અન્ય શરત-૧ રેખા શુકલ

સ્મરણ યાત્રા

અન્ય શરતપ્રકરણ

 

‘વિસામો’ વૃધ્ધાશ્રમના વરંડામાં આજે બહુ ચહલપહલ નહોતી દેખાતી. ફક્ત સામેના ઝાડ પર ચકલીનો જે માળો હતો. તે ખાલી દેખાતો હતો કારણ બચ્ચા ઉડી ગયા હતા અને હવે તે કદાચ પાછા ન પણ આવે. તોય ચકલીને સંતોષ ન હતો અને અકારણ ઉડાઉડ કરી ક્યારેક પોતાના ખાલી માળા તરફ તો ક્યારેક આજુબાજુ વ્યાકુળ નજર નાખતી હતી જાણે તેના બચ્ચાને ન શોધતી હોય? શું હું પણ આમ જ અનુભવું છું? મને પણ બધા એકલી અટૂલી મૂકીને ચાલ્યા ગયા? શીલાબેને મનમાં વિચાર્યું. પછી સામે બેઠેલ વ્યક્તિને જોઇને બોલ્યા, ‘બકુલ, આજે કેમ કોઈ નથી દેખાતું? ક્યાં ગયા છે બધા? કોઈ પાર્ટીમાં ગયા છે?’ પણ સામેથી કોઈ જવાબ ન મળ્યો.

‘આ તો રોજનું થયું. હું કાઈક કહું તે ન સાંભળે અને સાંભળે તો પણ પૂરું સમજે નહી. એક તો ધ્યાનબહેરા અને ઉપરથી કાનની તકલીફ. જ્યારેને ત્યારે કર્ણયંત્રની બેટરી મચડમચડ કર્યા કરે. હું તો જાણે હયાત જ નથી.’ શીલાબેને વિચાર્યું. ત્યાં તો અવાજ આવ્યો, ‘શીલુ, શું કહેતી હતી? આ બેટરી ચેક કરતો હતો એટલે સંભળાયું નહી.’

હાથનો ઈશારો કરી ‘કાઈ નથી કહી’ પાસે પડેલા ટીપોય તરફ નજર નાખી. આજના છાપા વચ્ચે ‘જનકલ્યાણ’ પણ ડોકિયા કરતું હતું. ખાસ શીલાબેનની વિનંતિને કારણે આ છાપા વૃદ્ધાશ્રમમા મંગાવાતા હતાં તો આજીવન સભ્ય હોવાને નાતે ‘જનકલ્યાણ’ હવે આ સરનામે આવતું હતું પણ અત્યારે તે તરફ શીલાબેનને કોઈ રૂચી ન જણાઈ.

બીજી જ ક્ષણે તેમને ભાન થયું કે બકુલ અહિ ક્યાંથી હોય? એ હોત તો મારે આ વૃદ્ધાશ્રમનો સહારો લેવો ન પડ્યો હોત. તો પછી સામે કોણ બેઠું છે? સાંજના અંધારામાં કાઈ કળાયું નહી. ત્યાં તો સામેથી અવાજ આવ્યો, ‘શીલાબેન, હું બકુલભાઈ નહી. સી.એમ છું. શું કહો છો?’

આ સાંભળી ખયાલ આવ્યો કે સામે બકુલ નહી પણ સી.એમ. એટલે કે વૃધ્ધાશ્રમના મેનેજર છે. હવે શીલાબેનને વરંડામાં બેસવામાં રસ ન રહ્યો. આ ઉંમરે કોઈના ટેકા વગર ક્યાં કોઈ હલનચલન થાય છે? એટલે સી.એમ.ને કહ્યું કે તમારો હાથ આપો અને મને મારા રૂમમાં લઇ જાઓ.

‘તમે ‘જનકલ્યાણ’નો નવો અંક વાંચ્યો? મેં નજર નાખી. બહુ સુંદર અને પ્રેરણાદાયક વાર્તાઓ આવી છે.’

‘અત્યારે નહી. તમારી સાથે લઇ લો. જમ્યા પછી વાંચીશ. આમેય તે આ ઉંમરે જલદી નીંદર ક્યાં આવે છે? વાંચતા વાંચતા સમય પસાર થશે અને પછી ઊંઘ પણ આવી જશે.

સી.એમ.ના હાથના ટેકે ટેકે તે રૂમમાં ગયા અને પલંગ પર ફસડાઈ પડ્યા. પછી પડ્યા પડ્યા રૂમની છત તરફ તાકતા રહ્યા. સહસા મનમાં તરંગો ઉત્પન્ન થયા અને સમજાયું કે જિંદગીના સાત સાત દાયકા ક્યાં ચાલ્યા ગયા તેની ખબર ન રહી. અત્યારે અચાનક તે સાત દાયકાની યાદો તેમને વંટોળની જેમ વીંટળાઈ ગઈ. જિંદગી એક ફિલ્મપટ્ટીની માફક તેમની નજર આગળથી સરવા માંડી.

બચપણના બે દાયકા તો મમ્મી-પપ્પા સાથે વીતાવેલા. તેમને ત્રણ સંતાન –મોટી શીલા, વચલો રાજેશ અને નાની નીલા. ભણતર સાથે સાથે બધા ભાઈ-બહેનો એકબીજા સાથે પણ કેટલું બધું કરતા તે યાદ આવ્યું. એકબીજાના સથવારે બધાને હૂંફ મળતી. તો ભગવાનની દયાથી સારા માણસોનો સથવારો પણ મળ્યો જેમની પાસેથી ઘણી બધી સારી વાતો શીખવા મળી. મમ્મી-પપ્પા તો જમાનાને અનુરૂપ રહેવામાં માનતા એટલે ત્રણેય ભાઈ બહેનને તેમનો પૂરો સહકાર, ભણતર અને અન્ય પ્રવૃત્તિઓમાં. પિતાએ ક્યારેય દીકરા દીકરીમાં ફરક નહોતો દાખવ્યો અને ત્રણેયને સમાન રીતે ઉછેર્યા હતા અને એટલે જ ભાઈ-બહેનોમાં એક પ્રકારની વિના ઈર્ષાની હોડ રહેતી કે કોણ ભણવામાં આગળ રહે છે.

ત્યારે તો તેઓ ચાલીમાં રહેતા હતા. ચાલીની સામે ખૂલ્લુ પ્રાંગણ જેમાં બાળકોને રમવાની મોજ પડતી. ઉનાળામાં મમ્મી આખા વર્ષનું અનાજ ભરે અને તે સાફ કરી દીવેલ લગાવી ભરવામાં સમય ક્યાં વીતી જતો તે ખબર ના રહેતી કારણ મોટી દીકરી હોવાના નાતે ઘરકામમાં હાથ લગાવવો પડતો. સામે ઘંટીમાં ઘઉં દળાવવા પણ જવું પડતું. તો પાસેની શાકની દુકાને પણ જોઈતું શાક વગેરે લેવાનું પણ રહેતું. રોજના ઘરાકને કારણે ગંગારામ પણ ક્યારેક લીંબુ તો ક્યારેક લીમડાના પાન એમ જ ઝોળીમાં નાખી દેતો.

વળી વેકેશનને કારણે બહારગામ કાકા, મામા ફોઈને ઘરે જવાનું થતું અને ત્યારે તેમના સંતાનો એટલે કે પિતરાઈઓ સાથે રમતગમત અને ગપ્પાગોષ્ઠિમાં વેકેશન ક્યાં પસાર થઇ જતું તેની ખબર પણ ન રહેતી. આજે એ બધું નજર આગળ આવતા બોલાઈ ગયું ते हीनो दिवसा: गता|

બાળપણ એકંદરે સુખસાહ્યબીમાં વીત્યું હતું. માબાપે યોગ્ય તકેદારી રાખી આપેલા યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણને કારણે કોઈ અફસોસ ન હતો. એ જ રીત તેમણે અપનાવી પોતાના સંતોનોને પણ જરૂરી યોગદાન કર્યું. પિતાનો એક મંત્ર ખાસ યાદ આવ્યો. ‘જે કાઈ કરીએ તેને કારણે અન્યો પર આગવી છાપ પડે અને માનવતાની જ્યોત પ્રગટતી રહે તેમ જીવનમાં કાર્ય કરતા રહો અને આગળ વધતા રહો.’

ફિલ્મ આગળ સરકતી જાય છે અને કોલેજના દિવસો યાદ આવે છે. તેની સાથે યાદ આવ્યા બકુલ. સ્વભાવે શરમાળ એટલે તે પોતાનો શીલાબેન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત ન કરી શકતા. પણ કોલેજ છૂટે ત્યારે તેમની પાછળ પાછળ ચાલે. શીલાબેનને આ બધી ખબર પણ જાને કાઈ જાણતા નથી તેમ વર્તતા.

પછી એક દિવસ જાણીજોઇને પાછળ નજર કરી તો બકુલ એવા ડરી ગયા કે સમતોલપણું ગુમાવ્યું અને બાજુમાં ઝાડીમાં પડી ગયા. ઝાંખરા અને કાંટાને કારણે વાગ્યું પણ મિયા પડ્યા તો પણ ટંગડી ઊંચી! હસવું તો આવ્યું પણ અન્યની મદદથી ઉભા કર્યા. પણ કહે છેને કે हंसी तो फसी! બસ આમ જ થયું. તે દિવસે શીલાબેને હાથ પકડ્યો તે કાયમ માટે. કોલેજના ચાર વર્ષમાં એકબીજાની નજીક આવી ગયા હતા અને સામાંન્ય રીતે જે પરિણામ આવે તેમ તેમના કિસ્સામાં પણ થયું. બંનેના માબાપ તો સમજદાર અને શિક્ષિત એટલે વિના વિઘ્ને બધું પાર પડી ગયું.

સમય જતા ક્યાં વાર લાગે છે? હવે તેમને આવી પડેલી કૌટુંબિક જવાબદારીઓ યાદ આવી. શરૂઆતમાં તો સાસરે રહેવાનું પણ પછી સારી નોકરી મળતા મુંબઈ આવી વસ્યા. સાથે સાથે બકુલે આપેલ સાથ-સહકાર પણ તેઓ નજરઅંદાજ ન કરી શક્યા. તેમ ન હોત તો જીવનની રાહ કેવી હોત તેનો વિચાર જ તેમને કંપાવી ગયો. સુખ દુ:ખના સમયે તે સાથેને સાથે. સુખમાં તો સમજ્યા પણ દુ:ખમાં તે અડીખમ. તેમનું તે વખતનું વર્તન જોઈ થતું કે શું આ એ જ બકુલ છે જે કોલેજકાળમાં શરમાળ અને અંતર્મુખી હતા?

સંબંધ સાચવવામાં તે અવ્વલ. ન કેવળ તેના કુટુંબમાં પણ સાસરે પણ તે અતિપ્રિય. દરેક તેની સમસ્યા બકુલ પાસે લાવે અને તે યોગ્ય રીતે તેનો ઉકેલ પણ કરી નાખે. ન કેવળ કુટુંબમાં પણ પડોશમાં અને ઓફિસમાં પણ તે આમ જ લોકોનું કામ કરે અને જોઈતી મદદ કરે. સ્વાભાવિક છે કે તે બધે પ્રિય હોયને?

સંતાનોના ઉછેરમાં પણ પાછી પાની નહી. તેમનામાં સંસ્કાર રેડવાના અને શિક્ષણ આપવાના કાર્યને તેમણે મન દઈને પાર પાડ્યું હતું અને તેથી જ તેમના સંતાનો સુશિક્ષિત અને સંસ્કારી બની રહ્યા છે.

શીલાબેનની ફિલ્મ આગળ ચાલી. યાદ આવ્યું બાળપણ. શું તે આનંદમય દિવસો હતા! એકબીજા સાથે રમતગમત રમવાની અને તેમાં ઓતપ્રોત થવાની જે મઝા હતી તે આજની પેઢી માટે તો અપ્રાપ્ય છે. આજની પેઢી તો મોબાઈલમાં અને ટી.વી.માં એટલી વ્યસ્ત રહે છે કે તેમને બીજા માટે સમય કે ચિંતા નથી હોતી. આજની પેઢી તો રૂબરૂ મળવાનું ટાળે કારણ SMS અને WHATSAPP. અરે, અન્યના જન્મદિવસે પણ આમ જ સંદેશાની આપલે થતી રહે છે!

પહેલાના જમાનામાં જે સંબંધો બંધાતા તે મજબૂત રહેતા અને તેથી જ આજે નાની બેન નીલા યાદ આવી. બીજા બધા તેને નીલા કહે પણ શીલાબેન તો તેને નીલુ જ કહેતા. નીલુ બહુ સમજુ અને ડાહી. ભલે તે નાની પણ ન કોઈ માંગણી ન કોઈ જીદ. કામગરી પણ એટલી જ. પ્રવૃત્તિ તો તેના લોહીમાં. નવરા બેસવાનું નામ ન લે. કોઈ પણ કામ સોંપો, પ્રેમથી હસતે મોઢે કરી નાખે. પણ બંનેના શોખ અલગ અલગ. નીલાને વાંચવાનો શોખ. તેમાય શિષ્ઠ પુસ્તકો અને સામયિકો તેની પસંદના. જ્યારે શીલાબેનને રસોઈક્ળામાં તેમ જ સીવણકામમાં રસ એટલે તે માટેની ખાસ સંસ્થાઓમાં પણ જતાં.

નીલુને તો કવિતાનો એટલો શોખ કે ઘણી બધી મોઢે. ઘરઆંગણે બાંધેલ હિંચકે બેસી તે ગાય અને તેમાં શીલાબેન પણ સાથ પૂરાવે. તે ઓછું હોય તેમ પપ્પા સાથે અંતાક્ષરી પણ રમતાં અને છેવટે જીત તો નીલુની જ થતી. કદાચ પપ્પા જાણીને હારતા પણ હશે પણ તેવો અણસાર તેઓ ન આવવા દેતા.

નીલુ જ્યારે વહેલી સવારે ઓટલે બેસી પ્રભાતિયા ગાય ત્યારે નીરવ વાતાવરણનો માહોલ જ બદલાઈ જાય. આ યાદ આવતા શીલાબેનને અચાનક એક પ્રભાતિયું યાદ આવી ગયું જે આપોઆપ તેમના મુખેથી સરી પડ્યું: ‘હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી.’ તરત જ તેમની આંખમાં ઝળઝળીયા આવી ગયા.

પણ બધું ધૂંધળું ધૂંધળું કેમ થઇ ગયું? રૂમની લાઈટ તો ચાલુ છે. પછી સમજાયું કે આ તો નીલુની યાદનું પરિણામ. જ્યારે જ્યારે તે યાદ આવતી ત્યારે ત્યારે શીલાબેનની હાલત આમ જ થઇ જતી. થોડી મહેનતે બેઠા થઇ ટેબલ પર રાખેલ ગ્લાસમાંથી પાણી પીધું અને રૂમાલ ભીનો કરી આંખો લૂછી.

જમવાને વાર હતી એટલે ઓશીકાને ટેકે બેસી ‘જનકલ્યાણ’ હાથમાં લીધું અને વાંચવાની શરૂઆત કરી. પણ થોડીવારમાં શબ્દો શબ્દોને ઠેકાણે રહ્યા અને શીલાબેન ફરી પાછા યાદોમાં ખોવાઈ ગયા.

 

 

Advertisements
This entry was posted in અન્ય શરત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.