હીના-સૌમ્યા જોષી

 

સાંજ ક્યારની યે ઢળી ગઈ હતી. એણે કમરામાં આવતાવેંત મોબાઈલને ચાર્જ કરવા મૂક્યો અને ફટાફટ બાથરૂમમાં ઘૂસી ગઈ. ક્યાંય સુધી ઠંડા પાણીથી નાહીને એ બહાર આવી. ‘આખો દિવસ ફોર્મલ કપડા પહેર્યા બાદ હવે કેપ્રી અને ઢીલા ટી શર્ટના પોષાકમાં કેટલું રીલેકસ્ડ ફીલ થાય છે!’ -મનોમન જ બબડતા એણે એક ખૂણામાં રાખેલા નાનકડા લાકડાના ટેબલ પર ગોઠવેલ હોટ પ્લેટ પર ચા ઉકાળવા મૂકી અને માથા પર બાંધેલો ટુવાલ છોડીને ભીના વાળને થપથપાવીને લૂછી કાઢ્યા. ચાનો કપ ભરીને એ બારી પાસે આવીને ઊભી રહી. આઠમા માળના આ ફ્લેટની બારીમાંથી સામેનો રસ્તો અને તેના પરથી લગાતાર દોડયે જતા વાહનો સાવ ટચૂકડા લાગતા હતા. ‘થોડીવાર પહેલા પોતે પણ આ લગાતાર દોડતી હાંફતી ભીડનો એક હિસ્સો હતી.’ – ગરમ ચ્હાનો એક ઘૂંટ ભરતા એ વિચારી રહી. ‘આખો દિવસ સ્કૂલમાં છોકરાઓ જોડે લમણાઝીક. પછી ઘરે આવતા ટ્રાફિકની પરેશાની. ઉફ્ફ! સારું છે, ઘરે આવીને તો કૈંક શાંતિ મળે છે!’

‘ઘર’ શબ્દ બોલતા જ એની આંખો કમરામાં ચોમેર ફરી વળી. મામૂલી ફર્નિચર સાથેનો આ એકાકી કમરો એને ઘરની બાદશાહીયતનો અનુભવ કરાવતો હતો. બાકી, એનું ખુદનું ઘર એટલે? એ વિચાર આવતા જ એ ભૂતકાળમાં સારી પડી. માંડ પાંચ સાત હજારની વસ્તીમાં છેક છેવાડે ખૂણે આવેલું એક ઓરડાનું કાચું મકાન. મા દાડીએ જતી અને બાપ તો જે કમાતો એમાંનું મોટાભાગનું પી જતો. નાનકડો ભાઈ તો હજુ ઘૂંટણિયે જ ચાલતો ’ને પોતે એને ઊંચકી શકે એવડી યે નહોતી ’ને મા બંનેને ઘરે એકલાં જ મૂકીને કામે જતી રહેતી. સરકારી પ્રાથમિક શાળાના નવા ઉત્સાહી શિક્ષકની ધગશપૂર્વકની સમજાવટથી માએ એને શાળાએ મોકલવાની હામી ભરેલી. પણ નાનો તો જોડે આવશે જ, એ શરતે. ધીરે ધીરે પણ એકધારી રીતે એ પ્રાથમિક શાળાના ધોરણો પાસ કરતી રહી. માને પણ આનંદ હતો કે એ ભણતી હતી. સામાન્ય બાળકો  કરતા એની ગ્રહણશક્તિ ખરેખર ઘણી સારી હતી. શિષ્યવૃતિ મેળવતાં મેળવતાં એણે પાસેના શહેરની કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું  અને એક ખાનગી શાળામાં શિક્ષિકાની નોકરી કરતાં કરતાં પોતાનો અભ્યાસ પણ આગળ વધાર્યો.

મોટા શહેરમાં એના જેવી કેટલીયે યુવતીઓ આ રીતે કોઈ ખાનગી ફ્લેટ કે મકાન કે વર્કિંગ હોસ્ટેલના કમરામાં ‘ઘર’ની સલામતી અનુભવતી હશે! એણે ખાલી થવા આવેલો ચાનો કપ મોંએ માંડીને બાકી બચેલી બધી જ ચા એક ઘૂંટડે ગળા નીચે ઉતારી દીધી. ફોનને ચાર્જરથી અલગ કરીને એ પથારીમાં આડી પડી. નેટ કનેક્ટ થતાં જ ધડાધડ મેસેજ નોટિફિકેશન્સનો મારો શરૂ થયો. આ અજાણ્યા શહેરમાં તો એના કોઈ મિત્રો હતા નહિ પણ નેટની દુનિયામાં ઘણાં એની મૈત્રી ઝંખતા. એણે જલદીથી ચેટ બોક્સ ખોલ્યું. એ જ અજ્ઞાત વ્યક્તિ ‘ઘોસ્ટ બસ્ટર’ના મેસેજ…

‘હેલો’

‘હાય’

‘આર યુ ધેર?’

*
*
*
વચ્ચે કેટલો ય બકવાસ અને ફરી પૂછતાછ…

‘આર યુ ધેર’

‘હાય’ એણે જવાબ ટાઈપ કર્યો અને રમૂજ સાથે છણકો ‘અહીં હોઉં તો જવાબ ન લખું?!’

‘હમ્મ્મમ્મ્મ’ એ પણ ખરું પણ મને તો એમ થાય કે કોઈ છે પણ જવાબ નહીં આપતું.’ સામે છેડેથી તરત જ ફની સ્માઈલીઝ સાથે મજાકિયા અંદાજમાં વાત શરૂ થઈ.

‘સો! હાઉ વોઝ યોર ડે?’ સામાન્યત: વાતચીત અંગ્રેજીમાં શરુ થતી.

‘બોરિંગ.’

‘ઓહ! હમણાં જ આવી?’

‘હા.’

‘ઓકે. આજે તો ફ્રાઈડે. કઈ બુક લાવી?’ દરેક શુક્રવારે સ્કૂલની લાયબ્રેરીમાંથી એક સરસ પુસ્તક લાવીને વાંચવાનો નિયમ એને બરાબર યાદ હતો.

‘દ્રૌપદી’

‘અચ્છા!’

‘લેખિકા: પ્રતિભા રાય.’

‘નાનો હતો ત્યારે મેં મહાભારત સિરિયલના બધા એપિસોડ જોયેલા… ટીવી પર.’

‘હમ્મ્મમ્મ્મ’

‘બચપણમાં અમારે તો ટીવી જ નહોતું.’ -એણે સ્ક્રીન સામું જોતાં જોતાં જ મનોમન કહ્યું. અમુક સમયે એની આંગળીઓ કંઈપણ ટાઈપ કરતા અટકી જતી. હવે શું લખવું? ઓનલાઈન ચેટમાં કોઈ અજાણી વ્યક્તિ સાથે કેટલી અને શું વાત કરવી એ બાબતે એ સભાન હતી. અને હજુ તો સમય પણ કેટલો વિત્યો હતો, બંનેની ઓળખાણ થયાને. કોઈ બ્લોગ પર સ્ત્રીઓને લગતી સમસ્યાઓ વિશે ચર્ચા ચાલી રહી હતી. અનાયાસે જ એ ચાલુ ચર્ચામાં કૂદી પડેલી. જો કે, ખબર નહીં કેમ, એણે પોતાના નામની જગ્યાએ લખ્યું: ‘આજની નારી’. અને આ જ નામથી કરેલી એની કેટલીક દલીલોના જવાબમાં સામેથી કોઈએ ધારદાર દલીલો કરીને પ્રત્યુતર વાળવા માંડ્યો.  કોઈ ‘ઘોસ્ટ બસ્ટર’ નામધારી વ્યક્તિ હતી એ. પાછળથી એ જ બ્લોગની અન્ય પોસ્ટ પર બંનેના વિચારો ટકરાતા રહ્યાં. ને એમ જ સિલસિલો આગળ ચાલ્યો ને બંને જણા ચેટ પર પણ આ જ નામ રાખીને વાતો કરવા લાગ્યા. અલબત્ત, એકબીજા વિશે કશું પૂછ્યા કે કહ્યાં વિના જ એમની વચ્ચે પાર વગરની વાતો થતી રહેતી.

જો કે, છેલ્લા કેટલાયે દિવસથી એ વારંવાર પૂછી રહ્યો હતો. ‘વોટ્સ યોર નેમ?’ પણ એ ટાળી દેતી,  ‘કોઈ બીજી વાત કરીએ?’ એમ કહીને. એ પણ ચૂપ થઈ જતો અને થોડીવારમાં જ હલ્કીફૂલકી વાતોમાં બંને પરોવાઈ જતા. પણ પછી ક્યાંય સુધી એક ન સમજાય એવી ચૂપકીદી એને ઘેરી વળતી.

‘હેયયયય…’

‘આર યુ ધેર?’

‘જાગે છે?’ એક બે વાર એ ચેટ ચાલતી હતી એ દરમિયાન જ ઊંઘી ગયેલી! એ વાત પાછી પોતે જ જાહેર કરી દીધેલી. એટલે હવે ક્યારેય વાતચીત ચાલુ હોય અને વચમાં જવાબ આવતા બંધ થાય તો એ ચીડવવાનો મોકો ઝડપી લેતો.

‘હમ્મ્મમ્મ્મ.. હા… બોલ!’

‘શું વિચારે છે?’

‘?’

‘હજુ યે નહીં કહે?’

‘શું?’

‘તારું નામ…’

‘ઓહ!’

‘તારું નામ ‘ઓહ’ છે?’ એક ખડખડાટ હાસ્યનું મોજું સ્માઈલી બનીને સામેથી આવ્યું.

‘અરે ના…’

થોડીવાર માટે એ સ્ક્રીન સામું જોઈ રહી. હવે શું કહેવું?

‘ઓકે. પહેલા તારું નામ કહે.’

‘શિવમ!’

‘નાઈસ.’

‘હવે તું કહે!’ એની અધિરાઈ એના શબ્દોમાં છલકાયે જતી હતી.

‘જવા દે ને… નામમાં તે શું છે?’એણે કંઈક ખિન્નતાથી જવાબ ટાઈપ કર્યો.

‘ઘણું બધું’

‘?’

‘ઓહ કમ ઓન યાર! જે છોકરીને મનોમન પ્રેમ કરવા લાગ્યો છું. જેની સાથે આગળની આખીયે જિંદગી જીવવાના સપના જોઉં છું. એનું નામ જાણવા માંગું છું તો એમાં તકલીફ શું છે?’ હ્રદયનો ભાર હળવો કરી નાંખ્યો એણે શબ્દોમાં.

એ સડક થઈને સ્ક્રીન પર ઊભરેલા શબ્દો સામું જોઈ રહી. એક મામૂલી ચર્ચા પરથી આગળ વધેલો ચેટીંગનો આ સંબંધ, આ સ્વરૂપ લેશે એવી એને કલ્પના ન હતી. જો કે, એ જેટલો આ અજ્ઞાત મિત્રને જાણતી હતી, એનામાં એવી કોઈ એબ ન હતી કે જેને માટે થઈને એને કોઈ નકારાત્મક ગુણ આપી શકાય. બધું સરસ હતું. ભણતર, નોકરી, વિચારસરણી…

‘ઓ હેલો… હવે તો કહે… તારું નામ!’

‘આઈ હોપ યુ ડોન્ટ માઈન્ડ….’

મોબાઈલની સ્ક્રીન પર લગાતાર ઊભરતા શબ્દો એની આંખો વાટે થઈને એના મગજ સુધી પહોંચતા હતા કે કેમ, એ કહેવું મુશ્કેલ હતું. ખાસ્સી વાર સુધી મેસેજનો ટિંડીંગ ટુડીંગ અવાજ કમરામાં ગૂંજતો રહ્યો.

‘નક્કી ઊંઘી ગઈ! ઊંઘણશી.’ સામેથી બે ચાર મિનિટના વિરામ પછી ફરી એક વખત મેસેજ  આવ્યો. જવાબમાં એણે એક મોટું સ્માઈલ મૂકી દીધું.

‘હાશ! જાગે તો છે! નામ કહે… નેમ પ્લીઝ’ ત્રણ નાના નાના ટુકડે આવેલો આ મેસેજ વાંચીને એણે ધ્રૂજતી આંગળીઓથી એક નામ ટાઈપ કર્યું…’હીના’ અને હળવેથી મેસેજ સેન્ડ કર્યો.

‘હી…ના…’

પળવાર માટે ચૂપકીદી છવાઈ. એને થયું. એ મારી હથેળીમાં રચાયેલી મેંદીમાં એનું નામ શોધતો હશે.

‘હીના…. પછી?’

એના મેંદી રંગ્યા હાથની સામું યે જોયા વિના  જાણે એણે પૂછ્યું.

‘હીના આસિફ શેખ…’ એણે આખું નામ ટાઈપ કર્યું અને એન્ટર આપ્યું. ક્યાંય સુધી એ સ્ક્રીન સામું તાકતી રહી.

‘હેલો! આર યુ ધેર?’

હીનાના આ મેસેજનો આજ દિન સુધી જવાબ નથી મળ્યો.

~સૌમ્યા જોષી

This entry was posted in લઘુ કથા. Bookmark the permalink.

One Response to હીના-સૌમ્યા જોષી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s