અન્ય શરત પ્રકરણ -૫ પ્રવીણા કડકિઆ

સ્મરણ યાત્રા

 

‘બકુલે વચન ન નિભાવ્યું ને?’

શીલા મન સાથે વાત કરી રહી.

નવા ફ્લેટમાં રહેવા આવી ગયા. ઘર જુહુના દરિયા કિનારે હતું. બકુલ જાણતો હતો શીલાને દરિયો ખૂબ ગમે છે. પહેલો દિવસ હતો, રાતના બન્ને જણાં હાથમાં હાથ પરોવીને ઝરૂખામાંથી દરિયાને નિહાળી રહ્યા. પૂનમનો ચાંદ આકાશે ખિલ્યો હતો. દરિયાના મોજા ગાંડા થઈ ધરતીને ચુમવા દોડી રહ્યા હતાં. દરિયાનો ઘુઘવાટ સાંભળવાની મજા માણી બકુલ થાક વિસરી ગયો.

જેવું પલંગ પર લંબાવ્યું કે બકુલને ખબર પડી વધારે પડતી હાડમારીને  કારણે થાક તેમ જ અશક્તિ ખૂબ લાગ્યા હતાં. શનિ અને રવિવાર હતાં તેથી આરામ બરાબર કર્યો. રસોડું તૈયાર ન હતું તેથી શિવસાગરમાંથી ઈડલી સંભાર અને મેંદુવડા લાવી પ્રેમથી મોજ માણી.  સોમવારે સવારે ઉઠાયું નહી. પૂરતો આરામ કર્યો હતો છતાં બકુલ સવારે ઉઠી ન શક્યો.

શીલાએ જીજ્ઞેશને બોલાવ્યા. તેના ક્ષેત્રની બહાર હતું તેથી બીજા મોટા ડોક્ટર પાસે લઈ જવાની સલાહ આપી. મોટા ડોક્ટરે જે નિદાન કર્યું તે સાંભળી શીલા હબક ખાઈ ગઈ. ‘કેન્સર’ છેલ્લા તબક્કામાં! ઘરે આવ્યા. રાતના ખીચડી અને કાંદા બટાકાનું શાક ખાઈ બકુલ સૂતાં તે સૂતાં. સવારે ઉગતો સૂરજ ન નિહાળ્યો. અત્યારે બધા સ્મશાને જવા નીકળી ગયા હતાં.

શીલા જડવત થઈ ગઈ હતી. સાનભાન ગુમાવી બેઠી. શું ખરેખર હવે બકુલ તેની જીંદગીમાંથી અદૃશ્ય થઈ ગયો? તેનું મગજ કામ કરતું અટકી ગયું. હવે તે ઘરમાં વડીલ હતી. વિચારો ખંખેરી હકીકતનો સામનો કરવા તૈયાર થઈ. તેણે બન્ને દીકરીઓને સ્મશાને જવા સમજાવી. પિતાને અગ્નિદાહ મોટી દીકરી કરે તેવી તેની મનની ઈચ્છા પ્રદર્શિત કરી.

૨૧મી સદીમાં હવે જ્યારે દીકરો ન હોય તો દીકરીઓ સ્મશાને જઈ માતા યા પિતાને અગ્નિસંસ્કાર કરે છે. માની આજ્ઞા શિરે ચડાવી બન્ન્ને જણા રડતે મોઢે પિતાને આખરી વિદાય આપવા ગયા. પિતાનો અગ્નિસંસ્કાર કર્યો. શીલાની આજુબાજુ સગાંવહાલા હતા. દીકરીઓ પોતાનો ધર્મ બજાવી માની પાસે આવી. તેમને ખબર હતી માતા અને પિતાનો સંસાર કેટલો રસમય અને પ્યાર ભર્યો હતો. એકલી માતાની કલ્પના તેમને ધ્રુજાવી ગઈ.

બધા સગાંવહાલાં વિદાય થયા. બન્ને જણા મા પાસે રોકાયા. ગામમાં દૂરના એક માસી હતા તેમને ફોન કરી તેડાવ્યા. દરરોજ તો મા સાથે રહેવાનું ન ફાવે. હિંદુ વિધિ પ્રમાણે બધી ક્રિયા પતાવી. માતાની મનોકામના પૂર્ણ કરી. બેમાંથી એક પણ જમાઈને બોલવાની તક શાણી દીકરીઓએ ન આપી. માતાની આજ્ઞા શિરોમાન્ય કરી. શીલાને હૈયે ટાઢક થઈ. પેલાં માસી પણ ગામ પાછાં ગયા.

એકલતા શબ્દથી અજાણ શીલાની કસોટી હવે શરૂ થઈ. બકુલમય જીંદગીથી ટેવાયેલી શીલાને તેની અનુપસ્થિતિ ખૂબ આકરી લાગી. હકીકત સાથે મૈત્રી બાંધવાનો પ્રયાસ કરી રહી. ખૂબ તકલીફ પડતી. તેમાં ઘર અને પાડોશી નવા. દીકરીઓ કાંઈ ચોવીસ કલાક તો સાથે ન હોય! તેમને પણ તેમનો સંસાર છે.

બન્ને દીકરીઓને મા તેમની નજીક રહેવા આવી હતી તેથી હૈયે શાંતિ થઈ. દરરોજ બેમાંથી એક માની ખબર લઈ જતું. આવડા મોટા નવા ઘરમાં શીલાને એકલતા ખૂ્બ પરેશાન કરતી, ખાસ કરીને રાતે. આખી રાત બકુલ સાથે વાતો કરતી હોય તેમ લવારા કરતી.

આજે રાતના ગુસ્સામાં બકુલ સાથે ઝઘડી રહી હતી.

‘શું મને તને છોડીને જવાનું ગમ્યું હશે?’

‘અરે, નવા ફ્લેટમાં હજુ સાથે બેસીને નિરાંતે ભાણું પણ નથી લીધું.’

‘તારી મનોકામના હતી. તારું ચૂડી અને ચાંદલા સાથે જવાનું સ્વપ્ન છિન્નભિન્ન થઈ ગયું. જેવી ઈશ્વર ઈચ્છા’ વિચારોમાં પણ બકુલ શીલાને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો.

શીલા બોલી ,’બકુલ…’ પણ વાક્ય પૂરૂં ન કરી શકી.

‘હા, મને ખબર છે, તને તો પેલા વારસાગત ઘરમાંથી નવા ઘરમાં પણ ક્યાં જવું હતું?’ બકુલના અવાજના ભણકારા વાગતાં. નવું ઘર શીલાને ખાવા ધાતું.

બકુલ સાથેનો સુનહરો સંસાર હવે ભૂતકાળ બની ગયો. બકુલની છત્રછાયા હેઠળ જીંદગીના કાવાદાવા સહજ લાગતાં. ધીર ગંભીર બકુલ બોલતો ઓછું, તેનું કામ બોલતું. તેના પડછાયાની જેમ શીલા સદા તેની સાથે રહેતી. પોતાનું મંતવ્ય જણાવવામાં પાછી પાની ન કરતી. બકુલને મન શીલાનો મત મહત્વનો હતો. આમ અધવચ્ચે સંગ છૂટી ગયો એ કપરો કાળ ગુજારવૉ કઠીન છે!

‘ભગવાને જુગતે જોડી ઘડી છે’, આવું વાક્ય જ્યારે તેમને માટે સંભળાય ત્યારે બન્નેને આનંદ થતો. દૂધમાં સાકર ભળે તેમ એ બકુલના ઘરમાં અને જીવનમાં ભળી ગઈ હતી. બકુલના માતા અને પિતાની ઈજ્જત કરતી. તેમની આંતરડી શીલાએ ઠારી હતી. બે સુંદર બાળકીઓથી તેમનો સંસાર સુનહરો બન્યો હતો. ૨૦ વર્ષની કુમળી ઉંમરે બકુલને પરણી તેના ઘરમાં આવી હતી. તે દિલનો દિલદાર હતો. પ્રેમની લહા્ણી છૂટે હાથે કરતો. સત્ય અને પ્રમાણિકતાના આગ્રહીને નસીબે યારી આપી. બન્ને દીકરીઓ સુંદર ઘરસંસાર શરૂ કરી સુખી થઈ.

‘હવે જ્યારે સમૃદ્ધિ આવી ત્યારે પોતાનો બિસ્તરો બાંધી ગાડીમાંથી મને સૂતી મૂકી ઉતરી ગયા’. ખેર જેવી ઉપરવાળાની મરજી. જે ગમે જગદગુરૂ દેવ જગદીશને! તેની આગળ કોનું ચાલ્યું છે? શીલાને એકલતા લાગતી. પ્રભુને વિનવતી, ” એકલતામાં તું સાથ નિભાવ, તારી હસ્તીનો પરિચય કરાવ” એમ ગાતી અને હૈયાને હળવું કરતી.

જુનું ઘર, વર્ષો જુનાં પાડોશીઓ ખૂબ યાદ આવતાં. આજે જો ત્યાં હોત તો તેની એકલતા થોડી ઓછી થાત. હવે સંજોગો સાથે સમાધાન સિવાય બીજો કોઈ ઉપાય ન હતો.

આજે અચાનક શીલાને અશક્તિ જણાઈ. રાતના ત્રણેક વાર જુલાબ થઈ ગયા હતાં. દરરોજ સવારના આશા અને જીજ્ઞાસાના ફોન આવે. આજે ચાર ઘંટડી પછી શીલાએ ફોન ઉપાડ્યો.

‘મમ્મી કેમ આટલી બધી વાર લાગી?’

‘આશા બેટા, જરા અશક્તિ લાગે છે. ફોન સુધી ચાલીને આવતાં વાર થઈ’.

‘મમ્મી, હું હમણા ડ્રાઈવર આવે એટલે આવું છું. અમારા મિત્ર ડો. મહેતા પાસે લઈ જઈશ.’

‘બેટા, એવું ચિંતા કરવા જેવું કાંઇ નથી.’

‘સારું મમ્મી, જીજ્ઞાસાને લઈને કલાકમાં આવી’. કહી આશાએ જવાબની રાહ ન જોઈ. ડ્રાઈવર આવ્યો એટલે દીદીને ફોન કર્યો, ‘તૈયાર રહેજે, હું આવું છું, મમ્મીને ઠીક નથી. તેને ડોક્ટર પાસે લઈ જઈશું પછી બન્ને જણા લંચ પર જઈશું’.

‘ઓ.કે.’

ડોક્ટર પાસે જઈ આવ્યા. ઉમરને કારણે અશક્તિ છે એમ કહ્યું. બે દિવસ હલકો ખોરાક લેશે એટલે સારું લાગશે. શરીર છે કોઈક વાર ગરબડ થઈ જાય. બન્ને બહેનોએ મમ્મીને મૂક્યા પછી કાંઈક નિર્ણય કર્યો.

આમ જીવને મનાવવાથી સંસાર કાંઇ સરળ ચાલતો હશે? દાધારંગી જીવનને નિત્ય નવા રંગ ગમે. તેનું કાંઈ પ્રમાણ ન હોય. બધા રંગમાં છેલ્લે પેલું તિમિર પોતાના રંગની પીંછી ફેરવી જાય. દીકરીઓ હવે માતાને આખો વખત સલાહ આપતી. શીલા બોલતી કાંઇ નહી. ખાલી માથું હલાવતી. બોલે તો વાતનું વતેસર થઈ જાય તે જાણતી હતી. ચાર ભણેલાં જુવાનિયા સામે તેની પીપુડી વાગતી નહી. વગાડૅ તો સાંભળવાનું પણ કોણ હતું? ઢાલ જેવો બકુલ હવે ગેરહાજર હતો. એની ગેરહાજરીમાં પણ શીલાને તેની હાજરી વરતાતી. હવે તેને બે જણ પર ભરોસો હતો. એક ઈશ્વર અને બીજો અદૃશ્ય બકુલનો અહેસાસ! તેને થતું હવે હું જે કાંઈ પણ બોલું છું તે કોર્ટમાં કેસ ચાલતો  હોય અને હું અપરાધી હોંઉ એવું મને લાગે છે. ચારેય જણા મારા બોલવાનો અલગ અલગ અર્થ કરે છે!

નવા ઘરમાં એકલતા સતાવતી. બકુલ ડગલેને પગલે યાદ આવતાં. બસ હવે એક નિયમ રાખ્યો હતો, કોઈ પણ કાર્ય કરતા પહેલાં આંખ બંધ કરી ઈશ્વર અને બકુલનું સ્મરણ કરવું. જે જવાબ પહેલો અંતરમાંથી સંભળાય તે પ્રમાણે અનુસરવાનો પ્રયત્ન કરતી. તેનું દૃઢ માનવું હતું કે અંતરનો અવાજ હંમેશા સત્ય રાહ બતાવે છે. આમ કરતાં દિવસો, અઠવાડિયા, મહિના, અરે, વર્ષો પસાર થઈ ગયા. નવા ઘરમાં સ્થાયી થતાં શીલાને નેવના પાણી મોભે ગયા. સારું હતું કે સોસાયટીમાં બધી સગવડ હાથવગી હતી. પાડોશી નવા હતા. શીલા મનમાંને મનમાં મુંઝાતી, ‘હવે મારે જીવીને શું કરવું છે?’

શીલાને ખબર હતી કે બાળકો હમેશા એમ માનતા હોય છે કે માતા અને પિતા જુનવાણી વિચારના છે! તેઓ ભૂલે છે કે જ્યારે તેમના બાળકો મોટા થશે ત્યારે તેઓ પણ એમ સમજવાના. આ સંસારનું ચક્ર આમ જ ફરતું આવ્યું છે અને ફરતું રહેવાનું.

બકુલના પ્રેમરંગે રંગાયેલી શીલાએ તેની કાર્ય કરવાની ઢબ તરફ સજાગ વૃત્તિ કેળવી હતી. દીકરા કે દીકરીમાં કોઈ પણ દિવસ ભેદભાવ રાખ્યો ન હતો. બકુલના વિરહની વેદના,  એકલતા અને હવે આ નવું સ્થળ  શીલા ખૂબ ધીરજપૂર્વક દરેક ડગ ભરતી કારણ તે જાણતી હતી કે દિવસે દિવસે ઉમર વધતી જાય છે! એક ચિત્ર તેની નજર સમક્ષ સ્પષ્ટ હતું. દીકરીઓ હવે નજદીક આવી હોવા છતાં બને ત્યાં સુધી તેમને પરેશાન કરવા નહી.

જીજ્ઞાસા અને જીગર તેમનો સંસાર શાંતિથી ચલાવતાં. બેલા અને ચિંતન ખૂબ વિનયી હતાં. જરૂર પડ્યે શીલા તેમને સાચવવા રાત રોકાવા જતી. પવન અને કવન હજુ નાના હતાં. તેમનામાં આતશ જેવી પ્રકૃતિ જણાતી. આશા તો મગનું નામ મરી ન પાડે. આતશને તેની બધી વાત વિસ્તારપૂર્વક સમજાવવી પડે. તેને મન પોતાનો પતિ ખૂબ વ્યવહારિક જણાતો. આશા પ્રોફેસર હોવાને કારણે ખૂબ સીધી હતી. આતશની વાત રજૂ કરવાની પદ્ધતિ આશાને ગમતી. જેને કારણે આતશની ચાલાકી આશા સમજી શકતી નહી. જીગર સર્જન હોવાને કારણે ધૂમ કમાતો. જીજ્ઞાસા બાળકોની પ્રવૃત્તિમાં ઘેરાયેલી રહેતી. સમય મળ્યે વકિલાત કરવા જતી. બાળકોને  સારા સંસ્કાર મળે તે અગત્યનું હતું.

આજે ચારેય બાળકો નાનીને ત્યાં રોકાવાના હતાં. બેલા, પવન અને કવન સાથે રમી રહી હતી. મોટો ચિંતન તેમના પર નજર રાખતો. શીલાએ તેમની મનભાવતી પાણીપૂરી અને રસગુલ્લા બનાવ્યા હતાં. પેલા નાના બે તો રસગુલ્લા પર તૂટી પડ્યા. બેલા અને ચિંતન પ્રેમથી જમ્યા. કુશળતાપૂર્વક સહુની સૂવાની વ્યવસ્થા કરી શીલાએ પલંગમાં લંબાવ્યું.

હજુ તો બે કલાક થયા ન હતાં ત્યાં પવન અને કવન મમ્મી કરીને રડવા માંડ્યા. શીલાએ થાકીને આશાને ફોન કર્યો. પ્રોગ્રામ પૂરો થઈ ગયો હતો એટલે આતશ આવીને બન્નેને લઈ ગયો. શીલાએ મનોમન નક્કી કર્યું આ બે જરા સરખા મોટા થાય પછી રહેવા આવવાનું આમંત્રણ આપવું. બેલા અને ચિંતન સવારે ઉઠ્યા. નાનીએ બનાવેલાં ગરમ બટાટાપૌંઆ ખાઈને ડ્રાઈવર લેવા આવ્યો તેની સાથે ઘરે ગયા. શીલાએ અમુક ટેવો સારી પાડી હતી. બાળકોને લઈ જાવ અને મૂકી જાવ.

બકુલ ગયો ત્યારે શીલાને મહિના પહેલાં ૬૫ પૂરા થયા હતાં. આ નવા ઘરમાં આવ્યે બે વર્ષ થઈ ગયા. બકુલના વખતની સારી આદતો શીલાએ ચાલુ રાખી હતી ભલે પછી તે દીકરી-જમાઈઓને ગમે કે નહી! પાડોશી સાથે ઓળખાણ કરી સંબંધ બાંધ્યા. યુવાનો આ મકાનમાં હોવાને કારણે શીલા સહુને મદદરૂપ થઈ પડી. આમ પણ તેનો સ્વભાવ ખૂબ મળતાવડો અને લાગણીશીલ હતો અને કોઈની પંચાત કરવાની કુટેવ તેને હતી નહી.

નવરાશના સમયમાં બાળકો માટે બ્લેન્કેટ બનાવતી. મશીન આવડતું હતું. તેમના નાઈટ ડ્રેસ સીવે. ઘરમાં નાનું મંદિર રાખ્યું હતું. ભગવદગીતાને ગુરૂ સ્થાને સ્થાપી નિર્મળ જીવન જીવતી. તેની સરળ જીવન શૈલી સગાવહાલાંની આંખોમાં કણાની જેમ ખુંચતી. વિધવા આશ્રમમાં જઈ સ્ત્રીઓને હુન્નર શિખવતી. બકુલની વર્ષગાંઠ અને તિથિને દિવસે હોસ્પિટલમાં દરદીઓને ફળ અને દવા આપતી.

શાંત શીલા બકુલ ગયા પછી તેના વિયોગમાં આંસુડાં સારી જીવવાને બદલે બાકી જીવનનો સદઉપયોગ કરવામાં ગુંથાઈ હતી. ઘણીવાર થતું આવડા મોટાં ઘરમાં ‘ભૂત ભુસકા મારે અને હનુમાન હડીઓ કાઢે’ !

 

Advertisements
This entry was posted in અન્ય શરત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.