સાયુજ્ય-નિરંજન મહેતા

14956013_10205502922252153_7943523408451970086_n 

‘મયંક, ઘણા વખતથી એક વાત કરવી હતી પણ તે માટે બહું મથામણ થતી હતી. પણ આજે લાગ્યું કે હવે સમય આવી ગયો છે કે વાત કરી કોઈ નિર્ણય પર આપણે પહોંચીએ.’ એક સાંજે વિભાએ હહ્યું.

‘મારા મનમાં પણ એક પ્રશ્ન ઘણા વખતથી ઘૂમરાયા કરતો હતો. હું ધારું છું કે તારી અને મારી મૂંઝવણ એક જ છે કે હવે આપણે આ સંબંધને નામ આપવું જરૂરી થઇ ગયું છે, સાચું ને?’

‘ખરેખર આપણા વિચારો એકબીજાને મળતા આવે છે અને એ જ રીતે આપણા જીવનનું સાયુજ્ય પણ સુમેળ બનશે એમાં શંકા નથી. એક નારી તરીકે આ વાત કહેતા હું આજ સુધી અચકાતી હતી પણ આજે હિમ્મત એકઠી કરી તને કહેવું એમ નક્કી કરીને જ આવી હતી. કેટલાક સમયથી આપણે એક મિત્ર તરીકે હળીએ મળીએ છીએ પણ હવે તેનાથી પણ આગળ જો વધી શકાય તો સમાજમાં આપણે ઉન્નત મસ્તકે જીવી શકીએ. જો કે સમાજની ફિકર હોત તો આમ મળતા હોત?’

‘આ બાબતની નાજુકતાને કારણે બહુ ગંભીરતાથી વિચારવું જોઈએ માની હું પણ આજ સુધી તને કહેતા અચકાતો હતો. પણ હવે તે જ જ્યારે તે પ્રશ્ન ઉઠાવ્યો છે તો મને લાગે છે કે આપણે યોગ્ય નિર્ણય કરવાની ક્ષમતા ધરાવીએ છીએ એટલે મિત્રતામાંથી આગળ વધી જીવનની રાહ પર સંયુક્ત પગરણ માંડીએ તો ખોટું નથી. પણ આપણે ભલે સમાજની ટીકાઓને અવગણીએ પણ આપણા કુટુંબીજનોનો અભિપ્રાય અને સમ્મતિ મેળવવી જરૂરી છે.’

‘હા, તારે તારા માતા-પિતાને વાત કરી રાજી કરવાના છે. મને લાગે છે કે તને તેમાં બહુ તકલીફ નહી પડે કારણ તે બહાને તારી દીકરી શિવાની પણ સચવાઈ જશે.’

‘શિવાની તો તારી સાથે એવી ભળી ગઈ છે કે તે તને મા તરીકે સ્વીકારવાનો તેને વાંધો નહી આવે અને તું પણ તેને તે રીતે સાચવી લઈશ.’

‘એવું મારા સચીનનું છે. તે પણ આ કુમળી વયે તારી સાથે જે રીતે ભળી ગયો છે તે જોતાં તે પણ તને આસાનીથી સ્વીકારી લેશે. વળી સચીન અને શિવાની પણ એક બીજાના હેવાયા થયા છે એટલે તે રીતે પણ આપણા સાયુજ્યનો સમય થઇ ગયો છે એમ કહું તો ખોટું નથી.

‘સવાલ મારે મારા સાસુ સસરાને કેમ મનાવવા તેનો છે, કારણ તેઓ આમ જુઓ તો થોડા જુનવાણી વિચારના છે. પણ મારા સચીનનો ખયાલ આવતા તેઓ કદાચ મનેકમને હા પાડે. જો કે આ માટે મારે ગામ જઈ વાત તેમને કરવી પડશે. આ માટે તારો માનસિક સહારો તેમને મનાવવામાં મને મદદરૂપ થઈ પડશે.’

વિભાના પતિના અવસાન બાદ તેની લેણી રકમ તથા ગ્રેચ્યુઈટી, પ્રોવિડન્ટ વગેરે મેળવવા તેની ઓફિસમાં કામ કરતા મયંકે વિભાને ઘણી મદદ કરી હતી કારણ તે તેના પતિના સહકર્મચારી તો હતો જ પણ સાથે સાથે તેનો સારો મિત્ર પણ હતો અને એ નાતે પણ તે મયંકને ઓળખતી હતી. વખત જતા કોઈને કોઈ કારણસર તે અન્ય મુશ્કેલીઓમાં પણ મયંકની સલાહ અને સૂચનો લેતી. તેને કારણે મયંકની અવરજવર પણ રહેતી. એવામાં મયંકની પત્નીનું અવસાન થયું અને તે ભાંગી પડ્યો ત્યારે વિભા જ તેનો સહારો બની તેને વિષાદમાથી બહાર લાવવામાં તે સફળ રહી હતી.

પણ ત્રીસ બત્રીસ વર્ષના યુવા હૃદય પોતાનું કામ કરી જ લે છે. તે મુજબ બન્નેને એકબીજાનો સહવાસ ગમવા તો લાગ્યો પણ આ સહવાસ આત્મીયતામાં ક્યારે બદલાઈ ગયો તેની તેમને જાણ ન રહી. પરંતુ સમાજ તો વાતો કરવાનું એટલે હવે આ સંબંધને નામ આપવાનો સમય આવી ગયો છે તેમ બન્ને વિચારતા પણ પહેલ કરવાની મૂંઝવણે આજ સુધી આ વાત અંદર જ ધરબાઈ રહી હતી. આજે તે અનાયાસે બહાર આવી ગઈ.

એકથી વધુ વાર આ વિષે ચર્ચા કરી અને બધી બાજુનો વિચાર કરી તેઓ આખરી નિર્ણય પર આવ્યા કે આ સંબંધ હવે મિત્રતાથી ઉપર છે અને સમય આવી ગયો છે તેને યોગ્ય નામ આપવાનો. આ માટે તેઓએ સાદાઈથી લગ્ન કરવાનું નકી કર્યું. પણ તે પહેલા મયંકે પોતાના માતાપિતાની સહમતી મેળવવાનું અને વિભાએ પોતાના સાસુ-સસરાની સંમતિ લેવાનું નક્કી કર્યું. આ માટે વિભાએ સાત દિવસનો સમય માગ્યો જેથી તે ગામ જઈ યોગ્ય કરી શકે.

સાત દિવસ વીત્યા બાદ વિભા તરફથી કોઈ સંદેશ ન મળતા મયંક વિચારમાં પડ્યો કે શું તેના સાસુ-સસરાએ આ સંબંધની મંજૂરી નહી આપી હોય? કારણ છેલ્લા ચાર-પાંચ દિવસથી ન તો વિભાનો ફોન લાગતો હતો ન તેના SMSના કોઈ જવાબ. વળી તેના ગામ વિષે ન તો તેને કે વિભાના પાડોશીઓને કોઈ માહિતી હતી.

બે દિવસ પછી તેને તેના ઓફિસના સરનામે કુરિયરમાં વિભાનો કાગળ આવ્યો. કવર ખોલતા પહેલા મયંકના હૃદયે થડકો અનુભવ્યો અને પછી કવર ખોલી અંદરનો પત્ર વાંચવા માંડ્યો.

‘પ્રિય મયંક,

આમ તો આપણા વચ્ચે પત્ર લખવાનો આજ સુધી પ્રસંગ આવ્યો નથી એટલે શું લખવું અને કેમ લખવું તેનો મૂંઝારો હતો પણ તે કાબુમાં લઇ આ પત્ર લખું છું. તારા ફોન અને SMS આવતા પણ તેનો જવાબ આપવાની મારી હિમ્મત ન હતી કારણ અહી પરિસ્થિતિ જરા વિચિત્ર હતી. જો કે દસ દિવસથી ન મળ્યાનો કે ન વાત કર્યાનો સંતાપ જેમ મને હતો તેમ તારી પણ આ જ હાલત હશે તેમ સમજી શકું છું. પણ જ્યાં સુધી કોઈ નિવેડો ન આવે ત્યાં સુધી હું કેમ તને લખું?

જ્યારે મેં મારા સાસુ-સસરાને મારો વિચાર જણાવ્યો ત્યારે ધાર્યું હતું તેમ તેમણે વિરોધ નોંધાવ્યો. તેનું કારણ જાણી તું પણ નવાઈ પામશે. અમારી નાતમાં પુત્રના અવસાન પછી દિયરવટુનો રિવાજ છે એટલે તેઓએ મને કહ્યું કે જો મારે પુનર્લગ્ન કરવા જ હોય તો તે મારા અપરણિત દિયર સાથે કરી શકે છે. હવે આજના જમાનામાં આવો રિવાજ? મારા જેવી શિક્ષિત સ્ત્રી કે જે બદલતા સામાજીક મૂલ્યોને પિછાણે છે તેને ગળે આ વાત કેમ ઉતરે? હા, હું મુંબઈમાં વસેલી ન હોત અને ત્યાં ગામમાં જ રહેતી હોત તો કદાચ આ માન્ય રાખ્યું હોત. પણ આપણે એવી સ્થિતિમાં છીએ કે તેનો વિરોધ કરવાને બદલે સમજદારીપૂર્વક કોઈ માર્ગ કાઢવો રહ્યો એવી સલાહ તું આપશે એમ મને ખબર છે એટલે મેં તે પ્રમાણે વિચાર્યું કે કેવી રીતે રસ્તો કાઢવો.

આ માટે મેં સીધો અને સરળ રાહ અપનાવ્યો. એક દિવસ મારા દિયર પ્રકાશને એકાંતમાં મળી મારી મૂંઝવણ જણાવી અને તેનું મંતવ્ય માંગ્યું. ધાર્યા કરતા બહું સુંદર પ્રતિસાદ મળ્યો. એક તો તે મને ભાભીમા સ્વરૂપે માનભરી નજરે જુએ છે અને તે પણ આ દિયરવટાના રિવાજ સાથે સહમત નથી. વળી તેણે તે પણ જણાવ્યું કે તે કોઈને ચાહે છે પણ પોતાના માતાપિતાના સ્વભાવ અને વિચારોથી તે વાકેફ છે એટલે આજ સુધી તે આ વાત તેમને કહી નથી શક્યો. ઉલટું તેણે તો તેનો પ્રશ્ન હાલ કરવા મારી જ મદદ માંગી.

હવે મારામાં હિમ્મત આવી અને બીજે દિવસે મેં મારા સાસુસસરાને યોગ્ય શબ્દોમાં કહી દીધું કે ન તો હું દિયરવટામાં માનું છું ન તો પ્રકાશ, તો આવો પરાણે સંબંધ કરીને શું ફાયદો? વળી મેં અસ્પષ્ટ શબ્દોમાં તેના પ્રેમનો પણ ઉલ્લેખ કરી નાખ્યો જેથી આગળ જતા પ્રકાશનો રસ્તો પણ ખૂલ્લો થઇ જાય. મેં તો તેમને એ પણ કહ્યું કે હું તો પાછી મુંબઈ જઈ મારી રીતે મારૂ જીવન જીવીશ, ભલે તમે ત્યારબાદ કોઈ સંબંધ ન રાખો.

મયંક, હવે મને કોઈ ફિકર નથી. હું બે દિવસ પછી આવું છું. આપના સાયુજ્યને અંતિમ રૂપ આપવા તૈયાર રહેજે.

વધુ રૂબરૂમાં.

તારી થનાર વિભા.

પત્ર વાંચી મયંક પોતાના હૃદયના ભાવને કાબુમાં ન રાખી શક્યો અને આજુબાજુના વાતાવરણને ભૂલી તે ભીની આંખે લખનારના નામને ચૂમી રહ્યો.

Advertisements
This entry was posted in લઘુ કથા. Bookmark the permalink.

One Response to સાયુજ્ય-નિરંજન મહેતા

  1. Rita gajjar કહે છે:

    Its very immpressive story and learn good lession for conservative society.I like this story.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.