રોમિયોગીરી -પતંગિયું ૬ -સ્વાતિ શાહ

patangiyu

 

સુમીએ દર્શનાને સમજાવવા પ્રયત્ન કરી જોયો ને બે વાર અંકિતની રોમીયોગીરી દર્શના સમક્ષ ઉઘાડી પાડી. સુમીએ ફોન કરી દર્શનાને સમજાવતાં કહ્યું , “ અંકિત તારા નબળા પાસાં જાણે છે. તું સમજ. અંકિત પર વિશ્વાસ રાખવા જેવો નથી.” પરંતુ દર્શના તો અંકિતના પ્રેમમાં ઓળઘોળ. દર્શનાને સુમીના શબ્દો પર વિશ્વાસ ના પડ્યો.

દર્શનાએ જ્યારે સુમીના ફોન વિષે અંકિતને વાત કરી ત્યારે અધુરી વાતેજ અંકિતે દર્શનાનાં અધર પર પોતાના અધર ચાંપી તેની બોલાતી બંધ કરી. પ્રેમ કરવામાં નિપુણ અંકિત પોતાની પત્નીને બહુ સારી રીતે પટાવી જાણતો. સુમીના ફોન વિષે જાણ થતાં ઓફિસમાં હવે અંકિત સજાગ રહેવા લાગ્યો. સુમીથી ઘવાયેલો અંકિત દર્શનાને પટાવી મનમાં તો સમસમી ગયો પણ રોમીયોગીરી છોડે તે બીજો!

અંકિતને મન તો દરેક રુપાળી સ્ત્રી એટલે લાલ ગુલાબનું ફુલ. પ્રેમરૂપી મધ એકઠું કરવા અંકિતની આંખો પતંગિયાની જેમ રુપાળી સ્ત્રીને શોધવા ચારેકોર મંડરાતી રહેતી. ઓફીસ સ્ટાફ આગળ પણ તેની રોમીયોગીરી છતી થઇ ગયેલી. બેચાર દિવસ શાંત રહ્યાં પછી મનમાં પાછું કંઇ ચક્કર ચલાવવું પડશે તેમ સળવળાટ થવા લાગ્યો. વાંદરો ઘરડો થાય પણ ગુંલાટ ના ભુલે. ઓફિસનો બાગ હવે ઉજડેલ લાગતો. ચંચળ મન રુપાળી છોકરીની મિત્રતા માટે હવાતિયા મારવા લાગ્યું.

રુપાળી લલનાને પોતાની મોહજાળમાં ફસાવવા પોતે પણ આકર્ષક દેખાવું જરૂરી છે તેવું અંકિત માનતો. રોજ સવારે વહેલાં ઉઠી નજીક આવેલાં બગીચામાં ચાલવા જવું તે અંકિતનો નિત્યક્રમ. અંકિત હવે સવારે અડધો કલાક વહેલો ચાલવા જવા લાગ્યો. બગીચામાં ઝાડપાનની લીલોતરીથી આંખો ઠરતી અને સાથે યુવાન કન્યાઓને જોગીંગ કરતી જોવામાં અંકિતની આંખો અને હૈયું બંને ઠરતા.

સામેથી આવતી યુવાન કન્યાની ઉછળતી છાતી જોઈ અંકિત મનમાં ને મનમાં તેની મૈત્રીની ઝંખના કરતો. પતંગિયાની જેમ અંકિતની આંખો એક યુવતી પરથી બીજી યુવતી પર પડતીને હૈયેથી હાય નીકળતી. સ્પેશિયલી સુમીના બનાવ પછી અંકિત જાણે વિફરેલો સાંઢ! રોજ સવારે ઉઠતાં બોલતો, “ આજે કોઈની મૈત્રી થઈજાય તો અપની ચલ પડે!”

સંસારના રંગબેરંગી પતંગિયાની રસ ભરી કહાનીમાં મઝા પડતી હોય તેમ આજે ભગવાને અંકિતની પ્રાર્થના સાંભળી. સવારના બગીચામાં જોગીંગ કરતી આવતી એક યુવાન કન્યાની ચીસ અંકિતના કાને પડી. પાછળ ફરી અંકિતે જોયું તો એક રુપાળી યુવતી તેનો પગ વળી જવાને કારણે જમીનપર બેસીને દર્દથી રડતી હતી. આહા! રોમીયોને તો મજા પડી. અંકિત મનમાં બોલ્યો, “ ચાલો આજે ભગવાનની કંઇક મહેર છે.”

“ અરેરે! ઉભારહો હું તમને મદદ કરું છું. તમારા પગમાં મોચ આવી લાગે છે. લો, પકડો મારો હાથ, જરા સંભાળીને ઉભા થવા કોશિશ કરો. ના એકદમ ઉભા ના થતાં. જરા કળ વળવા દો.” જાણે લાળ પાડતો કુતરો જોઇ લો.. ગળા ઉપર એનો હાથ વીંટળાતા અંકિતને તો જાણે ગળામાં ફુલનો હાર પડ્યો એવું મહેસુસ થયું. અંકિતે થોડી મજબુતીથી તેને પકડી ત્યાંતો જાણે ઝાડને કોઈ વેલ વીંટળાય એમ યુવતીએ પોતાનો સઘળો ભાર અંકિત પર નાખ્યો.

રોમિયો ને તો જાણે જુલિયટ મળી ગઈ. “આવો સંભાળીને આ બેંચ પર બેસો. લો, જરા પાણી પીઓ મિસ.” કહેતાં પોતાની પાણીની બોટલ આપી. “મિસ જુલી. થેન્ક્સ. આપનું નામ?”

“ અંકિત. ચાલો આપને મુકી જઉં. પગની મોચ લાગે છે. સીધાં અહીં બાજુમાં દવાખાનું છે બતાવીને પાટો બંધાવી દો તો જલ્દી રાહત લાગશે. હું તમને લઇ જાઉં છું.”

“અરે ના ના હું મેનેજ કરી લઈશ. તમે તકલીફના લો.” કહેતી જુલીએ ઉભા થવા પ્રયત્ન કર્યો. જુલીના મોં માંથી “ઓ મા ..” કરતી નીકળી ગઈ. એક પગે ચાલવું જુલી માટે અઘરું થયું તે જોતાં અંકિતના મોમાં તો જાણે ગોળનું ઢેફું આવી ગયું. “હું કહેતો હતો તકલીફ પડશે. મારું માનો અને મારી મદદ લેશો તો કોઈ સપાડું નથી ચઢવાનું. ચાલો હું તમારી સાથે આવું છું.” એમ કહેતા અંકિતે જુલી તરફ હાથ લંબાવ્યો. આજે ઓફિસમાં રજા લેવાનો મનમાં તો નિર્ણય લેવાઈ ગયો હતો.

એક મૃદુ ફુલ જાણે હાથમાં લઇ ચાલતો હોય તેમ ખુબ જાળવીને ટેકો આપી અંકિતે જુલીને ઉભી કરી. દવાખાને જઈ બતાવ્યું તો એક્સરે કરાવીને ફરી પાછા આવવાનું ડોકટરે સુચન આપ્યું. વાતો વાતોમાં અંકિતે જુલીનું એડ્રેસ જાણ્યું તો તેની બાજુની સોસાયટીમાં બે મહિનાથી તે રહેવા આવી હતી. એડ્રેસ જાણી અંકિતને નવાઈ લાગી કે આટલી નજીક આવી સરસ રુપાળી છોકરી રહે અને તેને જાણ નહોતી! મનમાં બોલાઈ ગયું,” શરમ કર અંકિત. તારી નજર આટલાં દિવસ જુલી ઉપર કેમ નહોતી પડી! હશે જ્યારથી મળી તે પળનો લાભ લઈલો.”

કોર્પોરેટ જગતમાં કામ કરતી જુલી એકલી રહેતી હોવાથી થોડાં શરૂઆતના સંકોચને વ્યક્ત કરી મદદ સ્વીકારી લીધી. “તમે સંકોચ ના રાખતાં. હું બધું મેનેજ કરી તમને સંપૂર્ણ સારવાર અપાવીશ. મને તમારો મિત્ર ગણી શકો તો મને આનંદ થશે અને મને સેવાનો મોકો મળશે.”

રોજ કરતાં વધારે સમય થયો અને અંકિત હજી ઘરે નહોતો પહોંચ્યો તેથી દર્શના ઊંચીનીચી થવા લાગી. જુલીને એક્સરે માટે મુકી અંકિત પૈસા લેવાં ઘરે ગયો. વાત કઢાવવામાં એક્સપર્ટ અંકિત જુલીના ઘરમાં કોણ રહેછે ને બધી પૂછતાછ કરતાં જાણી લીધું હતુંકે જુલી એકલી જ રહેછે. “વાહ ચાલો બંદાને મજ્જા.” મનમાં બોલી જુલીનું ટીફીન દર્શના પાસે કરાવી પહોંચાડવા નો પ્લાન બની ગયો.

હજી ઘરમાં પગ મુકેછે ને દર્શનાનું બોલવાનું શરુ થઇ ગયું, “ક્યાં હતાં અંકિત? આટલો સમય ક્યાં અટકયા?મારો કોઈ વિચાર ખરો? એમ પણ થાયછે કે ઘેર કોઈ ચિંતા કરતું બેઠું છે? કેમ આજે ઓફિસનું મોડું નથી થતું?” “ઓ મારી મા …તારા બધાં સવાલનાં જવાબ પછી આપું છું. હાલ મિત્રને પગે વાગ્યું છે અને તેને હોસ્પિટલ એક્સરે પડાવવા મુકીને આવ્યો છું તેથી ઉતાવળમાં છું. પાછો આવી બધી વાત કરું. આજે ઓફીસ નહિ જઈ શકું. હું ઘરે જ જમીશ. મારું ટીફીન ના કરીશ. એક વ્યક્તિની રસોઈ વધારે કરજે. હું આવીને બધું કહીશ.” બોલતો અંકિત ફટાફટ પૈસા લઇ નીકળી ગયો.

જુલીને ચાર અઠવાડિયા સુધી ડાબા પગ પર વજન રાખીને ચાલવાની ડોકટરે ખાસ સલાહ આપી પગે પ્લાસ્ટર કરી ઘરે રવાના કરી. જુલીને પડેલ દુઃખ અંકિતને કેટલું સુખ આપી રહ્યું હતું તેની કોઈ કલ્પના કરી ના શકે. “તમારા માટે હું ટીફીન આપી જઈશ. ખાવાનાની તમે ચિંતા ના કરતાં. હું બાજુની સોસાયટીમાં જ રહું છું એટલે કોઈ તકલીફ નથી. આપણી મિત્રતામાં એટલું તો હું કરી શકું ને હવે?”

“ પરંતુ તમે આટલું બધું કર્યું છે તે મારા માટે ઘણું છે. બાકી આમ નવા શહેરમાં આટલું જલ્દી કોણ મદદે આવે? મારી એક શાળાની મિત્ર રહેછે પરંતુ થોડી દુર પડે. આજે હું તમારું કહ્યું તમારું માન રાખવા સ્વીકારું છું. તમારો આભાર માનું તેટલો ઓછો છે.”

“જુલી આમ આભાર નો ભાર મારા પર ના નાંખો. આ બંદાને મિત્ર તરીકે સ્વીકાર્યો છે પછી આટલી ફોર્માલીટી ની જરૂર શી? આ નાચીઝને અડધી રાત્રે પણ બોલાવી શકો છો.” અંકિતની જીભ તો જાણે ખાંડની ચાસણી માં ડુબાડી હોય તેવું મીઠું બોલી અંકિત પોતાને ઘરે જવા રવાના થયો.

ઘરે પહોંચી નાહી ને ફ્રેશ થવાનું વિચારી બદનમાં જુલીનો સ્પર્શ મહેસુસ કરતો બાથરૂમમાં ગયો. પાણી શરીર પર પડતું રહ્યું ને મન જુલીના સ્પર્શને ભીંજવતું રહ્યું. બપોરે સમય નક્કી કર્યાં મુજબ ટીફીન આપવા જવાની મનમાં ઉતાવળ જાગી. ખાધું ના ખાધું કરી ટીફીન લઇ જુલીને ત્યાં પહોંચી ગયો. જુલીને ઉઠતાં બેસતાં હજી જરા તકલીફ પડતી હતી. સવારે કામવાળી બાઈની મદદ લઇ નિત્યક્રમ પતાવ્યો હતો. અંકિત જુલીને પલંગની બાજુના ટેબલ ઉપર બધું ગોઠવી જમવાનું આપવામાં મદદ કરવા લાગ્યો. બેઠાં થવામાં જરા તકલીફ પડતાં અંકિતે જોયું એટલે તરત જુલીને ટેકો આપી તેના સ્પર્શનો ચાન્સ લેતાં બોલ્યો, “ ઉભા રહો હું મદદ કરું છું. બે ચાર દિવસ ઉઠતાં બેસતાં અગવડ પડશે પણ થોડો આરામ કરી લેજો તો ઝડપથી દર્દ ઓછું થશે.”

જુલીનો ખોરાક ઓછો હતો એટલે ટીફીન ઘણું વધ્યું. જમ્યા પછી જુલી એ કીધું, “ હવે રાતના તકલીફ ના લેશો મારે આ ખાવાનું ચાલશે.” ફોન નંબરની આપલે તો સવારે થઇ ગઈ હતી એટલે કંઇ પણ કામ હોય તો તુરંત ફોન કરવાની તાકીદ કરી અંકિત જુલીના સ્પર્શનો આનંદ વાગોળતો ઘરે ગયો. મોબાઈલમાં મોર્નિંગ મિત્ર નામે નંબર સેવ કર્યો જેથી મિત્ર સ્ત્રી છે કે પુરષ તેનો ખ્યાલ દર્શનાને ના આવે. રાત્રે ગુડ નાઈટ મેસેજ મુકી આખી રાત જાણે જુલીની સાથે હોય તેમ દર્શનાને પ્રેમ કરતો પણ જુલીને સપનામાં સ્પર્શતો સુઈ રહ્યો.

સવારે એક ફોન કરી અંકિતે જુલીના ખબર પુછી ટીફીન આપી જવાની વાત કરી દર્શનાને પ્રેમથી કહ્યું, “ આજે પણ એક જણનું ટીફીન કરી આપજે. એવું કંઇક બનાવજે કે સાંજે પણ તેને એજ ચાલી જાય. હું ઓફીસ જતાં ટીફીન આપીને જઈશ ને પાછો આવતાં જરા ખબર કાઢીને આવીશ. થોડું ઘરે આવતાં મોડું થશે.”

તૈયાર થતાં ગણગણવા લાગ્યો “ ભૂલ ગયાં સબ કુછ , યાદ નહિ અબ કુછ … જુલી આઈ લવ યુ…” દર્શનાને દરવાજે ઉભા રહી મધ મીઠી કિસ કરી અંકિત ટીફીન લઇ જુલીને ઘરે પહોંચ્યો. જુલીના મીઠાં સ્મિતથી કરેલ સ્વાગતથી અંકિતનો દિવસ આજે સુધરી ગયો. એકલી રહેતી જુલીને પણ અંકિતનો સહેવાસ ગમવા લાગ્યો હોય તેમ તે અંકિતની રાહ જોતી હતી. સવારના અંકિતને ઓફિસનું મોડું થાય એટલે સાંજે શાંતિથી મળવાનું કહી ટીફીન આપી ઉતાવળે અંકિત જતો રહ્યો. ઓફિસમાં બેચાર વાર મેસેજ કરી જુલીના ખબર પુછી લીધાં. સાંજ કયારે પડે તે વિચાર સાથે અંકિતના મોં માંથી વ્હીસલ વાગી ત્યાં સુમીનું ધ્યાન આજે અંકિતના બદલાયેલા વ્યવહાર પર ગયું.

મનમાં થયું આ રોમિયોને પાછી કોઈ મળી લાગે છે. અંકિતના આટલાં અનુભવ પછી સુમી થોડી વધારે સજાગ થઇ હતી. ઓફિસમાં પોતાનું માન જળવાય તે કારણથી હવે અંકિતની બાબતમાં બહુ માથું નહોતી મારતી. ખાલી મનમાં પ્રાર્થના કરતાં બોલી, “ પ્રભુ અંકિતના સકંજામાં પડેલી છોકરીને બચાવજો.”

સાંજે અંકિતના પગ ઓફીસ પછી ઘર તરફ વળવાની જગ્યાએ સીધાં જુલીના ઘર તરફ વળ્યાં. “ દિવસ કેવો ગયો? હું તો ઘરમાં રહી કંટાળી ગઈ. હવે બે દિવસમાં મારી એક સ્કુલ ફ્રેન્ડને મેં અહીં રહેવા બોલાવી છે. પણ ત્યાં સુધી તમારે મને કંપની આપવી પડશે. એને શનિ અને રવિ ઓફિસમાં રજા હોય છે એટલે મને સારું લાગશે. અંકિત મને વિચાર આવે છે કે તમે મને ના મળ્યાં હોત તો મારું શું થાત! અત્યારે સમય લઈને આવ્યાં છો ને? મેં બાઈ પાસે બજારમાંથી ફાફડા ચટણી મંગાવી રાખ્યાં છે. ચાલો સાથે નાસ્તો કરીએ. મેં સવારથી વિચારી રાખ્યું હતું કે આપણે સાથે નાસ્તો કરીશું.” આતો ભાવતું હતું ને વૈદે કીધા જેવું થયું. અંકિતને પણ મનમાં હતું કે જુલી સાથે વધુ સમય વિતાવે તેટલી રોમાંસની પળ વધે. અંકિતે જાણી જોઈ પોતાના ઘરની કોઈ વાત કરી નહતી. જુલીએ રાતના પોતે જમીલે એટલે ખાલી ટીફીન લઈને જવાનો અંકિતને આગ્રહ કર્યો. જેથી એકલાં જમવું ના પડે અને ટીફીન લઇ જઈ શકે.

“ બહુ સ્વાદિષ્ટ ખાવાનું છે. કોણે બનાવ્યું?” જુલીના આ પ્રશ્ન સાથે અંકિત બોલી ઉઠ્યો, “ અરે મેડમ આમ ખાઓ પેડ સે ક્યા મતલબ?” વાક્ય પુરું કરતાં સાથે એક કોળીયો પોતાના હાથમાં લઇ જુલીના મોં માં મુકી દીધો. હસીમજાક માં દર્શના સાવ ભુલાઈ ગઈ. ઘરે રાહ જોતી બેઠી હશે તે વિચાર મોબાઈલ ફોનની ઘંટડી વાગતા આવ્યો. રોમીયોગીરી કરતાં અંકિતના મોં માં જાણે કડવું કરેલું ઘુસી ગયું! સવારે આવશે કહી અંકિત ઘરે પહોંચ્યો ત્યાં દર્શનાનું શરું થયું, “ આવો કયો ભાઈબંધ છે કે આટલો બધો સમય આપો છો?”

“ડાર્લિંગ ઓફીસના કામથી આટલો થાકું ને મારાં મિત્રને ત્યાં એનાં દુઃખમાં થોડો સહારો આપું તેમાં આટલી નારાજ ના થા. મારી મીઠી, ચાલ હવે કકડીને ભૂખ લાગી છે જમવા આપ.” દર્શના માટે તો આટલાં શબ્દ કાફી છે તે અંકિત બરાબર જાણતો હતો. ખાતા ખાતાં પણ નજર તો જુલીનો મેસેજ આવ્યો કે નહિ તે પર ચોંટેલી હતી. રાત કેમ કરી વિતાવી તે અંકિતનું મન જાણે.

“ આજે થોડો વધુ સમય લઈને સાંજે આવજો. મારો સમય પસાર નથી થતો. આપણે બે પત્તાં રમીશું.” જુલીની વાત સાંભળતા અંકિતને થયું ચાલો આજે જરા વધારે મજા કરી લઉં. “ ઓકે આજે જરા વહેલો આવીશ.” મનમાં ગોઠવી લીધું કે ઓફીસના કામે બહાર નીકળશે પછી કોઈ બહાનું બતાવી હાફ ડે કરી નાંખશે. આવો મોકો ક્યારે મળે ને તે છોડાય?

પત્તાં રમતાં જુલીની આંગળીઓ ને સ્પર્શ કરવાનો મોકો થોડો છોડાય! વધારે વહેલાં પહોંચીને જુલીને સરપ્રાઈઝ આપવાં પાછો રસ્તામાંથી સુંદર ગુલછડીના ફુલ ખરીદી પુરેપુરો રોમિયોના સ્વરૂપે જુલીના ઘરે પહોંચે છે. બપોરથી પત્તાનો આનંદ ઉઠાવતાં સાંજ ક્યાં પડી ગઈ તેનો અંકિતને કે જુલીને ખ્યાલ ના આવ્યો.

“ કાલે મારે રજા છે. આખો દિવસ આપણે સાથે વિતાવીશું. તારો પણ સમય જલ્દી પસાર થશે.” જુલીને રાતે મેસેજ કરશે તેમ કહી અંકિત ઘરે પહોંચ્યો ત્યાં દર્શના એ કહ્યું, “ કાલે તમારે રજા છે તો આપણે કોઈ પ્લાન કરીએ. કેટલાં દિવસથી હું બહાર નથી ગઈ.”

“ ડાર્લિંગ, કાલે મારે ઓફિસનો સ્પેશ્યલ ટ્રેનીંગ પ્રોગ્રામ છે. આખા દિવસનું સેશન છે અને બધાએ ફરજીયાત અટેન્ડ કરવાનું છે. મને સવારે વહેલાં ઉઠાડી દેજે.”

સવારે તૈયાર થઇ, પરફ્યુમ છાંટી અંકિત પહોંચ્યો જુલીને ઘરે. “ ગુડ મોર્નીગ… અંકિત. મારી શાળાની ફ્રેન્ડ જે હું તમને કહેતી હતીને તેણે મને કાલે રાતના સરપ્રાઈઝ આપ્યું. આજે તેને રજા હતી તેથી કાલે રાત્રે જ રહેવા આવી ગઈ. મેં કાલે જ તમારા વિષે કહ્યું કે તમે મારું કેટલું ધ્યાન રાખો છો! હમણાં આવશે બાથરૂમ માં છે.”

“ પત્યું રજા ગઈ પાણીમાં.” મનમાં અંકિત બોલી ઉઠ્યો. દરવાજો ખુલતાં અંકિતના મોંમાંથી નીકળી જાય છે,”ઓહ સુમી તું?”

“અંકિત તું? ક્યારે બાજ આવીશ તારી રોમિયોગીરી માંથી? જુલી, તેં મને અંકિતની વાત નહોતી કરી. આ માણસ કેવો છે તેની તને ખબર છે? આપણી બહેનપણી પેલી દર્શનાનો પતિ છે. મિસ્ટર રોમિયો તમારી દાળ અહીં નહિ ગળે. વાત વધે અને દર્શના ને બોલાવું તે પહેલાં ચાલતી પકડો અને હવે ઘરની બૈરી સાચવી લો નહીંતો આ વખતે તમારી ખેર નથી.”

સ્વાતિ શાહ.

(ક્રમશઃ )

This entry was posted in પતંગીયુ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s