પ્રેમ પળોજણ: નિરંજન મહેતા

રચના એક ખરેખર અદ્વિતીય રચના હતી. સુડોળ, ઘાટીલું બદન, મારકણી આંખો, માખણ જેવા મુલાયમ પગો, પરવાળા જેવા હોઠો જેના વડે અપાતા એક સ્મિત માટે લોકો તરસતા અને જો મળી જાય તો પાણીપાણી થઈ જતા. આ બધુ કોઈ પણ મરદને આકર્ષવા પૂરતા હતાં. રસ્તે ચાલતો કોઈ પણ પુરૂષ પણ બે ઘડી સંયમ ખોઈ તેને જોવા ઉભો રહે તો ઓફિસના સહકર્મચારીઓ કેમ બાકાત રહે?

રચના પુરૂષોની નબળાઈ સારી રીતે જાણતી એટલે ઓફિસમાં એવા ડ્રેસ પહેરીની આવતી કે તેના આગમન થતા જ લોકોની ડોક તેના તરફ ફરતી. ક્યારેક સ્લીવલેસ બ્લાઉઝ પહેરી તેના મુલાયમ બાવડાંનું પ્રદર્શન કરતી તો ક્યારેક ટાઈટ ટીશર્ટ દ્વારા પણ આકર્ષણ જમાવતી. પણ જ્યારે તે ટ્રાન્સપરંટ ખમીસ અને જીન્સમાં આવતી ત્યારે એકાદ જણથી સીટી પણ મરાઈ જતી. આ બધાથી તેને પોતાની જાત ઉપર ઓર ગુમાન થતું.

ભલે તે જનરલ મેનેજર (GM)ની સેક્રેટરી હોય પણ તેની સમીપ ઉભા રહેવાની ખ્વાઈશ હરેકના મનમાં રહેતી એટલે GM હોય કે ના હોય કોઈને કોઈ બહાનું શોધી તેઓ તેની પાસે પહોંચી જતા. રચના પણ નાટક ભજવી શકતી અને તેથી તે દરેક સાથે જાણે તેઓ પોતાના ગણતી હોય તેમ જ વર્તતી. પરંતુ અંદરખાને તો તેમને નચાવ્યા બદલનો આનંદ લેતી. અરે જ્યારથી તે અમારી ઓફિસમાં આવી ત્યારથી સ્ટાફનું ગેરહાજરીનું પ્રમાણ પણ ઘટી ગયું હતું.

પણ આ બધાથી હું મારી જાતને બાકાત રાખતો અને તેને જોઈએ તેવી દાદ પણ ન આપતો તેથી તેનો અહં ઘવાયેલો હતો. તેથી જ તે તક મળતા કહેતી કે સુદેશ તો અતડા છે મારી સાથે વાત પણ નથી કરતા. એક સુંદર સ્ત્રીને અવગણે છે.લાગે છે કે સ્ત્રી કરતા પુરૂષમાં વધુ રસ ધરાવાતા હોય એમ લાગે છે.

આ બધી વાત મને સમયે સમયે મળતી રહેતી પણ હું તેના ઉપર ધ્યાન ન આપતો અને રચનાના મને વળોટવાના પ્રયત્નોને અવગણતો.. મને ખબર હતી કે તે મારી પ્રત્યે આકર્ષાઈ છે પણ મારા તરફથી કોઈ પ્રતિભાવ ન મળ્યા હતા એટલે તે એક યા બીજી રીતે મને પોતાની તરફ ખેંચવા વધુને વધુ પ્રયત્ન કરતી પણ હજી સુધી તેને સફળતા મળી ન હતી.

રચનાનું આમ કરવું સહજ હતું કારણ મારૂ વ્યક્તિત્વ પણ કમ ન હતું. એક તો હું અપરણિત, સામાન્ય કરતા સારૂં શરીર સૌષ્ઠવ ધરાવનાર, ચાર માણસમાં અલગ તરી આવે એવી મારી પર્સનાલિટી અને તે ઉપરાંત ચીફ એકાઉન્ટન્ટનો સારો હોદ્દો અને પગાર. વળી વાતચીતમાં માહેર એટલે આ બધાને કારણે વિજાતીય લોકોને મારૂં વધુ આકર્ષણ. તો રચના કેમ બાકાત રહે? એમ ન હતું કે મને સ્ત્રીઓ તરફ ખેંચાણ ન હતું પણ મારી વર્તણુંકનું કારણ જુદુ જ હતું અને તે કોઈને કહેવાની મારે જરૂર પણ ન હતી.

હા, જ્યારે હું GMને કામ માટે મળવા જતો ત્યારે તે કોઈને કોઈ બહાને મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરતી અને હું પણ સ્ત્રી પ્રત્યેની અદબ જાળવવા સહજભાવે વાત કરી લેતો પણ તેને આગળ વધવા ન દેતો. કોઈકવાર તો GM પાસે કામ માટે જાઉં તો મને જોઇને પ્યારવાળા ફિલ્મી ગીતો પણ ગણગણે. એકવાર તો ગાઈ નાખ્યું:

जाने कहा मेरा जिगर गया जी

अभी अभी अही था किधर गया जी

પણ આપણે તો જાણે સાંભળ્યું જ નથી એમ વર્તન કર્યું અને GMની કેબિનમાં જતો રહ્યો.

મારા આવા વર્તનથી રચનાનો ઘમંડ ઘવાય તે દેખીતું જ હતું. પણ ઘણા પ્રયત્નો પછી પણ તેને સફળતા ન મળતી એટલે બીજા મારફત મારૂં મન જાણવાની અને મને પટાવવાની કોશિશો ચાલુ રહેતી. અન્ય લોકો તેને સલાહ આપતા કે वोह नहीं तो और सही પણ સ્ત્રીસ્વભાવ એમ પોતાની હાર કબૂલ કરે? આ બધું મને અન્યો મારફત સમયે સમયે જાણવા મળતું ત્યારે વિચારતો કે ઝનૂન શું ન કરી શકે?

પણ તે એમ કાઈ મારો પીછો છોડે?

એક દિવસ જ્યારે GM ઓફિસમાં ન હતા ત્યારે તે મારી પાસે આવી અને મને કહે મારે તમાંરી સાથે થોડી વાત કરવી છે. શું વાત છે તેનો અણસાર તો આવી જાયને? તેમ છતાં અજાણ બની કહ્યું કે શું વાત છે? ઓફિસને લગતી હોય તો કહે હું જરૂર મદદ કરીશ. કોઈ તને હેરાન કરતુ હોય તો તે જણાવ તો આપણે તેનો પણ તોડ કાઢી શકશું.

ચહેરા પર અણગમાના ભાવ સાથે તે બોલી, ‘અજાણ્યા શાને થાઓ છો? તમને મારી લાગણીઓની કદર નથી તે આમ વાત કરો છો?’

‘તારા કહ્યા વગર મને તારી લાગણીઓ અને મૂંઝવણની ક્યાંથી ખબર હોય? જે હોય તે કહે એટલે બધું સમજાય.’

‘મારી વાત ઓફીસના માહોલમાં કરાય તેમ નથી એટલે સામેના કોફીહાઉંસમાં જઈએ.’

‘અત્યારે કામના સમયે ન નીકળાય. સાંજના ઘરે જતા જતા ત્યાં જશું.’ કહી તે ઘડીએ તો વાત ટાળી.

તેનો પીછો કેમ છોડાવવો તેના વિચારમાં સમય ક્યાં નીકળી ગયો તેની ખબર ન રહી. એ તો રચના આવીને ઉભી રહી ગઈ ત્યારે ધ્યાનમાં આવ્યું. હું સમજી ગયો કે તેને ડર હતો કે તેને ટાળવા કદાચ હું છૂમંતર થઈ જઈશ તો?

કૉફીહાઉસમાં તેણે બે કોફીનો ઓર્ડેર આપી દીધો એટલે મેં તેને પૂછ્યું, ‘બોલ, શું કહેવું છે?’

‘હું સીધી મુદ્દા પર જ આવીશ કારણ હું બિન્દાસ્ત છું અને વાતને ફેરવી ફેરવીને કહેવાની મને આદત નથી. મારે ફક્ત એટલું જ કહેવું છે કે I love you. Will you marry me?’

ધારણા તો હતી પણ તે આવો બોમ્બધડાકો કરશે તેમ નહોતું ધાર્યું. બે મિનીટ તો હું ચૂપ રહ્યો પછી કહ્યું, ‘તું ખોટા પાણીમાં જાળ નાખે છે જ્યાં આ માછલી છે જ નહી. આ માછલું તો ક્યારનુંયે અન્યની જાળમાં ફસાયેલું છે અને ટૂંક સમયમાં તે હલાલ થવાનું છે.’

‘હું તે જાળ કાપી નાખીશ અને તમને મારા કબજામાં લઈ લઈશ.’

‘એ અશક્ય છે. એક તો તે જાળ કપાય એવી નથી કારણ હું મારા કોલેજકાળથી તેમાં ફસાયેલો છું અને મને પણ તે જાળ પ્રિય છે એટલે કોઈ તેને કાપવાનો પ્રયાસ કરશે તો પણ તે અસફળ રહેશે.’

‘કોણ છે તે માછીમાર તે હું જાણી શકું?’ જાણે તે જાણી તેને કદાચ સફળતાનું પગથીયું ચઢવા મળે.

‘બસ, બે દિવસ થોભી જા. બધાને બધું ખબર પડી જશે.’

‘એકવાર મને જાણ થવા દો પછી તમે જુઓ હું શું કરૂં છું. તમને મેળવવા કોઈ પણ પગલાં લેતા અચકાઈશ નહી.’

આ તો ખરેખર પાગલ થઈ ગઈ લાગે છે માની મેં પૂછ્યું, ‘ખૂન પણ કરી શકીશ?’

‘એની જરૂર પડશે તો એનો પણ સાથ લઈશ પણ તમને તો મેળવીને જ જંપીશ.’

તેના આ વાક્યે હું સમજી ગયો કે તે કેટલી હદે ઝનૂની થઈ ગઈ છે.

‘પણ તો તો તેનો કોઈ ફાયદો નથી. કારણ ખૂન કર્યા પછી તું જેલમાં સબડશે અને હું ન ઘરનો ન ઘાટનો.’ થોડુક કટાક્ષમય રીતે મારાથી બોલી ગયું. ’બે દિવસનો સવાલ છે. જ્યારે હું ઘટસ્ફોટ કરીશ ત્યારે તારું વર્તન બદલાઈ જશે તેની મને ખાત્રી છે એટલે આજે હવે વધુ વાત કરવાનો કોઈ મતલબ નથી.’ કહી હું ઉભો થઇ ચાલવા લાગ્યો. દરવાજે પહોંચી જોયું તો રચના હજી બેસી રહી હતી. લાગ્યું કે તે કદાચ મારી વાત પચાવી નથી શકી. પણ તે અવગણીને હું નીકળી ગયો.

બે દિવસ પછી મેં ઓફિસમાં મારા લગ્નની આમંત્રણપત્રિકા આપી ત્યારે તે જોઈ રચનાના હોશકોશ ઉડી ગયા. મને કહે, ‘આ તમને કોલેજકાળથી ફસાવી રાખનાર છે?’

‘હા, આ જ એ માછીમાર છે જેની જાળમાં હું રાજીખુશીથી અત્યાર સુધી ફસાયેલો હતો અને હવે રાજીખુશીથી હલાલ થવા જઈ રહ્યો છું’

બીજે દિવસે રચનાએ તેની મિત્ર બેલા સાથે રાજીનામું મોકલી આપ્યું. લોકોને નવાઈ લાગી કે એકદમ શું થઇ ગયું. તેની મિત્ર બેલાને પણ તેણે કોઈ કારણ આપ્યું ન હતું એટલે તે પણ અજાણ હતી. ફક્ત હું જ સાચું કારણ સમજી ગયો હતો. તેણે રાજીનામું આપ્યું હતું મારા લગ્નની આમંત્રણપત્રિકામાં નામ વાંચીને, જેમાં નામ હતું ઓફીસના GM ઉર્વશી દેસાઈનું!

 

 

 

Advertisements
This entry was posted in લઘુ કથા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.