ઋણાનુબંધ (૭) દિવ્યા સોની

stage

 

પ્રકરણ ૭ ધનંજયનો ભેટો-દિવ્યા સોની

           અમુલખને આજનો આખો કાર્યક્રમ જાણે સ્વપ્ન સમાન લાગી રહ્યો, ઘનશ્યામે ખુબ જ કાળજી રાખી નાની નાની બાબતોની વ્યવસ્થા કરી હતી.બધા આમંત્રિત મહેમાનો ખુબ જ આનંદિત થઇને આખો કાર્યક્રમ માણી રહ્યા હતા, કાર્યક્રમના અંતે અમુલખની ભીની આંખ જોઇ ઘનશ્યામે પુછ્યું

‘શું થયું મણિયાર…?’

‘તારી બધી રીત અલગ છે…’

‘જેમ કે……?’

‘પહેલા રફ કોપી વાંચી ને બુક છપાવી પછી તેની એટલી પબ્લિશીટી કરી અને આજે આ કાર્યક્રમ…’

‘યહી તો અપની સ્ટાઇલ હૈ જાની….’કહી ઘનશ્યામ હસ્યો તો અમુલખ તેને ભેટી પડયો

‘ Don’t worry કે લેખક મહોદય વખત આવે આ બધાની કિંમત બરાબર વસુલ કરીશ… આ તો રોકાણ છે પબ્લિસટી વધસે તો બીજી આવૃતિ છપાય છે જેમ વધારે આવૃતિ થશે તેમ મને તો ફાયદો જ છે…’ક્હી ઘનશ્યામ હસ્યો

‘તને નહીં પહોંચાય…’

‘રોયલ્ટી વધશે તો હું ખુદ તારા Personal Assistanat તરિકે મારી નિમણુંક કરી લઇશ..’

                         યદુરામ અને સાકરને અમુલખે ખાસ તાકિદ કરી હતી કે,એક પ્રેક્ષક તરિકે તમે બંને કાર્યક્રમ માણજો આયોજનમાં ક્યાં પણ ઇન્વોલ્વ થતા નહીં જે તેઓએ સુપેરે અલગ થલગ રહીને માણ્યો હતો.અચાનક અમુલખની નજર સાકરની સાડીની કિનારી પર પડી એ કિનારીની રેખાઓ પોતાની હમણાં જ પબ્લિશ થયેલી બુક જીવન સાથીના કવર પેજ પરની રેખાઓ જેવી જ હતી એ કેવું યોગાનુંયોગ કે પછી… પોતાના આવા વિચાર પર અમુલખને હસવું આવ્યું. યદુરામ અને સાકરને ખુશ જોઇ તેને આનંદ થયો.

     કાર્યક્રમના અંતે હોટલ તરફથી અલ્પાહારની વ્યવસ્થા હતી.અમુલખ એક અલાયદી ખુરશી પર બેસી કંઇક વિચારતો હતો કે જીવન પણ કેવું છે…? ક્યાંથી ક્યાં લઇ આવે છે…? કોઇક્વાર મનગમતા પડાવેથી ભગાડે છે અને કોઇકવાર સાવ અજાણ્યા વણાંકે એટલો સંતોષ આપે છે કે,આખું આયખું સરભર થઇ જાય. ઘનશ્યામ,યદુરામ અને સાકરની પોતાના માટે લાગણી યાદ આવતા અમુલખની આંખમાં ભીનાશ તરી આવી ત્યારે અચાનક સ્ફુરી આવતી કવિતાના વિચાર મનમાં કરી રહ્યો હતો.

કોઇ કેટલો સાથ આપે,

કોઇ કેટલો વિશ્વાસ રાખે

કોઇ કેટલું ધ્યાન રાખે

બધું જ ઋણાનું બંધ..!

             હોટલનું ખાઇને કંટાળેલા અમુલખને યદુરામના આવ્યા પછી શાંતિથી ઘરમાં મળતું ભોજન અને ઘર છેડી આત્મહત્યા કરવા જતી સાકરને પાછી વાળીને ઘેર લાવેલ અને એ ઘરના સભ્ય જેવી થઇ જતા અને પોતાના કાવ્ય સંગ્રહ અને નવલકથાના પ્રકાશન પછી સતત સંપર્કમાં રહેતા ઘનશ્યામ પરમાર બધા હવે તેના પરિવારના અવિભાજ્ય અંગ બની ગયા હતા.જ્યાં ભર્યા ભાદર્યા પરિવરમાં પણ એકબીજાથી બનતું નથી ત્યાં આ ચાર અનામી સબંધો સ્વસ્થતાથી એક બીજા માટે શ્વસી રહ્યા હતા. આ કેવા સબંધના તાણા વાણામાં જીવી રહ્યા હતા દિવસો દિવસ પાંગરી રહ્યા હતા મ્હોરી રહ્યા હતા.એકાએક શિઘ્ર કવિ અમુલખ જીવંત થઇ જતા કેટલા શબ્દો ગોઠવતો હતો

લોહીના સગપણ પણ ભૂલાવી દે છે મને,

કાળજી રાખતા,જુજ જ સબંધો નિકળ્યા;

ખુશીઓથી તિજોરી મારી છલોછલ ભરે છે,

દુવા માંગતા મિત્રો લાખના,જે ચંદ નિકળ્યા

         અમુલખ હજુ બીજુ કંઇ વિચારે ત્યાં

‘અલ્યા મણિયાર…આપણા નેતાઓની જેમ તને પણ ખુરશીનો મોહ લાગ્યો હોય તેમ ચોટી કેમ ગયો છે..?ચાલ ઊભો થા..મારા પેટમાં ઊંદર દોડે છે…કદાચ તારા જેવા લેખકો શબ્દો ખાઇને જીવતા હશે પણ અમારા જેવા સાહિત્ય રસિકને તો ભૂખ લાગે છે…’ઘનશ્યામે એમ કહેતા એની વિચાર ધારા તોડી

‘અરે sorry યાર.. you know me તને તો ખબર છે….’ઊભા થતા અમુલખે કહ્યું

‘હા..હા ખબર છે તું કવિતાની ઉપાસના કરતો હતો…’

         અમુલખે ફેબ્રુઆરીની માદક ઠંડક અનુભવતા તેના સન્માન વખતે ઓઢાળવામાં આવેલ શાલ સરખી ઓઢી તો ઘનશ્યામે મજાક કરી

‘મણિયાર આમાં તું કોઇ ઠાકોર જેવો દેખાય છે…’

‘હું ને ઠાકોર નો વે….’ કહી બંને સાથે અલ્પાહારના આયોજનની દિશામાં પગ માંડયા તો વાતનો દોર સાંધતા ઘનશ્યામે      આગળ ચલાવ્યું

‘એક તારા જેવા કવિઓ,બીજા લેખકો અને ત્રીજા પ્રેમી પંખીડાઓ ગમે ત્યારે ગમે ત્યાં વિચારોની દુનિયામાં એવા ખોવાઇ જાવ કે આજુબાજુ શું ચાલે છે એ પણ ભૂલી જાવ..હમંશા પોતાના વિચારોની દુનિયામાં જ વિચરતા હોવ છો પણ કોઇવાર અમારૂં પણ વિચારો…’ઘનશ્યામએ હસતા હસતા કહ્યું

‘અરે એલા પરમાર એ કેમ ભૂલી જાય છે કે અમારે તો વિચારો લખીને જ રોટલા રળવાના હોય છે..’અમુલખે કહ્યું

‘અરે હાં…એ વાત સો ટકા સાચી…જો કોઇ દમદાર વિચાર આવ્યો હોય તો ઉઠાવ કલમ અને લખવા માંડ…આ બુક પછી એક વાત પાકી છે કે, તારૂં ફેન કલ્બ બહુ મોટું થવાનું છે તેનાથી ચાલનારી હવાનો લાભ લઇ આપણે જલ્દીથી બીજી બૂક છપાવીશું..’

‘અરે પરમાર હું તો મજાક કરૂં છું..તું તો મારી પાછળ જ પડી ગયો છો કહ્યુંને કે કંઇ ખાસ નથી ચાલ ચાલ મહેમાનો પર પણ ધ્યાન આપવું જરૂરી છે.અચાનક મારા વિચારો મારા મન પર ગમે ત્યારે કબજો જમાવી લે એ સારૂં નથી જ.’

‘હા ચાલ પહેલા કશુંક ખાઇ લઇએ…’ખાવાના ટેબલ તરફ જતા બંને મિત્રોએ શ્રી મનોજ કોઠારી અને અન્ય મહેમાનો અને ઘનશ્યામને પણ સાથે લીધા.સૌ કોઇએ પોતા માટે ડિશમાં પોતાની પસંદગીની વાનગીઓ લઇ એક ટેબલની આસ પાસ ગોઠવાયા તો બીજા પણ ખાલી ખુરશીઓમાં ગોઠવાયા.

         અલ્પાહારને ન્યાય આપ્યા પછી ચર્ચા ચાલી પ્રોગ્રામ બહુ સુંદર રહ્યોથી માંડી માતૃભાષા સંવર્ધન સુધીની ઘણી અલક મલકની વાતો પર ચર્ચા ચાલી રહી હતી ત્યાંજ અચાનક અમુલખની પીઠમાં જોરદર ધબ્બો પડયો

‘સાલા કમલા ….તેં આખી બુક ઘસડી મારી અને મને કહ્યું પણ નહી..?’

           અમુલખે પાછળ ફરીને જોયું,તેને પોતાની આંખો પર વિશ્વાસ ન હોતો આવતો એ ધબ્બો મારનાર બીજું કોઇ નહીં પરંતુ એનો વર્ષો જુનો મિત્ર ધનંજય બ્રહ્મભટ્ટ હતો જે પાછલા કેટલા વર્ષોથી અમેરિકામાં સ્થાહી થયો હતો.એનો એ જ ઘેરો અવાઝ અને એમાં છલકતું એ જ પોતાનાપણું અમુલખ વર્ષો બાદ પણ ભુલ્યો ન હતો એટલે એનાથી જુની આદત પ્રમાણે બોલી જવાયું

‘જયલા તું..? તું અહીં ક્યાંથી..? તારો તો પત્તો જ ક્યાં છે…? તું તો બોલીવુડ છોડીને હોલીવુડ ગયેલોને…? અચાનક બોલીવુડ પર પ્રેમ ઉભરાયો કે શું…? જોતો તારો તો આખો દિદાર જ બદલી ગયો છે…આ ઝિપ્સી જેવા લાંબા વાળ અને આ દાઢી આ ઉમ્મરે પણ તારા લટકા પહેલા જેવા જ છે તને હોલીવુડનો રંગ બરોબર લાગ્યો છે..’જેવ વિષયો

         અમુલખની આંખોમાં ખુશી સમાતી ન હતી અને સાથો સાથ જીભ પર સવાલો…આમ અચાનક અને તે પણ આટલા સરસ સમયે આવી ચડેલા જીગરજાન મિત્રને કેમ આવકારવો તેની અવઢવમાં અમુલખ અટવાઇ ગયો.એક બીજાની તુંકારતા બંને મિત્રો ગળે મળ્યા.

‘બેસ બેસ તારા સાથે કંઇ કેટલી વાતો કરવી છે,સાહેબ બહુ મોંઘા થઇ ગયા છો સમયના કેટલા વહાણા વાઇ ગયા તારા કંઇ સમાચાર જ નથી..’

‘હા..હા..હા મોંઘો ને હું..નહી યાર મોંઘો તો તું થઇ ગયો છે..’કહી ધનંજયે હસ્યો અને ખુરશી લઇને અમુલખની બાજુમાં ગોઠવાયો તો અમુલખે બધાને ધનંજયની ઓળખાણ કરાવતા કહ્યું

‘આ મારો વર્ષો જુનો મિત્ર છે ધનંજય બ્રહ્મભટ્ટ જ્યારે એ અહીં હતો ત્યારે એણે અહીં ભારતીય સમાજના જુદા જુદા પાસા જેવા કે, બાળ વિવાહ,કુરિવાજો, અંધશ્રધ્ધા,વ્યાજ ખાઉ શેઠિયા,જુલ્મી જમીનદારો,ગરીબ ખેડૂતોની લાંચારી અને દારૂડિયા પતિઓ જેવા વિષયોને આવરી લેતી ઘણી ઓફ બીટ અને લો બજેટ ફિલ્મો બનાવેલી પણ અહીં લવ અફેર અને મારધાડ વાળી ફિલ્મો જોવા ટેવાયલા પ્રેક્ષકો એ ઓફ બીટ ફિલ્મોને આવકારી નહીં એટલે તેને એટલી પ્રસિધ્ધી ન મળી પણ તેની એક અંગ્રેજી સબ ટાઇટલ વાળી ઓફ બીટ ફિલ્મ હોલીવુડના એક ડાયરેકટરે જોઇ અને એના કામથી પ્રભાવિત થઇ ગયો તે એટલે સુધી કે એને ખાસ મળવા અમેરિકાથી મુંબઇ આવ્યો અને હોલીવુડ આવવા અને સાથે કામ કરવા આમંત્રણ આપ્યું અને આમ મુંબઇનો ધનંજય બ્રહ્મભટ્ટ હોલીવુડમાં DB નામે પ્રખ્યાત થઇ ગયો.’

‘હા ધનંજય બ્રહ્મભટ્ટનું નામ ઓછું સાંભળેલું પણનું DB નામ ઘણું સાંભળવા મળ્યું છે પણ આજે એ બંને વ્યક્તિ એક જ છે એ અમુલખ મણિયારના લીધે જાણી આનંદ થયો…’એમ લગભગ બધા ત્યાં બેઠેલાઓ પોતાની રીતે મંતવ્ય દરશાવ્યો.

‘બોલ કમલા આ સરપ્રાઇઝ કેવી લાગી..?તને તો સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે હું અચાનક આમ ટપકી પડીશ…હું અમેરિકામાં રહીને પણ ઇન્ટરનેટ પર ગુજરાતી સમાચાર પત્રો વાંચુ છું તેમાં આ ઘનશ્યામે આપેલ તારી બુક જીવનસાથીની જાહેરાત જોઇ થયું કે ચાલ કમલાને આમે મળ્યાને ઘણા વર્ષો થયા એટલે આવા શુભ પ્રસંગે સરપ્રાઇઝ આપું અને બસ આવી ગયો…’

‘સાચી વાત તો એ છે કે,તને આજે કેટલા વર્ષો બાદ આમ અચાનક જોતા મનમાં એક ગજબનો રોમાંચ વ્યાપી ગયો છે..’અમુલખે ઉત્સાહિત થઇ કહેતા ઉમેર્યું ‘તો જયલા શું ચાલે છે લાઇફમાં…?’

‘અરે અમારે ઓફ બીટ મુવી વાળાને તો ભારત હોય કે અમેરિકા બધુંજ સરખું.હું હમણાં હોલીવુડમાં ફિલ્મો જરૂર બનાવું છું પરંતુ જે તકલીફો અહીં હતી એ તો ત્યાં પણ છે હા એ ખરૂં કે, ત્યાંની આધુનિક ટેકનિક્સ અને કામ કરવાની પધ્ધતિઓથી જરૂર અંજાયો છું પણ સ્ટ્રગલ તો આજે પણ પહેલા જેટલી જ છે ભારત હોય કે અમેરિકા બધે સરખું’

‘જયલા પણ એક વાત હું ચોક્કસ ઉમેરીશ કે,તારી મુવીના સબજેક્ટસ બહુ ચોક્કસાઇથી વિણેલા હોય છે’ કહી અમુલખે હસતા ઉમેર્યું ‘તારી ફિલ્મ બનાવવાની સ્ટાઇલનો ફેન છું’

‘હા..હા…હા.. હજી તારી આ આદત ગઇ નહીં..’કહી ધનંજય હસ્યો

‘અરે હવે આ ઉમરે કોઇ બદલાવ શકય છે…? પાકા ઘડે કાંઠા ચઢ્યા હોય એવું કદી સાંભળ્યું છે…?’

‘હા ઇ વાત સાચી…’

‘તો ચાલ એજ વાત પર તારા અવાઝમાં એકાદ બે લાઇન સંભળાવ…તને ગાતા સાંભળીને સાયગલને યાદ આવે છે બાબુલ મોરા….કાંતો એસ.ડી.બર્મન અલ્લાહ મેઘ દે…કોણ જાણે કેટલા વર્ષો વિતી ગયા છે…હજી ગાવાનો શોખ તો બરકરાર છે ને..?’

‘અરે સંગીત તો મારા જીવનનું એક અંગ છે એના વગર તો મને લકવો જ મારી જાય…હું ગાઇશ જરૂર પણ એક શરતે જો તું સાથે ગાય તો…’ ધનંજયે કહ્યું તો બંને હસ્યા  

‘ગાવાની શરૂઆત આપણા ફેવરીટ સોંગથી કરીશું..’

‘હા…એ તો પાકું જ…’

‘તો ચાલ 1…2…3…સ્ટાર્ટ અને બંને મિત્રોએ સાથે ગાવાનું શરૂ કર્યું

‘યે દોસ્તી હમ નહીં તોડેંગે

છોડેંગે દમ મગર

તેરા સાથ ન છોડેંગે

           ગીત તો આખું મોઢે હતું પણ બંને મિત્રોએ આસપાસ બેઠેલાને પણ ગાવામાં સામેલ કર્યા.અંતાક્ષરી જેમ એક પછી એક હિન્દી ગીતો ગવાતા ગયા અચાનક હિન્દી પરથી ગુજરાતીમાં ઉતરી આવ્યા

પાન લીલુ જોયુંને તમે યાદ આવ્યા

જાણે મોસમનો પહેલો વરસાદ જીલ્યો રામ

થી લઇને

તમે કિયા તે ગામના ગોરી રાજ

અચકો મચકો કાં રે અલી….

   સુધીનું બધુ આવી ગયું

         મહેફિલની પૂર્ણાહુતિ પણ ધનંજયે પોતાના મનગમતા ગીતથી કરી

‘સાંવરિયો રે મારો સાંવરિયો

હું તો ખોબો માંગુને દઇ દે દરિયો’

         રાત જામી હતી વિદેશમાં રહેલી વ્યક્તિનું ગુજરાતી ભાષા પ્રત્યેનું વહાલ જોઇ સૌ આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. અમુલખે કાર્યક્રમની સમાપ્તી કરતા સૌનો એક વાર ફરી આભાર માન્યો,ધીરે ધીરે બધા એક બીજા સાથે વાતો કરતા વિદાય લેવા માંડી

‘કમલા તને મળીને દિલ ખુશ થઇ ગયું…તારા સાથે નિરાંતે બેસી ખુબ બધી વાતો કરવી છે’

‘મારે પણ વિદેશ વિશે પુછવું છે અને બીજું ઘણું જણાવવાનું પણ છે’

‘હું પણ ખાસ તને મળવા અને તારી સાથે સમય ગાળવા જ અહીં અમેરિકાથી ભારત આવ્યો છું જલ્દીથી પાછા મળીશું..

I am so happy that I I was able to make it on you book laumch’  

ફરી મળવાના વાયદા સાથે સૌ છુટા પડયા (ક્રમશ)

    

 

 

 

Advertisements
This entry was posted in ઋણનુબંધ. Bookmark the permalink.

One Response to ઋણાનુબંધ (૭) દિવ્યા સોની

  1. Heena Parekh કહે છે:

    ખૂબ સરસ પ્રયાસ. ખૂબ લખો અને આગળ વધો..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.