ગૃહ પ્રવેશ (૬) પ્રવીણા કડકિઆ

gruhapravesh

હૉસ્પિટલમાં રાધાના દર્દભર્યા અવાજ સંભળાતા હતાં.

‘મને ક્યાં આવો અનુભવ થવાનો હતો મારા મગજમાંથી તો શરદનું વર્તન છેલ્લા મહિનામાં હતું તે  જ ઘુમરાયા કરતું હતું.’

‘રાધાને હવે નવમો મહિનો ચાલુ થઈ ગયો હતો. તેને બેસવા, ઉઠવામાં તકલિફ ખૂબ પડતી. વજન સારું એવું વધ્યું હતું. શરદ તો ઓફિસથી આવે એટલે પહેલાં ચા પીતા, મારી સાથે આખા દિવસની વાતો કરતાં. હવે એ નિયમ બદલાયો હતો. રાધાનું શરીર વધ્યું હતું પણ ખબર નહી કેમ તેને અશક્તિ જણાતી. ડોક્ટર પાસે લઈ ગયા તો કહે’ તેની તબિયત નાજુક છે. આરામ કરે તેવો આગ્રહ રાખજો. તેને તપાસીને કહે,’બાળકીનું હલન ચલન અંદર નિયમિત લાગે છે. “

શરદ ઓફિસેથી આવે કે પહેલો સવાલ  પૂછતાં,’રાધા કેમ છે’? મને કોઈવાર તેની અદેખાઈ થતી. મૌન ધારણ કરી મુખના ભાવ ન બદલાય તેનું ધ્યાન રાખતી.

હજુ જવાબ સાંભળ્યો ન સાંભળ્યો ત્યાંતો તેના રૂમમાં જઈ તેના પેટ ઉપર હાથ ફેરવતા. ઉદરમાં પોષાઈ રહેલાં પારેવડાંની સાથે વાતો કરતાં. પ્રેમથી તેને સંવારતા. મને આ દૃશ્ય જોવું ગમતું નહી. શરદ તો પ્રેમથી બાળકને માટે વારી જતા પણ હું અભાગણી ઉંધો અર્થ કરતી. રાધાને આ ખૂબ ગમતું. આંખો બંધ કરી તેને મહેસૂસ કરતી !

શરદને રાધાનું શરીર છે એ ખ્યાલ સુદ્ધાં ન આવતો. મારી શંકાશીલ આંખો વિપરિત જોતી અંતે શરદને ભાન થતું એટલે સંકોચાઈને રૂમ છોડી જતાં રહેતાં. હું છોભીલી પડી જતી પણ પોતાની ભૂલ કબૂલ ન કરતી.  રૂમમાં જઈને શરદ ખુલાસો કરતા, ‘પ્રિયે મને શરીર કોનું છે એ તો ખ્યાલ જ નથી રહેતો. યાદ રાખજે અંદર  અંકુરિત થઈ રહેલું બાળક તારું અને મારું છે’. તું નિષ્ફિકર રહેજે. હું તો જન્મો જનમ તારો જ છું’. કહી મને આલિંગન આપતાં. ત્યારે મારો જીવ હેઠો બેસતો. ઘણીવાર પોતાની જાત પર શંકા કરવા માટે તિરસ્કાર આવતો’. મનમાં ગડમથલ ચાલતી,’ શરદ મારો છે. તે બીજી સ્ત્રીને ખોટી નજરે જોઈ જ ન શકે ! ‘

બા આજે રોજ કરતાં પણ વહેલા ઉઠ્યા હતાં. સવારથી તેમની ડાબી આંખ ફરકતી હતી. તેમને લાગ્યું આજે રાધાને હોસ્પિટલ લઈ જવી પડશે. અનુભવીની આંખો બધું બારિકાઇથી નિરીક્ષણ કરતી હોય. બાને તેના પેટની હાલત જોઈને લાગ્યું, બચ્ચું નીચે ઉતરી ગયું છે એવો અંદાઝ આવી ગયો હતો. ગમે ત્યારે હોસ્પિટલ જવાનું તેડું આવશે. જો કદાચ પાણીની કોથળી ઘરમાં ફૂટી જાય તો સત્વરે હોસ્પિટલ જવું પડે ! તેના કરતાં થોડા વહેલા જવું સારું.   ગરમા ગરમ શીરો બનાવવા રસોડામાં ગયા. આજે તેમને જાતે બનાવવો હતો. મનમાં ઉમંગ હતો કે શરદ અને સ્મિતાનું બાળક ભલે રાધાના ઉદરે પોષાયું પણ તેમનું સંતાન કહેવાશે ! જેને જોવાની તેમની આંખો તરસતી હતી. રાધાને પ્રેમથી ગરમ શીરો અને તાજો મગનો પાપડ ખવડાવ્યો. બાને પ્રેમ કેમ ન આવે તેમના ઘરનો વારસદાર કે કન્યા પધારવાના હતાં.’

પાછી હું વર્તમાનમાં આવીને પટકાઈ. દર્દ ભલે રાધાને થતું હતું પણ તેની વેદના હું અને શરદ અનુભવવા  લાગ્યા, બાજુના કમરામાંથી રાધાના ઉંહકારા સંભળાતાં હતાં. રાધાને રહી રહીને  વેણ ઉપડ્યા હતાં.   હું અને શરદ એકબીજાના હાથમાં હાથ પરોવી બહાર બેઠાં હતા. જાણે મને કેમ બાળક ન  અવતરવાનું હોય તેમ શરદ  મને પ્રેમથી બાજુમાં બેસી નિરખી રહ્યાં. રાધાના ઉંહકારા, પીડા અને ચીસો સ્પષ્ટ પણે  સંભળાતાં હતાં. દર્દ ભલે તે અનુભવતી હતી પણ તેનો અહેસાસ મને અને શરદને થઈ રહ્યો હતો.

બા પાસેથી સાંભળ્યું હતું કે,’  બાળક જ્યારે  ધરતી પર આગમન કરે ત્યારની વેદના અસહ્ય હોય છતાં બાળકનું મુખ જોઈ મા તે બધું દર્દ વિસરી જાય છે’. બાળકને જન્મ આપવો એ સામાન્ય કામ નથી. જે પુરૂષ કોઈ કાળે ન કરી શકે. ખરું જોતા સ્ત્રીનું એ કાર્ય વંદનિય છે. તેથી તો દીકરો હોય કે દીકરી મા ગમે તેટલું કષ્ટ હસતે મુખે વેંઢારતી હોય છે.

મારાથી  બાને કહ્યા વગર ન રહેવાયું , ‘મા, બાળક જન્મે ત્યારે માતાનો પણ જન્મ થતો હોય છે’. મારા નસિબે એ સત્કર્મ નહોતું થવાનું એનું દુખ તરવરી રહ્યું.

બાએ વહાલથી મારા ગાલ પર ટપલી મારી,’ બેટા, આ વાત તારી મને ખૂબ ગમી’. જે સનાતન સત્ય છે.’ ભલે હું માતા નહોતી બનવાની છતાં પણ ‘બા’ના મુખ પર ગૌરવની આભા મેં નિહાળી. બા અને શરદ મને ખૂબ ચાહતાં હતાં.

હોસ્પિટલમાં રાધા છટપટાઈ રહી હતી. ડોક્ટર બીજી કોઈ સ્ત્રીના કિસ્સામાં વ્યસ્ત હતાં. રાધાના દર્દના અવાજો અમે સહુ સાંભળતાં. હોસ્પિટલની નર્સ અને આયા સર્વે આવા અવાજથી ટેવાયેલા હતાં. બાળકના જન્મની અમે સહુ ઈંતજારી પૂર્વક રાહ જોઈ રહ્યા હતાં. આખરી આંઠ કલાકની વેદના સહન કરી ડોક્ટરે સી સેક્શન કરવાનો નિર્ણય કર્યો. તેની પ્રસવ વેદના સમાપ્ત થઈ. મુખ પર શાંતિ ફરી વળી.

બાએ કહ્યું, ‘ પહેલીવારનું બાળક છે માતાને ઓછામાં ઓછા દસથી બાર કલાક દર્દ સહન કરવું પડે’. મને અને શરદને ખૂબ કપરું લાગ્યું. ડોક્ટર આવ્યા, રાધા જે રૂમમાં હતી ત્યાંથી બહાર આવીને શરદને કહે, બાળકનો જન્મ કુદરતી રીતે નહી થાય. કાગળો ઉપર સહી કરી બાળકીનો જન્મ કરાવડાવ્યો.

આખરે ‘લક્ષ્મી” એ પારણામાં પગરણ માંડ્યા. શરદ ખૂબ ખુશ થયો. તેને ‘મારા જેવી’ દીકરી જોઈતી હતી. નામ પણ નક્કી કરી રાખ્યું હતું. ‘શાન’!

ડોક્ટર બહાર ખુશ ખબર આપવા આવ્યા. અમને જોઈને કહે સમાચાર ખૂબ આનંદના છે. મા અને દીકરી બન્ને સરસ છે. રાધાને તકલિફ બહુ પડી હતી. કુદરતી રીતે પ્રસુતિ ન થઈ તેથી ‘સી સેક્શન ‘ કર્યું. જે તમે જાણો છો.   દીકરી જરા નબળી છે પણ માનું દૂધ પીશે એટલે તેને માથી હમણા અલગ ન કરવામાં આવે તેવી મારી સલાહ છે.

અમે બન્ને એ અધિરાઈથી પૂછ્યું,’ દીકરીને અને માને મળાય’?

ડોક્ટરે સંમતિ આપી. રૂપ રૂપના અંબાર જેવી દીકરી જોઈ અમે બન્ને ખુશ થયા. બાને પણ અંદર બોલાવ્યા. સહુ પ્રથમ શરદે મને કહ્યું,’ તું દીકરીને હાથમાં લે’.

‘બા આ આપણા ઘરની લક્ષ્મી’, કહી બાને આપી. બા આનંદવિભોર થઈ તેને વહાલ કરી રહ્યા. નામ તો ખબર હતી. તેમના મુખમાંથી સરી પડ્યું, ‘બેટા આપણા ઘરની શાન વધારજે’. તેમના મુખ પર સંતોષ તરવરી રહ્યો હતો. તેમની અંતરની ઈચ્છા આજે ફળીભૂત થઈ હતી.

શરદે જ્યારે માના હાથમાંથી લઈ વહાલ કર્યું ત્યારે  ઝુમી ઉઠ્યો.   શાન તેની માને પાછી સોંપતા રાધાનો ઉપકાર માનવાના ઉમળકામાં આલિંગન આપી દીધું. મારું મોઢું પડી ગયું. શરદની નજરમાં ન આવે એટલે મેં  મોં ફેરવી લીધું. હવે ડોક્ટરે કહ્યું, ‘દીકરીની તબિયત માટે માતાનું દૂધ ખૂબ જરૂરી છે.’

બા અને શરદનું ગમતું નામ ‘શાન ‘! મને પણ ગમતું હતું. મેં એને ખૂબ સુંદર નામ આપ્યું. “મારી ગુડિયા રાની”. શરદને અને બાએ તે નામ વધાવ્યું.  રાધા એ નામે બોલાવે તે મને ન રૂચ્યું. માત્ર મારો હક્ક મને જોઈતો હતો

‘ડોક્ટર, દીકરી માટે અમે બધું કરવા તૈયાર છીએ’. ચાર દિવસ હોસ્પિટલમાં રહી ઘરે લાવ્યા. રાધા અને શાનનો  રૂમ તૈયાર કરાવ્યો હતો. શાન માટે પારણું અમારા રૂમમાં પણ મુકાવ્યું. તેના બદલવાના કપડાં, ગોદડી ,ડાઈપર બધું મારા પલંગની પાસેના ખાનામાં ગોઠવાઈ ગયું હતું.

રાધાને દીકરી પ્રત્યે માયા હોય તે સ્વાભાવિક છે. નવ મહિને ઉદરે પારેવડાને જતનથી ઉછેર્યું હતું. દૂધ તેનું જ આપવાનું હોવાથી આખો વખત તેની પાસે રહેતી. મારી પાસે આવે કે રડવા માંડે. રાધા આવે અને શાનને મારા હાથમાંથી લઈ લે. જાણે જાદૂ થયો હોય તેમ રડતી શાન શાંત થઈ જાય.

‘ભલેને શાન,  રાધા પાસે રહેતી. શરદ બોલ્યા તો ખૂબ પ્રેમથી પણ તેમાં મને માનહાની લાગી.

‘મારી દીકરી મને લેવાનું મન ન થાય. મારી ‘ગુડિયા’ને હાલરડાં ગાઈને સૂવાડવાનું દિલ થાય.  મારી છાતીએ ચાંપવાની ખૂબ મરજી થાય. હા, તેમાંથી દૂધની ધારા નથી નિકળતી, ‘હું શું કરું’ ?  મારી કૂખેથી નથી આવી પણ તેમાં મારો અને તારો અંશ છે’! શરદ ચમક્યા પણ મને કાંઇ કહ્યું નહી, નજદિક ખેંચીને વહાલ કર્યું. મને ખૂબ સારું લાગ્યું. શરદ અને સ્મિતાના જીવનમાં શાનના આગમનને કારણે વસંત ખીલી ઉઠી. ગુડિયા ગીત બનીને આવી. આજે સવારથી મારી પાસે ખૂબ આનંદમાં રહેતી ગુડિયારાની ભૂખ લાગી એટલે રડવા માંડી. મને અંદરથી ખૂબ લાગી આવ્યું, મારી દીકરીને હું અમૃત સમાન દૂધ નથી આપી શકતી !

ન છૂટકે રાધા પાસે લઈ ગઈ. જેવી તેની જન્મદાત્રી માના હાથમાં આવી કે બન્ને હાથે તેની છાતીને વળગી પડી. રાધાએ હજુ પોતાનું વક્ષઃસ્થલ ખુલ્લું કર્યું ન હતું.  તેણે પંજાબી ડ્રેસ પહેર્યો હતો. મને ગુડિયા પાછી આપી. ગુડિયા મને  રાધા સમજી મારી છાતીને ચોંટી પડી. મારી આંખમાંથી ગંગા અને જમુના વહેવા માંડ્યા. મારી અસહાયતા પર મને ગુસ્સો આવ્યો. ગુડિયા બે હાથે છટપટાતી રહી. આમથી તેમ માથા મારતી હતી.

‘હે ભગવાન હું શું કરું ? આંખ મીંચીને તે આનંદ માણી રહી”.

‘લાવો મારી પાસે , હું તૈયાર છું”. રાધાના શબ્દો કર્ણપટે અથડાયા. ગુડિયા તેને સોંપી હું દોડીને મારા રૂમમાં ગઈ. શરદ આજે વહેલા આવી ગયા હતાં. મારી હાલત જોઈ ગભરાયા.

‘શું થયું’.

મારું માથું એમની છાતીમાં છુપાવી હું હિબકાં ભરી રહી. અંતે શાંત થઈને આખી વાત કહી.

‘અરે, ગાંડી જે અનુભવ મળ્યો તેનો ઉત્સવ માણ. જે નથી થઈ શકવાનું તેનો ગમ શામાટે’?

શરદ આગળ મારું મસ્તક ઝુકી ગયું.’ કેટલી સમઝણ અને પ્યારનો ખજાનો ભરીને બેઠું છે આ પ્રેમી નું દિલ’!

રાધા દૂધ પિવડાવીને ગુડિયા અમારી પાસે મૂકી ગઈ. હું અને શરદ તેના મુખ પર ફેલાયેલી સંતોષની આભા જોઈ ઝુમી ઉઠ્યા.

‘જો તો ખરી, તારી ગુડિયા મીઠી નિંદરમાં કેટલી સોહામણી લાગે છે’. કહી મારું માથું ચુમ્યું. આખરે એ હતી તો અમારો અંશ ને ?

ધીરે ધીરે ગુડિયા મોટી થતી ગઈ. બે મહિનાની થઈ . તેને અમૂલનું દુધ આપવાનું નક્કી કર્યું. પહેલાં દિવસમાં એક વાર. જોવું હતું તેને માફક આવે છે કે નહી ? સારા નસિબે તેને ઝાડા ન થયા. હું ને શરદ તેમજ બા ખૂબ ખુશ થયા. તેને વેક્સિન મુકાવવાના હતાં. બે દિવસ ખૂબ હેરાન થઈ. રાધાની સાથે હું અને શરદ પણ રાતના ઉજાગરાં કરતાં. શાંત સૂતી હોય ત્યારે કહીએ ,’રાધા તું સૂઈ જા’ તને આરામની જરૂર છે. તે સાંભળતી નહી. ભલે ને અંશ અમારો હોય જન્મનું દર્દ તો તેણે સહન કર્યું હતું. નવ મહિના તેના ઉદરે ઉછરી હતી. હા, પૈસા મળતા પણ સ્પંદનો અને અહેસાસ તેના પોતાના હતાં.

હવે તો ગુડિયા બહુ ઓછું તેની માનું દૂધ માગતી. હું બૉટલથી આપતી તે ચપ ચપ પી જતી. આજે મારે સ્ત્રી મંડળમાં જવાનું હતું. સ્ત્રીઓના વિકાસ માટે ભાષણ આપતી અને જરૂરિયાતમંદોને પ્રોત્સાહન તથા મદદ કરતી. રાધા પાસે ગુડિયા હતી. ત્રણ કલાક પછી આવી ત્યારે બારીનું દૃશ્ય જોઈને છળી મરી. રાધા ગુડિયાને છાતીએ લગાડી ચુંબનોથી ભિંજવી રહી હતી. મારું મન કાબૂમાં ન રહ્યું. તેને થયું જો ,’આ સ્ત્રી હવે વધુ મારી ગુડિયા પાસે રહેશે તો તેને અનહદ દુઃખ થશે. તેનો જીવ અંહીથી નહી ખસે’. આખરે તેણે શાનને જન્મ આપ્યો હતો !

રાતના જમવાના ટેબલ પર બધા સાથે બેઠા હતાં. શાન તો અમારી રૂમમાં નિરાંતે સૂતી હતી. તબિયત પણ તેની સરખી થઈ હતી.

” બા, અને શરદ હવે મને લાગે છે રાધાએ પોતાના ઘરે જવું જોઈએ. “******

Advertisements

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.
This entry was posted in ગૃહ પ્રવેશ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.