નવા વર્ષની ભેટ -રોહીત કાપડિયા

અનિ,

      દર વર્ષે આપણે નવું વર્ષ એક દિવસ પહેલાં એટલે કે ૩૦ મી ડિસેમ્બરે ઉજવીએ છીએ. હું એ દિવસે તને એક બંધ કવરમાં મને જોઈતી ભેટ લખીને આપું અને તું બીજા દિવસે એ કવર ખોલ્યા વગર , સાન્તા ક્લોઝ બનીને મારા માટે એ ભેટ લઇ આવે. નવા વર્ષની એ ભેટ ,મારી ચાહ મુજબની જ હોય કે એનાથી અનેક ગણી મૂલ્યવાન હોય. આ વર્ષે પણ કાલે આપણે જુહુની

‘બ્લુ મુન ‘ હોટલમાં જઈશું અને ત્યાં હું તને ……..નાં, નાં આ વખતે હું તને ભેટ આપીશ.

      અનિ, આપણાં પ્રેમ લગ્નને પાંચ વર્ષ વીતી ગયા. આ વર્ષો દરમ્યાન શબ્દોમાં ન વર્ણવી શકાય એવો અવર્ણનીય ,અકલ્પનીય પ્યાર તે મને આપ્યો. મારી હર જરૂરીયાતને તેં પૂરી કરી. મારી હર ઈચ્છાને તેં સાકાર કરી. મારાં દામનમાં ન સમાય એટલી ખુશી તેં મને આપી. વીતતા હર દિવસ સાથે તારો પ્યાર વધુ ને વધુ ગાઢ થતો ગયો. મારું ઘર મારા માટે ધરતી પરનું સ્વર્ગ બની ગયું.

      અનિ , પણ આજથી ચાર મહિના પહેલાંનીએ રાતે તારા પ્રેમાળ સ્પર્શ સાથે મેં થોડાં કંપનો અનુભવ કર્યો. તારી આંખમાં મેં પ્રેમની સાથે થોડો સંકોચ જોયો. વધુ પડતાં કામનાં બોજના કારણે આમ થયું હશે તેમ માની મેં મન ને મનાવવાનો પ્રયત્ન કર્યો. ખેર! આ કંપ અને સંકોચનો સિલસિલો ચાલુ જ રહ્યો. હું કંઈ પણ પૂછીને તારો  સંકોચ વધારવા માંગતી ન હતી. પણ સ્ત્રીસહજ  અંત:સ્ફુરણાથી મને સમજાય  ગયું કે અનિ  કદાચ બીજી સ્ત્રીના પ્રેમમાં પડ્યો છે. જો કે તારો મારાં તરફનો પ્રેમ જરા પણ ઓછો થયો ન હતો. તેથી હું મૂંઝવણમાં હતી. સત્ય જાણવા માટે મેં એક નાનકડું પાપ કર્યું. તારી અંગત ડાયરી મેં વાંચી. મારો શક સાચો નીકળ્યો. તું સ્મિતાનાં પ્રેમમાં પડ્યો હતો પણ મને અન્યાય થાય તે પણ તને કબૂલ ન હતું. છેલ્લાં કેટલાં ય વખતથી તારી ડાયરીમાં તે તારી મૂંઝવણ લખી છે. તું સ્મિતાને છોડી શકતો  ન હતો ને મારાંથી દૂર થઈ શકતો ન હતો. તું સ્મિતાના પ્રેમને ઝંખતો હતો ને સાથે ગુન્હેગારની લાગણી પણ અનુભવતો હતો. ડાયરીનાં કેટલાં યે પાનાં તે રડતાં રડતાં લખ્યાં છે તે સહજતાથી જણાય આવે છે. ડાયરી વાંચતા જ મારું મન વિચારોના ચકડોળે ચઢ્યું. આમ કેમ થયું? મારા પ્રેમમાં ક્યાં કચાશ રહી? મારી લાગણીમાં ક્યાં ઓછપ આવી ? બહુ વિચાર્યા પછી પણ કંઈ ન સમજાયું. હાં ! એટલું સમજાયું કે તું દુખી છે. તું સ્મિતાના સાથ વગર અધુરપ અનુભવે છે. લગ્ન પહેલાં તે એક વાર પૂછ્યું હતું ” અર્પણા, તારી જિંદગીમાં સહુથી વધારે ખુશી કઈ વાતની હશે ?”

ને ત્યારે મેં સહજતાથી કહ્યું હતું “તારી ખુશી એ જ મારા જીવનની સહુથી વધુ ખુશી “. આજે મારે એ વાતને સાચી કરવી છે. નવા વર્ષની ભેટ રૂપે હું સ્મિતાનો હાથ તારાં હાથમાં સોંપવા માંગું છું. મારી ચિંતા નહીં કરતો. તારી જિંદગીને ખુશીથી ભરવા હું ફરી નોકરી કરી લઈશ. આપણું જૂનું ઘર ખાલી જ પડ્યું છે. ત્યાં હું તારી યાદોનાં સહારે હસતાં હસતાં જીવી લઈશ. એય, ખુશ છે ને મારી આ ભેટથી ? હાં ! મને એક વચન આપ. તારી ડાયરીમાંથી ને તારાં જીવનમાંથી તું ઉદાસીને હાંકી કાઢશે. સદા તારી ખુશીમાં જ ખુશ

        અર્પણા

         ૩૦ મી ડિસેમ્બરે અનિ જ્યારે ભેટ માટેનું કવર માંગશે ત્યારે આ પત્ર એને આપી દેશે અને પછી નવા વર્ષથી એ અલગ થઈ જશે. ” બ્લુ મુન ” માં અનિએ બુક કરાવેલાં ટેબલ પરથી બહાર ઘૂઘવતો સાગર દેખાઈ રહ્યો હતો. અર્પણાએ ઈશ્વરને મનોમન પ્રાર્થના કરતાં કહ્યું “મારા અનિની જિંદગીમાં પણ ખુશીઓનો સાગર સદાયે છલકતો રહે ને હાં ! એમાં ક્યારે ય ઓટ આવે નહીં. “અર્પણાની વિચારધારા અચાનક જ “હલ્લો, દીદી !” નાં મીઠા મધુરાં રણકારથી તૂટી. તે કંઈ સમજે એ પહેલાં તો અનિએ કહ્યું “અર્પણા, આ સ્મિતા, મારી સાથે જ કામ કરે છે. અમારે બંને એ તારી માફી માંગવી છે. અર્પું, સ્મિતાના પપ્પાની બિમારી દરમ્યાન ઓફિસેથી આર્થિક સહાય ન મળતાં મેં મદદ કરી. મારી આ મદદથી સ્મિતાના પપ્પાની જિંદગી બચી ગઈ. ઉપકારના ઓછાયા હેઠળ એ મારી નજદીક આવતી ગઈ ને કઈ અજાણ પળે હું પણ તેની તરફ ખેંચાયો તેની મને ખબર પણ ન પડી. જો કે મારું મન મને સતત ડંખતું હતું. તને હું અન્યાય કરવા માંગતો ન હતો. ગઈ કાલે અમે ‘ જીત ‘ સિનેમા જોવા ગયા હતાં. મિત્ર સાથે ખોટું કરીને જીતી ગયેલાં એક ખિલાડીની મનોવ્યથાની એ કહાની હતી. જીત્યા પછી પણ એનાં મિત્રની ખેલદિલી, એની નિખાલસતા, એની ખામોશી સતત એને  શૂળની જેમ ભોંકાયા કરે છે. એ જિંદગીમાં ઘણું બધું મેળવીને પણ હંમેશા ખાલીપો અનુભવે છે. જીતીને પણ હંમેશા હારનો અનુભવ કરે છે.

              સિનેમા જોતાં જ મને વિચાર આવ્યો – શું હું પણ ખોટું નથી કરી રહ્યો ? વગર વાંકે તને સજા આપીને શું હું ખુશ થઈ શકીશ ? ને આજ સવાલ સ્મિતાએ પણ સિનેમા જોઈને બહાર આવતાં મને કર્યો. બસ, એ જ ક્ષણે અમે ભાઈ-બહેનની જેમ જીવવાનો નિર્ણય કર્યો. આજે મેં જ એને રાખડી બાંધવા અહીં બોલાવી છે. અમને માફ કરીશ ને ? હાં ! મારી રાણીસાહેબાની ભેટનું કવર ક્યાં છે ?. પર્સમાના કવરનો ડૂચો કરતાં અર્પણા બોલી ” અનિ ,મને તો આજે બબ્બે ભેટ મળી ગઈ. મારાં અનિની ખુશી અને આ મીઠી નણદલડી . આનાથી વધુ ઉતમ ભેટ કઈ હોઈ શકે ?હોટલની હવામાં પ્રેમની મીઠી સોડમ પ્રસરી ગઈ.

              (જન્મભૂમિ પ્રવાસી -૨૭/૧૨/૧૫ )                                                            રોહીત કાપડિયા

Advertisements
This entry was posted in લઘુ કથા. Bookmark the permalink.

2 Responses to નવા વર્ષની ભેટ -રોહીત કાપડિયા

  1. Deejay.Thakore. કહે છે:

    આપ સર્વેને નવા વર્ષની હાર્દીક શુભેચ્છા.

    Like

  2. પિંગબેક: નવા વર્ષની ભેટ -રોહીત કાપડિયા | શબ્દોનુંસર્જન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s