વયવૃધ્ધિ એટલે જીવન સાર્થક્ય (પ) રાજુલ કૌશિક

ડૉક્ટર રૂથે ગેરેટના પુસ્તક ‘એમ્બ્રેસિંગ એજીંગ’માં  સ્વર્ગસ્થ પોપ જ્હોને વયવૃધ્ધિ માટે ખુબ સુંદર શબ્દોમાં સમજ આપી છે. તેઓ કહે છે કે ..

“વયવૃધ્ધિ એટલે જીવન સાર્થક્ય. વયવૃધ્ધિ એટલે જીવનભર આપણે જે શિખ્યા, જે અનુભવ્યુ,જે સાધના કરી એની ફલશ્રુતિ અથવા કહો કે ફલસિધ્ધિ. જીવનની ગતિ એક સરસ મઝાની સંગીત સાધના જેવી હોવી જોઇએ અને જીવનની એ આનંદિત સફર છેલ્લી ક્ષણો સુધી અકબંધ સચવાવી જોઇએ”….આ શબ્દો આપણને જીવન કેવી રીતે જીવી શકાય અને વૃધ્ધાવસ્થાને ગરિમા આપી શકાય એની સમજ આપે છે.

વાર્ધક્યના નામથી જ કપાળમાં ચિંતાના સળ પડે અથવા મૃત્યુ શબ્દ મન પર ભયના ઓળા લઈને ઉભરી આવે તો જીવનભરની સમજ એળે જાય. એક સનાતન સત્ય છે “ જેનો જન્મ છે તેનો અંત પણ નિશ્ચિત છે.” આ સત્ય જાણવાની સાથે સ્વીકારી લેવું ય એટલું જ જરૂરી છે. ઉંમર વધવાની સાથે શારીરિક શક્તિઓ ક્ષીણ થતી જવાની એ પણ એક સત્ય છે. મન પવનવેગે દોડતું હોય પણ શરીર સાથ ન આપે. આજ સુધી શરીરે જે સાથ આપ્યો હોય એ સાથ આપવા શરીર પાછું પણ પડે અને ત્યારે જ સ્વીકારી લેવું પડે કે હવે વૃધ્ધત્વ બારણે ટકોરા દઈ રહ્યુ છે.

મોટાભાગે આપણા પરિવારોમાં લગભગ સિત્તેર વટાવી ચૂકેલા વડીલોને પોતાની પ્રવૃત્તિઓ સમેટીને નિવૃત્તિના નામે નિસાસા નાખતા જોયા છે. જે નથી ઇચ્છતા એની રાહ જોતા જોયા છે. શા માટે?

“આ ઘડપણ કોણે રે મોકલ્યુ એવી રટ લગાવતા જોયા છે. જીવનમાં ઘણું બધુ જોઇ લીધું, ભોગવી લીધું, હવે ભગવાન ઉપાડી લે તો સારું. આ લીલી વાડી જોઇ લીધી હવે અહીં આપણું શું કામ છે? હવે તો જે છે એ આ બોનસના વર્ષો છે.” આવી માનસિકતા સાથે મન અને ઘરમાં પણ ક્લેશ લઈને જીવતા જોયા છે. શા માટે? આ વૃધ્ધાવસ્થાની તો ઉજવણી હોય. યુવાનીમાં કમાણી અને ઘર સંભાળવામાં જે સમય નથી મળ્યો એવો હવે સમય મળી રહ્યો છે તો એને મુક્ત મને અને હળવા હ્રદયે માણવાનો છે.

જે સંતાનોને વ્યસ્તતાના લીધે પુરતો સમય ફાળવી નથી શક્યા એમની સાથે હવે સમય પસાર કરવાની તક મળી છે. તો હોંશભેર એ તકનું સામૈયુ કરવાનું છે. ત્રીજી પેઢી સાથે રાજા-રાણી અને પરીઓની દુનિયામાં સહેલ માણવાની તક મળી છે તો એને વધાવી લેવાની છે.

અને એની સાથે આજ સુધી જવાબદારી અને વ્યસ્તતાના લીધે જે સમય આપણા માટે ફાળવી નથી શક્યા એ શોખ પુરા કરવાના છે. શોખ માટે જો મન સાબૂત હોય અને શરીર સાથ આપતું હોય તો પાંસઠ કે સિત્તેર વર્ષની ઉંમરે પણ કાર્યરત રહી શકાય છે. આજથી થોડા વર્ષો પહેલા ગ્રાન્ડ કેનિયનની મુલાકાતે સાવ અચંબામાં પડી જવાય એવી ઘટના જોઇ. એક તરફ સમી સાંજના ઓળા ગ્રાન્ડ કેનિયનને પોતાના પ્રકાશની આભાથી પ્રજ્જવલિત કરી રહ્યા હતા ત્યારે આવી જ જીવન સંધ્યાના આરે ઉભેલા એક વડીલ બેટરી ઓપરેટેડ વ્હીલચેરમાં બેસીને આ સૂર્યાસ્તની લાલિમાને તન્મય થઈને માણી રહ્યા હતા અને જોવાની ખૂબી તો એ હતી કે એમની વ્હીલચેરની પાછળ ઑક્સિજનનો પુરવઠો પુરુ પાડતું સિલિંડર લટકાવેલું હતું જેનાથી એમને જરૂરી પ્રાણવાયુનો ટેકો મળી રહેતો હતો. હવે એમને જોઇને સીધો એ જ વિચાર આવે કે આવા બાહ્ય પ્રાણવાયુના પુરવઠાના બળે પણ ફરી રહેલા વડીલની પ્રાણચેતના કેવી અને કેટલી અદ્ભૂત હશે !

બીજુ એક દ્રષ્ય નજર સામે આવે છે. આટ્લાન્ટાના કૅલેવે ગાર્ડનની મુલાકાત દરમ્યાન કાર પાર્ક કરીને એમાંથી ચાર મહિલાઓને ઉતરતા જોઇ. વાંચનાર કે સાંભળનાર માટે આ કોઇ નવાઇની ઘટના ન લાગે પરંતુ જોનાર માટે તો આ સાચે જ નવાઇની ઘટના લાગે. લગભગ પંચોતેર કે તેનાથી વધુ ઉંમરની એ ચારે મહિલાઓ શારીરિક રીતે જરાય સબળ કે સક્ષમ તો નહોતી જ. કદાચ કમરેથી થોડી ઝુકી ગયેલી, લાકડીના અને એકમેકના ટેકે અત્યંત ધીમી ગતિએ ચાલતી આ મહિલાઓની મસ્તી માણવા જેવી હતી. જીવ્યા કરતાં જાણ્યું ભલું અને જાણ્યા કરતાં જોયું ભલું એવું જ કોઇ માનસિક બળ એમને અહીં સુધી ખેંચી લાવ્યું હશે.

આવું જોઇએ ત્યારે ક્ષણવાર માટે એક વિચાર તો જરૂર આવી જ જાય કે શા માટે ઉંમર થઈ છે માટે મનને રોકી લેવું? મનની સાથે જો તન સાથ આપે તો જીવન છેલ્લી ક્ષણ સુધી માણી જ લેવું જોઇએ. એંસી વર્ષની ઉંમરે પાર્કિન્સનની બિમારી સાથે ધ્રુજતા હાથે પણ જો ગાડી ચલાવીને વ્યક્તિ આપબળે જીવવા માંગતી હોય તો એને પુરો હક છે એની રીતે જીવન જીવવાનો.

સ્વર્ગસ્થ જ્હોન પોપનું કથન……“જીવનની એ આનંદિત સફર છેલ્લી ક્ષણો સુધી અકબંધ સચવાવી જોઇએ”… એ આ જ હોઇ શકે. મૃત્યુનો ભય રાખ્યા વગર જેટલી ક્ષણો મળી રહી છે એને આનંદથી માણવાની છે.

ખેર આ તો થઈ પોતાના માટે જીવવાની વાત પણ સાથે સાથે આપણી માનસિક તેમજ શારીરિક સ્વસ્થતા-સ્થિરતા જો જળવાયેલી હોય તો સ્વ-આનંદની સાથે આપણું સુખ સૌ સાથે વહેંચતા શીખીએ તો શેષ જીવન લેખે લાગે. જીવનભર જે જ્ઞાન કે અનુભવનો સંચય કર્યો હોય એનું અન્યમાં સિંચન કરતા જઇએ અર્થાત અન્યને કોઇપણ રીતે ઉપયોગી થતા જઈએ તો એ શેષ જીવન શ્રેષ્ઠ બની રહે. સમાજ સુધી પહોંચી શકીએ તો ઉત્તમ નહીં તો સ્વજનો સુધી તો પહોંચી શકાય ને? પરિવારમાં રહીને પણ પરિવારને નડ્યા વગર શક્ય એટલી સહાયતા કરી જ શકાય ને?

પણ આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે વૃધ્ધત્વને સ્વીકારવા માટે પહેલેથી જ માનસિક જ નહીં આર્થિક સ્થિરતા પણ કેળવી હોય. નિવૃત્તિ પહેલાની પ્રવૃત્તિ દરમ્યાન ભવિષ્યની સલામતી અને સ્થિરતા માટે જો પહેલેથી જ તજવીજ કરી લીધી હોય તો શેષ જીવનનિર્વાહની ઝાઝી ચિંતા ન રહે અને વૃધ્ધત્વનો સાચા અર્થમાં નિરાંતે સ્વીકાર કરી શકાય.

એક જીવનભર કાર્યરત રહેલા દંપતિની વાત છે. બંને પોત-પોતાના ક્ષેત્રે સફળ. સફળતાની સાથે સમૃધ્ધિ પણ પામ્યા. એક સત્ય તેમણે સ્વીકારી લીધું હતું કે સંતાનો નાના છે ત્યાં સુધી એ એમની જવાબદારી છે. આજે જે સંતાનો તેમના આધારે છે આવતીકાલે સંતાનોના આધારની એમને જરૂર પડશે. જે સંતાનોના હાથ પકડીને ચાલતા શિખવ્યું એ સંતાનોનો એમણે ભવિષ્યમાં ટેકો લેવો પડશે. આજે જે પરિવારનું મધ્યબિંદુ કે કેન્દ્ર તેઓ છે એ પરિવારના કેન્દ્રના બદલે એક ભાગ રૂપ માત્ર બની રહેશે. સમય અને સંજોગો બદલાતા જશે અને સંતાનો પણ પગભર થશે અને ત્યાં સુધીમાં તેઓના પગ ડગુમગુ થવા માંડશે. ત્યારે પણ આ જ સ્વમાન અને સન્માન સાથે જીવન જીવી શકાય એવી અને એટલી તજવીજ એમણે કરી રાખી. વૃધ્ધત્વ એ જીવનનું અવિભાજીત અંગ છે અને એનાથી ડરવાના બદલે આવકારવાની માનસિક અને આર્થિક સજ્જતા કેળવી લેવાથી જીવનની અંતિમ ક્ષણો સુધીની નિશ્ચિંત રહી શક્યા.

હા! શારીરિક સ્વસ્થતા એ કોઇના પણ હાથની વાત નથી. ઉંમર સાથે શરીરને જે ઘસારો પહોંચવાનો છે એને કોઇ ટાળી શકવાનું નથી. આંખ, કાનથી માંડીને આજ સુધી સાથ આપતા હતા એ શરીરના તમામ અવયવો હવે પછીની કોઇપણ ક્ષણે સાથ છોડી દેવાના છે. જીવનભર જે મીઠ્ઠી સ્મૃતિમાં અંકિત થઈ હશે એ સ્મૃતિ પણ અલ્ઝાઇમરના ભરડામાં ભિંસાઇને દગો દઈ દે જે કોઇના ય હાથમાં નથી. જે આપણા હાથમાં જ નથી એનો વસવસો કરવાના બદલે જે સિલક બચી છે એ પરિસ્થિતિ સ્વીકારી આનંદભેર અનુકૂલન સાધવાનું નામ સફળ વૃધ્ધત્વ.

કેટલાય એવા નિવૃત્ત લોકોને જોયા જે આધુનિક ટેકનિક સાથે તાલમેલ મેળવીને ઘરમાં બેઠા પણ બાહ્ય દુનિયા સાથે સંપર્કમાં રહે છે એટલું જ નહીં પણ એનો પુરેપુરો આનંદ માણે છે.

હમણાં થોડા સમય પહેલા એક વિડિયો જોઇ. મમ્મીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે દિકરાએ ભેટમાં એકદમ અદ્યતન કેમેરા આપ્યો. એની સાથે સુંદર સંદેશો મુક્યો હતો…… “મા, મને ખબર છે તને ફોટોગ્રાફીનો ખુબ શોખ હતો. પપ્પા તને જોવા આવ્યા ત્યારે ચીલાચાલુ પરંપરાગત સવાલ-જવાબ કરવાના બદલે તેં એમને તારા પાડેલા ફોટાઓનું આલ્બમ બતાવ્યું હતું. એ આલ્બમ તો મેં પણ જોયું છે.તારી ફોટોગ્રાફી ખુબ સુંદર હતી. અમારા જન્મ પછી અમને ઉછેરવામાં તે તારો પુરેપુરો સમય અને શક્તિ અમારી પાછળ આપી દીધી. હવે સમય છે તારો શોખ પુરો કરવાનો. દુનિયાને તારી અને કેમેરાની દ્રષ્ટીએ નિહાળવાનો. આજ સુધી તેં અને પપ્પાએ અમને ઘણું આપ્યું છે. હવે આનંદની થોડી ક્ષણો પણ અમે તમને આપી શકીએ તો એનો સ્વીકાર કરજો.” કેવી સરસ વાત…

પહેલા સમય હતો વડીલો માટે એવું માનવામાં આવતું અને વડીલો પણ ખુદ એમ જ માનતા કે પાછલી જીંદગીનો સમય તો પ્રભુભક્તિમાં જ પસાર કરવાનો..બહુ બહુ તો હાથ-પગ ચાલતા હોય તો ચારધામ યાત્રા કરવાની. એક નિશ્ચિત ઢાંચો હતો જેમાં ગોઠવાઇ જવાનું. એના બદલે વડીલો માટે પણ નવી ક્ષિતિજો ખુલતી જાય છે તો મુક્ત મને આ ક્ષિતિજોને આવકારીને ઉત્તરાવસ્થાની ક્ષણો આનંદથી ઉજવવાની છે.

આપણે જે કંઇ પામીએ છીએ એ ઇશ્વરની કૃપા છે એ સનાતન સત્યનો સ્વીકાર કરીને ઇશ્વરનો આ મહામૂલા જીવન માટે પ્રત્યેક ક્ષણે આભાર માનવાને પણ જો પ્રાર્થના કહી શકાતી હોય તો મન-હ્રદયમાં આ પ્રાર્થના નિરંતર રહે તો જીવવાનું બળ પણ આપોઆપ મળતું રહેશે.

Rajul Kaushik http://www.rajul54.wordpress.com

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.