વૃદ્ધત્ત્વનો સ્વીકાર (3) પ્રવીણા કડકિઆ


વૃદ્ધ થવું એટલે વૃદ્ધી પામવું. બીજમાંથી છોડ  વૃદ્ધી પામી વૃક્ષ બની લહેરાય છે, ત્યારે  આ મન તેની અદા પર આફરિનતા પોકારી ઉઠે છે.બાળપણ સહુને વહાલું છે. પા પા પગલી પાડતાં, દોટ મૂકી શાળાએ જતાં. હાથમાં પર્સ ઝુલાવી કોલેજ અને લગ્ન પછી પ્રીતમનો હાથ ઝાલી જીંદગીની સફર. હવે એ સફરમાં સફળ પૂર્વક પ્રયાસ કરી જુવાની પસાર કરી,પ્રૌઢતાનો ઉંબરો ઓળંગ્યો અને આવી ઉભા વૃદ્ધત્વને આંગણે. એ તો હરખની વાત છે. આવો ઉત્સવ મનાવીએ!

જીવનના ચાર આશ્રમ શોભાસ્પદ છે. તે દરેકની આગવી પ્રતિભા અને અગત્યતા છે. વૃદ્ધત્વ નિરાશા નહી ઉમંગોની વર્ષા વરસાવે છે. જીવન સુંદર રીતે જીવ્યા તેની ગાથા ગાય છે. હા, એ ખરું કે ત્યાં સુધી પહોંચતા કેટલી વીસે સો થાય એ પાકી ખબર પડી હોય છે. ઘણાં બધા ઉતાર અને ચડાણના કપરાં અનુભવોની ગઠરી બાંધી હોય છે.

સોનુ ટીપાય તો તાર નિકળે. માનવ આ બધા અનુભવોમાંથી પસાર થાય પછી નિરાંતનો દમ લેવા વૃદ્ધત્વના ઓવારે આરામથી લંબાવે. આખી જીંદગીની સફરનો આ તો વિસામો છે.

બાળપણમાં તોફાન નહી કરવાના, ભણવાનું. કિશોરાવસ્થામાં મસ્તીને બદલે ચોટલીબાંધી જુવાની સારી ગુજરે તેના પ્રયાસ, જુવાનીમાં સવાર કે સાંજ જોયા વગર પૈસા પાછળ આંધળી દોટ.  હવે આરામથી પોરો ખાવાનો. કુટુંબની મઝા લુંટવાની. બાળકોના બાળકોને પ્રેમ પિરસવાનો અને પ્રેમ પામવાનો. જો કે તેની અપેક્ષા નહી રાખવાની . જે મળે તેનો નિર્વ્યાજ આનંદ લેવાનો.

જીવન દરમ્યાન જે ભાથું ભેગું કર્યું હોય તેને આરામથી માણવાનું. નસિબદાર હો અને પરણ્યા હો તો સાથી સાથે મનપસંદ જીંદગી પસાર કરવાની. નસિબદાર લોકો સાથી સંગે હરવા ફરવાની મઝા માણતા જોયા છે. સારા કાર્યોમાં સહાય કરી જીવન સુગંધીદાર બનાવવું. પોતાના શોખ પૂરા કરવા.

તંદુરસ્તીને પ્રથમ સ્થાન આપવું. અરે, વૃદ્ધત્વતો આશિર્વાદ છે. તેને શ્રાપ માનવાની ભૂલ ન કરવી. જીવન પ્રત્યેનો અભિગમ બદલો. ડગલે ને પગલે સર્જનહારનો આભાર માનશો. આ બધું ત્યારે પ્રાપ્ત થાય જ્યારે જુવાનીમાં પ્રગતિ સાધી હોય. સુંદર કુટુંબને સર્જ્યું હોય. મનગમતા સાથીની સંગે જીવનમાં રંગબેરંગી સાથિયા પૂર્યા હોય.

જો એ સમય વેડફ્યો તો સમજી લેવું તમે ગાડી ચૂકી ગયા. “ગયો સમય આવે નહી, ગયા ન આવે પ્રાણ”. સમજણની ફાકી, ફાકી હોય તો જુવાની , વૃદ્ધ સમયે વળતર આપતી બેંક બની રહે. બાકી તો અફસોસ કર્યે કાંઈ ન વળે. હજુ પણ મોડું નથી થયું. પ્રયત્નો સાચી દિશામાં શરૂ કરો. કોઈ પણ ઉમર શિખવા માટે મોટી નથી. અમેરિકનો આ દિશામાં ખૂબ આગળ નિકળી ગયા છે. ૯૦ વર્ષની ઉમરે ‘મિસ. મે ‘ વોટર કલરના વર્ગ ચલાવે છે. ૯૨ વર્ષની જુલિયા ‘ચેર યોગ’ ના વર્ગને આનંદથી માણે છે.

આ સાથે બહુ જડતા પણ સારી નહી. જીવનમાં હવે તો ફાવશે, ચાલશે અને ભાવશે એ નિયમ અપનાવો ! આ નહી ખાવું અને પેલું નહી ખાવું. કેટલા વર્ષ કાઢવાના છે. યાદ હશે, જનમ્યા ત્યારે પ્રથમ શ્વાસ અને અંતિમ શ્વાસ  , વચ્ચેના ગાળાનું નામ છે “જીંદગી.”

ખરું પૂછો તો આ જીવનનો અતિ ઉત્તમ સમય છે. આ સમયને શોભા બક્ષ્વી એ આપણા હાથમાં છે. વડીલ તરિકે વડલાની છાંય બનો. પક્ષીઓને માળો બાંધી ચિચિયારી કરવાનું મન થાય એવું વાતાવરણ સરજો. માથે હાથ મૂકી બેસવાનો આ સમય નથી. દીવા દાંડી બની રાહ સુઝાડવાનો સમય છે. સુકાની બની કોઈની નૈયા પાર ઉતારી શકવાની શક્તિ છે.

‘ફરિયાદ’ નામના શબ્દને શબ્દકોષમાંથી વિદાય આપો. ‘નડો ના” મધુર કર્ણપ્રિય સંગિતના સૂર છેડો. બની શકે તો સમાજને ઉપયોગી કાર્યમાં જોડાવ. ભલે પહેલાં ન કરી શક્યા હવે તો આપણી પાસે ‘સમય’ સિલકમાં બચ્યો છે. નથી ગમતું, ભૂખ નથી લાગતી, કોઈ મારી વાત સાંભળતું નથી, મારી કોઈ કિમત નથી આવા બધા નિરાશાના વાક્યો ન ઉચ્ચારો.

મારું કોણ? અરે તારો જીવનનો દાતા. ખાલી ખાલી વિસંગત બોલી ચારે તરફ કલેશ અને કલહ ન પ્રસરાવો. બાળકોનો પ્રેમ મેળવી જીવન રસમય બનાવો.વૃદ્ધત્વ કાંઈ ઈનામમાં નથી મળ્યું. આખા જીવનની તપસ્યાનું પરિણામ છે. માનવી વૃદ્ધતા શામાટે અભિશાપ ગણતો હશે ? અરે, એતો ઈશ્વરની કૃપા છે. સુંદર જીવનનું સરવૈયું છે. વ્યથા, વેઠ અને વ્યવાહરનું વળતર છે. આ સ્થિતિએ પહોંચવા કેટલા ‘પાપડ વણ્યા હતાં’? પૂછી જુઓ જેમનું અકાળે નાની વયે અવસાન થાય છે, તેમણે જીવનમાં શું શું ગુમાવ્યું. ખેર “તૂટીની કોઈ બુટી નથી” એ આપણે સહુ સારી રીતે ણીએ છીએ.

આકાશ તરફ દૃષ્ટી માંડો ઢળતો સૂરજ , સંધ્યાના કેવા સુંદર રંગો વિખેરી સાગરની ઓથમાં લપાઈ જાય છે. સૃષ્ટીના કણ કણમાં તેની આભા ફેલાવે છે. હવે તે જશે અને ચંદ્ર આભે ઉગશે તેની ફરિયાદ નથી કરતો. આપણી જીંદગીનો સૂર્ય અસ્તાચલ પર આંટા મારી રહ્યો છે.  સમયના વાદળ સંતાકૂકડી રમી રહ્યા છે. ક્યારે આપણે પકડાઈ જઈશું કોને ખબર ?

સર્જનહારે  કૃપા કરી ત્યારે આ દિવસ જોવાનું નસિબ સાંપડ્યું. એ જે પણ આપે તેનો વિના વિરોધે સ્વીકાર એ ડહાપણનું કામ છે. હા, તેની મર્યાદા જાળવવી એ આપણું કર્તવ્ય છે. તેને શોભાવવું એ માટે સદા પ્રયત્ન શીલ રહેવું. વિચાર કરો આ સ્થિતિ એ પહોંચતા કેટલા ડુંગર ઓળંગ્યા. નદીઓ તર્યા અને ઝાડી ઝાંખરાં સાફ કર્યા. આ સ્થાને પહોંચ્યાનો સ્વીકાર દિલ અને દિમાગથી કરવો રહ્યો. અનુકૂળતા હોય તો તેનો લહાવો લુંટવો. જેવા જેવા સંજોગો. બીજું આ સંજોગો આપણા ભૂતકાળની ભવ્યતાનું પરિણામ છે. જો કદાચ ભૂતમાં ભૂલોના શિકાર બન્યા હો તો પણ વર્તમાનને ન વખોડો. ‘ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ખાલી’  એ સનાતન સત્યને વાગોળો.

નિવૃત્તિમાં પ્રવૃત્તિ એ વૃદ્ધત્વની ચાવી છે. જે યુવાનીમાં ન કરી શક્યા તે કરવા માટે આ તક મળી છે. તેનો સદુપયોગ કરો. સમાજ પાસેથી ઘણું મેળવ્યું છે. આ સમય છે સમાજનું બની શકે એટલું ઋણ ચૂકવવાનો. તમારી પાસે કલા હોય તો તેને યોગ્યતા પ્રમાણે લોકોને મળે તેવા ઉપાય શોધો. દરેક પળ કિમતી છે તેનો વિનિમય સુંદર રીતે કરવા માટે નો સમય તમને મળ્યો છે. સારું વાંચન કરો. આત્માના ઉદ્ધાર માટે પ્રયત્ન કરો.

ઢળતી ઉમરે આંખ અને જબાન જરૂર પડે ત્યારે જ ખોલવાના. કાનનો ઉપયોગ કરવાનો. ‘સાર સારકો ગ્રહી રહે થોથા દેત ઉડાય’. સારા પુસ્તકો વાંચો. સમયનો સદ ઉપયોગ કરો. રહી સહી જીંદગીને સુશોભિત બનાવી ચેનની નિંદર લેવાનો સમય આવી રહ્યો છે. કેટલા સમય પછી એ પ્રશ્ન અનઉત્તર છે.  વૃદ્ધત્વને વરણાગી વેડાં થી વહેવા દો.

ચાલો ત્યારે શેષ જીવનને મન ભરીને મહેકાવીએ.

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.