ગૃહ પ્રવેશ (૫) નિરંજન મહેતા

gruhapravesh

 

આ વાતને છ મહિના થઇ ગયા. મેં પરિસ્થિતિને સ્વીકારી લીધી હતી અને બા અને શરદની ખુશીને મારી ખુશી ગણી હું રોજિંદુ કામકાજ કરતી રહી. હવે તો જેટલા દિવસો બાકી હતા તે હવે બહુ જલદી પસાર થઇ જશે અને હું મારા શરદ પાસેથી પહેલા જેવી લાગણી અને હૂંફ મેળવી શકીશ એ વિચારે મનમાંને મનમાં પ્રફુલ્લિતતા અનુભવી રહી હતી. તેમાય નવાગંતુકનો સાથ મળશે એટલે જરૂર જિંદગી સુંદર અને જીવવા લાયક બની રહેશે.

પણ એમ જીવન સરળ થોડું હોય છે? એક દિવસ બાથરૂમમાં રાધા નહાવા ગઈ હતી અને અંદરથી કશુક પછડાયાનો અવાજ આવ્યો અને સાથે સાથે એક ચીસ પણ સંભળાઈ. હું રસોડામાં વ્યસ્ત હતી અને બા પૂજા કરતા હતા. અમે બન્ને સફાળા દોડ્યા અને બાથરૂમનું બારણું ખખડાવ્યું પણ કોઈ જવાબ ન મળ્યો. કશુક અમંગળ થયાનો વિચાર ફરકી ગયો પણ તેને હટાવી દીધો અને બૂમ મારી, ‘રાધા, રાધા, શું થયું? બારણું ઉઘાડ.’

થોડી ક્ષણો પછી અંદરથી એક ક્ષીણ અવાજ આવ્યો કે તે લપસી ગઈ છે. મારા મનમાં ધ્રાસકો પડ્યો કે લપસી ગઈ છે તો બધું ઠીકઠાક છે કે કેમ? પછી મેં તેને ધીરે ધીરે ટેકો લઇ બારણું ખોલવા કહ્યું. થોડીવારે તેણે બારણું ખોલ્યું. તેનો ચહેરો એકદમ ધોળો પૂણી જેવો થઈ ગયો હતો. શરદ તો ઓફિસે ગયા હોય એટલે જે કાઈ કરવાનું તે મારે અને બાએ કરવાનું રહ્યું.

અમે ડો. મહેતાના નર્સિંગહોમમાં રાધાની પ્રસુતિ કરાવવાના હતા એટલે તેમને રાધાની હાલત તપાસવા ત્યાં જવું જરૂરી હતું. હાલમાં શરદને આ બધું જણાવવાનો સમય ન હતો અને ત્યાં ગયા પછી જણાવશે કારણ હમણાં કહીશ તો તે ચિંતા કરવા લાગશે માની અમે તેને જાણ કરી નહી અને રાધાને ડો. મહેતા પાસે લઇ ગયા.

વાતની ગંભીરતા સમજી ડો. મહેતાએ રાધાને તરત તપાસી.

‘ડો. શું લાગે છે? કોઈ ગંભીર વાત છે?’ મારી શંકાને દૂર કરવા પૂછ્યું.

‘પડવાને કારણે ગર્ભને કોઈ નુકસાન નથીને તે ખાતરી કરવા સોનોગ્રાફી કરાવવી પડશે.’

સદનસીબે સોનોગ્રાફી કર્યા પછી જણાયું કે ગર્ભ સુરક્ષિત હતો.

ડોકટરે કહ્યું કે આમ તો બધું સારું છે પણ સાવચેતીની જરૂર છે. તેને પૂર્ણ આરામ કરવો પડશે એટલે તેને નર્સિંગહોમમાં બે દિવસ રહેવું પડશે. સાથે સાથે યોગ્ય દવાઓ પણ લખી આપી જેથી તેની તબિયત ઠીક રહે.

આ બધું પત્યા પછી ખયાલ આવ્યો હવે શરદને જણાવવું જરૂરી છે નહી તો જ્યારે ઘરે આવશે ત્યારે મારી હાલત કફોડી થઇ જશે. આમ વિચારી મેં શરદને ફોન કર્યો.

‘હા બોલ, સ્મિતુ. કેમ ફોન કર્યો?’

‘જી, રાધાની તબિયત ઠીક ન હતી એટલે ડો. મહેતા પાસે લઈ આવ્યા છીએ તે જણાવવા ફોન કર્યો.’

‘શું થઇ ગયું રાધાને? કોઈ ચિંતા કરવા જેવું નથીને? ડો. શું કહ્યું?’ સહેજ ચિંતાભર્યા અવાજે શરદ બોલ્યા.

‘બાથરૂમમાં રાધા લપસી પડી હતી એટલે અમે……..’

‘અરે, તો કોઈ નુકસાન તો નથી થયુંને?’ મારી વાતને અડધેથી કાપી શરદ બોલ્યા.

‘ના, ના, ભગવાનની કૃપાથી બધું સારૂં છે. સાવચેતી ખાતર સોનોગ્રાફી કરવા કહ્યું હતું તે પણ કરાવી લીધી છે અને આવનાર સલામત છે. પણ રાધાને બે દિવસ અહિ રાખવી પડશે.’

‘હાશ, તો ઠીક, નહી તો આપણે પાછા હતા ત્યાના ત્યાં. ખેર, હું હમણાં જ ત્યાં આવું છું.’

થોડી જ મિનિટોમાં તે નર્સિંગહોમમાં દોડી આવ્યા. તેમના ચહેરા પરની વિહવળતા જોઈ મને નવાઈ તો લાગી પણ તે માટે કોઈ પૂછપરછ કરવાનો આ સમય નથી માની હું ચૂપ રહી.

આવતાની સાથે શું થયું? કેમ થયું? ક્યાં છે?ના સવાલોની ઝડી વરસી. હું તેમને રાધાને જે રૂમમાં રાખી હતી ત્યાં લઈ ગઈ. દાખલ થતાવેત તેઓ રાધાની પાસે બેસી ગયા અને તેના માથે હાથ ફેરવવા લાગ્યા. તેમની આ લાગણીની અભિવ્યક્તિએ મને અંદરથી વ્યથિત તો કરી મૂકી પણ કાઈ બોલવા હું અશક્ત હતી.

બે દિવસ પછી રાધાને ઘરે લઇ આવ્યા. તેને હજી આરામની જરૂર હતી એટલે તેને બાની સાથે જ સૂવાની વ્યવસ્થા કરી જેથી તેની સંભાળ પણ લેવાય અને આરામ પણ રહે. બાને પણ પોતાના વંશજની ઇચ્છા હતી એટલે તેઓએ પણ રાધા માટેના અમારા આ નિર્ણયને આવકાર્યો. ધાર્યું હતું તેમ જ થયું. બા તેની બહુ કાળજી લેતા અને તે પથારીમાં જ સૂઈ રહે અને આરામ કરે તે તરફ ખાસ ધ્યાન રાખતા. મને તો એક બાજુ ઈર્ષા પણ થવા લાગી કે હું આ બધી કાળજીથી વંચિત રહી ગઈ, પણ નસીબમાં આ ન લખાયું હોય તો મન મનાવીને બેસી રહેવું પડેને?

બાનું તો સમજ્યા કે એક સ્ત્રી હોવાના નાતે તે આ સમો સમજી શકે છે અને તેમાય જે હાદસો થઈ ગયો એને કારણે વધુ ધ્યાન આપવું જરૂરી છે, પણ શરદનું વર્તન પણ કાઈક અંશે બદલાઈ ગયું હતું. હવે તે ઓફિસેથી આવી પહેલા બાના રૂમમાં જઈ થોડો સમય રાધા સાથે વિતાવતા. એક અજાણી નારી પ્રત્યે આવો વર્તાવ જોઈ મને તો શંકા થવા લાગી કે શરદ બદલાઈ ગયા કે શું? પણ આ બધું જોવા સિવાય બીજો રસ્તો પણ શું હતો? પછી મન મનાવતી કે એકવાર રાધાની પ્રસુતિ થઇ જાય પછી તો શરદ મારી પાસે જ રહેશે, તેમાય બાળકના આવવા બાદ તો અમારો સંબંધ વધુ ગાઢ બનશે. બસ, આ જ વિશ્વાસે હું દિવસો પસાર કરતી હતી અને ક્યારે તે રળિયામણો દિવસ ઊગી નીકળે તેની રાહ જોતી હતી.

દિવસો વિતતા ગયા અને ધીરે ધીરે રાધાની તબિયત સુધરવા લાગી. ડોકટરે પણ હવે તેને કોઈ તકલીફ નથી કહી રોજિંદુ કામકાજ કરવાની છૂટ આપી.

સાત મહિના પૂરા થતા રાધામાં પણ ફેરફાર નજર આવવા લાગ્યા. શરદ પણ હવે તેની વધુ કાળજી લેતો હોય એમ મને લાગતું પણ હું મારી આ વ્યથા વ્યક્ત કરી શકતી ન હતી. ઓફિસેથી શરદ ઘણીવાર વહેલા આવે અને રાતના પણ મોડે સુધી રાધા પાસે વિતાવે. પૂછવા પર કહેતા કે તેને કંપની આપીશું તો તેને ઘર જેવું લાગશે. તેને કારણે તેનું મન પ્રસન્ન રહેશે તો બધું સમૂસુતર પાર પડશે અને આપણને પણ તકલીફ ઓછી રહેશે. આ દલીલ માન્યા સિવાય મારી પાસે કોઈ બીજો ચારો હતો ખરો?

આમ જ એક સાંજે શરદ વહેલા આવી ગયા એટલે અમે ત્રણ જણ દીવાનખાનામાં બેસી વાતો કરતા હતા. હું રાધા માટે સફરજન સમારી રહી હતી ત્યાં તો તેના મુખેથી ‘ઓહ ‘ બોલાઈ ગયું. ‘શું થયું?’ના જવાબમાં તે પહેલા તો શરમાઈ, પછી થોડુક મલકી અને બોલી કે અંદરના જીવે તેને લાત મારી હતી. શરદ તરત જ તેની પાસે ગયા ને તેના પેટ ઉપર હાથ મૂકી આ પહેલા ન અનુભવેલું અનુભવવા લાગ્યા. પોતાની પત્નીને આમ થતું હોય અને કોઈ પૂરૂષ આમ કરે તે સમજાય પણ ગમે તેમ તો રાધા પારકી સ્ત્રી. તેની સાથેનો સંબંધ કેટલા દિવસનો? તો શું શરદની આ પ્રતિક્રિયા યોગ્ય હતી? પણ મને ખબર હતી કે હું કાઈક કહીશ તો તેમની પાસે તેને માટે કોઈને કોઈ બહાનું હશે જ. વળી આ સમયે હું કોઈ દલીલબાજીમાં પણ પડવા નહોતી માંગતી કારણ રાધાની પ્રસુતિ સુપેરે પતે તે જ બધાની ઈચ્છા હતી એટલે હું ચૂપ રહી અને બધું જોયા કર્યું.

એમ તો મેં ક્યાં આ પહેલા રાધાના પેટ ઉપર હાથ ફેરવ્યો નથી? હાથ ફેરવતી વખતે મનમાં અને મનમાં ગણગણતી પણ હતી,

આપણો સંબંધ આંખ અને શમણાંનો

આપણો સંબંધ છે ફૂલોનો અને સુગંધનો

પણ મારો આ અનુભવ મેં ક્યારેય શરદને જણાવ્યો ન હતો. જણાવવાની શું જરૂર? શું એ મારો નીજી આનંદ હતો એટલે કે પછી કોઈ અસલામતીનો અહેસાસ મહેસૂસ કરી રહી હતી? ખબર નથી પણ હમણા હમણા શરદને ખુશ થતા જોઈ મને પણ સારૂં લાગ્યું કે હવે આ ઘરમાં નવું વાતાવરણ પ્રસ્થાપિત થયું છે અને અમારો સરોગેટ રસ્તાનો નિર્ણય લેખે લાગશે.

પછીના દિવસો તો જાણે ક્યાં પસાર થઇ ગયા તેની ખબર ન રહી. દિવસે દિવસે રાધા તરફ બા અને શરદ વધુ ધ્યાન આપવા માંડ્યા, જે સ્વાભાવિક હતું. હું પણ મારા મનની લાગણીઓ અને અવઢવને વિસારી તેમને સાથ આપતી કારણ મને પણ આ ઘરની ખુશીમાં પૂર્ણ રસ હતો અને અમે તે સમય આવ્યે મેળવવાના હતા.

હવે જેમ જેમ દિવસો સમાપ્ત થવાને આરે હતા તેમ તેમ શરદ વધુ ખુશ જણાતા. ઓફિસેથી આવ્યા બાદ જમીને થોડો વખત તે રાધા પાસે બેસતા ત્યારે તેના પેટ ઉપર હાથ મૂકી કશુક અનુભવ્યાનો આનંદ લેતા. કોઈવાર તો અંદરના જીવ સાથે વાતો પણ કરતા અને આંનદ લેતા. શરદ આ બધું કરતા પણ તેમનું દિલ સાફ હતું એટલે મને સાથે ન રાખે તો પણ મને વાંધો ન હતો પણ તેમ છતાં તે હંમેશાં મને પણ સાથે રાખતા, એટલા માટે નહી કે હું કોઈ શંકા કરૂ પણ હું પણ તેમના આનંદની ભાગીદાર થાઉ માટે.

આવનારના કારણે શરદ આમ રાધા સાથે વધુ નજીક આવતા હતા. મને એ પણ ખબર હતી કે આમેય તે રાધાની ગર્ભાવસ્થા સામાન્ય ન હતી અને તે લપસી ગઈ પછી તેનો વધુ ખયાલ રાખવો જરૂરી હતું. તે ઉપરાંત તેમની અને બાની ખુશીને પણ મારે ધ્યાનમાં રાખવાની હતી એટલે આ બધું નજરઅંદાજ કરતી.

જેમ જેમ નવમો મહિનો નજીક આવવા લાગ્યો તેમ તેમ ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું. રાધાની સાથે સાથે નવા આવનારના વિચારો અમારી વાતચીતનો મુખ્ય વિષય બનવા લાગ્યો. ઠીક હોય તો રાધા પણ અમારી સાથે બેસતી જેથી તેનું મન પ્રસન્ન રહે અને અમારી ખુશીમાં તે સહભાગી બની શકે.

આમ જ નવ મહિના પૂરા થયા અને હવે ગમે તે વખતે રાધાને નર્સિંગહોમમાં લેવાનો સમય આવી જશે માની હું અને બા તેની તૈયારીમાં પડ્યા. શરદ પણ રોજ દિવસમાં બે-ત્રણ વાર ફોન કરી રાધાની તબિયત પૂછતા. મને તો ત્યાં સુધી કહ્યું હતું કે મારે ઘરની બહાર જવું નહી જેથી ગમે ત્યારે દોડવું પડે અને બા એકલા હોય તો મૂંઝાઈ ન જાય. જ્યારે પણ તેવો વખત આવે કે તરત મારે તેમને ફોન કરવો જેથી તે સીધા નર્સિંગહોમમાં પહોંચી શકે. હવે તો ઘર માટે શાક્ભાજી અને અન્ય ચીજો પણ તે લેતા આવતા જે સામાન્ય રીતે હું કરતી.

તો બા હવે આંનદમાં રહેવા લાગ્યા હતા અને મારા પ્રત્યે પણ કૂણા પડ્યા હતા.

ડોકટરે જે તારીખ આપી હતી તે નજીક આવતી હતી એટલે રોજ રોજ ઉત્કંઠા સાથે એક પ્રકારનું ગંભીરતાભર્યું વાતાવરણ છવાઈ ગયું હતું.

આપેલ તારીખના આગલા દિવસે બપોરે હું મારા રૂમમાં આરામ કરવા આડી પડી હતી ત્યાં જ બાજુની રૂમમાંથી રાધાની ધીમી બૂમ સંભળાઈ, ‘સ્મિતાબેન’. હું સફાળી ઉભી થઇ અને તેની પાસે પહોંચી. જોયું તો તે વેદનાથી અમળાતી હતી. બા બહાર સોફા પર બેસી છાપું વાંચતા હતા. મેં તરત તેમને બોલાવ્યા. તેમણે રાધાને અમળાતી જોઈ સમજી ગયા કે પ્રસવવેદના શરૂ થઇ ગઈ છે. તરત મને ટેક્ષી બોલાવવા કહ્યું અને સાથે સાથે શરદને ફોન કરી કહ્યું કે અમે રાધાને લઈને નર્સિંગહોમ પહોચીએ છીએ અને તે પણ ત્યાં આવી જાય.

વિના વિલંબે અમે રાધાને લઈને નર્સિંગહોમમાં પહોંચ્યા. ત્યાના સ્ટાફને રાધાને લગતી બધી માહિતી હતી એટલે તરત ડો. મહેતાને ફોન કરી બોલાવ્યા.

Advertisements
This entry was posted in ગૃહ પ્રવેશ. Bookmark the permalink.

One Response to ગૃહ પ્રવેશ (૫) નિરંજન મહેતા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.