અમેરિકામાં અન્નકૂટ મહાપ્રસાદ- • નવીન બેન્કર

સૌજન્યઃ ફેસ બુક- વિપૂલ કલ્યાણી

અમેરિકામાં એક સમ્પ્રદાયના મંદીરમાં, અન્નકુટના દર્શન અંગેનો, વર્ષભરનો સૌથી મોટો ઉત્સવ ઉજવાતો હતો. ભક્તજનો અને વિશેષ તો ભક્તાણીઓનો મહેરામણ દર્શનાર્થે અને ભોજનાર્થે ઉમટ્યો હતો. મંદીરની ચોપાડમાં, દરવાજા પાસે જ, ત્રણ ત્રણ ટેબલો પર વોલન્ટીયરો રોકડ/ ચેક ની ભેટ સ્વીકારવા માટે, રસીદબુકો લઈને ગોઠવાઇ ગયેલા હતા. ભાવિકો ઉમળકાપુર્વક અને શ્રધ્ધાથી પોતાના આરાધ્યદેવના ચરણોમાં ભેટ લખાવવા પડાપડી કરી રહ્યા હતા.

મંદીરના ગર્ભગૃહમાં, પ્રભુજીની સમક્ષ, વિવિધ મીઠાઇઓના થાળ સુશોભિત રીતે ગોઠવીને મૂકવામાં આવેલા હતા. પાંચસો વર્ષ પહેલાની ભાષામાં લખાયેલા પદો કેટલાક ભક્તો ટીપીકલ સંપ્રદાયના ઢાળમાં ગાતા હતા જેનો અર્થ ભાગ્યે જ કોઇ સમજતા હતા. પણ વચ્ચે વચ્ચે આવતા પ્રભુના નામ વગેરેને કારણે એનો ભાવાર્થ સમજી લેતા હશે. જો કે, મોટાભાગના ભક્તો તો સાલમુબારક કરવામાં જ વ્યસ્ત હતા. ચાલીસથી મોટી ઉંમરની ભક્તાણીઓ દિવાળીના તહેવારમાં પહેરવા માટે, ખાસ ઇન્ડિયાથી લાવેલી મોંઘીદાટ સાડીઓ અને ઘરેણાં પહેરીને મહાલતી હતી તો યુવાન છોકરીઓ અને પુત્રવધુઓ ફેશનેબલ ડ્રેસીસ પહેરીને, હેપી ન્યુયર કહેતી હેન્ડશેક કરતી હતી.

હેન્ડીકેપ લોકો માટે ખુરશીઓ પર બેસવાની સગવડ હતી પણ ત્યાં આખા પગ વાળા ગોઠવાઇ ગયેલા એટલે ખરેખરા અપંગો જગ્યાના અભાવે બહાર બાંકડાઓ પર જઈને, ટોળટપ્પા કરી રહ્યા હતા. જો કે, મંદીરના વોલન્ટીયરોની ધ્યાનમાં એ વાત આવતાં, એ લોકો શક્ય હોય ત્યાં સહાયભુત થતા હતા, પણ આભ ફાટ્યુ હોય ત્યાં કેટલા થીંગડાં કામ લાગે ? અને.. બાંકડાઓની આજુબાજુ જુતા ગમે તેમ ફેંકીને મંદીરમાં ઘુસવાની ટેવવાળી આપણી શિસ્તવિહીન પ્રજા ક્યાં કોઇનું સાંભળે ?

શોરબકોર અને કોલાહલ વચ્ચે, એક વોલન્ટીયરે જાહેરાત કરી કે પ્રભુની આરતી પછી, અન્નકુટનો મહાપ્રસાદ, ભોજન સાથે અપાશે. પિરસવાના અડધા કલાક પહેલાં, સિનિયર સિટીજનો અને વ્હીલચેરવાળા અથવા ઉભા રહી શકવા શક્તિમાન ન હોય એવા હેન્ડીકેપ લોકોએ ભોજન માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. તેઓ અગાઉથી, ભોજનખંડમાં ખુરશીઓ પર જઈને બેસી શકે છે.

અને..પછી શું થયું હશે એ તમે જાતે જ કલ્પી લો…મંદીરની અંદર ખુરશીઓમાં અપંગ તરીકે બેસી ગયેલા ‘અપંગો’ ઉભા થઈને દોડી દોડીને ભોજનખંડની ખુરશીઓ પર જઈને ગોઠવાઇ જવા લાગ્યા. ખરેખરા વ્હીલચેરવાળા તો પાછળથી આવવા લાગ્યા.

હવે એક નવું દ્રષ્ય ……

મહાપ્રસાદની લાઈનમાં, એક ૮૦+ સુપર સિનિયર પુરૂષ અને બીજા એક ૮૫+ સિનિયર માજી ઉભા હતા. હજી લાઈનની શરૂઆત જ થતી હતી અને એમનો નંબર પહેલા પચીસમાં જ આવતો હતો એટલે એ લોકોએ લાઇનમાં જ શિસ્તબધ્ધ રીતે ઉભા રહેવાનું પસંદ કરેલું. જો કે ઉંમર અને બન્ને પગે Knee Replacement Srgery કરાવવાને કારણે એ લોકો અંદર જઈને ખુરશી પર બેસવાને હકદાર હતા. માજી પોતાની બદમાશ વહુઓની કરમકથની કહેતી હતી , બાજુમાં વડોદરાના લાડ વણિક જ્ઞાતિનું જુવાન યુગલ ઉભુ હતું. ગુજરાતી સમાજની બે આગેવાન કાર્યકર્તા બહેનો પણ આ કરમકથની સમભાવે સાંભળી રહી હતી અને સમય શાંતિપુર્વક પસાર થતો હતો.

એટલામાં જાહેરાત થઈ કે હવે અન્નકુટનો મહાપ્રસાદ ભોજનખંડમાં આવી ગયો છે અને બધા વોલન્ટીયરો પિરસવાની સેવામાં પહોંચી જાય. અત્યાર સુધી લાઇન કરવા માટે ઉભા રહેલા સ્વયંસેવકો હટી જતાં, બીજો બંધ દરવાજો ખોલી નાંખીને એક આખુ ધાડુ, ધસી આવ્યું લાઇન બાઇન જાય ભાડમાં ! બધા ભોજન પિરસી રહેલા દ્વાર તરફ હડીઓ કાઢતા દોડ્યા.

મને વખતે, અમારા ગામમાં, જાન જમી લે પછી એંઠા પતરાળા, ગામના વાઘરીઓ માટે ફેંકાતા ત્યારે, એ પતરાળા પર તૂટી પડતા ભુખ્યા ડાંસ ભિખારીઓ યાદ આવી ગયા.

એ ભીડમાં, પર્ટીક્યુલર મંદીરના સત્સંગીઓ નહોતા. મોટાભાગના માટે એ અજાણ્યા ચહેરા હતા. એમાંના એક ને હું ઓળખતો હતો. મેં એમને પુછ્યું કે તમે ક્યાંથી અમારા મંદેરમાં આજે આવ્યા ?

એમણે જવાબ આપ્યો કે આજે આમ તો અમારા મંદીરમાં પણ ભોજન આપવાનો વારો છે, પણ ત્યાં આજે દિવાળી-ડીનરની ટીકીટો છે એટલે અમે અહીં ફ્રી-ભોજન માટે આવ્યા છીએ’.

આ લોકો માટે કોઇ ધરમ, કોઇ સંપ્રદાય અગત્યનો નથી હોતો. એ લોકો પ્રવચનો સાંભળવા કે દર્શનાર્થે પણ નથી જતા. માત્ર જમવાના સમયે જ આવે છે અને જમીને ચાલતી પકડે છે. મંદીરમાં ડોલર પણ ના મૂકે. અરે ! દર્શન પણ ના કરે. શનિવારે આ મંદીરમા, રવિવારે બીજા મંદીરમાં અને ગુરૂવારે સાંઇબાબાના મંદીરમા જમવા જવાનું. કેટલાક તો જમતાં જમતાં, કોરૂ ખાવાનું (મીઠાઇના ચક્તા) સાથે લાવેલા પાકીટમાં પણ સરકાવી દેતા હોય છે. કેટલીક બહેનો તો પિરસવાવાળાને વિનંતિ કરતી હોય કે ‘થોડુ ખાવાનું દઈ દ્યોને ! તમારા ભાઇ હારૂ લઈ જવાનું છે.’

આ લોકો કાંઇ ગરીબ નથી હોતા. ઇન્ડિયામાં ગામમાં ઘર હોય, ખેતરો હોય, બેન્કોમાં પૈસા હોય , દીકરા ધંધાધાપા વાળા, ખાધેપીધે સુખી હોય છતાં અમેરિકી સરકારને કશું જાહેર ન કર્યું હોય અને તેમને મેડીકેઇડ, ફૂડકુપન્સ પણ મળતા હોય છતાં મફતનું ખાવાનો હડકવા લાગેલો હોય !

અરે ! મૂળ વાત રહી ગઈ. હવે આ લેખનો ક્લાઈમેક્સ આવે છે.

પેલી લાઇનમાં અડધા કલાકથી ઉભેલા ૮૦+ અને ૮૫+ ખરેખર હેન્ડીકેપ્ડ અને સુપર સિનિયર્સ વૃધ્ધ પુરૂષ અને માજી, પેલા હુડુડુ કરતા ટોળાના ધક્કામાં ફર્શ પર ગબડી પડ્યા. એમને જ્યારે ઉભા કરવામાં આવ્યા ત્યારે એમનો પચીસમો નંબર, સો ઉપર થઈ ગયો હતો. બે માંથી કોના ચશ્મા તૂટી ગયા અને કોની સાથળનું હાડકુ ભાંગી ગયું એ જાણવામાં તમને રસ નહીં પડે કારણ કે, મને ખબર છે કે આપણી સંવેદનાઓ મરી ગઈ છે.

અમેરિકામાં હિન્દુ મંદીરોમાં ઉત્તરોત્તર વધારો થતો જ જાય છે. જેમ જેમ હિન્દુઓની વસ્તી વધતી જાય છે તેમ તેમ ગ્રોસરી સ્ટોર્સ અને હિન્દુ ટેમ્પલોમાં ઉત્તરોત્તર વધારો થતો જ જાય છે. હવે તો, મેલડી મા અને ખોડિયાર મા ના મંદીરો બાંધવાના ચક્રો ગતિમાન થઈ રહ્યા છે.

અને…જો ‘ડોશી’ અને ‘ગાંડિયા’ ની લડાઇમાં, ગાંડિયો જીતી ગયો તો………

શ્રીરામ…શ્રીરામ…

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

3 Responses to અમેરિકામાં અન્નકૂટ મહાપ્રસાદ- • નવીન બેન્કર

 1. Vinod R. Patel કહે છે:

  નવીનભાઈ એ અમેરિકાના મંદિરોમાં જોવા મળતી સૌના અનુભવની વાત સ્પષ્ટ શબ્દોમાં આ લેખમાં જણાવી દીધી છે. સરસ લેખ માટે અભિનંદન

  Like

 2. Rajul Kaushik કહે છે:

  અરરર,
  ભલુ થજો ભોજન ભૂખ્યા ભગતોનું….

  Like

 3. dhufari કહે છે:

  ્ભોજન ભૂખ્યા બધે જ સરખા ભારત હોય કે અમેરિકા દેશ બદલાય પણ માન્સ ન બદલાય તે આનું નામ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.