(ગતાંકથી ચાલુ)
‘વૃધ્ધાશ્રમવાળાનું કહેવુ શું છે…..?’ઘનશ્યામે ગાડીમાં બેસતા પુછ્યું
‘તે લોકો પણ એ જ ચિંતામાં છે કે, આજે સાકર કોઇને કશું કહ્યા કારવ્યા વગર ક્યાંક જતી રહી છે’
‘હં…..પણ કોઇને અન્યને પુછીએ ત્યારે આપણે કોને શોધીએ છીએ તેનો અતો પતો તો હોવો જોઇ મતલબ એનો ફોટો ગ્રાફ….’ઘનશ્યામે કહ્યું
‘હા છે ને….એ માટે ઘેર જવું પડશે ચાલ…’કહી અમુલખે ગાડી ઘર તરફ હંકારી
બંને અમુલખના ઘેર આવ્યા તો યદુરામે વ્યગ્રતાથી પુછ્યું
‘સાયેબ સાકરબેન…..’
‘એ મળી નહીં…એના દીકરાએ….એ બહુ લાંબી વાત છે તું ચ્હા બનાવ….’કહી અમુલખ પોતાના બેડરૂમમાં ગયો અને સાકરના પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફસ લઇ બહાર આવ્યો. યદુરામે મુકેલી ચ્હા પી બંને પાછા ગાડીમાં ગોઠવાયા તો અમુલખે સાકરના ફોટોગ્રાફસ ઘનશ્યામને આપ્યા
‘આ સારૂં કર્યું નહીંતર આપણે લોકોને પુછત શું….? સાકરને જોઇ…? એટલે લોકો પુછત કઇ સાકર દાણાદાર કે ખડી સાકર….?’
‘મજાક મુક પરમાર….’કટાણું મ્હોં કરી અમુલખે કહ્યું
‘દસ વરસથી તારે ત્યાં કામ કરતી હતી ને તેના દીકરા આવું પગલું ભર્યું તેની વાત સુધ્ધા તને એણે ન કરી…?’
‘મેં તેની પર્સનલ લાઇફ બાબત કદી પુછ્યું નથી અને એણે કહ્યું નથી…હા યદુરામ પાસેથી મને એટલી ખબર પડીકે એનો દિકરો નાનો હતો ત્યારે જ બંનેને મુકી એનો ઘરવાળો ઘર મુકી ક્યાંક ચાલ્યો ગયો છે…બસ એનાથી વધારે એના વિષે હું કશુ જાણતો નથી’
‘આ સાકરનો ફોટોગ્રાફ રાખ્યો છે એ સારૂં કર્યું તપાસ કરવામાં સરળતા રહેશે..’ઘનશ્યામે ફોટા સામે જોઇ કહ્યું
‘આ તો આપણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર એકબોટેના કહેવાથી કર્યું…’
‘મતલબ…હું સમજયો નહીં…?’ઘનશ્યામે પુછ્યું
‘મારા ઘરમાં પહેલી મેઇડ અનસુયા રાખેલી એ ચાર દિવસ આવે એક દિવસ ન આવે એમ ખાડા કરતી હતી એટલે છુટી કરી તે પછી બીજી મેઇડ રાખી શું નામ હતું…..અં….?’અમુલખ વિચારમાં પડ્યો
‘અરે જાવા દેને યાર એક્ષ વાય ઝેડ જે હોય તે…તો એણે શું કાર્યું…?’
‘હા બીજી મેઇડ એને શાક પાન લેવા યદુરામ મોકલે તો એ શાક પાનના ખોટા હિસાબ આપી પૈસા ગપચાવતી હતી….’
‘એટલે રવાની કરી એમને…પછી….?’
‘ના યદુરામે એને કહ્યું તું શાકભાજીના ખોટા હિસાબ આપે છે શાકભાજીના ભાવ આટલા બધા ન હોય તો એ સામે ગળે પડી ગઇ યદુરામને કહે તારે તો ઘરમાં બેસી હુકમ હલાવવા છે હું કાછિયા સાથે ભાવતાલની કેટલી લમણાજીક કરૂં છું તે તને ક્યાંથી ખબર હોય…? તું મારા પર ખોટા શક કરે છે હું કાલથી નહીં આવું….’
‘વાહ..!! સતવાદીની પુછડી પછી….?’
‘પછી આવી મંજરી….એ રાશન ચોર નીકળી….’
‘એટલે કાઢી મુકી એમને…?’
‘ના એ જ્યારે મારા ઘેર કામ કરવા આવતી હતી ત્યારે હંમેશા પોતાની સાથે એક પ્લાસ્ટિકની થેલી લાવતી હતી એમાં કપડા કે એવું કશું સાથે હોય જ એક દિવસ યદુરામને એની કોથડીના તળિયે દાળ દેખાઇ એટલે યદુરામે રસોડામાં દાળની બરણી જોઇ એ અર્ધી ખાલી હતી એટલે એનો શક પાકો થયો તેથી કહ્યું અલી મંજરી ઘરમાંથી તેં દાળ ચોરી કરી તો એ રડતી મારી પાસે આવીને એણે મને કહ્યું જુઓ સાયેબ હું મુલચંદ મોદી પાસેથી અહીં આવતા પહેલા મારા ઘર માટે દાળ લેતી આવી હતી તે જોઇ તમારો યદુરામ મેં ઘરની દાળ ચોરી એવો મારા પર ખોટો આરોપ મૂકે છે હું ખોટું બોલતી હોઉ તો મુલચંદ મોદીને પુછી જુવો…મારા પર આવા ખોટા શક જ્યાં થતા હોય ત્યાં હું કામ નહી કરૂં કહી એ પણ ગઇ….’
‘હં…પછી…?’
‘પછી આવી પ્રેમા….એ નાની મોટી ચીજો ચોરતી હતી અને એક દિવસ મારૂં ઘડિયાળ ઉપાડી ગાયબ થઇ ગઇ બે દિવસ ન આવી એટલે શક પાકો થ્ઇ ગયો મેં જ્યારે પોલીસ ચોકીમાં ફરિયાદ કરી ત્યારે ઇન્સ્પેકટર એકબોટેએ મને પુછ્યું તમારી પાસે તમારી મેઇડ પ્રેમાનો કોઇ ફોટોગ્રાફ અને સરનામું છે….? મેં ના પાડી તો મને કહે મણિયાર સાહેબ કશી પણ ઓળખ વગર અમારે તમારી મેઇડ પ્રેમાને કેમ શોધવી હવે મેઇડ રાખો તો એનો ફોટોગ્રાફ અને સરનામું જરૂર નોંધી રાખજો…’
‘એટલે ઓલી પ્રેમા પછી આ સાકર મળી એમને…?’
‘ના એનાથી પહેલા લાજો આવી હતી મુળ નામ તો લાજવંતી …હતું પણ લાજ વગરની હતી….’અમુલખે મ્હો બગાડી કહ્યું તો એના ખભે ધબ્બો મારતા ઘનશ્યામે પુછ્યું
‘કેમ તારા પર કામણ કરવાના પ્રયત્નો કરેલા કે…?’
‘મજાક મુક પરમાર….એ મારી મનીપર્શમાંથી પૈસા સેરવતી હતી આમ તો ખબર ન પડે પણ તે દિવસે જ મેં એટીએમમાંથી ૧૦૦૦૦ વિથડ્રો કરેલા મને બરોબર યાદ છે ૧૯ નોટ ૫૦૦ની હતી અને ૫ નોટ ૧૦૦ રૂપિયાની હતી…હું બઝારમાં ગયો ત્યારે પેમેન્ટ માટે પર્શ ખોલી ત્યારે ૧૦૦ રૂપિયાની ચાર નોટ જોઇ મને નવાઇ લાગી મને યાદ નહોતું આવતું કે મેં કોઇને ૧૦૦ રૂપિયા આપ્યા હોય યદુરામ આવું ન કરે તેની મને ગળા સુધી ખાત્રી હતી એટલે આ કામ લાજોનું જ હોવું જોઇએ અને એના પર નજર રાખતા એક દિવસ એને મેં મારી મનીપર્શ ઉપાડતા જોઇ એનું કાંડુ પકડી પુછયું પૈસા ચોરે છે ચોર…કહી હું એકબોટેને ફોન કરવા ગયો ત્યાં સુધી એ ભાગી ગઇ મેં પોલીસ સ્ટેશનમાં જઇ વાત કરી અને તેના ઘેર ગયા તો એણે કહ્યું મેં એના પર ખોટો આરોપ મુંક્યો છે….મુળ તો સાયેબની મારા પર મેલી નજર…કહી રડી પડી…’
‘ભારી ચાલક નીકળી….પણ તને આવી બધી મેઇડ મોકલતો કોણ હતો….?’
‘અમારી સોસાયટીનો સેક્રેટરી મનોજ માંજરેકર…..’
‘તો તેં તેને વાત ન કરી….?’
‘તેણે મને કહ્યું મણિયાર સાહેબ હવે કઇ ચોર છે અને કઇ વફાદાર એનો કંઇ મીટર તો નથી હોતોને…?’
‘એનો મતલબ છેલ્લી સાકર આવી એમને….?’
‘હા…યાર એ આવી અને મારા ઘરની એ છેલ્લા દસ વરસથી સંભાળ લેતી હતી. યદુરામ તો એને બહેન જ માનતો હતો અને એ મારે ત્યાં કામે રહી પછીની રાખડી પુનમે યદુરામને રાખડી બાંધેલી પરમાર તે દિવસે બંનેની આંખમાં હર્ષના આશું આવી ગયેલા એ મને બરોબર યાદ છે.યદુરામે કહેલું એક અભાગિયાના સગામાં કોઇ નહતું તે એક બહેન મળી ગઇ તો સાકરે કહ્યું કોઇના ખભે માથું મુકી રડી શકું એવો ભાઇ મને આજ મળી ગયો.’
બંને પોલીસ સ્ટેશનમાં આવ્યા અને સાકરની બધી વાત કરી સાકરનો ફોટોગ્રાફ આપ્યો તો નવા ઇન્સપેકટર નાગપુરકરે ફરિયાદ નોંધી ને કહ્યું તમારા પહેલા વૄધ્ધાશ્રમના સેક્રેટરી પણ ફરિયાદ નોધાવી ગયા એ બાઇનું નામ પણ સાકર હતું તો બંને એક જ વ્યક્તિ તો નથીને….?’
‘હા સાહેબ બંને એક જ વ્યક્તિ છે..?’
‘સારૂં અમે તપાસ કરીશું અને સઘડ મળેથી તમને જાણ કરીશું….’કહી સાકરનો ફોટોગ્રાફ ગુમ સુદા લખેલ નોટીસબોર્ડ પર પીન મારી લગાડી દીધો …પોલીસ સ્ટેશનમાંથી બહાર આવતા ઘનશ્યામે કહ્યું
‘ચાલ સૌથી પહેલા સાકરના ઘરની આસપાસ અને આશ્રમની આસપાસ તપાસ કરીએ કોઇએ એને જોઇ છે કે કેમ…?’
બંને સાકરના ઘરની આસપાસની દુકાનોમાં સાકરનો ફોટોગ્રાફ દેખાડી તપાસ કરી તો દુકાનદારો એને બરાબર ઓળખતા હતા પણ આજ કાલમાં કોઇએ એને જોઇ ન હતી. ત્યાંના રિક્ષા સ્ટેન્ડ પર ઊભી રહેતી રિક્ષાવાળાને પણ પુછ્યું પણ ક્યાંથી એના સઘડ ન મળ્યા તો ઘનશ્યામે કહ્યું
‘મણિયાર આવી વ્યક્તિઓ બહુધા ગામ છોડીને જવાનું વધુ પસંદ કરે છે કારણકે લોકો ખણખોદ કરીને વાત જાણવાની અને પછી મરી મસાલો નાખી અફવા ફેલાવવામાં વધુ રસ લેતા હોય છે તેમાં જેઓ એનો ઘરવાળો એને મૂંકીને જતો રહ્યો છે એવું જાણતા હશે તેમના માટેતો તમાશાને તેડું એટલે ચાલ સ્ટેટ ટ્રાન્સપોર્ટના બસ સ્ટેશન પર અને પછી પ્રાઇવેટ બસ સ્ટેશન પર તપાસ કરીએ….’
બંને પહેલા સ્ટેટ ટ્રાન્સપોર્ટના બસ સ્ટેશન પર આવ્યા અને ત્યાં ટિકીટ બારી પર,ત્યાં ઊભેલી બસના કંડકટરને, ડ્રાઇવરને,ચ્હાની લારી વાળાને,પાનના ગલ્લા પર,છાપાના ફેરિયાને અને પીપરમેન્ટના ફેરિયાને સાકરનો ફોટોગ્રાફ બતાવી એને જોઇછે કે કેમ તપાસ કરી પણ કોઇએ એને જોઇ હોય એવું ન કહ્યું.તે પછી જયાંથી પ્રાઇવેટ બસો ઉપડતી હતી એ ડિપો પર આવ્યા ત્યાં પણ સૌને પુછ્યું પણ કોઇએ હા ન પાડી કે સાકરને જોઇ છે.
‘પરમાર શું કરીશું….?’નિરાશ થયેલા અમુલખે પુછ્યું
‘હવે બાકી રહી એકજ જગા રેલ્વે સ્ટેશન…..’કહી ઘનશ્યામે અમુલખની ગાડીનું બારણું ખોલ્યું
‘હા બરાબર છે કદાચ ત્યાં મળી જાય….’અમુલખે કહ્યું અને ગાડી રેલ્વે સ્ટેશન તરફ રવાના થઇ.રસ્તામાં એક જગાએ એક્સીડન્ટ થયેલો એટલે ટ્રાફિક જામ હતો. અમુલખના મ્હોં પર રઘવાટ છવાયેલો હતો તે જોઇ ઘનશ્યામે અમુલખનો ખભ્ભો થાબડી સાંત્વન આપતા કહ્યું
‘મણિયાર ધરપત રાખ અહીં કદાચ સાકરના સઘડ મળી જાય…’
ઘણી વાર પછી એમ્બ્યુલન્સ આવી અને ઘવાયેલાને લઇને ગયા પછી ટ્રાફિક પોલીસે હળવે હળવે ટ્રાફિક ચાલુ કરાવ્યો.આખરે બંને રેલ્વે સ્ટેશન પર આવ્યા તો ઘનશ્યામે કહ્યું
‘મણિયાર તું ગાડી પાર્ક કરી આવ ત્યાં સુધી હું પ્લેટફોર્મની ટિકીટ લઇ લઉ છું’
‘હા આપણે પ્લેટફોર્મ પર મળિયે….’
ઘનશ્યામ પ્લેટફોર્મની ટિકીટ લેવા ગયો ત્યાં લાંબી લાઇન હતી
‘સાલી ઇમર્જન્સી હોય ત્યારે જ બધે ઠેકાણે અડચણો ઊભી થાય…’સ્વગત બોલતા ઘનશ્યામ લાઇનમાં ઊભો રહ્યો આખર એ બારી પર આવ્યો તો સાકરનો ફોટોગ્રાફ ત્યાંના ટિકીટ કલાર્કને બતાવી પુછ્યું
‘સાહેબ આ લેડી અહીંથી ટિકીટ લઇ ગઇ…?’
‘અરે મારા ભાઇ અહીં હજારો પેસેન્જાર આવે છે કોના કોના ચહેરા યાદ રાખીએ…?’
‘ભલે ભાઇ બે પ્લેટફોર્મ આપો….’
ઘનશ્યામ લાઇનમાંથી બહાર આવીને ત્યાં બેઠેલા હમાલોના ટોળામાં સાકરનો ફોટોગ્રાફ બતાવી પુછ્યું
‘ભાઇ તમારામાંથી કોઇએ આ બાઇને અહીં પ્લેટફોર્મ પર જોઇ છે…’
‘કેમ કોણ છે…?કશું ચોરવીને લઇ ગઇ છે…?’એક હમાલે પુછ્યું
‘ના ભાઇ એ કશું ચોરવીને નથી લઇ ગઇ….’
‘તમારી શું સગી થાય…?’બીજાએ પુછ્યું
‘એની બેન થાય….’ત્યારે જ ત્યાં આવેલા અમુલખે એવું કહી ઘનશ્યામનું બાવડું ખેચતા ગણગણ્યો
‘આ લોકોને પુછવાથી કંઇ ફાયદો નથી થવાનો બધા નવરા ધુપ છે એટલે એમને ટીખડ સુજે છે’
સામેના પહેલા પ્લેટફોર્મ પર ઉભેલી ટ્રેઇનની પહેલી બોગીથી બંનેએ તપાસ કરવાની શરૂઆત કરી આખર છેલ્લી બોગી સુધી તપાસ કરતા કંઇ વળ્યું નહી
અચાનક રેલ્વેના બીજા ખાલી ટ્રેક પર લથડતી ચાલે એક સ્ત્રીને જતી જોઇ ઘનશ્યામે આજુ બાજુ વ્યગ્રતાથી નજર ફેરવતા અમુલખને બુમ મારી
‘મણિયાર ઓલા બીજા ટ્રેક પર એક સ્ત્રી જાય છે એ સાકર તો નથી ને…?’
સાંભળી અમુલખ પ્લેટફોર્મ પરથી નીચે આવી અને બીજી ટ્રેક તરફ દોડ્યો અને જયારે એ સ્ત્રીની નજીક પહોંચ્યો ત્યારે ખબર પડી કે એ સાકર જ હતી જાણે પોતાના ખભા પર પોતાની લાશ લ્ઇ જતી હોય તેમ લથડતી ચાલે જઇ રહી હતી. અમુલખે એકદમ તેનો હાથ પકડીને કહ્યું
‘સાકર ક્યાં જાય છે…?
દયામણા ચહેરે સાકર એકીટશે અમુલખને નિર્લેપ ભાવથી જોઇ રહી (ક્રમશ)