ગૃહ પ્રવેશ- ૧- રેખા પટેલ “વિનોદિની”

gruhapravesh

વૈશાખ મહિનામાં પશુપંખી સાથે ઝાડપાન પણ આકળવિકળ જણાતા હતા. બહાર આંગણામાં મારી સાથે સવારના પહોરમાં વાતો કરતો મારો લાલચટ્ટાક ગુલમહોર પણ કંઈક મુરઝાએલો  હતો. બજારના મોટાભાગના કામ હું જાતે જ પતાવતી. શરદ આખો દિવસ તેમના કામમાં વ્યસ્ત રહેતાં અને સાંજ પડે તેમને સીધું ઘર દેખાતું. ઘરે આવીને બહારનો ઝાંપો ખોલતાની સાથે “સ્મિતા, ક્યા છે તું” ની બૂમો શરૂ કરી દેતા. આજુબાજુ પડોશમાં બધાય જાણતા કે શરદને બધા વિના ચાલે પણ સ્મિતા વિના એકપણ દિવસ ના ચાલે. એ પણ નફફટ થઈ બોલનારને સામે કહી દેતા “જો સ્મિતા સાથે હોય તો હું જંગલમાં પણ એકલો મઝાથી રહું”. આથી તેમની ખુશીમાં મારી ખુશી માની બહારના બધા કામ તેમના ઘરે આવતા પહેલા પતાવી દેતી. જેથી તેમની એક બૂમ સાથે હું ચાનો કપ લઇ હાજર થઇ શકું. મારા હાથમાં રહેલા ચાના કપ સાથે મારી ચાહ ભળી જતી અને તે શરદના ચહેરાને ચમકાવી દેતી અને દિવસભરના તેમના થાક અને કંટાળાને ભગાવી દેતી. મારા આ નાના પરિવારની સુગંધ મને, શરદને અને બાને સાચવી લેતી હતી. આમ અમારો સુખી સંસાર મઘમઘતો હતો.

આજે કોણ જાણે કેમ બજારમાં વાર લાગી. તેમાય રસ્તામાં મારી જૂની મિત્ર મંજૂષા મળી ગઈ. તે ભારે વાતોડિયણ અને તેમાય તેનો પાંચ વર્ષનો દીકરો રવિ તો બાપ રે પરાણે વહાલો લાગે તેવો હતો. તેમની સાથે આઈસક્રીમ ખાવામાં અને તેને રમાડવામાં મારો બીજો અડઘો કલાક નીકળી ગયો.

“આંટી તમે મારી મમ્મીના ફ્રેન્ડ છો? તો મારા ફ્રેન્ડ કેમ નથી?” રવિ બોલતો હતો.

“હા ભાઈ, હું તારી પણ ફ્રેન્ડ છું, બસ? હવે તારી મમ્મી કરતા પણ વધારે ખાસ” હું તેને પટાવતી રહી અને જાતે ખુશ થતી રહી.

કેટલો મીઠો લાગતો હતો મંજૂષાનો દીકરો. આખાય રસ્તે રવિની કાલીઘેલી વાતોને વાગોળતી હું ટેક્સી કરીને ઘર તરફ વળી હતી. તાપથી થાકેલી હું ઘરે આવી ત્યારે શરદ આવી ગયા હતા. હું ઝડપભેર ઘરમાં દાખલ થવા બારણું ખોલી અંદર આવું ત્યાં બાનો ઘીમો દબાએલો અવાજ કાને પડયો

“ક્યા સુધી આમ રાહ જોઈ બેસી રહેવાનું? તારી પછીથી જેના લગ્ન થયેલા તે પણ બબ્બે છોકરાના બાપ બની ગયા!”

આ શબ્દો સાંભળતા હૃદય એક થડકારો ચૂકી ગયું.

બહારની ગરમીમાં જાણે બળતામાં ઘી હોમાયું હોય એવો ભાસ થયો. મારે તો પગ નીચેથી ઘરતી ખસી ગઈ. જે વાતને સાંભળવા અને વિચારવાથી હું કોસો દૂર રહું છું તે વાત આજે સામે ચાલીને આવી ગઈ હતી. હું જાતને પડતી બચાવવા બારસાખને ટેકો દઈ થોભી ગઈ.

પણ ત્યાં જ શરદનો અવાજ કાને પડ્યો

બા …બસ કરો સ્મિતા મારી પત્ની અને તમારી વહુ છે. શરદના આ શબ્દોએ મને ફસડાઈ પડતા રોકી લીધી.

“હા ભાઈ હું જાણું છુ એ તારી પત્ની છે માટે જ મારી આ માગણી યોગ્ય રહી છે. સ્મિતા સારી પત્ની સાથે સારી વહુ છે તેની હું ક્યા ના પાડુ છું? પણ તુ જ કહે હું શું કરું? આજકાલ કરતા તારા લગ્નને ૧૧ વર્ષ થયા અને તેનો સારો દિવસ જોવા મેં શું નથી કર્યું? દવાદારૂ, ભૂવા, જાગરિયા, વહુને મેં જરાય ઓછું આવવા દીધું નથી. એ બાપ વગરની છોકરી છે વિચારીને લગ્નના દિવસથી આજ લગી ક્યારેય કોઈ માગણી કરી નથી. હવે દીકરાના સુખ માટે આટલું માગવું ગેરવ્યાજબી નથી.” બા બોલ્યા.

થોડીવારની ચુપકીદી પછી વળી બાએ વાત આગળ વધારી “તને યાદ છે ને કે લગ્નના સમયે આપણા સગાવહાલા સામે વહુનુ અને તેના પિયરિયાનું સારું દેખાય એ માટે મેં સામેથી દાગીના અને કપડાં વહેલા મોકલી આપ્યા હતા. પરંતુ હવે આ ઈચ્છા તો વહુએ પૂરી કરવી રહી.”

બાની વાત સો ટકા સાચી હતી. હું અતીતમાં ઘકેલાઈ ગઈ….. હું પંદર વર્ષની અને નાની મનીષા ૧૩ વર્ષની હતી ત્યારે  મારા પપ્પાનું ટૂંકી માંદગીમાં મૃત્યુ થયું હતું. મિલકતના નામે ગામમાં ઘર અને પંદર વીઘા જમીન હતા. પપ્પાના બે ભાઈઓ એ અમારી જમીન ખેડવા લીધેલી, જેમાંથી માંડ ઘરખર્ચ ચાલે એટલું મમ્મીને આપતા હતા. મમ્મી સ્વભાવે બહુ માયાળુ હતા. આથી બહારની મદદ અમને ઘણી રહેતી. પરિણામે બીજી કોઈ તકલીફ વિના મમ્મીની છત્રછાયામાં અમે મોટા થઇ ગયા. તેમણે બધી ખોટ પડવા દીધી હશે પરંતુ સંસ્કારોની ખોટ કદીયે સાલવા દીધી નહોતી. અમારી વચમાં બહુ હેત હતું.

હા, મારા લગ્ન વખતે મારી મમ્મીને બહુ તકલીફ રહી હતી. તેમના દાગીનામાંથી અડઘા તોડાવી મારા માટે થોડા નવા બનાવડાવ્યા અને જેમ તેમ કરી કાકાઓના અહેસાન તળે દબાઈને મમ્મીએ લગ્નની બીજી તૈયારીઓ કરી હતી. લગ્નને આડે ચાર દિવસ બાકી રહ્યા અને શરદના કાકા અને બીજા એક વડીલ અમારે ઘરે મળવા આવ્યા હતા. શરદના કુટુંબ તરફથી આવેલા આ બે વડીલ હતા. મમ્મી અને બે કાકાઓ સાથે તેઓએ અંદરના ઓરડામાં બેસીને થોડી વાતો કરી. પછી ચા નાસ્તો કરી તેઓ ચાલ્યા ગયા. ત્યાર પછી બેઉ કાકા માથું ધુણાવતા બહાર નીકળી ગયા. પરંતુ મમ્મીની આંખો રડતી હતી. હું નાનપણથી મમ્મીને જોતી સમજાતી આવી હતી. આથી પરિસ્થિતિ ઘણાખરાં અંશે સમજી ગઈ. છતાં પણ બહુ પૂછતાં મમ્મીએ સાચું જણાવ્યું કે તે લોકોએ તેમનું સારું દેખાય તે માટે જણસમાં પાંચ તોલાનો સોનાનો સેટ અને જમણવાર પછી નજીકના સગાઓને નાની મોટી ભેટ આપવી જેથી તેમની નાતમાં વાહ વાહ થાય.

હું અમારી, ખાસ કરીને મમ્મીની સ્થિતિ જાણતી હતી. મારા પછી મનીષાની જવાબદારી પણ એણે આજ રીતે ઉપાડવાની હતી. છેવટે બહુ વિચાર કરી મેં શરદને ફોન જોડ્યો અને આ લગ્ન બંધ રાખવા વિનંતી કરી. શરદ બહુ સમજુ હતા. તેમને હું પ્રથમ નજરે પસંદ આવી ગઈ હતી. બહુ સ્નેહ સાથે તેમણે મારી નાનું કારણ પૂછ્યું. જવાબમાં મેં આખી વાત જણાવી દીધી હતી. તે વખતે તો તેમણે માત્ર હમમમ… હા કહીને વાત ટૂંકાવી દીધી હતી. હું બહુ નિરાશ અને દુઃખી હતી. તે રાત મને બહુ દુઃખ થયું હતું. પપ્પાની બહુ યાદ સતાવતી હતી. હું જાણતી હતી મમ્મીની પણ આજ હાલત હતી. બસ બહુ થયું મારે હવે મમ્મીનો સહારો બનવું છે. હું નોકરી કરીશ એમ વિચાર્યા પછી તે રાત્રે હું શાંતિથી સુઈ શકી હતી.

બીજા દિવસની સોનેરી સવાર સાચા અર્થમાં સોનાની બની ગઈ. અમારા આશ્ચર્ય વચ્ચે શરદ અને બા ટેક્ષી કરીને અમારા ઘરે આવ્યા. મમ્મી તો તેમને જોતા જ હાંફળીફાંફળી બનીને તેમને આવકારવા લાગી. પણ મને એક આશંકા ઘ્રુજાવી ગઈ હતી. ચોકકસ શરદ ના કહેવા આવ્યા હશે. મારું તો ઠીક પણ મમ્મીની શું હાલત થશે? વિચારી હું મનોમન દુઃખી થતી હતી. અંતર ઘડકતુ હતું.

આ બધા વચ્ચે બા બહુ શાંત અને સૌમ્ય જણાતાં હતા. તેમને અચાનક આવેલા જોઈ અમે થોડા ગભરાએલા હતા. બા અમારી સ્થિતિ સમજી ગયા હતા. છેવટે અંદરના રૂમમાં હું, મમ્મી, શરદ અને બા એકલા પડ્યા ત્યારે બાએ તેમના મોટા પર્સમાંથી સોનાનો સેટ બહાર કાઢયો અને રૂપિયાની થપ્પી બહાર કાઢી. હજુ પણ જાણે કાલની વાત હોય તેમ શબ્દેશબ્દ મને આ યાદ છે. બા મમ્મીના હાથમાં બધું મુકતા બોલ્યા હતા “મંજુબેન, તમે જરાય ચિંતા ના કરશો. બધું બરાબર થઈ રહેશે.”

મમ્મી બહુ ના કહેતા રહ્યા અને જણાવતા રહ્યા, “હું બઘુજ પહોચી વળીશ. તમારી ઈચ્છા પ્રમાણે થઈ રહેશે” બા સઘળું સમજતા હતા કારણ તે પણ એકલા હતા. તેમણે શરદને એકલે હાથે મોટા કર્યા હતા. બસ ફરક એટલો હતો કે તેમને આ એક જ દીકરો હતો અને તેમના પતિ તેમને માટે શાંતિથી જીવી શકાય તેટલી મિલકત મુકીને ગયા હતા. આથી તે કોઈના ઓશિયાળા નહોતા. એક સ્ત્રી બીજી સ્ત્રીને સમજે આનાથી વધારે શું હોઈ શકે. છેવટે બાએ કહ્યું હતું, “મંજુબેન, આ બધું અહેસાન ના સમજતા. આ તો ઘીના ઠામમાં ઘી છે તેમ માનજો.” મારી અને મમ્મીની આંખો તો આંસુ વહાવી ચુપ હતી.

બસ પછી લગ્ન બધાને સંતોષ થાય તેમ રંગેચંગે ઉજવાઈ ગયા. મારી મમ્મીને એક દીકરો મળી ગયો અને બાને મારા રૂપમાં એક દીકરી મળી ગઈ. પાંચ વર્ષ તો મજામાં ઊડી ગયા. આટલાથી બાકી રહ્યું હોય તેમ નાની મનીષાના લગ્નમાં શરદે બધો જ ભાર ઉપાડી લીધો હતો. ઘરનો એક દીકરો જેમ કામ કરે એ રીતે તેમણે દસ દિવસની રજા લઇ ગામમાં મમ્મી પાસે રોકાઈને ઘણી મદદ કરી હતી. બાએ પણ હોંશભેર મને અને શરદને આ બઘા માટે રજા આપી હતી. સાથે પાંચ સિલ્કની સાડીઓ અને એક સેટ મનીષા માટે આપવાની છૂટ આપી હતી. બહેનના લગ્નમાં હું અને શરદ કન્યાદાન આપવા બેઠા હતા ત્યારે મારી આંખોમાં ખુશીના આંસુ ચમકતાં હતા. ભગવાને કોણ જાણે કેટલાય વ્રતના બદલામાં આટલો સમજુ પરિવાર આપ્યો હતો. આ બધા કારણે મારા માટે બાનું મહત્વ મમ્મી કરતા પણ વધારે થતું જતું હતું. અમે બધા બહુ ખુશ હતા, પણ પછી ઘરના ચિરાગ માટેની બાની ઝંખના દિનપ્રતિદિન વધવા લાગી. છેવટે તેમની ઈચ્છા અને આતુરતાનો અંત આવી ગયો હતો. હું બધુ જ સમજતી હતી પરંતુ હું મજબૂર હતી. બધું ક્યા આપણા હાથમાં હોય છે?.

ત્યાં તો બાનો અવાજ ફરી પડઘાયો…. “મારો તું એકનો એક દીકરો છે, તું 10 વર્ષનો હતો અને તારા પિતાજી આપણને છોડી સ્વર્ગમાં ગયા. મેં કેટલી મુશ્કેલીઓ વચ્ચે તને મોટો કર્યો તે તું જાણે છે. શું આજે તારા તરફથી આટલી અપેક્ષા રાખવી ગેરવ્યાજબી છે ? ” માના અવાજમાં ભારે દુઃખ પડઘાતું હતું

શરદ ઘવાયેલા હતા. કોઇ રસ્તો મળતો નહોતો અને હવે સૌ સારુ થઈ જશે કહેનારા બા પણ ઉતાવળા થયા હતા.તેમને થતું હતું કે વિજ્ઞાન આટલુ બધું આગળ વધ્યુ છે અને વંધ્યત્વનો કોઇ રસ્તો જ નહીં? હું સમજતી હતી કે બાની ઇચ્છા, માગણી યોગ્ય હતાં પણ બા કેમ સમજતા નહોતા કે આ વાત ક્યાં અમારા હાથમાં હતી?.

ઈચ્છાને ચરમસીમા હોત તો?

માગેલું બધું જો મળતું હોત તો?”

એનજીઓમાં નાના ૫૦ ભુલકાઓની હું મા હતી..પણ બાને કેવી રીતે સમજાવાય કે તે ૫૦ ભુલકાઓ શરદનાં નથી. એમને તો એમનો વંશ ચલાવવો હતો. સ્વર્ગમાં જ્યારે શરદના બાપુ મળે તો શું જવાબ આપુ? તે તો મને પૂછશે જ કે આપણા વંશજનું નામ શું? તેને તુ મારાવતી પણ આશિષો આપીને આવી કે નહિં?

મારી આંખો પણ આંસુઓથી ભરેલી હતી..બાને મારું મન પણ કહેતું હતું, ‘બા હું પણ શરદની જેમ મજબૂર છું. આંખમાં આંસુઓનું ધુમ્મસ ઘેરાયેલું હતું .શરદના ચહેરા પર તરવરતી વેદના મારાથી સહન ના થઇ શકી , પરંતુ ઘરમાં પ્રવેશ કર્યા વિના મારે ક્યાં છૂટકો હતો. જાણે કંઈ નથી સાભળ્યું તેવો ડોળ કરી હું ઘરમાં પ્રવેશી .

 

રેખા વિનોદ પટેલ (ડેલાવર)

http://vinodini13.wordpress.com

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

4 Responses to ગૃહ પ્રવેશ- ૧- રેખા પટેલ “વિનોદિની”

  1. chandralekha કહે છે:

    સુંદર શરૂઆત સખી,

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.