હસ્તરેખામા ઉગ્યુ આકાશ (૧૦) નિરંજન મહેતા

hastrekhaamaa ugyu aakash

દસ દસ દિવસ થયા કામ્યા હજી ભાનમાં આવી ન હતી. શરૂઆતમાં તો કામ્યાને જનરલ વોર્ડમાં રાખી હતી પણ મંત્રીજીની અવરજવરને કારણે લોકોમાં કૂતુહલ જાગ્યું હતું. કામ્યાની બાજુમાં અન્ય દર્દીઓ પણ મંત્રીજીને ઓળખી ગયા હતા એટલે અમને નવાઈ લાગતી કે કોઈ અજાણી સ્ત્રીમાં તેમને કેમ રસ છે?

વળી કોઈક ઉત્સાહીઓએ તો આ માટે વોર્ડબોય અને નર્સ પાસેથી માહિતી મેળવવાના પ્રયત્નો પણ કર્યા હતા. પણ તે બધાને પણ આં વિષે ખાસ માહિતી ન હતી. એમ તો તેઓ પણ મંત્રીજીની વધુપડતી અવરજવરનું રહસ્ય જાણવા ઉત્સુક હતા પણ મેનેજમેન્ટ તરફથી કડક ચેતવણી હતી કે ન તો તેઓએ કાઈ પૂછવું ન અન્ય કોઈ પૂછે તો તેને દાદ ન આપવી. આને કારણે હોસ્પીટલમાં અફવાઓનું બજાર ધમધમતું રહ્યું હતું.

મંત્રીજીના ધ્યાનમાં આ વાત આવી જ હતી અને આટલા દિવસથી કામ્યા ભાનમાં આવી ન હતી એટલે તેમણે હવે કામ્યાને સ્પેશીયલ વોર્ડમાં શિફ્ટ કરવા મેનેજમેન્ટને કહ્યું હતું. તે મુજબ તેને હવે સ્પેશીયલ વોર્ડમાં મૂકી હતી અને ત્યાં બહુ થોડાને જ જવાની રજા હતી.

ડોકટરો પણ તેને ભાનમાં લાવવા પોતાનાthI બનતા બધા પ્રયત્નો કરતા હતા. આના બે કારણ હતા. એક તો મંત્રીજીનું દબાણ અને વળી પોલીસખાતું પણ આદુ ખાઈને પાછળ પડ્યું હતું. પોલીસખાતાને આ એક સીધોસાદો બીમારીનો કેસ નહી પણ કોઈ અન્ય રહસ્ય હોવાનું લાગતું હતું. વળી મંત્રીજી તરફથી પણ તેમના ઉપર કેસનો જલદી નિવેડો લાવવા દબાણ થતું રહેતું હતું જેથી કરીને લોકો અને મીડિયાની કટકટથી જલ્દીથી છૂટકારો મળી રહે. એટલે તે કારણે પણ જોઈએ તે કરતાં વધુ વખત હોસ્પીટલમાં પોલીસના આંટાફેરા ચાલુ હતા.

બીજી તરફ પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોર ઉપર પણ મંત્રીજી રોજ ફોન કરી કેમ વાર થાય છે? હજી સુધી તમે કામ્યાના બેભાન થવાનું નિરાકરણ નથી કરી શક્યા? તમારૂ ડીપાર્ટમેન્ટ નકામું છે, તેવું સાંભળવા મળતું. તમને સોમીત્રોના નામની લીડ મળી છે તો તેની ઉલટતપાસ હજી સુધી કેમ નથી થઈ? એમણે તો ત્યાં સુધી કહી દીધું કે તમારાથી કેસ સોલ્વ ન થતો હોય તો હું ઉપર વાત કરી કોઈ કાબેલ ઇન્સ્પેક્ટરને કામે લગાડી દઈશ.

પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોર પાસે હવે બીજો રસ્તો ન હતો. સોમીત્રોનો ફોન નંબર તો હતો એટલે અને તે છેલ્લે સુધી કામ્યા સાથે હતો એટલે કદાચ કામ્યાના બેભાન થવા વિષે જાણતો હોય કે કદાચ તે જ તેમાં સંડોવાયેલો હોય શકે. શંકાની સોય તો તેની સંડોવણી તરફ વધુ જતી હતી. પણ આ બધુ તેની પૂછપરછ થાય પછી જ જાણી શકાય.

ત્યાં જ ફોન રણક્યો. સામેના અવાજ પરથી તે સમજી ગયા કે ફરી આજે મંત્રીજી એ જ વાત પુછશે. પણ આજે તે થોડાક નચિંત હતા કારણ તેની પાસે સોમીત્રો નામની લીડ હતી.

‘જય ગુજરાત, સાહેબ.’

‘શું જય જય કરો છો? કોઈ માહિતી તો મેળવતા નથી અને કેસમાં કોઈ પરિણામ પણ નથી આવ્યું. કેટલો વખત આમ ચાલશે?’

‘સાહેબ લીડ મળી હતી તેને બોલાવું છું. જે ફોટોગ્રાફર સાથે મેડમ ગોવામાં હતો તેનો નંબર મેડમના ફોનમાંથી મળ્યો છે. સોમીત્રો છે તેનું નામ. હું હમણા જ તમને ફોન કરી આ માહિતી આપવાનો હતો ત્યાં આપનો ફોન આવ્યો. હમણાં જ તેને અમદાવાદ આવવા કહુ છું. આટલા દિવસથી તેને કામ્યા તરફથી કોઈ સમાચાર મળ્યા નથી એટલે તે પણ તેને સંપર્ક કરવા પ્રયત્ન કરતો હશે પણ ફોન બંધ હતો એટલે ટ નાકામયાબ રહ્યો હશે. જેવી હું તેને મેડમની વાત કરીશ કે તરત તે અમદાવાદ આવી જશે. તેને ખ્યાલ પણ નહી આવે કે તેના પર અમે શક કરી રહ્યા છે.’

‘ભલે તેમ કરો પણ તે કાલને કાલ જ આવી જવો જોઈએ અને જો તે જરા પણ શંકાના દાયરામાં હોય તો તેની ધરપકડ કરી લેજો. જે હોય તે મને તરત જણાવશો. આ ઉપાધિને કારણે મારી વિદેશયાત્રા પણ અટકી ગઈ છે.’

‘જી સાહેબ, બધું મારી પર છોડી દો. એક બે દિવસમાં વાતનો નિવેડો લાવી દઈશ.’

‘શું ખાક કરી શકશે?’ મનમાં વિચારી મંત્રીજીએ ફોન મૂકી દીધો.

જો વાતનો નિકાલ જલદી કરી દઉં તો મંત્રીજી ખુશ થાય અને તો ઉપરીઓ પણ ખુશ થાય એમ મનમાં વિચારી ઈન્સ્પેક્ટરે સોમીત્રોના મળેલા નંબર પર ફોન કર્યો અને તેને કામ્યાને લગતા સમાચાર આપ્યા અને કહ્યું કે એક મિત્ર તરીકે આ કેસમાં તમે જરૂર વધુ જાણકારી આપી શકશો તેથી તેનું અમદાવાદ આવવું જરૂરી છે.

કામ્યાના તાજા સમાચારે કે તે ભાનમાં નથી આવી એટલે સોમીત્રો ચિંતિત થઇ ગયો. આટલા દિવસથી કામ્યા સાથે કોઈ સંપર્ક ન હતો અને હવે આ સમાચારથી તે અપસેટ થઈ ગયો અને ઇન્સ્પેક્ટર રાઠોરને કહ્યું કે તે બીજે દિવસે આવી જેટલું તે જાણતો હશે તે માહિતી આપશે.

અમદાવાદ આવી ગયા બાદ સોમીત્રોએ પ્રથમ તો વિચાર્યું કે તે હોસ્પીટલમાં જઈ એકવાર કામ્યાને મળી લઉં અને પછી ઇન્સ્પેક્ટરને મળું. પણ પછી તેને યાદ આવ્યું કે કામ્યા તો ભાનમાં નથી તો ત્યાં જવાનો હાલમાં કોઈ અર્થ નહી સરે એટલે એરપોર્ટથી સીધો પોલીસસ્ટેશને પહોંચ્યો. ઈ. રાઠોરે કામ્યાના કેસમાં મળવા બોલાવ્યો છે તેમ જણાવતા તેને તરત જ તેની પાસે લઈ જવામાં આવ્યો.

પ્રથમ નજરે સોમીત્રો પર શંકાની સોય હતી એટલે તેને કેવા સવાલો કરવા તે મનમાં નક્કી કરી રાખ્યા હતા. કામ્યાની તબિયતની વિગતો તમને ફોન પર આપી છે કહી તે આગળ બોલ્યા, ‘જુઓ સોમીત્રો, તમને કહ્યું તેમ આટલા દિવસથી કામ્યા ભાનમાં નથી એટલે તેના બેભાન થવાનું કોઈક કારણ હશે જે અમારે શોધવું જ રહ્યું. છેલ્લે તે તમારી સાથે હતી અને ઘણા વખતથી તમે તેને ઓળખો છો એટલે તમે શંકાના દાયરામાં છો તે હું તમને જણાવી દઉં છું. તમે પરિસ્થિતિ સમજો એવા છો એટલે અમને યોગ્ય માહિતી આપી સાથ આપશો અને તે ઉપરથી લાગશે કે તમે નિર્દોષ છો તો તમને અમે ફરી હેરાન નહી કરેએ. હા, જરૂર લાગશે ત્યારે કદાચ પાછા પણ આવવું પડે.’

‘સાહેબ, મને ખબર છે કે છેલ્લે સુધી હું તેની સાથે હતો એટલે હું શકમાં હોઉં તે સ્વાભાવિક છે પણ હું નિર્દોષ છું એટલે મને તમારી વાતનો કોઈ રંજ નથી. આપને મદદ કરવી એ મારી ફરજ તો છે જ પણ કામ્યાને લઈને પણ મને સહકાર અને વિગત આપવામાં આનદ થશે.’

‘કામ્યા અને તમારી મિત્રતાની વિગતો શરૂઆતથી જણાવશો?’

‘આમ તો ફોન ઉપર તે મેં આપી દીધી છે છતાં તે તમને ફરીવાર જણાવું. હું એક ફોટોગ્રાફર છું અને એક એજન્સી વતી જાહેરખબરો માટે ફોટોશૂટ કરૂં છું. કામ્યાની પર્સનાલિટીને કારણે મોડેલ તરીકે એજીન્સીઓ તરફથી છેલ્લા ત્રણેક વર્ષથી તે ખુબ ડીમાન્ડમાં છે અને તેથી અમે સાથે કામ કરી રહ્યા છે. મારી અને તેની કેમિસ્ટ્રી સારી કહી શકાય તેવી છે. હા, તે પ્રોફેસનલ લેવલ સુધી જ છે છતાં કામ્યાને મારામાં એક સારા મિત્ર હોવાનો અહેસાસ થયો હોય એમ લાગે છે કારણ તે મને તેની અંગત વાતો અને મૂંઝવણ કરતી હતી.

‘આને કારણે જ મને તેને નાગરાજ તરફથી થયેલી ઉપેક્ષાની વાતો જાણવા મળી. આમ તો નાગરાજ કોઈ સ્ત્રી સાથે કાયમનો સંબંધ નથી રાખતો. ફક્ત પોતાનો સ્ટ્રેસ દૂર કરવા તેને સ્ત્રીનો સંગાથ જોઈતો હોય છે. આ જાણવા છતાં કોણ જાણે કેમ કામ્યાને આશા હતી કે નાગરાજ તેને અપનાવી લેશે. પણ સમય જતાં તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને એટલે કમને નાગરાજને ભૂલવા બેંગલોર છોડવાનો અને કામમાં વ્યસ્ત રહેવાનો નિર્ણય લીધો હતો એમ મને જણાવ્યું અને તે માટે મારી મદદ માંગી.’

આટલું કહી સૌમીત્રો અટક્યો. ચૂપ રહેવામાં જ સમજદારી છે સમજી ઇન્સ્પેક્ટરે તેની આગળ પાણીનો ગ્લાસ ધર્યો. બે ઘૂંટડા પાણી પી સોમીત્રોએ વાત આગળ વધારી.

‘ગોવામાં એક પ્રોડક્ટ માટે અમારે શૂટિંગ કરવાનું હતું એટલે અમે ત્યાં ગયા હતા અને બીજે દિવસે સવારે તે કર્યું પણ હતું જે લંચ સમય સુધી ચાલ્યું. બ્રેક દરમિયાન તેને કોઈ SMS આવ્યો જે વાંચી તે થોડી અપસેટ થઈ ગઈ અને આંખમાં ઝળઝળિયાં આવ્યા. મારા પૂછવાથી તેણે કહ્યું કે તેની માની યાદ આવી ગઈ. પણ પછી તરત જ સ્વસ્થ પણ થઈ ગઈ અને બાકીનું કામ સાંજ સુધીમાં પતાવી દીધું. પોતે અમદાવાદ મા પાસે જવા ઈચ્છે છે તેમ જણાવી તેના જવાની વ્યવસ્થા કરવા મને કહ્યું. એ મુજબ મોડી રાતની ટીકીટ મેળવી તેને હું એરપોર્ટ છોડી આવ્યો અને બીજે દિવસે સવારે હું કેરાલા જવા રવાના થયો.’

‘શૂટિંગ દરમિયાન એવું કાઈ બન્યું હતું કે જેને કારણે કામ્યાને કોઈ તકલીફ થઈ હોય?’

‘હા, બીચ ઉપર શૂટિંગ ચાલુ હતું તે દરમિયાન કોઈકે કાચની બાટલી ફેંકી હતી પણ નસીબ સારા કે તે કામ્યાથી દૂર પડી હતી. આને કારણે તે ગભરાઈ ગઈ હતી અને જલદીથી કામ પતાવવા કહ્યું હતું. પછીથી અમે તપાસ કરાવી ત્યારે ખબર પડી કે એ તો કોઈ દારૂ ઢીંચેલા યુવાનનું કૃત્ય હતું અને કામ્યાની સાથે કોઈ લેવા દેવા ન હતી.’

‘બીજું ખાસ જાણવા જેવું?’

આ સવાલ સાથે સોમીત્રોને તે રાતની યાદ આવી ગઈ.

શૂટિંગ સારી રીતે પત્યાની ઉજવણી માટે સૌમીત્રોએ તે રાતે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ કરવાનું એક ખાસ કારણ હતું જેની જાણ કામ્યાને ન થાય તેની તેણે ખાસ કાળજી રાખી હતી. જ્યારે કામ્યાને આ પાર્ટીની વાત કરી ત્યારે તેણે આવવાની ના પાડી, એક તો તે શૂટિંગને કારણે બહુ જ થાકી ગઈ છે. તે ઉપરાંત પેલી ફેંકાયેલી બોટલની યાદ પણ હજી સુધી ભૂલાઈ ન હતી. આ બધાને કારણે માનસિક રીતે પણ તે અકળાયેલી હતી. અધૂરામાં પૂરૂ માની યાદ અને તેની તબિયતની ચિંતા એટલે તે એકાંત ઈચ્છતી હતી.

સોમીત્રોએ જાણે તેનું મન વાંચી લીધું હોય તેમ કહ્યું હતું કે તારી માનસિક સ્થિતિ હું સમજી શકું છું. તને હું પરાણે લઈ નહી જાઉં પણ એક વાત કહ્યા વગર નથી રહેતો. જો તું આવશે તો ત્યાના માહોલમાં આ બધું તું ભૂલી જશે અને આમેય તે મોડી રાતની ફ્લાઈટ છે એટલે સમય પસાર કરવા કાઈક તો તારે કરવું પડશેને? એકલા રહેવાથી તો તારી માનસિક પરિસ્થિતિ ઓર બગડશે પણ બધા વચ્ચે રહીશ તો સમય ક્યાં પસાર થઈ જશે તેની તને ખબર પણ નહી રહે.

બહુ વિચારને અંતે કામ્યાએ પાર્ટીમાં આવવાની હા પાડી હતી.

ગોવામાં પાર્ટીઓની નવાઈ નથી હોતી અને તે એવી રીતે આયોજિત થાય છે કે આખો માહોલ જાણે સ્વર્ગીય બની જાય છે. ઘણા વખતથી જેની તે રાહ જોતો હતો તે આવો માહોલ તેને ધારી તક આપશે એમ સોમીત્રોએ વિચાર્યું. તેની મુરાદ પૂરી થાય તે વિચારે જ તેણે આ પાર્ટીનું આયોજન કર્યું હતું, શૂટિંગની સફળતા તો એક બહાનું હતું.

માહોલ બરાબર જામ્યો હતો. એક તરફ પાશ્ચાત્ય સંગીત રેલાઈ રહ્યું હતું તો બીજી તરફ મદિરાની લહાણ થતી હતી. પાર્ટી હોલમાં રોશનીની ઝાકઝમાળ વચ્ચે ગ્રુપના લોકો પોતપોતાના સાથી શોધી ડાન્સનો લહાવો લઇ રહ્યા હતા. સોમીત્રો પણ તેમાં સામેલ હતો પણ તેનું મન તો અન્ય વિચારમાં ગરક હતું. કામ્યાને કેમ વાત કરવી તેના અવઢવમાં તે ડાન્સની મઝા માણી શકતો નહી તો પોતાના મનની વાત કરવાની હિમ્મત પણ ભેગી ન કરી શક્યો. હવે જો તે મારી ડાન્સપાર્ટનર થશે તો જરૂર વાત કરીશ કારણ આજે નહી તો ક્યારે? કારણ આજે તે અમદાવાદ જશે પછી નજીકના સમયમાં ફરી ભેગા થવાનો યોગ ન પણ થાય. ન કરે નારાયણ અને તેની માની તબિયત નાજુક થાય તો કદાચ લાંબા ગાળા સુધી તે કામ કરવા રાજી પણ ન થાય અને તો તેના મનની મુરાદ મનમાં રહી જશે. ત્યાં કામ્યા જ તેની પાસે આવી અને કહ્યું કે હવે મારે જવું જોઈએ. આમેય હું થાકેલી છું અને વળી ફ્લાઈટ પણ પકડવાની છે તો થોડો વખત રૂમમાં જઈ આરામ કરૂં.

ચાલ તને મૂકી જાઉં, કહી સોમીત્રોએ તેનો હાથ પકડ્યો. ના તેની જરૂર નથી એવો કામ્યાનો પ્રત્યુત્તર ન સાંભળ્યા જેવું કરી તે કામ્યાને તેની રૂમમાં લઈ ગયો.

કામ્યાના રૂમમાં દાખલ થયા એટલે વિવેક ખાતર કામ્યાએ તેને બેસવા કહ્યું. તે સોફા પર બેસી તો ગયો પણ મૌન ધારણ કરીને. આ જોઈ કામ્યાથી પૂછ્યા વગર ન રહેવાયું કે કેમ ચૂપ છે? શું કોઈ પ્રોબ્લેમ છે?

‘કામ્યા, કેમ વાત કરવી તે નથી સમજાતું.’ સોમીત્રો બોલ્યો.

‘કોઈ અંગત મામલો છે? હું કાઈ મદદ કરી શકું?’

‘આમ તો વાત અંગત છે અને તારા વગર સોલ્વ પણ નહી થાય. પણ તને કહેવું કે નહી અને કહેવું તો કઈ રીતે તેની મૂંઝવણ છે.’

‘તારા જેવો સ્પષ્ટ બોલનાર આજે કેમ અચકાય છે? આપણી વચ્ચે એવો સેતુ બંધાયો છે કે તુ નિ:સંકોચ કહી દે. મારા બસમાં હશે તો તને જરૂર માર્ગ બતાવીશ.’

‘ઘણા વખતથી કહેવું હતું પણ કહી નહોતો શક્યો પણ બહુ વિચારને અંતે લાગ્યું કે જો આજે તને વાત નહી કરૂં તો હું જિંદગીની ગાડી ચૂકી જઈશ. કામ્યા, હું તને ચાહુ છુ. આટલા સમયથી સાથે કામ કર્યા પછી લાગે છે કે મને તારી જરૂર છે, એક સહકાર્યકર તરીકે નહી પણ જીવનસાથી તરીકે. આ સાંભળી તું કેમ વર્તીશ તેની સમજ ન હતી એટલે આજ સુધી કહ્યું ન હતું પણ આજે તો કહેવું જ છે તેમ નક્કી કરી લીધું હતું કારણ એકવાર તું અમદાવાદ જશે પછી રાત ગઈ બાત ગઈ જેવું થઈ જશે. વળી નાગરાજ સાથેના તારા અનુભવે મારી તારા તરફની લાગણીઓ એક ઓર મોડ પર આવી ગઈ અને તને પામવાની ઈચ્છા પ્રબળ થઈ ગઈ.’

‘સોમીત્રો, ખોટું ન લગાડતો પણ હજી સુધી મેં લગ્નજીવન વિષે વિચાર જ નથી કર્યો. હાલમાં તો મારી કેરિયર પર ધ્યાન આપવા માંગુ છું. જ્યારે હું લગ્ન બાબતે સીરીયસ થઇ જઈશ ત્યારે તારી લાગણીઓ અને તારા પ્રોપોઝલ પર જરૂર વિચાર કરીશ. હાલ તો મારી મમ્મી જ મારી પ્રાથમિકતા છે. ચાલ હવે ફ્લાઈટનો ટાઈમ થઇ જવા આવ્યો છે.’

‘શું વિચારમાં ખોવાઈ ગયા? કોઈ ખાસ વાત હતી જે યાદ આવી?’

વિચારોની શૃંખલામાં ખોવાયેલ સોમીત્રોને ખબર પણ ન રહી કે ઇન્સ્પેક્ટર રાઠોરે તેને પૂછ્યું હતું કે બીજું કાઈ ખાસ જાણવા જેવું છે?

‘ના સાહેબ, હાલમાં તો ખાસ કાઈ નથી.’

‘ઠીક છે. હમણાં તો તમે જાઓ પણ મને જણાવ્યા વગર અમાવાદ ન છોડતા.

જી, કહી સોમીત્રો ઉભો થયો.

ધારવા પ્રમાણે આ માણસ ગુનેગાર હોય તેમ લાગતું નથી. તેની ઉપર શંકા કરવી કદાચ ખોટી છે એમ વિચારી ઇન્સ્પેક્ટરે મંત્રીજીના પી.એ.ને ફોન જોડ્યો.

Advertisements
This entry was posted in હસ્ત રેખામા ઉગ્યુ આકાશ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s