ઋણાનુબંધ (૧૪) વલોપાત –પ્રભુલાલ ટાટારિઆ”ધુફારી”

       નિત્યક્રમ મુજબ અમુલખ જયારે યોગમાં બેઠો ત્યારે ઘણા દિવસ પછી ધ્યાન સમાધી લાગી ગઇ અને એકાએક તેને અંતરના ઊંડાણમાંથી સંદેશો મળવા લાગ્યો કે,અમુલખ તારો મહાપ્રયાણનો સમય પાકી ગયો છે.સમાધી ભંગ થતા તેણે આંખ ખોલી જોયું તો સાકર તેના જાગવાની રાહ જોતી બેઠી હતી એણે પુછયું

‘અમુલખ ચ્હા લાવુંને…?’

‘હા તારી પણ લાવજે આપણે બાલ્કનીમાં બેસી સાથે પીસુ…’કહી અમુલખ હસ્યો

             અમુલખના કહ્યા મુજબ સાકર બે કપ લાવી.સવાર ખુશનુમા હતી.શીતળ પવનનો વાયરો બંનેના અંગને વિટળાયો એ માણતા બંને સાથે ચ્હા પીધી..બે ઘડી એમ જ બેસી સાકર રૂમમાં જઇ સિગારેટનું પાકિટ અને લાઇટર લાવી અમુલખને પકડાવ્યા તો અમુલખ મલક્યો.તેના જવાબમાં ખાલી વાસણ ઉપાડતા સાકર મલકીને જતી રહી.સિગારેટનું ઠુંઠુ રસ્તા પર ફેંકી બાલ્કનીમાંની ઇઝીચેરમાંથી ઊભા થવા જતા અમુલખને લાગ્યું કે,તેના પગ જાણે શરીરનો ભાર ઉપાડવા અસમર્થ છે.બાલ્કનીનો કઠોડો પકડી અમુલખ માંડ ઊભો થયો અને દિવાલના ટેકે રૂમમાં દાખલ થયો.પલંગ સુધી જતા ટિપોય પર મુકેલ પિતળના ફ્લાવર વાઝને હાથ લાગતા એ પડયો એનો અવાઝ સાંભળી સફાળી સાકર અમુલખના રૂમમાં દોડી અને અડબડિયું ખાઇ પલંગ પર ધબ દઇ બેસતા અનુલખને જોઇ એની ચીસ નીકળી ગઇ અ..મુ..લ..ખ.. એ સાંભળી મહેશ અને માલતી દોડયા અને અમુલખને પથારીમાં જોઇ મહેશે પુછયું

‘મમ્મી શું થયું પપ્પાને…?’

‘એ વાત પછી પહેલા ડોકટર પરિમલને બોલાવ…’જરા કડક અવાઝમાં સાકરે કહ્યું

         આંખો મીચીને સુતેલા અમુલખ પાસે બેસી સાકર અમુલખના વાળમાં આંગળા ફેરવતી હતી.ડોકટર પરિમલે અમુલખને ચેક કરી એક ઇન્જેક્શન આપ્યું તો અમુલખે આંખ ખોલી જોયું

‘પરિમલ તું…?’બાજુમાં ઊભેલા મહેશ માલતી અને સાકરને જોઇ અમુલખ મલકયો

‘ડોકટર શું થયું છે એમને…?’સાકરે ચિંતીત સ્વરે પુછયું

‘હાં…તો મણિયાર જવાબ આપ આ કેમ અને શું થયું…?’ડોકટર પરિમલ પુછયું

‘અરે..કંઇ નહીં રે યાર બાલ્કનીમાંથી આવતા પગમાં ખાલી ચઢી ગયેલી તેથી અડબડિયું ખાઇ ગયો.એવું ક્યારેક થાય તેમાં આ સાકરે નાહકનો હોબાળો કર્યો..’કહી અમુલખ હસ્યો તો સાકરે એક ધારદાર નજરથી જોયું જાણે કહેતી હોય કે,અમુલખ શા માટે જૂઠુ બોલો છે.  

‘જનરલી આમ જયારે અશક્તિ વધી જાય ત્યારે થાય.બેટર છે કે મણિયાર તું પુરતો આરામ કર…’કહી ડોકટર પરિમલે દવા લખી મહેશને આપતા કહ્યું

‘આ એક અઠવાડિયાનો કોર્સ છે જોઇએ શું ફરક પડે છે નહીંતર મારા ક્લિનીકમાં એડમિટ કરીશું ..’સાંભળી અમુલખ હસ્યો એ બધાને શું કહે કે,તેનો અંત નજીક છે.

         બે દિવસ પછી અમુલખે ધનંજયને ફોન કરી મળી જવા બોલાવ્યો. દવાઓ લેવા બહાર આવેલા મહેશે ધનંજય અને ઘનશ્યામને અમુલખની લથડેલી તબિયતના સમાચાર આપ્યા તો બંને અમુલખને મળવા આવ્યા.

   ધનંજયની લાંબા સમયથી તેના મનમાં ધરબાયલી તાલાવેલી કે અમુલખે તેને ઋણાનું બંધ જેવી અન્ય વાર્તા લખવાની ના શા માટે પાડી..? અમુલખની બોલવાની ઇચ્છા ન હોય તો પરાણે તેના પાસેથી એક શબ્દ પણ સાંભળવા ન મળે એ ઘનશ્યામે કરેલી વાતથી સારી રીતે માહિતગાર ધનંજયે એ બાબત તેને ફરી કદી પુછયું ન હતું.આજે એજ વાત જાણવાની ઘડી આવી ગઇ અમુલખે તેને એ વાત કરવા બોલાવ્યો હશે એમ ધારી એ અમુલખને મળવા આવ્યો.યદુરામ અને સાકર સામસામે બેસી ચ્હા પીતા હતા તેમને પુછયું

‘કમલો જાગે છે કે સુતો છે…?’

‘અમુલખ તો તમારી જ રાહ જોય છે…’કહી સાકર અમુલખના રૂમ તરફ જવા લાગી તો ધનંજય એની પાછળ ગયો તો ધનંજયનો અવાઝ સાંભળીને મહેશ અને માલતી પણ અમુલખના રૂમમાં આવ્યા.

         બધા રૂમમાં આવ્યા ત્યારે અમુલખની આંખ મિચાયેલી હતી.ધનંજયે સાકર સામે જોયું તો સાકરે અમુલખના ખભે હાથ મૂકી કહ્યું

‘અમુલખ DB તમને મળવા આવ્યા..’

‘કમલા તારી તબિયત કેમ છે..?’ધનંજયે પુછયું

       ધનંજયનો અવાઝ સાંભળી અમુલખે પથારીમાં બેઠો થવાનો પ્રયત્ન કર્યો તો સાકરે તેનો હાથ પકડી પીઠ પાછળ બીજા હાથનો ટેકો આપી ઓશિકાના આધારે બેસાડયો.તો ધનંજયે એક ખુરશી ખેંચી તેની નજીક બેઠો અને બંને વચ્ચે કંઇ સંવાદ થાય તે પહેલા યદુરામ ચ્હા લઇ આવ્યો.સાકરે એક કપ ચ્હાનો ધનંજયને પકડાવ્યો અને અમુલખના બિછાના પર એક ટિપોય મુકી બીજો કપ તેના પર મૂક્યો એ જોઇ અમુલખ હસ્યો.બીજા બે કપ મહેશ અને માલતીએ લીધા તો રૂમમાં દાખલ થતા ઘનશ્યામે પુછયું

‘તો મારી ચ્હા કયાં..?’સાંભળી અમુલખ હસ્યા તો યુદુરામે કહ્યું

‘તમારી ચ્હા રસોડામાં તમારી રાહ જોય છે તે લઇ આવું છું…’કહી હસતા યદુરામે ચ્હા લાવી આપી.

     બધા એક બીજા સામે જોતા સૌએ ચ્હા પીધી અને ધનંજયે હોઠમાં બે સિગારેટ દબાવીને સાથે સળગાવીને એક અમુલખને આપી.લાઇટર અને પાકિટ ઘનશ્યામને પકડાવ્યા,

‘હાં તો બોલ કમલા તું શું કહેવા માંગે છે…?’સિગારેટનો એક ઊંડો કશ લઇ ધુવાણાનો ગોટો છોડતા ધનંજયે પુછયું

‘તને યાદ છે જયલા તેં બીજી ફિલ્મ બનાવવા બીજી વાર્તા લખવાનું મને કહેલું…?’

હા ત્યારે તેં કહેલું ‘ઋણાનુબંધ’ ફરી ફરી નથી લખાતી ને મને ઇચ્છા પણ નથી…બસ જે હતી પુરી થઇ ગઇ.મેં પુછેલું મતલબ….?તો તેં કહેલું સમય આવે તને મતલબ પણ સમજાવીશ…તો હવે એ મતલબ પર અટકેલા પ્રશ્નનો ઉત્તર આપ’કહી ધનંજયે કે ઊંડો કશ લઇ સિગારેટ એશ ટ્રેમાં મૂકી   

‘મેં મારા પુત્ર સંજયને પેટે પાટા બાંધીને ભણાવ્યો એ ભણતર દરમ્યાન તેની દરેક ઇચ્છા મેં પૂરી કરી.તેણે જીદ કરી કે તે સિમલા ભણવા જવા માંગે છે.મેં તેને સિમલામાં એડ્મિશન લઇ આપ્યું.તેની રહેવા કરવાની જમવાની બધી સગવડની વ્યવસ્થા સુપેરે ગોઠવી આપી .એ બધુ કરવા માટે બેન્કમાંથી એક મહિનાની લીવ વિધાઉટ પે લઇ હું સિમલામાં રોકાયો.બધુ બરાબર છે હવે સંજયને કશી તકલીફ નહીં પડે એ વાતની ધરપત સાથે પાછો આવ્યો અને નોકરી પર લાગી ગયો.આ બધુ ગોઠવતા જે બચત હતી એ તો વપરાઇ ગઇ સાથે એક મહિનાનો પગાર ન મળવાનો ગાબળો પડી ગયો.સંજયને નિયમીત પૈસા મળતા રહે એ વ્યવસ્થા કરવા માટે હું બેન્કમાંથી પગાર સામે એડવાન્સ લેતો હતો.જે ઘરમાં રોજ લીલા શાકભાજી થતા હતા ત્યાં કચુંબરથી અને દાળના બદલે કઠોળનું રસાવાળું શાક અથવા કઢી એવું કરી મારી જમના ઘણી કરકસર કરી ગાડું ગબડાવતી હતી,એ આશાએ કેં સંજય ભણે છે ત્યાં સુધી તકલીફ છે એ ભણી રહેશે અને નોકરીએ લાગશે તો બધી વિટંબણાઓનો અંત આવી જશે.

           સંજય ભણી રહ્યો અને ખરેખર તેને એક મોટી કંપનીમાં નોકરી મળી ગઇ.સુખના દિવસોનું સુપ્રભાત ઉગ્યું અને એક દિવસ સંજયે મને કહ્યું પપ્પા આખી જીંદગી બહુ વેઠ કરી હવે હું કમાઉ છું તમારે નોકરી કરવાની જરૂર નથી અને એક કાળ ચોઘડિયામાં મેં નોકરીમાંથી રાજીનામું આપી દીધું.એક સાધારણ કુટુંબની દીકરી અમલા સાથે મેં સંજયના લગ્ન ધામધુમથી કરાવી આપ્યા.બંને ખુશખુશાલ હનીમુન પર ગયા અને ૧૫ દહાડા ફરીને પાછા આવી ગયા.આ દરમ્યાન મેં બચાવેલા લીવ –પે અને ગ્રેચ્યુએટીના પૈસાનું તળિયું દેખાઇ ગયું.જમના બહુ ખુશ હતી કે તેને ભગવાને દીકરી નહોતી આપી તેની કસર દીકરી જેવી પુત્ર વધુ આપીને પુરી કરી દીધી.

         જમનાએ અમલાને કહેલું તું ભણતી હતી એટલે તને બધા કામ ન આવડે એ સ્વાભાવિક છે પણ તું ફિકર નહીં કર હું છુંને તને બધું શિખવાડી દઇશ.શરૂઆતમાં અમલા જમના પાસેથી બધુ ધ્યાન દઇને શિખવા લાગી.જમના જ્યારે બઝારમાં જાય ત્યારે કોઇ સારી ચીજ દેખાય તો અમલા માટે જરૂર લઇ આવે અને ખુશ ખુશાલ એને આપે.અમલા સાડી નહોતી પહેરતી અને જમનાએ આગ્રહ પણ ન રાખ્યો એટલે એ ડ્રેસ જ પહેરતી હતી.એક દિવસ કોઇ દુકાન પર લટકતા સુંદર ડ્રેસ પર જમનાની નજર પડી તો એ અમલા પર શોભસે એમ માની એ લઇ આવી.

       જમના ઘેર આવી ત્યારે સંજય અને અમલા બંને સોફા પર બેસી તરબુચ ખાતા હતા.જમનાએ અમલાને કહ્યું જો બેટા તારો મન ગમતાઅ કલરનો ડ્રેસ છે એ તારા પર બહુ શોભશે શું કેશ સંજય..? અને સંજય કંઇ જવાબ આપે તે પહેલા જ અમલા ગરજી મમ્મી તમે આમ વારંવાર ભેટના બહાને ખોટા ખરચા ન કરો પૈસા તો અમારા જ વપરાય છે ને..? આ સાંભળી જમના હેબતાઇ ગઇ પણ ગમ ખાઇ ગઇ.આમ અમલાના વર્તનમાં ફરક પડવાની શરૂઆત થઇ.

         સંજયનું પ્રોમોશન થયું અને અમલાને પણ સારી નોકરી મળી ગઇ.ઘરમાં હવે પૈસાની રેલમછેલ હતી ઘરમાં અવનવી વાનગીઓ બનતી.સરસ નાસ્તા ઘરમાં ઓછા બનતા પણ બહારથી પડિકા આવતા.વર્ષોથી ને ઘરમાં સતત પૈસાની ખેંચ વર્તાતી હતી એનો અંત આવી ગયો એ જોઇ હું ખુશ થતો.એક વખત મેં જમનાને કહ્યું પણ હતું કે,જોયું રાણી હું નહોતો કહેતો ધીરજના ફળ મીઠા હોય છે એ સાબિત થઇ ગયુંને? ત્યારે હું ખુશ ખુશાલ હતો પણ જમનાના ચહેરા પરની ચિંતાની રેખા મને ન દેખાઇ અને સાસુ વહુ વચ્ચે થતા ટકરાવથી પણ હું અજાણ હતો.જમનાએ ન તો કદી સંજયને ફરિયાદ કરી કે ન મને વાત કરી પણ અંદર જ હિજરાયા કરતી હતી.મારા ધણીના પૈસા વપરાય છે એવા મોહવશ એક દિવસ જમનાને સંભળવતા અમલાએ સંજયને કહ્યું આપણે અલગ રહીએ તો જ બચત થાય એવો નઠારો પ્રસ્તાવ સંજય સામે મુક્યો અને એ બૈરીનો ગુલામ એની વાતમાં આવી ગયો અને સંજયે પોતાની બદલી બેંગલોર કરાવી લીધી.શરૂઆતમાં અમારી તબિયતના સમાચાર પુછવા ફોન આવતા પણ મારી પાસે પૈસા છે કે નહીં એ કદી તેણે મને પુછયું નહીં.

         આમ હું તદન ફકીર થઇ ગયો.અત્યારે બેન્ક ૭/૮ ટકા વ્યાજ આપે છે ત્યારે પાંચ વરસની ફિક્સ ઉપર બેન્ક ૧૮ ટકા વ્યાજ આપતી હતી.જેના લીધે પાંચ વરસે તમારા પૈસા ડબલ થઇ જાય એ લક્ષમાં રાખી મેં બે ફિક્સની રસીદો રાખેલી પણ એ સ્કીમ બંધ થઇ ગઇ.હવે બેન્ક ૭/૮ ટકા વ્યાજ આપતી હતી તેની સામે પોસ્ટ ઓફિસ ૧૦ ટકા વ્યાજ આપતી હતી એ ખબર પડતા મેં બેન્કમાંની ફિક્સની રકમો પોસ્ટ ઓફિસમાં મૂકી તેનું વ્યાજ મળતું હતું અને ગાડું ચાલતું હતું.જમનાની તબિયત નરમ ગરમ રહેતી હતી પણ એણે કદી ફરિયાદ ન કરી કે ન તો મને અણસાર આવવા દીધો.

                 હું ત્યારે અમદાવાદ અને વડોદરામાં યોજાનાર મુશાયરામાં હાજરી આપવા ગયેલો.જયલા મારી કમનશીબી જો જેને મેં ખરા દિલથી ચાહી જે પોતાની પરવાહ કર્યા વગર અન્યોના સુખનો ખયાલ રાખતી…તને યાદ હોય તો એક હિન્દી મુવી આવેલું જેમાં નાયકને ખબર હોય છે કે તેને છેલ્લા સ્ટેજનું કેન્સર છે છતા પોતાનું દુઃખ દબાવીને સૌને હસીને જ મળતો હોય છે કંઇક એવું મારી હાજરીમાં કરતી જમના મારી ગેરહાજરીમાં સ્વર્ગવાસી થઇ ગઇ.કેટલી યાતના કેટલી પીડા સહી હશે એણે..?હું અભાગિયો ન તો એનું માથું મારા ખોળામાં લઇ એને સાત્વન આપી શક્યો ન એના મ્હોંમાં તુલસી પત્ર અને ગંગાજળ મૂકી શક્યો એ બધુ યાદ આવે છે ત્યારે હ્રદય કંપી જાય છે અને હું આખે આખો હચમચી જાઉં છું કહી અમુલખ નાના બાળકની જેમ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડયો.

‘પ્લીઝ પપ્પા રડો નહીં…’કહી મહેશે અમુલખના આંસુ લુછયા

‘આ શું અમુલખ તમે ફરી રડવા લાગ્યા…’સાકરએ અમુલખનો હાથ પકડી કહ્યું તો અમુલખ હસ્યો.

(ક્રમશ)

 

 

 

 

This entry was posted in ઋણનુબંધ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s