ઋણાનુબંધ (૬) રેખા પટેલ “વિનોદિની”

stage

આમંત્રણ પત્રિકા છપાઇ ગઇ અને જેમણે જીવન સાથીની અગાઉથી કોપી બુકિન્ગ કરાવેલ તેમને તેમના સરનામે કુરિયર કરવામાં આવી.એક આમંત્રણ પત્રિકા ઘનશ્યામ શ્રી મનોજ કોઠારીને જાતે આપી આવ્યો.

     કાર્યક્રમના આગલા દિવસે રવિવારે ઘનશ્યામ અમુલખને મળવા ગયો.અમુલખ કોઇ કવિતાના રદિફા કાફિયાને ગણત્રીમાં અટવાયેલો આંખો મીંચી વિચારી રહ્યો હતો તો બિલ્લી પગે આવીને અમુલખના હાથમાં રહેલ પાનું સેરવવા ગયો તો અમુલખે આંખ ખોલી જોયું

‘એલા પરમાર તું ક્યારે આવ્યો…?’

‘જ્યારે સાહેબ કવિતામાં ખોવાયલા હતા ત્યારે….’કહી અમુલખના હાથમાંનું પાનું લઇ વાંચ્યું

બાદબાકી

કદી પાછા ફરીને જીંદગીને જોઇ તાકી છે;

બહુ ઓછા છે સરવાળા વધારે બાદબાકી છે

પ્રણયનો રંગ પાકો હોય છે એવું બધા કહે છે;

જમાનાના બધા ફિલસુફ એવી નોંધ ટાંકી છે  

કશું પણ કામ કરવાની બધાની રીત ના સરખી;

અગર રાજા કે વાજા વાંદરાની રીત વાંકી છે

કદી પિનારને પૂછો શરાબી તું થયો શાથી?;

મને ડૂબાડનારી મયકદા કેરી જ શાકી છે

‘વાહ…!! લા જવાબ જલ્દી પૂરી કર…’પાનું પાછું આપતા સાથે એક આમંત્રણ પત્રિકા પકડાવી

‘આ…આ..બધું શું છે…? આ તેં ક્યારે નક્કી કર્યું…?’આમંત્રણ પત્રિકા વાંચી અમુલખે પુછ્યું

‘હવે શું છે…? ને ક્યારે નક્કી કર્યું…? એ રહેવા દે આવતી કાલે સાંજે પાંચ વાગે તને લેવા આવું છું તો જરા ઠાઠ માઠથી તૈયાર રહેજે…’આ વાત ચાલતી હતી ત્યારે સાકર ચ્હા લઇ દાખલ થઇ.

‘આ ચ્હા…?’અમુલખે કપ લેતાં પુછયું

‘એ ન મળે તો ઘનશ્યામભાઇ સામેથી માંગી લે તેમ છે એટલે યદુરામે તેમને ઘરમા દાખલ થતા જોઇ તરત જ બનાવી..’

‘ખાલી ચ્હાથી નહીં પતે જમાડશો ને…?’

‘પોતાના ઘરમાં કોઇ ન પુછે જમાડશોને…?’કહી સાકર હસી

         જમતી વખતે આવતીકાલે કાર્યક્રમમાં હાજર રહેવા યદુરામ અને સાકરને તૈયાર રહેવા ઘનશ્યામે કહ્યું. જમીને ઘનશ્યામ બારણા તરફ ચાલ્યો તો અમુલખે પુછ્યું

‘કેમ એલા પરમાર આમ છેલ્લે કોગળે…?’

‘મારે હજી ઘણા કામ આજે જ પૂરા કરવાના છે એટલે જાઉં…’

         સિલ્વર સ્ટોન પ્લાઝાનું સભાગૃહ ખિચોખીચ ભરેલો હતો.આગલી ત્રણ રો મુખ્ય આમંત્રિત મહેમાનોથી ભરેલી હતી.ત્રીજી રોથી બુકિન્ગ કરાવેલ લોકોને બેસાડવામાં આવ્યા હતા.તેમની સાથે યદુરામ ને સાકર પણ ગોઠવાયા.ઘનશ્યામ એ બંનેને પહેલી રોમાં બેસાડવા જતો હતો તો અમુલખે જ કહ્યું યદુરામ તો ઠીક પણ સાકરના લીધે સભામાં સવાલો ઊભા થાય એમ તેની ઇચ્છા નથી.

         આયોજીત કાર્યક્રમ આગળ વધતો હતો અને શ્રી મનોજ કોઠારીએ જીવન સાથી નવલકથાની વિમોચન વિધી અને પછી અમુલખને શાલ ઓઢાળી સન્માન પત્ર આપી સન્માન કર્યું ત્યાં સુધી સભાગૃહ તાળીઓથી ગુંજતો રહ્યો.

           ઉદ્‍ઘોષકના આમંત્રણથી ઊભા થઇ માઇક પર આવતા શ્રી મનોજ કોઠારીએ કહ્યું

‘મેં શ્રી અમુલખ મણિયારને ઘણા મુશાયરામાં સાંભળ્યા છે.સ્થાનિક સમાચાર પત્રમાં કલમના કલાકાર

બૂક ડીપોના માલિક શ્રી ઘનશ્યામ પરમારે આ નવલકથાની જાહેરાત સાથે આપેલ આ નવલકથાના અવતરણ વાંચતા ઉત્સુકતા થતી હતી.એક ઋજુ હ્રદયના કવિની કલમે લખેલી ગઝલો આપણે માણી છે એજ વ્યક્તિ દ્વારા લખાયેલી આ નવલકથા પણ હ્રદયને સ્પર્શી જશે એમાં શંકાને સ્થાન નથી.તેમણે લખેલ આ પુસ્તક આપ સૌને ગમશે એમ કહું તો અસ્થાને નથી….આભાર

     આખો સભાગૃહ તાળીઓના ગડગડાટથી કેટલી વાર સુધી ગુંજતો રહ્યો.ત્યાં ઉદ્‍ઘોષકે કહ્યું

‘હવે હું શ્રી અમુલખ મણિયારને તેમના જ મુકતકથી આમંત્રણ આપીશ આ લખવાની પ્રેરણા તેમને ક્યાંથી મળી ક્યા સંજોગોમાં આ નવલકથાનો ઉદ્‍ભવ થયો એના પર પ્રકાશ પાડે…

મન બરકરાર હોવો જોઇએ

ભરોસો તલભાર હોવો જોઇએ

કાગળ કલમ ઉપાડવાથી શું થશે?

શબ્દનો સહકાર હોવો જોઇએ

શ્રી અમુલખ મણિયાર ઉર્ફે કવિ કમલકાંત

       અમુલખ માઇક પકડે એ પહેલા ઘનશ્યામે શ્રી મનોજ કોઠારીની માફી માંગતા કહ્યું

‘હુ શ્રી અમુલખભાઇને માઇક આપતા પહેલા બે જાહેરાતો કરવા માંગું છું.આગોતરા બૂકિન્ગ ચાલુ રહ્યા છે તેના આંકડા આપીને હું અમારી ખુશી આપના સાથે વહેંચવા માંગુ છું…

પહેલી વાત તો એ કે, અત્રે હાજર રહેલા સર્વે મિત્રોની તેમણે બૂક કરેલ પુસ્તકો પર શ્રી અમુલખભાઇ હસ્તાક્ષર કરશે.બીજી વાત એ કે આ કવિનો આ પહેલો ગદ્ય પ્રયોગ છે અને તે સર્જન પ્રક્રિયાનો હું ભાગીદાર અને સાક્ષી છું તેથી કેટલીક અમુલખ વિષેની વાતો હું અહીં આપની સાથે વહેંચવા માંગુ છું.

         કવિ તરિકે તો તે બહુ અચ્છો અને સફળ સર્જક અને શિઘ્ર કવિ છે.આપ સૌ તેની રજુઆતો અને વિચારોથી વાકેફ છો જ પણ માણસ તરીકે પણ તે કેટલો ઉમદા છે તેની વાત બહુ ઓછા લોકો જાણે છે.તેમના પહેલા કાવ્ય સંગ્રહની રોયલ્ટી તેણે એક અઠવાડિયામાં ડાંગ જીલ્લામાં આદીવાસી ઉધ્ધાર માટે ખર્ચેલી.કોઇના કહેવાથી નહીં પણ જાતે ઉનાઇમાં રહી તેમના સાથે પસાર કરી તેમને કાયમી આવક મળી રહે તેવા પ્રયાસો કર્યા હતા.મને આ વાતની ખબર પડી એટલે મેં પુછેલું આવા કામ માટે ઉનાઇ રહેવા શા માટે ગયો…?મારા જેવા કોઇને કહી દીધું હોત તો…?તો તેણે આપેલો જવાબ સાંભળવા જેવો અને સમજવા જેવો છે તેણે કહેલું મારે તેમનો પ્રસન્‍ન ચહેરો જોવો હતો.તેમની વેદનાની મુક્તિ માણવી હતી.મારે ત્યાં તો અભરે ભરેલું છે પણ પ્રભુએ જેમને માઠા દિવસો આપ્યા છે તેમના માટે કંઇક કરૂં તો તેમની ઠરેલી આંતરડી સમજવાની મને તક મળેને…?                                     

         અમુલખ મારો અંતરંગ મિત્ર છે તેથી એક દિવસ તેના ઘેર જઇ ચડયો.એ વિચાર મગ્ન હતો. ટેબલ પડેલ કાગળ વાંચતા મેં પુછેલું

‘આ તું શું લખે છે એલા મણિયાર…?’

‘ફિલોસોફરોનું કહેવું છે કે,દરેક સાહિત્ય રસિકે પોતાના મનમાં ચાલતા વિચારો ક્યાંક નોંધવા જોઇએ. કદાચ એમાંથી કોઇ સારો લેખ કે વાર્તાનો પ્રાદુર્ભાવ થાય એટલે મારા મનમાં ચાલતા વિચારોને બહાર લાવી કાગળ પર ઉતારવાની કોશિશ કરૂં છું…કહી એ હસ્યો.તેણે લખેલા ૨૦ પાનાનું ફોલ્ડર હું ઘેર લાવ્યો.બધા પાનાને ક્રમાંક આપી વાંચ્યા.અમુલખની લેખન શૈલી મને ગમી.આ ફોલડર કોમ્પ્યુટરાઇઝ કરવા કોમ્પ્યુટર ખોલ્યું પણ આ લખાણનું શિર્ષક શું આપવું…?

       વિચારવા મેં સિગારેટ સળગાવવા પાકિટ ફંફોસી તો તેમાં બે જ હતી આ ન ચાલે હું ચેઇન સ્મોકર છું એટલે અમારા ઓળખીતા પાન વાળા પાસે પાન ખાધું.બે બંધાવ્યા એક પાકિટ લીધી ને એક સળગાવી ઘેર પાછો આવ્યો. સરસ ચ્હા બનાવી બધુ ટેબલ પર મુકી કોમ્પ્યુટર ખોલ્યું કેટલી વાર સુધી શિર્ષક બાબત વિચારતા રહ્યો.ઠંડી થતી ચ્હાનો મગ લઇ હું બાલ્કનિમાં આવ્યો ચ્હા પીતા આમ તેમ નજર ફેરવી અચાનક નીચે રોડ પર મારી નજર પડી તો એક સિનીયર સીટીજન જોડલું હળવા ડગલે જતું હતું એ જોઇ હું ખુશ થઇ ગયો અને તરત જ પાછા ફરી લેખનું શિર્ષક આપ્યું “જીવન સાથી” આવા સફળ કવિ અને નીવડેલા વાર્તાકાર તરિકેજે સફળતાની ટોંચે બેસનાર છે તેવા અમુલખ મણિયારને હવે સાંભળીએ.

       સભાગૃહમાં સ્ટેજ પર અમુલખ મણિયારે માઇક પકડી ચારે તરફ નજર દોડાવી આજે તેમનું સ્વપ્ન પુરૂં થવાની અણી પર હતું.વિચારમાળામાં એ જરા ભૂતકાળમાં સરી પડ્યો.તેની કવિતાઓના બહુ ચર્ચિત અને લોક પ્રિય બે પુસ્તકો બહાર પડ્યા હતા.તેમાં ‘અમી’ નામનું તેનું પહેલું પુસ્તક બહાર પડ્યું ત્યારે પછી પોતે ‘અમી’ તરિકે પ્રસિધ્ધ થઇ ગયો હતો.એક સ્વપ્ન સુંદરીને આરાધીને લખેલી એ સિત્તેર જેટલી કવિતાઓ દરેક વાંચનારને પોતાની લાગતી.દરેક પ્રેમીને એમ લાગતું જાણે તે પોતાની પ્રેમિકાની આલોચના કે અવલોચના કરી રહ્યો છે.એ કવિતાઓમાં કવિએ પોતાના દિલની પ્રેમિકાના ચરણોમાં એક ભક્ત દેવીના ચરણે ફૂલોનો અર્ધ્ય ધરે તેમ ધરી દીધું હતું…”જરા ના આંખોથી દૂર ના જાશો અમી…”

         બધાને લાગવા લાગ્યું હતું કે,ક્યાંક આ અમી નામક અપ્સરા વસે છે જે કવિના દિલની રાણી છે. પરંતુ આજ દિવસ સુધી એ રહસ્ય કોઇ જાણી શકયું નહોતું.આથી ઘણા કહેતા આ કવિ મીંઢો છે.તેનું મન કળવું એટલું સહેલું નથી.તેમાં તેનો મિત્ર ઓલો ધનંજય તો કાયમ કહેતો અલ્યા કમલા આ અમી કોણ છે ક્યારેક તો અમને બતાવ પણ પોતે એ સ્વપ્ન સુંદરી ક્યાંથી લાવે…? એ તો તેના અધુરા રહી ગયેલા ઓરતાનું નામ હતું.જ્યારે અમીની વિમોચન વિધી હતી ત્યારે આવોજ સમારંભ હતો.હા આજે છે એટલો ભવ્ય તો નહોતો.પણ તેના મનમાં એ સમયનો આનંદ તો બાળકના જન્મ પછી તેનું મુખ જોતા માને થાય તેવો જ હતો.પોતાની રચનાઓ તેણે રજુ કરેલી પણ અમીને ઉદેશીને લખેલી રચના તેણે તરંનુમ રજુ કરી

એક ઘરની છે ઉંચી અટારી,એમાં નિત ઊભે એક રૂપાળી;

ભૂરા વાળ ને ભૂરી આંખો વાળી, એના ગાલે છે ટપકી કાળી

એક ઘરની છે ઉંચી અટારી….

કદી કેશનું ગુંફન કરતી કદી, ઝુમર કાને ધરતી;

કદી કંગનને ફેરવતી, નિત દેખું હું રીત નિરાળી

એક ઘરની છે ઉંચી અટારી…..

નિત મીઠું એ મલકાતી, અને ગુંજન કરતી ગાતી;

મળે આંખો તો શરમાતી, કદી બેસે છે પકડીને જાળી

એક ઘરની છે ઉંચી અટારી….

જાણે ઓચિંતી એ આવે, અણજાણપણું દર્શાવે;

ચૂડી કાંચની એ ખનકાવે, કદી બોલે છે એ આવું છું માડી

એક ઘરની છે ઉંચી અટારી…..

           પુરો સભાખંડ મંત્ર મુગ્ધ હતો,તે ઘડી તેને થયું ખરેખર તેની નજર કોઇને શોધતી હતી.શું પોતાની આંખો સાચે જ કોઇ અમીની રાહ જોતી હશે…?આજ સુધી એ સમજાયું નથી પણ એ અમી જીવનનો ભાગ બની ગઇ એ વાત સાચી હતી.

           ત્યાર પછી કવિતા રચવાની સ્ફૂરણા થતી ત્યારે એક અજાણ આછો આછો ચહેરો આંખો સામે આવીને પથરાઇ જતો,ભાવ વાહી આંખો ચમકતી રહેતી અને એ આંખોમાં રહેલા ભાવ પ્રમાણે હસતી કે ગમથી છલકાતી રચના લખાઇ જતી.એ અમી પુસ્તકે જીવનની કઠીન રાહમાં રસ્તો બતાવ્યો હતો.તેની પબ્લિસીટી એવી મળી કે ત્યાર પછી આગળ વધવાનું જોમ મળ્યું અને આજની નવલક્થા જીવન સાથીનો જન્મ થયો.વર્તમાનમાં આવતા તેણે કહ્યું

મિત્રો

કહી છે દાસ્તાન જ્યારે મેં પદ્યમાં,

દોસ્તો એ નવાજ્યો છે મને કંઇ રૂપમાં;

આજની વાત કહી રહ્યો છું હું ગદ્યમાં,

અનુભવ મળ્યા મને નિત નવા રૂપમાં

        શું બોલવું એ વિચારમાં હું હતો તો માફ કરશો.આ મારૂં અહોભાગ્ય ઘણાય કે શ્રી કોઠારી સાહેબના વરદ્‌ હસ્તે મારી આ પહેલી નવલકથાનું વિમોચન વિધી થઇ એ બદલ હું તેમનો ખાસ આભારી છું.કલમના કલાકાર બૂક ડિપોના માલિક અને સંચાલક શ્રી ઘનશ્યામ પરમાર જે મારા અંતરંગ મિત્ર છે તેમને કેટલા લાંબા સમયથી લખાતી મારી આ નવલકથાની રફ કોપી તેમની ઉત્સુકતા ખાતર સાહજીક વાંચવા આપેલ પણ તેઓ તે પ્રકાશિત કરવાનું નક્કી કરશે અને પ્રકાશન પહેલા જ એની આટલી પબ્લિસીટી કરશે તેની તો મને કલ્પના પણ ન હતી એ બદલ હું તેમનો સદા ઋણી રહીશ. નિવૃતિની પ્રવૃતિ જેવી મારી કલમ કવાયત કરાવી મને કાગળ પર વિસ્તરવાની તક આપનાર મારા મિત્ર ઘનશ્યામનો જેટલો આભાર માનું ઓછો છે મારી આ નવલકથા બાબત કશું કહેવા હું અસમર્થ છું તે બદલ મને ક્ષમા કરશો.

       મનોજ કોઠારી અને ઘનશ્યામ પરમાર સહિત સૌ અચંબિત હતા.થોડિક ક્ષણો બાદ પ્રેક્ષક મિત્રોના અવાઝો આવવા મંડયા અને આનંદના ઉદ્‍ગારોમાં તાળીઓ ભળી. ઘનશ્યામ પરમારે સૌનો આભાર માનતા કહ્યું

‘હું આપનો ઝાઝો સમય લેવાનો નથી પણ મારો મિત્ર તે દિશામાં આગળ જાય એ હેતુથી સાંખ પુરાવા આવ્યો છું’.વાતને આગળ વધારતા કહ્યું ‘મને હમણાં જ વેંચાણના આંકડા મળ્યા છે જેની જાણ અમુલખને કરી ત્યારે બહુ વિનમ્રતાથી રોયલ્ટિનો ચેકથી “આવા સર્જકોને પ્લેટ ફોર્મ આપો” તેમ કહી અમુલખે પોતાની માતૃભાષાના પ્રત્યેની જાગરુકતા બતાવી છે.જે વાંચક મિત્રોએ અત્યારે ઓર્ડર નોંધાવે છે તેમની ચોપડી પર લેખકના હસ્તાક્ષર હશે.આપ સૌ જાણો છો તેમ ઉગતા લેખકના હસ્તાક્ષર પણ પુસ્તકને અમુલ્ય બનાવે છે.અમુલખનું માનવું છે કે,પાછલી ઉંમરમાં સમાજને પાછું વાળવાની ઉંમર છે તેજ પ્રમાણે તેઓ નવા સર્જકોને આગળ વધવાની તક આપી રહ્યા છે.’

       સભાગૄહમાંથી સવાલ થયો કે અમુલખને રોયલ્ટી કેટલી મળી…?’

            “ નવોદિત લેખકની પહેલી નવલકથાની ૧૦૦૦ પુસ્તકો પહેલા દિવસે જ વેંચાઇ જાય એ એક આગવી સિધ્ધી છે.રોયલ્ટીની રકમ છ આંકડાની છે.”હોલમાં સૌએ આદરથી આ વાત વધાવી લીધી.

     સ્ટેજની ડાબી બાજુએ ટેબલ ખુરશી ગોઠવાયા હતા અને દરેક પુસ્તક ખરિદનાર નમ્રતાથી લાઇનમાં અમુલખના પુસ્તક સાથે સહી માટે ઊભા હતા.ફોટોગ્રાફર ફોટાઓ લઇ રહ્યો હતો.પુસ્તક લઇ આવનાર દરેક વાંચક્ને અમુલખ નામ પુછતો હતો અને કંઇક સંદેશ સાથે સહી કરતો હતો.

કોઇકે પુછ્યું ‘આપની સફળતાનું રહસ્ય શું છે…?’ ત્યારે લખ્યું “સખત શ્રમ.”

જ્યારે બીજાએ પુછ્યું ‘લખાણમાં સચોટતા કેવી રીતે આવે છે..?’ફરીથી જવાબ હતો “સખત શ્રમ.”

તો ફરી કોઇકે પુછ્યું ‘વિચારોનું નાવિન્ય ક્યાંથી મળે છે…?” ફરીથી જવાબ એજ હતો “સખત શ્રમ.”

તો સવાલ કરનારે પુછ્યું ‘સખત શ્રમ…? સર્જનમાં…?’

‘હા મારાભાઇ વિચાર કરી કરી ને હ્રદયની ભાવનાઓને વાંચકના વિચારોમાં ઉતારવાનું અને તેમને પાત્રની નજદીક લઇ જવાનું કામ સખત પરિશ્રમ માંગી લે છે…’કહી અમુલખ મલક્યો

       જ્યારે સિગ્નેચર સેરીમની સંપન્‍ન થઇ ત્યારે નીશારાણીનું આગમન થઇ ચુક્યું હતું (ક્રમશ)

      

 

 

Advertisements
This entry was posted in ઋણનુબંધ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.