મિત્રા- મારી સખી, મારી માર્ગદર્શક. મારી વાત સાંભળી તે એક મિનિટ તો અવાચક થઇ ગઈ. તેને ખબર હતી કે મારા પોતાના લોકો તરફથી મારા માટે કેવો વ્યવહાર થયો હતો પણ તેને કારણે હું આવો નિર્ણય લઈશ એવી તેની ગંધ પણ ન હતી.
‘શું વાત કરે છે તું?’
‘હા, બહુ વિચાર કરીને જ આ અંતિમ નિર્ણય પર આવી છું.’
‘મને કહેતા પહેલા તેં તારા દીકરીઓ અને જમાઈઓને આ વાત કરી જ હશે.’
‘હોતું હશે? તો તો મને આગળ વધવા જ ન દે. યેનકેન પ્રકારે તેઓ મને આમ કરતા રોકે અને પછી ફરી પાછી તે જ રામાયણ – તેમની ઓશિયાળી.’
‘પણ જ્યારે તેઓને જાણ થશે ત્યારે?’
‘જાણ થાય તો ને? ત્યારની વાત ત્યારે. અત્યારે તો તારા સિવાય કોઈને આ વાત નથી કરી એટલે તેઓને જાણ થાય એ પહેલા તો બધું પતી ગયું હશે. અરે, બાજુવાળા રમીલાબેન સાથે આટલો સારો સંબંધ છે પણ તેમને પણ હમણા નથી કહેવું, કારણ એક હિતૈષીને નાતે તેમનાથી નહી રહેવાય. તેઓ કાં તો આંમ ન કરવા સલાહ આપશે અથવા તો દીકરીઓને જણાવી મને આમ કરતા રોકવાનો પ્રયત્ન કરશે. હવે કહે, તું મને મદદ કરશે કે કેમ?’
‘અન્ય કોઈ વિકલ્પ નથી?’
‘એક વિકલ્પ હતો, રાજેશ. પણ તને ખબર છે ભાભીના સ્વભાવની. ઉપરથી દમના દર્દી એટલે હું તો ઊલમાંથી ચૂલમાં પડું. વળી રાજેશ કામસર અવારનવાર બહારગામ રહેતો હોય એટલે ભાભી સાથે રહેવું તે એક વિચારવાલાયક વાત. તો પણ તે વિકલ્પ નજરઅંદાજ ન કર્યો અને ફોન કર્યો હતો. પણ રાજેશને તો ચાઈના જવાનું હતું તેની તૈયારીમાં હતો એટલે ભાભીએ ફોન ઉપાડી વાત કરી. જો કે પછી રાજેશ જોડે વાત થઇ પણ તે કેમ છો જેવી સામાન્ય વાતો પર જ અટકી કારણ તેને મારી પરિસ્થિતિ અને મૂંઝવણ કહેતા મન અચકાયું એટલે ફોન મૂકી દીધો.’
‘જો શીલા, આ તારો નિર્ણય છે. તે સમજી વિચારીને આ નિર્ણય લીધો છે. હું તને વર્ષોથી ઓળખું છું. એક તો તારી વિચારશક્તિની મને જાણ છે. તે ઉપરાંત તારી પરિસ્થિતિનો પણ મને ખયાલ છે. ભલે હું તારા આ નિર્ણય સાથે સો ટકા સહમત ન હોઉં અને તને અન્ય વિકલ્પ માટે વિચારવા કહું પણ તું મને જ તે વિકલ્પ વિષે પૂછે તો મારી પાસે પણ તેનો જવાબ નથી કારણ મારી પોતાની જિંદગીમાં હું આવા સંજોગોમાથી પસાર થઈ છું અને તું જાણે છે કે મેં પણ તારા જેવો જ વિકલ્પ વિચારી અમલમાં મૂક્યો છે.’
‘એટલે તો તને યાદ કરી કે તારા અનુભવો હવે હું અનુભવી રહી છું એટલે તું પણ સકારાત્મક સલાહ અને ટેકો આપશે.’
‘હા ભાઈ હા – આવ ભાઈ હરખા, આપણે બે સરખા – આ વાતનો તું બખૂબી લાભ લે છે!’
‘મિત્ર કોને કહેવાય? લાભ લેવો હોય અને લાભ મળે તેને જ ને? ચાલ, હવે આગળ કેવી રીતે વધશું તેનો વિચાર કરીએ, કારણ આ કાર્ય એકદમ સહેલું નથી.’
આ કામ એક દિવસમાં પતે એમ ન હતું. વાત જ એવી હતી કે વિચાર વિમર્શ કરવા ખૂબ સમયની જરૂરિયાત હતી. હવે રોજ રોજ મિત્રાને આવવા કરવાની મુશ્કેલી પડે તે કારણે મેં મિત્રાને થોડા દિવસ મારી સાથે જ રહેવા કહ્યું જેથી નિરાંતે ચર્ચા કરી શકાય અને આગળ વધી શકાય.
મિત્રાને પણ આ વાત ગળે ઉતરી એટલે જે વૃદ્ધાશ્રમમાં તે રહેતી હતી તેના સંચાલકની રજા લઈ મારી સાથે થોડા દિવસ રહેવા આવી.
પછીના દિવસો તો બધી રીતે આનંદમય બની ગયા. એક તો મારા નિર્ણયને કારણે મનમાં શાતા તો થઇ હતી પણ તેમાં મિત્રાનો સાથ અને સહકાર મળ્યો એટલે ઓર આનંદ થયો. જુદા જુદા વૃદ્ધાશ્રમોની તપાસ અમે જોરશોરથી કરતા. સાથે સાથે રોજ અવનવી વાનગીઓ બનાવી તેને માણતા. તો સવારે ઉઠીને સૂતા સુધી ભૂતકાળની વાતોને મમળાવતા, કોઈવાર સ્કૂલની બહેનપણીઓને યાદ કરી ક્યાં હશે તેનો વિચાર કરતા. તો ક્યારેક મિત્રા પોતાના પુત્રના વર્તાવની વિતકકથા યાદ કરી આંસુ સારતી અને મારે તેને સાંત્વના આપવી પડતી. મારી વિતકકથા તો તે જાણતી જ હતી એટલે તેને યાદ કરવાનો કોઈ મતલબ ન હતો એટલે તે વિષે હું ચૂપ રહેતી. મિત્રા પણ આ સમજતી એટલે તે તરફ કોઈ ઈશારો પણ ન કરતી.
દીકરીઓ સામાજીક ફરજ સમજી ક્યારેક ફોન કરે પણ પહેલા જેવો ઉમળકો ક્યાંથી હોય? હું પણ વાત કરૂં પણ મારૂં મન કળવા ન દઉં. આડકતરો ઈશારો થાય કે હજી પણ સમજીને ફ્લેટ વેચી તેમની સાથે રહેવા જાઉં. હું પણ વિચારમાં છું કહી તેમને કોણીએ ગોળ ચોટાડતી રહી અને મનમાને મનમાં એક અવર્ણનીય આનંદ માણતી.
એક દિવસ આશા અને જીજ્ઞાસા બંને સાથે આવી ગયા. અચાનક તેમને આવેલા જોઈ શીલા બે મિનિટ તો અચકાઈ પણ આવકાર્યા. મિત્રાને જોઈ તેમને આશ્ચર્ય થયું પણ તે વ્યક્ત ન કર્યું.
‘કેમ છો માસી? તમે પણ આજે જ મળવા આવ્યાને શું? તમને મળીને આનંદ થયો.’
‘ના ના, હું તો બે-ચાર દિવસ તારી મમ્મીને કંપની આપવા, રહેવા આવી છું. મને પણ મારા વૃદ્ધાશ્રમના રોજિંદા જીવનમાંથી થોડો ચેન્જ મળે અને તારી મમ્મીને પણ.’
‘એટલે તો અમે પણ આજે તે માટે આવ્યા કારણ ફોન તો કરીએ પણ તે ઉપર વાતો બહુ ન થાયને?’
શીલાએ વિચાર્યું, ‘મને ખબર છે તમારા આવવાનું ખરૂં પ્રયોજન. ફ્લેટ વેચી નાખું એટલે તમને ભયોભયો! પણ હું શું નથી જાણતી તમને અને તમારા વિચારોને? મારા વિચારોની ખબર પડશે અને તમે ત્યારે જે આંચકો અનુભવશો તે વિચારે જ મારૂ મન પ્રફુલ્લિત થાય છે.’
‘માસી,’ જીજ્ઞાસા બોલી, ‘ તમે અહિ રહેવાના છો તો મમ્મીને સમજાવોને અમારી સાથે રહેવાને? તેમના દોહિત્રો અને દોહિત્રી તો પૂછ્યા કરે છે કે નાની ક્યારે આપણી સાથે રહેવા આવશે? જમાઈઓને પણ ચિંતા છે કે આમ એકલા રહેતા હોય અને કાઈ થાય તો?’
‘શું મેં તેને આ વિષે નહી કહ્યું હોય? પણ તમે જાણો છો કે તમારી મમ્મી કેટલી મક્કમ વિચારની છે? જ્યાં સુધી તેનું મન માનશે નહી ત્યાં સુધી તે આ ઘર છોડી તમારે ત્યાં રહેવાનો વિચાર નહી કરે. હું તો તેને નાનપણથી જાણું છું એટલે તેને દબાણ કરવાનો પણ અર્થ નથી.’
‘વાહ મિત્રા, દોસ્ત હો તો આવા!’ શીલાએ મનમાને મનમાં મિત્રાને શાબાશી આપી.
થોડી આડીઅવળી વાત કરી બંનેએ વિદાય લીધી એટલે હું અને મિત્રા એક્બીજા સામે જોઈ ફક્ત મર્ક્યા..
પછી અમારો દોર ચાલુ હતો. મુંબઈ બહારના આવેલા વૃદ્ધાશ્રમોની સગવડ જોવા રૂબરૂ પણ જઈ આવ્યા પણ ક્યાય મનને ન ગોઠે. કા તો વાતાવરણ અનુકૂળ નહી, કા તો મારે જોઈએ તેવી સગવડનો અભાવ.
મિત્રાએ એક દિવસ કહ્યું, ‘ચાલ મારી સાથે. એક સારા વૃદ્ધાશ્રમની વાત મળી છે.’ અને અમે ‘વિસામો’માં પહોંચ્યા. ત્યાના સી.એમ.ને મળી શું સગવડ છે, કેવી રીતે રહેવા મળે છે, વગેરેની પૂછપરછ કરી. પહેલી મુલાકાતમાં અમે અમારો પ્લાન કહ્યો નહી, કારણ જ્યાં સુધી પાકો નિર્ણય ન લેવાય ત્યાં સુધી શા માટે તેમને ખોટી આશા આપવી?
બે દિવસ વિચાર કરી ફરી ‘વિસામો’ની મુલાકાત લીધી. હવે અમે સી.એમ.ને અમારો વિચાર જણાવ્યો કે જો હું ‘વિસામો’ને એક કરોડ રૂપિયાનું દાન આપું તો મને જીવું ત્યાં સુધી રહેવા મળે અને મારી બધી જરૂરિયાતો સચવાય? આમ તો દરેક વૃદ્ધાશ્રમમાં હોય છે તેવી બધી સગવડો અહિ પણ હતી જ પણ મારી અમુક ખાસ જરૂરિયાતો, જે અન્યોને મળતી ન હતી, તે પણ સચવાય તેવી મારી ઈચ્છા હતી.
એક કરોડ રૂપિયાની વાત સાંભળી સી.એમ.તો લગભગ ઉભા જ થઇ ગયા. સારૂં થયું કે તે બેભાન થઇ ઢળી ન પડ્યા. એમ થાય તો તેની નવાઈ ન જ હોયને, કારણ આટલી મોટી રકમ કોઈએ આજસુધી દાનમાં આપી હશે કે કેમ તે શંકાનો વિષય હતો.
આવા પ્રકારનો પ્રસ્તાવ પણ અનોખો હતો જે માટે સી.એમ.ને નિર્ણય કરવાની સત્તા ન પણ હોય, એટલે તેમણે જણાવ્યું કે તે મુખ્ય ટ્રસ્ટીને વાત કરી એક-બે દિવસમાં જણાવશે. મુખ્ય ટ્રસ્ટી પણ આ પ્રસ્તાવને લઈને અચંબામાં પડ્યા જ હશે તેમાં કોઈ શંકા ન હતી. તેમણે પણ કોઈ નિર્ણય લેતા પહેલા અન્ય ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરી હોય તે સ્વાભાવિક છે. જે હોય તે, બે દિવસ પછી શીલાને સી.એમ.નો ફોન આવ્યો અને બધી શરતો કબૂલ છે તેમ જણાવ્યું. સાથે સાથે ક્યારે આવશો તેમ પણ પૂછ્યું જેથી તેમના રહેવાની બધી તૈયારીઓ તેમના આવતા પહેલા થઇ શકે.
શીલાએ કહ્યું કે હવે તે ફ્લેટ વેચવાની પ્રક્રિયા પૂરી કરશે અને ત્યારબાદ તેના આવવાનો કાર્યક્રમ જણાવશે.
થોડા જ દિવસમાં મિત્ર એજન્ટે બધી વિધિ પતાવી દીધી. મેં પણ તેમને વિનંતી કરી હતી કે મને બને તેટલી રકમ ચેકથી મળે એટલે રોકડા સાચવવાની ચિંતા નહી. એ ધ્યાનમાં રાખી તેમણે આ સોદો પતાવી આપ્યો હતો. મેં પણ તેમને દલાલીની રકમ એક ટકાને બદલે બે ટકા આપી. જો કે તે તો પહેલા માનતા ન હતા પણ બકુલના નામે ઈમોશનલી બ્લેકમેલ કરી મારું ધાર્યું કરીને જ રહી.
આ બધી વાટાઘાટો તેમની ઓફિસમાં જ પતાવી જેથી કોઈને, ખાસ કરીને રમીલાબેનને કોઈ શંકા ન જાય. વળી ફ્લેટ લેનાર ભાઈને કહ્યું હતું કે મારે ફક્ત કપડાં અને મારી જરૂરિયાતની ચીજો લઈને જવું છે. જ્યાં જાઉં છું ત્યાં સરસામાન, ઘરવખરી વગેરેની કોઈ જરૂર નથી. આ બધું આ બે કરોડમાં સામેલ છે. તમારે જે કાઈ રાખવું હોય તે રાખજો અને જે ન જોઈએ તે કાઢી નાખજો. મેં તેમને એ પણ સૂચના આપી કે ભવિષ્યમાં મારી દીકરીઓ અહી આવે તો મારા વિષે કોઈ જાણકારી નથી તેમ જણાવજો.
એક સારા દિવસે એક મોટી સુટકેસમાં મારા બધા કપડાં અને જરૂરિયાતની ચીજો લઈને ઘરને તાળું મારતી હતી ત્યારે બાજુવાળા રમીલાબેન બહાર આવ્યા અને પૂછ્યું કે ક્યાં ચાલ્યા? હું મિત્રા સાથે ચારધામ યાત્રાએ જાઉં છું અને એકાદ મહીને પાછી આવીશ. કમને ખોટું બોલવું પડ્યું પણ છૂટકો ન હતો કારણ જ્યારે જતે દિવસે મારી દીકરીઓને મારો સંપર્ક નહી થાય, કારણ મેં ફોન કનેક્શન કઢાવી દીધું હતું, ત્યારે તેઓ જરૂર રૂબરૂ આવી રમીલાબેનને પૂછશે અને જો રમીલાબેન સાચી વાત જાણે તો મારો આખો પ્લાન ઊંધો થઇ જાય.
મિત્રા સાથે શીલા વૃદ્ધાશ્રમમાં પહોંચી તો મુખ્ય ટ્રસ્ટી અને બીજા એક બે ટ્રસ્ટી જાણે તે કોઈ મહાન વ્યક્તિ હોય તેમ તેનું સ્વાગત કરવા ઉભા હતા. બધાએ સાથે બેસી ચા-પાણી કર્યા અને મુખ્ય ટ્રસ્ટીએ કહ્યું કે કોઈ પણ જાતની તકલીફ થાય તો વિના સંકોચ તેમનો સંપર્ક કરવો.
પહેલી રાતે તો પોતાના ઘર બહારના આ નવા માહોલમાં કાઈક ગોઠયું નહિ. ક્યાંક સુધી શીલાને ઊંઘ ન આવી. મોડી રાતે જ્યારે આંખ મળી ત્યારે સપનામાં બકુલ દેખાયો. ‘વાહ, શીલા. તું તો મારી અપેક્ષાની ઉપર ઊઠી. તારી આ નિર્ણાયક શક્તિને દાદ દેવી પડે. જીવનભર એક સસલીની જેમ મારી પડખે રહેનાર આજે એક નારીશક્તિ દાખવે તે માટે હું ગર્વ અનુભવું છું.’
‘શું કરૂં બકુલ? સંજોગોએ આ બધું મારી પાસે કમને કરાવ્યું. મને આ ગમ્યું હશે તેમ ન માનતા.’
‘જે કર્યું તે સારૂં જ કર્યું છે. હવે તું શાંતિથી તારી પાછલી જિંદગી વિતાવી શકાશે.’
‘જનકલ્યાણ’ વાંચતા વાંચતા સ્મરણયાત્રામાં ગરકાવ શીલાબેને અચાનક પોતાના નામની બૂમ સાંભળી. તે તંદ્રામાંથી જાગી અને જોયું તો સામે બકુલ નહિ પણ સી.એમ. ઊભા હતાં.
‘શું વાત છે, સી.એમ.?’
‘જી, ફક્ત એ કહેવા કે કોઈ આશા અને જીજ્ઞાસા નામની બે સ્ત્રીઓ શીલાબેન વિષે તપાસ કરવા આવી હતી પણ અહી શીલા નામની કોઈ મહિલા નથી એમ કહી તેમને રવાના કરી દીધા.’
‘થેંક્યું, સી.એમ., તમે મારી અન્ય શરત કે મિત્રા સિવાય કોઈને, ખાસ કરીને તમે જે નામ કહ્યા તે સ્ત્રીઓને કે તેના બાળકોને હું અહી રહું છું તેની જાણ ન થવા દેવી, તેનું તમે બરાબર પાલન કર્યું.’