મારીયા- પતંગીયુ (૯) રાજુલ કૌશિક

patangiyu

એક ઉલઝનમાંથી બહાર નિકળીને કોઇ એક નવી ઉલઝનમાં ન ફસાય તો એ અંકિત નહીં. અને દાઝ્યા પર ડામ ન દે તો એ સુમી નહીં. કોણ જાણે કયા જનમની એ લેણદેણ હતી કે કયા જનમનું વેર? પણ એક વાત નિશ્ચિત થઈ ગઈ હતી કે ગમે તેટલો ઘરડો થાય પણ વાંદરો ગુંલાટ ખાવાનું ના ભુલે તેમ અંકિતથી પણ દર્શનાને , દર્શનાની લાગણીને અવગણીને પણ હંમેશા કોઇ નવા ગતકડા કે નવા છાનગપતિયા કર્યા વગર રહેવાતું નહીં.થોડા સમય માટે દેખીતો જરૂર ભોળા શંભુ જેવો બની રહેતો પરંતુ મનથી તો એ રાસલીલા રમવા આતુર રહેતો.

છેલ્લે છેલ્લે તો એક હદથી એ નીચે ઉતરી ગયો હતો. કોલગર્લ સાથે સુમીએ એને જોઇ લીધા પછી એ મનથી ફફડતો હતો કે જો સુમીએ આ વખતે દર્શનાને હકીકત જણાવી દીધી તો એ ક્યાંયનો નહી રહે. આ વખતે તો સુમીને અંકિત પર અનહદ ક્રોધ આવી ગયો હતો. એની સખી આવા માણસની પત્નિ હતી? તો એક બાજુ દર્શના પર પણ અનહદ ક્રોધ આવતો. શું જોઇને એ આવા માણસ પાછળ પોતાનું જીવન વેડફી રહી છે ? આટ આટલી વાર રંગે હાથ પકડાયા છતાં એનું મન આ અંકિત નામના પતિ ને હજુ ય પરમેશ્વર માને છે?

અંકિત પણ જેટલી વાર સુમીનો સામનો થયા એટલી વાર અંદરથી ફફડી ઉઠતો. સુમી એની સામે એવી ધારદાર કાતિલ નજરે જોતી અને નજરથી જ જાણ એને ડારો દેતી કે જો હવે સહેજ પણ આડો-અવળો થયો છું તો તારી આ છેલ્લી પોલ મને ખોલતા સહેજ પણ વાર નહીં લાગે. અને એની આ નજરથી જ બચવાનું જાણ અંકિતને સરસ બહાનું મળી ગયું . દર્શનાની છેલ્લી લેડીઝ મીટીંગમાં એવું નક્કી થયું કે દર વખતે માત્ર મીટીંગમાંજ એકબીજાને મળીને છુટા પડીએ છે તેના બદલે આ વખતે પતિદેવો સાથે થોડા દિવસ બહારગામનો પ્લાન કરવો.

દર્શનાને એવું હતું કે અંકિતને મનાવવા કેટલીય મિન્નતો કરવી પડશે અને ઓફિસનું- ઓફિસના કામનું બહાનું કાઢીને અંકિત એ સૌની સાથે આવવા તૈયાર નહીં થાય પણ દર્શનાના આશ્ચર્ય વચ્ચે અંકિતે પળવારમાં ગોવા જવાની હા પાડી દીધી. દર્શના તો રાજીના રેડ.

આ દસ દિવસ તો અંકિત એની નજર સામે રહેશે અને પોતે સુમી સામે વટથી ઉભી રહી શક્શે.૧૦ કપલ આરામથી બેસી શકે એવી ગણતરીથી મીની કોચ કરી લીધો હતો. સાથે રહીને આરામથી ,આનંદથી સફર માણવી હતી એવો સૌનો હેતુ હતો.

અંજુના બીચ પરના સ્પાઝિયો લેઝર રિઝોર્ટમાં બુકિંગ હતું. સરસ મઝાના લક્ઝરી રૂમ. દરેક રૂમને પોતાની બાલ્કની હતી અને એ બાલ્કનીમાં સહેજ બહાર આવો એટલે સામે જ સ્વીમિંગ પૂલ. વાહ! આ તો સોનામાં સુગંધ.. પ્રાકૃતિક સૌંદર્યની સાથે લટકાળી લલનાઓના સૌંદર્યનું આકંઠ પાન કરવાનું અંકિત ચૂકે ખરો?

ધીમે ધીમે અંકિત રંગમાં આવતો જતો હતો. આમ પણ અજાણ્યાને પણ હેલ્લો –હાય કરવાનું એને ગમતું. જો કોઇ જરા સ્માઇલ આપે તો બસ પછી તો આગળ વાત કેવી રીતે વધારવી એ એના ડાબા હાથની રમત હતી. દર્શનાના ગૃપમાં એની મસ્તીભરી વાતોથી એ થોડો છવાયેલો પણ રહેતો. એને દરેક સાથે વાતો કરવી ગમતી અને એમાં ય જ્યારે દર્શનાની સખી એકલી મળે ત્યારે તો એ જરા વધુ વચાળ બની જતો. ફ્લેટર કરવાની એની આદતથી એ કોઇને પણ પળવારમાં પોતાના કરી લેતો. અને કઈ સ્ત્રીને ખુશામત ન ગમે ? પરંતુ આ ગૃપમાં પતિદેવો ની હાજરી અંકિત માટે લક્ષ્મણ રેખા સમાન હતી. એટલે એ જરા મર્યાદામાં રહીને વાત કરતો.

ગોવાનો મનોરમ્ય બીચ. ચારેબાજુ ઝુલતા તાડના અને ખજૂરીના ઝાડ અને દુનિયાની પરવા કર્યા વગર, કોઇ જાતની છોછ રાખ્યા વગર અર્ધ વસ્ત્રોમાં સનબાથ લેવા બીચ પર ગોઠવાયેલા સહેલાણીઓ…..

ઉલ્લાલા ! અંકિતના મોં થી વ્હિસલ નિકળી જતી. ભલેને દર્શના સારી જ દેખાય છે પણ આવી તો નહીં જ. એ ક્યાં આવી રીતે મારી સાથે આટલા ટુંકા કપડામાં, આવી રીતે મને વળગીને આમ ખુલ્લે આમ મને પ્રેમ કરી શકવાની હતી?

ગોવાના આ રોકાણ દરમ્યાન સાંજના ડીનર સમયે જ બીજા દિવસનો પ્લાન નક્કી થઈ જતો. અને સવારે દસ વાગ્યે હેવી બ્રેક ફાસ્ટ કરીને સૌ સાઇટ સીન માટે નિકળી જતા. અંકિતે એક ડગલું આગળ વધીને મનમાની કરવા માંડી. એ સવારે વહેલો ઉઠી જતો. અરેબિયન ઓશન પર પથરાયેલા અંજુના બીચ પર પથરાયેલી ટુ પીસ બિકિનીમાં સનબાથ લેતી હરિયાળીને જોઇને આંખને ઠંડક આપવાનું એ કેમ ચૂકે?

 

આજની સવાર તો વળી અંકિત માટે જરા વધુ પડતી જ ખુશનુમા હતી. બીચ પર જરાતરા આગળ વધ્યો ત્યાં હીપ્પી જેવી દેખાતી તરૂણીને સનબાથ લેતી જોઇ.એ પણ બે દિવસથી અંકિતને જોતી હતી. આજે સ્માઇલ આપીને અંકિત જરા આગળ વધ્યો ત્યાં તો ‘ગુડ મોર્નિંગ’નો ટહુકો સંભળાયો. પગ પર તો જાણે સજ્જડ બ્રેક લાગી ગઈ. હવે તો એક ડગલું પણ આગળ વધે તો એ અંકિત શેનો ?

‘ગુડ મોર્નિંગ’ વળતો જવાબ આપીને એ ત્યાં જ ખોડાઇ ગયો. આછા ગુલાબી કલરના સ્વીમ સુટમાં એ ફિરંગી જેવી દેખાતી છોકરી સાચે જ સોહામણી લાગતી હતી.

‘ હાય હેન્ડસમ”….. અને અંકિત તો પાણી –પાણી. “ આઇ એમ મારિયા”

“ હાય સ્વીટી , …માય નેમ ઇઝ અંકિત!”

અને એણે શેકહેન્ડ કરવા હાથ લંબાવ્યો. મારિયાએ પણ અંકિતનો હાથ ઉમળકાથી પકડી લીધો. અને બસ અંકિત પણ ત્યાંજ અટકી ગયો.. સવારના જોગીંગનો પુરેપુરો સમય મારિયા સાથે વાતોમાં ક્યાં પસાર થઈ ગયો એનું ય એને ભાન ના રહ્યું. દર્શનાનો ફોન આવ્યો અને એના રંગમાં ભંગ પડ્યો. બધા રાહ જોતા હતા એટલે ના છૂટકે મારિયાથી છુટા પડવું પડ્યુ પણ બીજા દિવસે સવારે મળવાનું નક્કી કરી લીધું.

આખો દિવસ ગોવાના સાઇટ સીનમાંથી પણ એનો રસ ઉડી ગયો. સરસ મઝાના નકશીકામથી શોભતા ભવ્ય ચર્ચ પણ એને પ્રાણ વગરના માત્ર ઇમારત જેવા લાગવા માંડ્યા. પરાણે દિવસ પુરો થયો અને સાંજ પડે રિઝોર્ટ પહોંચીને ડીનર લઈને એ સીધો રૂમ પર સુવા જતો રહ્યો.

થોડીવારે દર્શના પણ રૂમ પર આવી. સવારથી અંકિતનો મુડ ઓફ જોયો હતો પણ અંકિતને ચર્ચમાં રસ નહીં હોય એમ માનીને ખાસ નોંધ ના લીધી. એને તો આ ગોવાના દિવસો પુરેપુરા માણી લેવા હતા.

“ અંકિત, કેમ વહેલો વહેલો ઉપર આવી ગયો? દર્શનાએ વ્હાલથી એને મુડ ઠીક કરવા પુછ્યું. “મને ખબર છે તને હિસ્ટોરીકલ પ્લેસ જોવામાં ઝાઝો રસ નથી એટલે જ તું કંટાળી ગયો ને?”

હાંશ ! અંકિતને થયું લપ ટળી નહીંતો દર્શના ને શું જવાબ આપત ? આ તો સવાલ પણ દર્શનાએ પૂછ્યો અને જવાબ પણ એણે જ આપી દીધો.

“જો દર્શુ , ક્યારેક દર્શનાને લાડથી એ દર્શુ કહેતો. એમાં ય જ્યારે પોતાના લાભની વાત હોય ત્યારે તો ખાસ. “ કાલે પણ આવા જ ચર્ચ અને હિસ્ટોરિકલ પ્લેસની મુલાકાત હોય તો પ્લીઝ મને માફ કરી દે જે. મારે નથી જોડાવું એમાં.”

“ પણ એકલો એકલો કરીશ શું તું ? એવું હોય હું પણ એમની સાથે નહીં જઉ.”

“ ના , ના એવું કરવાની જરાય જરૂર નથી. તને ક્યાં વારંવાર આવી રીતે બહાર નિકળવાનો ચાન્સ મળશે? પ્લીઝ મારા માટે તું તારો દિવસ ના ગુમાવતી.”

“ કાલની વાત કાલે કહીને દર્શનાએ વાત ટુંકાવી. ક્વિક શાવર લઈને નાઇટ ડ્રેસ પહેરીને એ બહાર આવી ત્યારે અંકિત ઘસઘસાટ ઉંઘી ગયો હતો. દર્શનાએ વ્હાલથી એના માથામાં આંગળીઓથી મસાજ કર્યું અને હળવેથી એની બાજુમાં લપાઇ ગઈ.

ઉફ ! ક્યાં આ સુસ્ત શરીર ધરાવતી દેશી દર્શના અને ક્યાં ચુસ્ત બદન, ચમકતો  ચહેરો અને ચળકતી આંખો વાળી મારિયા ! અંકિત જરાય ઉંઘી ગયો નહોતો. એને તો મનોમન મારિયા નો સંગ માણવો હતો. એને જાગતો જુવે તો એની પાસે દર્શના કશીક અપેક્ષા રાખે પણ અત્યારે એને દર્શનામાં કે એની સાથે સમય પસાર કરવામાં જરાય રસ નહોતો.

સવાર પડે એની રાહ જોતા જોતા પડખા ઘસીને રાત માંડ પુરી કરી. સૂર્યનું પહેલું કિરણ હજુ તો અંજુના બીચના ભુરા પાણી પર રેલાઇને ગોવાને ઉજાળે એ પહેલા જ અંકિત ઉઠી ગયો. બાજુમાં ઘસઘસાટ ઉંઘતી દર્શના તરફ નજર કરીને એ ફટાફટ બાથરૂમમાં ઘુસી ગયો. રોજ કરતાં તૈયાર થવામાં જરા વધુ સમય આપ્યો. ક્લિન શેવ કરીને, આફ્ટર શેવનું હળવું સ્પ્રે કરીને પોતાનો ચમકતો ચહેરો જોઇને મલકી લીધુ વ્હાઇટ ટી શર્ટ, બ્લ્યુ ડેનિમની શોર્ટ અને નાઇકના સ્પોર્ટ્સ શુઝ પહેરીને એ નિકળ્યો ત્યારે એ પોતાની જાત પર ખુશ થઈ ગયો. . “વાહ! અંકિત સ્માર્ટ તો તું લાગે જ છે.” જાતને કોમ્પ્લિમેન્ટ પણ આપવાનું ના ચૂક્યો.

અધીરી ચાલ પણ દબાતા પગલે એ રૂમની બહાર નિકળ્યો અને કોરિડોર વટાવીને તો લગભગ દોટ મુકી હોય એવી તેજ ગતિ પકડી લીધી. બીચ તરફ આગળ વધ્યો પણ આ શું ? મારિયા દેખાઇ નહીં. જેના માટે આટલી ઉત્સુકતા હતી એ જ નહોતી. પળવારમાં એનો ચહેરો કરમાઇ ગયો. ઉગતી ઉજળી સવાર પણ ઝાંખી લાગવા માંડી. નિરાશાના લીધે ચાલ પણ ધીમી પડી ગઇ.

ધીમી ચાલે એ આગળ વધ્યો પણ પગલામાં રહેલું જોમ તો ઓસરી જ ગયું. અત્યારે સવારમાં આજુબાજુ વસ્તી પણ ઘણી ઓછી હતી. ક્યાંથી હોય? સનબાથ લેવાનો ય એક સમય તો હોય ને? આ તો ભઈને મારિયાને મળવાની એટલી તાલાવેલી લાગી હતી કે ઘડીયાળમાં સમય પણ જોવાનું ચૂકી ગયા હતા. થોડે આગળ ગયા પછી જાણે કોઇ કલ્પનાતિત નજારો જોતો હોય એમ એ આભો બની ગયો. સાગરમાંથી કોઇ જળપરી પ્રગટ થઈ હોય એમ આછા નારંગી રંગના ટુ પીસ બેધીંગ કસ્ચ્યુમમાં મારિયા બહાર આવતી દેખાઇ. સદ્યસ્નાતા મારિયાના સોનેરી વાળમાંથી પાણી ટપકતું હતું. ભીના વાન પર કોસ્ચ્યુમ ચોંટીને તો ઉપરથી એના શરીરના વળાંકો વધુ સ્પષ્ટ થતા હતા.

ઉલ્લાલા ! ફરી એકવાર અંકિત થી વ્હિસલ નિકળી ગઈ. દૂરથી દેખાતી મારિયાને જોઇએ એ એટલો તો ઉત્તેજીત થઈ ગયો કે એનું ચાલે તો એ દોડીને મારિયાને વળગી જ પડે. નજીક આવતા મારિયા પણ અંકિતને જોઇને જાણે અત્યંત ખુશ થઈ ગઈ હોય એમ સ્માઇલ આપ્યુ.

“ હાય હેન્ડસમ” કહેતા એણે એના લાંબા કર્લી પાણી નિતરતા વાળનો જથ્થો ઝાટકીને બે હાથે પકડીને ઉંચો બાંધી દીધો. આમ કરવામાં એના ઉંચા ખેંચાયેલા હાથના લીધે તંગ પણછ જેવા શરીર પર અંકિત મોહી પડ્યો.

“ ઓ માય ગોડ, મારિયા, આઇ હેવ’ન્ટ એક્સપેક્ટ યુ સો અર્લી…. જાણે મારિયાને જોઇને આશ્ચર્ય થયું હોય એવા હાવભાવ લાવીને એ બોલ્યો.

“ બટ સો હેપ્પી ટુ સી યુ. .તું તારી ફિટનેસ માટે એકદમ કોન્શિયસ લાગે છે. એન્ડ ધેટ્સ કીપ યુ સો ફિટ. રાઇટ મારિયા?”

અને બસ પછી તો સાથે ચાલતા ચાલતા કેટલાય ખુશામતભર્યા શબ્દોથી એને વધુ નવડાવી દીધી. મારિયાને પણ મઝા પડતી હતી. એ ય સમજતી હતી કે આ તો બધા વાત લાંબી ચલાવવાના બહાના છે પણ ખુશામત તો ખુદાને પણ પ્યારી છે તો મારિયાને કેમ નહીં?

“આજે શું કરે છે મારિયા?”

આટલા વખતની વાતો પછી સાચુ ખોટું તો રામ જાણે પણ અંકિતે એટલું તો જાણી લીધું હતું કે મારિયા અહીંની ગોવાની જ નિવાસી છે. ભણે છે અને સાથે જીવન ગુજારા માટે જોબ કરે છે. ધીમે ધીમે ખુલતા જતા અંકિતે મારિયાને પોતાની સાથે લંચ લેવા નિમંત્રણ આપી દીધું.

“ નાઉ નોટ સે નો મારિયા.. આજે તો રવિવાર છે એટલે કોલેજ પણ નથી અને જોબ પણ. અને બે દિવસ પછી તો અમે પણ નિકળી જઈશું સો લેટ્સ હેવ લંચ ટુ ગેધર..”

મારિયાને તો ભાવતું હતું અને વૈદે કીધું જેવો ઘાટ હતો. થોડી આનાકાની અને વધુ આગ્રહ પછી એણે અંકિતની સ્પાઝિયો લેઝર રિઝોર્ટ પર લંચ લેવાની હા પાડી દીધી.

દર્શના સાથે આગલા દિવસે વાત થઈ ગઈ હતી એટલે ફરી એકવાર હિસ્ટોરિક પ્લેસની મુલાકાત માટે અંકિતને આગ્રહ ના કર્યો. જો કે દર્શનાએ પણ પોતે હોટલ પર જ રોકાઇ જવાની પુરેપુરી તૈયારી દર્શાવી. પણ એવું થાય તો મારિયા સાથે નક્કી કરેલા લંચના પ્રોગ્રામનું શું ? અંકિતે દર્શનાને મનાવી લીધી.

“ દર્શુ ડીયર…મારા માટે તું તારો દિવસ શા માટે વેડફે છે? તને તો ઇતિહાસમાં અને ઐતિહાસિક દરેક બાબતોમાં રસ પડે છે..અને જો ને બપોરે તમે આ બાજુ તરફ આવવાના થશો ત્યારે હું ટેક્સી કરીને પણ તમારી સાથે જોડાઇ જઇશ..પ્રોમિસ” અને દર્શુ માની ગઈ..

આહા… અંકિતલાલા તો ખુશ ખુશ. ક્યારે બધા હેવી બ્રેકફાસ્ટ કરીને નિકળે અને ક્યારે મારિયા આવે એની અધીરાઇમાં તો એણે ઝટપટ નાસ્તો કરી લીધો અને રૂમ પર આવી ગયો.. મીની કોચને રિઝોર્ટમાંથી નિકળતા જોઇને એ સીધો શાવરમાં ઘુસી ગયો. બબલબાથ લઈને ફ્રેશ થઈ ગયો. કૉલનનો સ્પ્રે મારીને વધુ ફ્રેશ દેખાવાનો એક વધુ આયાસ કરી લીધો. ડાર્ક બ્લેક જીન્સ પર પોલોનું ટી-શર્ટ પહેરીને જાત પર મોહી પડેલા અકિંતે રૂમ સરખો કરવા માંડ્યો. સવારથી ઉઠીને અસ્ત-વ્યસ્ત આમ-તેમ વિખરાયેલા કપડા સમેટીને વોર્ડરોબમાં ગોઠવી દીધા. સર્વીસ બૉયને બોલાવીને સરસ મઝાનો ફ્રેશ ફ્લાવરનો બુકે મંગાવીને સેન્ટ ટિપોઇ પર ગોઠવી દીધો. સવારનો આ દસ વાગ્યાથી બાર વાગ્યા સુધીનો બે કલાકનો સમય એને બે વરસ જેટલો લાંબો લાગવા માંડ્યો.

થોડીવારમાં જ એના અંતરમાં વાગતી ઘંટડી જેવો રૂમ-બેલ સંભળાયો. જરાય અધીરાઇ ન દેખાય એવી રીતે પોતાની અધીરાઇ છુપાવતા એણે રૂમનું બારણું ખોલ્યું સામે માઇક્રો મીની સ્કર્ટ અને ટાઇટ બ્લાઉઝમાં ઉભેલી મારિયા વધુ મારકણી લાગતી હતી. હાથમાં પકડેલી સરસ મઝાની ગિફ્ટ બેગમાં રહેલી વાઇનની બોટલ એણે અંકિતના હાથમાં થમાવી દીધી. એમ કરતાં એના નાજુક આંગળાનો સ્પર્શ થતાં અંકિતના રોમેરોમ રણઝણી ઉઠ્યા.

“ આવી ફોર્માલિટીની શી જરૂર હતી મારિયા ?” કહેતા જાણે એને રોકતો હોય એમ એનો હાથ પકડી લીધો.

“ફોર્માલિટી નથી. તું સરસ મઝાનું લંચ ઓફર કરે અને હું આપણી મુલાકાતના માનમાં વાઇન તો ખોલી જ શકું ને?” કહીને મારિયા અંકિતની વધુ નજીક સરી. આ તો જાણે દોડવું હતું ને ઢાળ મળ્યા જેવો ઘાટ થયો. અંકિત તો આ ક્ષણની જ રાહ જોતો હતો. બંને જણ આરામથી સોફા પર ગોઠવાયા. મારિયાને પુછીને એને લંચ માટે રૂમ સર્વિસનો ઓર્ડર આપી દીધો. વાઇનના ગ્લાસ ભરીને ચિયર્સ કર્યું અને હોઠે ગ્લાસ માંડ્યા. થોડીવારમાં સર્વીસ બૉય ઓર્ડર મુજબ લંચની ટ્રોલી મુકી ગયો. હળવે હળવે વાતો આગળ ચાલતી રહી અને સોફા પર બેઠેલા બંને વચ્ચે ધીમે ધીમે અંતર ઘટતું ગયું.

“ લેટ્સ હેવ સેલ્ફી મારિયા” કહીને અંકિત મારિયાની વધુ નજીક સર્યો. મારિયા પણ ખુશ થઈને સેલફોનમાં બંને સમાય એવી રીતે અંકિત તરફ ઢળી.

ખટાક…. અવાજ સાથે બારણું ખુલ્યુ અને સામે ઉભેલી દર્શના દેખાઇ. રૂમની કી જેવું કાર્ડ તો બંને પાસે હોય એટલે દર્શનાને રૂમ નૉક કરવાની જરૂર નહોતી.

રિઝોર્ટ છોડીને થોડે આગળ વધેલા કોચમાં કંઇક પ્રોબ્લેમ થયો અને બે- ત્રણ કલાક સુધી કોઇ જગ્યાએ જઈ શકાય એવો અવકાશ ન દેખાતા સૌ ટેક્સીઓ કરીને રિઝોર્ટ પર પાછા વળ્યા.અને ગોવાના ઇતિહાસના બદલે મારિયા નામની સુંદરીની ભૂગોળમાં રસ લેતો અંકિત દર્શનાના હાથે રંગે હાથ પકડાઇ ગયો.

સ્તબ્ધ બનેલા અંકિત પાસે દર્શનાના રૌદ્ર સ્વરૂપ અને ભોંઠી પડેલી મારિયાના મોં સામે વકાસીને જોવા સીવાય કોઇ વિકલ્પ જ નહોતો. દર વખતે તો અંકિતની રાસલીલાના પુરાવા સુમીના હાથે ચઢતા પણ આ વખતે તો ભમરાળી વૃત્તિના અંકિત નામના ભમરાને દર્શનાએ જ રંગે હાથ પકડ્યો હતો. અંકિત ન તો દર્શનાને આવવાનું કહી શકતો શકતો કે ન તો મારિયાને જવાનું કહી શકતો હતો. કારણ કે એને સો ટકા ખાતરી હતી કે હવે પછીની આવનારે પળો એના માટે કેવી હશે.. 

 

Advertisements
This entry was posted in પતંગીયુ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.