ કરે.

              ડગમગતા કદમે લાકડીનો સહારો લઈ અમુલખરાય ઉભાં થયાં. અખબારની ઓફિસે ફોન લગાવી કહ્યું” હું એક સિનીયર સીટીઝન છું. મારે આપનાં ‘વિશ્રાંતિ’ વિભાગમાં ‘વૃદ્ધાવસ્થા’ પર જે લેખકે લેખ લખ્યો છે તેમની સાથે વાત કરવી છે. મહેરબાની કરીને આપ એમનો નંબર મને આપશો.”

સામે છેડેથી અત્યંત વિનમ્ર અવાજે કોઈ ભાઈએ કહ્યું ” મુરબ્બી, આપને એ લેખકનો નંબર તો આપું છું, પણ કોઈ ખાસ કામ હોય તો જ ફોન કરીને એમને  તકલીફ આપજો. ઘડપણમાં યુવાન સંતાનોની રાહમાં અડચણરૂપ ન થવાય તે માટે સ્વેચ્છાએ તેમણે વર્ષો પૂર્વે વૃદ્ધાશ્રમને પોતાનું ઘર બનાવી દીધું છે. ત્યાના વૃદ્ધોમાં જીવંતતાનો સંચાર કરતાં એ લેખક ચોર્યાસી વર્ષનાં છે. છેલ્લાં એક વર્ષથી કેન્સર જેવી જીવનલેણ બીમારીને ટક્કર આપી રહ્યાં છે. અસહ્ય વેદનાની વચ્ચે થોડી પળો શાતાની મળે છે તો એ ધ્રૂજતાં હાથે લખવા બેસી જાય છે કાં તો સંગીત સાંભળે છે. એમની ઈચ્છા મૃત્યુ પૂર્વેની આખરી ક્ષણ સુધી જિંદગીને જીવંતતાથી ભરી દેનારા લેખ લખવાની છે. આપ મારી વાત સમજીને યોગ્ય લાગે તો જ ફોન કરજો.”અમુલખરાયે  પ્રત્યુતર આપતાં કહ્યું” આભાર. હું એમને  તકલીફ નહીં જ આપું, પણ શક્ય હશે તો એમનાં દર્શન કરવાં જરૂર જઈશ.” ને પછી તો ફોન મૂકી દઈ હાથમાં રહેલી લાકડીને દૂર કરી અમુલખરાયે સ્વસ્થ થઈ ચાલવાનો પ્રયત્ન કર્યો.

                                                                                              રોહિત કાપડિયા

 

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

One Response to વૃદ્ધત્વનો સ્વીકાર (6) – રોહિત કાપડિયા

  1. fulvatishah કહે છે:

    saras . good to learn for all older persons.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.