કવિતા – રોહિત કાપડિયા

એક મહિનામાં જો ઓપરેશન ન કરાય તો એક અકસ્માતમાં સ્વર ગુમાવી બેઠેલી એની કોકીલકંઠી પુત્રી સ્મિતાનો અવાજ કાયમ માટે ખામોશ થઈ જાય એમ હતું. ડોક્ટરે કહેલા ઓપરેશનનાં ખર્ચ માટેનાં લાખ રૂપિયા ક્યાંથી ભેગા થશે એની જ એને ચિંતા હતી. માંગવું એનાં સ્વભાવમાં ન હતું. પચાસ હજાર તો એની પાસે હતાં અને એને વિશ્વાસ હતો કે બાકીનાં પચાસ હજારનો બંદોબસ્ત ઈશ્વર જરૂરથી કરી આપશે. આજે સવારે જ કુરિયરમાં આવેલાં ‘ફૂલછાબ’ સાપ્તાહિકનાં સંપાદકના કાગળે એની શ્રદ્ધા દ્રઢ બની. સંપાદકે કાવ્ય મહોત્સવ માટે નવી કવિતા ગીત, ગઝલ, હાયકુ કે અછંદાસ રૂપે લખીને મોકલવા માટે જણાવ્યું હતું. પ્રથમ નંબરે આવનાર કવિતા માટે રૂપિયા ૫૧૦૦૦/- નું ઇનામ હતું. દસ જ દિવસમાં હરીફાઈ પૂર્ણ થવાની હતી. મનોમન એને પોતાની બધી જ કલ્પના શક્તિનો ઉપયોગ કરી એક સર્વશ્રેષ્ઠ કવિતા રચવાનું નક્કી કર્યું. એ  વિચારોની દુનિયામાં ખોવાય ગયો.

બે દિવસ વિતી ગયાં પણ એ કવિતા લખવામાં નાકામિયાબ નીવડ્યો. ઘણાં વિચારો આવે અને જાય ,એકાદ બે લીટી લખાય પણ રચના આગળ જ ન વધે. આજે જો કવિતા  મોકલાય તો જ  યોગ્ય સમયે પહોંચે એમ હતું. અફસોસ !એ કંઈ પણ લખવામાં સફળ ન થયો. આ સ્થિતિને પણ એને ઈશ્વરની મરજી ગણીને સ્વીકારી લીધી અને સંપાદકને કાગળ લખી દીધો –

                     માનનીય સંપાદક,

                                      કુશળ હશો. આપે મને યાદ કરી કવિતા મોકલવા કહ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ! આ વખતે હું કવિતા નથી મોકલતો કારણ કે ——-

                                            સહજમાં સ્ફુરી જાય તે કવિતા,

                                            સાવ અચાનક લખાય જાય તે કવિતા,

                                            આંસુની કલમે રચાઈ જાય તે કવિતા,

                                            લોહીનાં લાલ રંગે રંગાઈ જાય તે કવિતા,

                                            મોતીરૂપે શબ્દોમાં ગૂંથાઈ જાય તે કવિતા,

                                            ખુશી લયબદ્ધતામાં અંકાઈ જાય તે કવિતા,

                                           સુખ-દુખના તાણાવાણામાં વણાઈ જાય તે કવિતા,

                                           મૌનની ભાષાએ સમજાઈ  જાય તે કવિતા,

                                            શ્રધ્ધાનાં સુમનોથી મહેંકાઇ જાય તે કવિતા,

                                            પ્રેમની પવિત્રતાએ પ્રસરી જાય તે કવિતા,

                                             સમર્પણની સુવાસે મહોરી જાય તે કવિતા,

                                             હૃદયનાં આક્રોશમાં ઠલવાઈ જાય તે કવિતા,

                                             વેદના વ્યથામાં વિસ્તરી જાય તે કવિતા,

                                             ભીતરનાં ઊંડાણેથી પ્રગટી જાય તે કવિતા.

કવિતા ન મોકલી શકવા બદલ આપની માફી ચાહતો,

                                                           હમદર્દ

                      આ વાતને દસ દિવસ વિતી ગયાં. પૈસાનો બંદોબસ્ત હજુ થયો ન હતો. તો યે એને ઈશ્વરમાં અતૂટ વિશ્વાસ હતો. અચાનક જ એનાં ફોનની ઘંટડી વાગી અને સામે છેડેથી ફૂલછાબના સંપાદકે કહ્યું “આપે કવિતા ન મોકલાવીને પણ કવિતાની સાચી સમજ આપતી ગદ્ય-પદ્ય રચના મોકલાવી હતી તેને પ્રથમ પુરસ્કાર મળે છે. પુરસ્કારની રકમનો ચેક રવાના કર્યો છે. “મનોમન ઈશ્વરનો આભાર માનતાં એને સંપાદકને ધન્યવાદ કહ્યાં અને એનાં મુખમાંથી સહજ રૂપે શબ્દો સર્યા –

                      આશાનો દીપ પ્રગટાવી જાય તે કવિતા,

                      અદ્રશ્ય હાથોથી લખાઈ જાય તે કવિતા . “

Advertisements
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

One Response to કવિતા – રોહિત કાપડિયા

  1. Indira Adhia says:

    Wow, it’s absolutely perfect Kavita.
    Hats off.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s