પુરુષ સમોવડી -રોહીત કાપડિઆ

પુરુશ સમોવદિ

                                                         ——————————–

               કંઈક કેટલાં યે દાખલાઓ અને દલીલો સાથે પૂરાં થયેલાં સ્નેહાનાં વક્તવ્યને લોકોએ તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધું. ” સ્ત્રી પુરુષ સમોવડી થઈ શકે કે નહીં ?” એ વિષય પર યોજાયેલી આંતર કોલેજ સ્પર્ધામાં સ્નેહાએ સ્ત્રી પુરુષ સમોવડી થઈ શકે છે એ વાતનું સમર્થન કર્યું. પારિતોષક સ્નેહાનાં ફાળે જ જશે એવું લાગતું હતું. ત્યાં જ છેલ્લે ઉભા થયેલાં અંકિતના વક્તવ્યથી આખી બાજી પલટાઈ ગઈ. સ્ત્રી ક્યારે ય પુરુષ સમોવડી થઈ શકે નહીં એ વાત સ્ત્રીઓની લાગણી, સંવેદના, પ્રેમ, મમતા, ફરજ, મજબૂરી અને શારીરિક રચનાને કેન્દ્રમાં રાખી અંકિતે એટલી સચોટ રીતે રજૂ કરી કે જીત એની થઈ ગઈ. ખેર ! અંકિત સ્પર્ધા તો જીતી ગયો પણ સ્નેહાની પાસે દિલને હારી બેઠો. સ્પર્ધાના નિમિતથી બંને એકબીજાની નજીક આવ્યાં. મિત્ર બન્યાં, પ્રેમી બન્યાં ને એમનો પ્રેમ કોઈ પણ વિધ્ન વિના પરિણયમાં પરિવર્તિત થયો.

              લગ્ન કરીને બંને અત્યંત ખુશ હતાં. સ્નેહાની હર નાની નાની જરૂરિયાતનું અંકિત ધ્યાન રાખતો. એની હર ઈચ્છા પૂરી કરતો. બંને એક જ કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કરતાં હતાં. સ્નેહા તો જાણે સાતમાં આસમાનમાં વિહરતી હતી. એમની ખુશીમાં વધારો કરવા મીઠડી દીકરી ખુશી નો જન્મ થયો. સ્નેહાને તો જાણે સ્વર્ગનું સુખ મળી ગયું. અંકિત, સ્નેહા ને ખુશીનાં ત્રિકોણમાં આખી દુનિયાનો આનંદ સમાય ગયો. ખેર ! વિધાતાને કંઈક જૂદું જ મંજુર હતું. આતંકવાદીઓએ શહેરમાં કરેલાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકામાં અંકિત એક ધડાકાનો ભોગ બન્યો. આખાયે શરીરમાં સેંકડો લોખંડની કચ્ચરો ઘૂસી ગઈ.ફંગોળાઈ જવાના કારણે ડાબો પગ ઘુટણથી લટકી ગયો. સ્નેહાનાં માથા પર તો જાણે આભ તૂટી પડ્યું. ભાનમાં આવતાં જ અંકિત અસહ્ય વેદનાથી ચીખવા લાગ્યો. ચાળણી થઈ ગયેલું એનું શરીર અને લટકી ગયેલાં પગને જોઈને હિંમત હારી બેઠો. ડોક્ટરના કહેવા મુજબ લગભગ નાનાં મોટા ત્રીસેક ઓપરેશન કરવા પડે એમ હતું. પગ જોડવાની એક અત્યંત કપરી શસ્ત્રક્રિયા પણ કરવાની હતી. પગ જોડાઈને સક્રિય થાય એવી આશા ઓછી હતી ,ને કદાચ એમાં સંચાર શક્તિ આવે તો યે તેમાં ખાસ્સો સમય નીકળી જાય એમ હતું.અંકિતે સ્નેહાનો હાથ પકડી કહ્યું “આ દર્દ, આ વેદના, આ પીડા અને આ અપંગપણું મારાંથી નહીં સહેવાય. સ્નેહા, મને માફ કરજે .ડોક્ટરને કહીને મને ઝેરનું ઇન્જેક્શન અપાવી દે. “સ્નેહાએ આંસુઓને ભીતરમાં છુપાવીને કહ્યું “તમારાથી આ દર્દ નહીં સહેવાય તો મારાંથી પણ તમારી જુદાઈનું દર્દ નહીં સહેવાય. તમારે મારા માટે અને ખુશી માટે પણ સાજા થવાનું છે. તમારા દર્દમાં મને ભાગીદાર બનાવી દો. આપણે બંને સાથે મળીને આમાંથી જરૂર બહાર આવી જઈશું. મને પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા છે કે તમે ફરી એકદમ સારા થઈ જશો.

     પછી તો સ્નેહાએ નોકરી છોડી દીધી.ખુશીને ત્રણ મહિના માટે મમ્મીની પાસે મૂકી દઈને હોસ્પિટલને જ પોતાનું ઘર બનાવી દીધું. અંકિતને સ્પંજ કરવાનું, એનાં મળમૂત્ર સાફ કરવાનું એ બધું જાતે જ કરતી. જ્યારે જ્યારે ઓપરેશન થતું ત્યારે તે એનાં પ્રેમાળ સ્પર્શથી ઘા ને રૂઝાવી દેતી. પડખું ફરતા પણ અંકિતને પીડા ન થાય તે માટે સતત જાગૃત અવસ્થામાં જ  ઉંઘતી. અંકિતને ધર્મની અને સારી સારી વાતો સંભળાવતી.વેદનાની તીવ્રતાને હર પળ પ્રેમની સુંવાળપતાથી ઓછી કરી નાખતી. ત્રણ મહિનામાં બધા જ ઓપરેશન થઈ ગયા. લટકતો પગ પણ જોડાય ગયો. હવે ઘરે છ મહિના માટે આરામ કરવાનો હતો ને પગમાં માલીશ કરવાનું હતું તેમ જ નિયમિત કસરત કરવાની હતી. સ્નેહા માલીશ પણ જાતે જ કરતી અને કસરત પણ જાતે જ કરાવતી. ખુશીને પણ એ મમ્મીને ત્યાંથી લઇ આવી. ઘરનો ખર્ચ ચલાવવા ભલે એણે પ્રોફેસરની નોકરી છોડી દીધી હતી પણ ટ્યુશનો ચાલુ કર્યા. અંકિત મશીનની જેમ કામ કરતી સ્નેહાને જોઈ મનોમન દુઃખી થતો પણ એ પરવશ હતો.

        છ મહિનાનાં સતત માલિશથી, સ્નેહાનાં અસીમ પ્રેમથી ને ઈશ્વરની કૃપાથી અંકિત ધીમે ધીમે ચાલતો થઈ ગયો. સ્નેહા હવે ટેકણલાકડી બનીને એને સાથ આપતી. સ્નેહાનાં પ્રેમનો ડોઝ એટલો અસરકારક હતો કે અંકિત ધીમે ધીમે પોતાની મેળે ચાલતો થઈ ગયો. દાદરા પણ ચઢ ઉતર કરવા લાગ્યો. નસીબના પાનાઓમાં ફરી ખુશી લખાઈ હશે ને તેથી જ અંકિતને કોલેજમાં પાછી નોકરી પણ મળી ગઈ. દોઢ વર્ષ પછી આજે કોલેજ જવાનો પ્રથમ દિવસ હતો. તૈયાર થઈને બહાર નીકળતાં એણે ભગવાનની છબીને વંદન કર્યાં ને સ્નેહાને બોલાવી એનું મસ્તક ચૂમતાં કહ્યું “સ્નેહા, એક વાત કહું. સ્ત્રી માત્ર પુરુષ સમોવડી જ નહીં પણ ભગવાન સમોવડી યે બની શકે છે. “બંનેની આંખમાં આવેલાં આંસુઓમાં અવર્ણનીય આનંદ છુપાયેલો હતો. ચોમેર હવામાં “નારી તું નારાયણી “નો નાદ ગુંજી રહ્યો.

                   જન્મભૂમિ  ૧૩/૦૧/૨૦૧૬                                      રોહીત કાપડિયા

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s