માંડવીનું ઘર હવે બરાબર સચવાશે એ જાણી ગોમતી અને ધનજીને હૈયે ધરપત થઈ. હવે તો બન્ને જણ માટે હવાઈ મુસાફરી સામાન્ય થઈ ગઈ હતી. શાણી ગોમતીએ ભલે માંડવીમાં અડધી જીંદગી ગાળી હતી પણ તે’ડાહીમાની દીકરી હતી’. તેને જે ઢાંચામાં ઢાળો, ઢળતાં વાર ન લાગતી ! ધનજી આવી સુંદર પત્ની પામીને પોતાની જાતને ભાગ્યશાળી સમજતો. મોટાંબાએ તો ગોમતીને દીકરીથી અદકેરી ગણી હતી. વર્તન દ્વારા ગોમતી તેમાં લેશ પણ ઓછી ઉતરી ન હતી. ગોમતીના બાળકો ખૂબ સુંદર સંસ્કાર પામી મોટા થઈ રહ્યા. હવે તો મુંબઈવાસી બન્યા. સુખ સાહ્યબી તો ગામમાં પણ હતાં જરાક ટાપટીપ કરવાનું શિખતાં વાર ન લાગી.
દીશા તો જાણે ગોમતીની આબેહૂબ નકલ. ફરક માત્ર એટલો કે મુંબઈનો ઓપ ચડ્યો હતો. દીશા જ્યારે મુંબઈ આવી ત્યારે એને પાડોશમાં રહેતા રોહિત સાથે પ્રેમ થઈ ગયો હતો. ઉમર કાચી હતી અને કહેવાની હિંમત નહી. રોહિતને પોતાને જીવનમાં શું મેળવવું છે તેના વિષે પાકો ખ્યાલ હતો. દીશાને તેની અડગતા, સહ્રદયતા સ્પર્શી ગયા હતા. મુંબઈ જતાં પહેલા કહીને ગઈ હતી, ‘હું ભલે મુંબઈ જાંઉ છું. પાછી માંડવી આવી તને વરીશ’. રોહિત જાણતો હતો દીશાને, પ્રેમ અને ભરોસો બન્ને હતાં.રાજવીએ મુંબઈમાં વિલ્સન કૉલેજમાંથી બી.એ. પાસ થઈ કર્યું, ‘મારે એક વર્ષ બી.એડ. કરવું છે’. ગોમતી વિચાર કરે, ‘હજુ મારી દીકરીને ભણવું છે’.
‘બેટા હવે લગ્નનો વિચાર નથી?’
‘ અરે મા લગ્ન તો કરીશ, બસ એક વરસ પછી ‘.
‘ કાંઈ ખાસ કારણ’.
‘મા, તારાથી શું છુપાવું. મારે આપણા વર્ષો જૂના પાડોશી, હરિકાકા પ્રિન્સીપાલના દીકરા રોહિત સાથે લગ્ન કરવા છે. એ હાઈસ્કૂલમાં શિક્ષક છે. મારે પણ પ્રાથમિક સ્કૂલની શિક્ષિકા બનવું છે ‘
ગોમતી દીશાને એકી ટશે નિહાળી રહી. તેની સ્પષ્ટ પણે સત્ય કહેવાની હિમત પર વારી ગઈ’. મોટાંબા , બાજુના રૂમમાંથી મા દીકરીની વાત સાંભળી રહ્યા હતાં. બન્ને જણા જ્યાં વાત કરતા હતા ત્યાં આવીને કહે , ‘બેટા મારી તો હા છે. તારા પિતાજી હા પાડશે તેવો મારા અંતરનો અવાજ છે. તું રોહિતને પરણી ખૂબ ખુશ રહેવાની. ખૂબ સંસ્કારી કુટુંબ છે. હા, આપણા જેવું પૈસા પાત્ર નથી ,પણ પૈસો માત્ર સુખનું સા્ધન નથી’. આમ ઘીના ઠામમાં ઘી પડી ગયું. એક વર્ષતો આંખના પલકારામાં પસાર થઈ ગયું.
દીશા અને રોહિતના લગ્નની તારિખ નક્કી થઈ. ત્રણે ભાઈઓમાં રાજવી અને નિશા બેજ દીકરીઓ હતી. દીશા તો સહુની આંખનો તારો. ધનજી અને તેના બે ભાઈઓ, કાકી સહુનો ઉમંગ સમાતો ન હતો. લગ્ન માંડવીમાં લેવા તે નક્કી થયું. હવે હવેલી જેવું અડધું ઘર તો ભાડે અપાઈ ગયું હતું . ફળિયામાં એક ઘર વર્ષોથી ખાલી હતું. ભાડે લઈ લીધું. ગોમતીએ વટહુકમ બહાર પાડ્યો,’હવે લગ્ન લેવાય ત્યાં સુધી હું અને મોટાંબા માંડવી રહીશું’. આખું ઘર સમારકામ કરાવી નવા જેવું બનાવ્યું. ભાડે રાખેલા ઘરને પણ બહારથી રંગાવી નવા જેવું કરી લીધું. ગોમતીના લગ્ન પછી અને મોટાંબાની હયાતીમાં આજે ૩૦ વર્ષે ઘરમાં દીકરીના લગ્ન હતાં. સહુના અંતરમાં આનંદ હતો. દિલમાં ઉચાટ કે ,હવે દીશા પરાયી થવાની !’
દીકરી તો સાસરીને શોભાવે એનાથી રૂડું શું? માતા પિતાના નામને અને સંસ્કારને દીપાવે . દીશા હતી પણ એવી. બધી રીતે આધુનિકતા અપનાવેલી આજકાલની કન્યા પરંતુ તેના વિચારો ખૂબ ઉચ્ચ અને દૃઢ હતા. પ્રેમ તેણે હ્રદય પૂર્વક કર્યો હતો. સમર્પણની ભાવનાની હિમાયતી હતી. રોહિતના વિચાર અને આદર્શથી પરિચિત હતી. રોહિત તેને પ્રેમ કરતો, તેને વિશ્વાસ હતો દીશા તેના સપના સાકાર કરશે. દીશાને ગળા સુધી ખાત્રી હતી રોહિત તેને પેમપૂર્વક , જીવન જીવવાના સઘળાં દ્વાર ખોલી આપશે. તેમના પ્રેમના પાયામાં વિશ્વાસ અને લાગણી્ની નીવ હતી.
બસ હવે લગ્નને માત્ર એક અઠવાડિયું બાકી હતું. મસ્કતથી અને પરદેશના બીજા દેશોમાંથી મહેમાનો આવી ગયા. માંડવીની સારામાં સારી હૉટલોમાં વિદેશી મહેમાનોની સગવડતા સચવાય તેનો પાકો બંદોબસ્ત કર્યો હતો. રોજ શરણાઈના સૂર રેલાતા હતાં. ગોમતીનો હરખ માતો ન હતો.
ધનજી બાપ હતો. પોતાના અંતરની લાગણી વ્યક્ત કરી શકતો ન હતો. સાત ખોટની દીકરી હવે આંગણું ત્યજશે એ વિચારે સુનમુન થઈ ગયો. બાપ હતો ને ? દીકરી સાસરે સુખી રહે એટલી જ એની મનોકામના હોય. તેને ખબર હતી દીશા જશે અને ઘરનું આંગણ બુલબુલ વગર સુનું થશે. પંખી એક દિવસ માળો ત્યજી પોતાનો માળો બાંધશે તે તેને ખબર હતી. દીકરીની હર ખ્વાહીશ પૂરી કરવા તે તત્પર થયો. પૈસે ટકે તેને કોઈ રોકટોક ન હતી. દીશાએ પિતાને વાર્યા, સમજાવ્યા.
‘બાપુ તમે મને પ્યાર કરો છો, ખૂબ કરિયાવાર આપી શકો તેમ છો. યાદ રાખજો, રોહિતને કે તેના પિતાશ્રીને જરા પણ એવું લાગવા ન દેશો કે તેઓ પૈસામાં આપણા સમાન નથી. ખોટો આડંબર કે દેખાડો ન કરો તેવી મારી પ્રાર્થના. મને જે આપવું હોય તે આપશો. હું પ્રેમે સ્વિકારીશ. હવે હું જે ઘરની થવાની છું તેની ઈજ્જત અને માન મર્યાદા જાળવાય તેનો ખ્યાલ રાખજો પિતાજી”. દીકરીની વાત સાંભળી ધનજી સચેત થયો. ખૂબ માન સાથે વેવાઈ સામે પેશ કરતો. જમાઈબાબુની પ્રતિભા અને સૌમ્યતા તેની આંખે ઉડીને વળગતાં. તેને આત્મસંતોષ હતો કે દીશા આ ઘરને દીપાવશે. રોહિત દીશાને ખૂબ સુખ આપશે.
લગ્નનો દિવસ આવી ગયો. સવારથી દરેકના મુખ પર આનંદ અને દિલમાં દર્દ સ્પષ્ટ પણે જણાતા હતા. દીશા તો આજે સ્વર્ગની અપ્સરાને પણ શરમાવે તેવી સુંદર સોહી રહી હતી. તેના અંતરના ભાવ છુપાવે તો પણ મુખડા પર આવી નિખરતા. માતા અને પિતા, પ્રેમાળ ભાઈઓ તેમજ વહાલસોયા મોટાંબાનો સંગ હવે નહી મળે તે સામે રોહિતનો અદભૂત પ્રેમ ! રોહિતના માતા અને પિતા ખૂબ લાગણીશીલ હતા, તેમને બે દિકરા હતા. રોહિત મોટો અને જીત નાનો. દીકરીની ખોટ પૂરી કરવા દીશા તત્પર હતી. તે જીવનની સચ્ચાઈ જાણતી હતી. તેના આદર્શ હતાં ,માતા ગોમતી અને મોટાંબા.
રંગે ચંગે લગ્નની વિધી પતાવી દીશાને વિદાય આપી. માયકામાં શાંતિ પ્રસરી રહી અને સાસરામાં ઢોલ ઢબૂક્યા. રોહિત ખુશખુશાલ હતો. જીત તો ભાભીની આજુબાજુ આંટા મારતો હતો. ઘરમાં કુમકુમના પગલાં પાડ્યા. સુહાગ રાતે ચંદ્રની હિમત ન હતી કે વાદળાની બહાર ડોકુ કાઢે. પેલો પૂનમનો ચાંદ આજે રોહિતના બેડરૂમમાં દીશા રૂપે ચાંદની રેલાવી રહ્યો હતો. પ્રેમ પંખીડા એકબીજાને પામ્યા નો અહેસાસ માણિ રહ્યા. દીશાએ આવીને ચારે દિશામાં પોતાનું સામ્રાજ્ય પ્રસરાવ્યું.
માંડવીનું ઘરસંકેલી બધા પાછાં મુંબઈ આવ્યા. દીશા વગર ઘર સુનું સુનું હતું. હજુ તો બધું વ્યવસ્થિત થાય એ પહેલાં ધનેશે ખુશખબર આપ્યા. એ પ્રેમ લગ્ન કરવાનો છે. હજુ તો શ્વાસ ખાવાનો સમય મળ્યો ન હતો. સમાચાર મંગળ હતા, ધનજી અને ગોમતીના હરખનો પાર ન રહ્યો. મોટાંબા તો જાણે સાતમે આસમાને. ‘ગોમતી, ભગવાન કેટલો દયાળુ છે. ‘
‘હા, મોટાંબા.’
દીશાને હજુ તો વળાવીને આવ્યા ત્યાં વહુના કુમકુમ પગલાં આપણા આંગણમાં પડશે. ભલેને પરન્યાતની છોકરી છે. આપણે તેને પાંખમાં ઘાલીશું. ધનેશને આશા હતી બધા તેના પ્રેમ લગ્નનો ઉમળકાભેર સ્વિકાર કરશે. બન્યું પણ તેમજ.ધનેશ હવે ધરતીને લઈ ઘરે આ્વતો. ધરતી દેખાવમાં સુંદર હતી. તેથી તો ધનેશ તેના પર લટ્ટુ થયો હતો. હવે આ ઘરમાં કેવી રીતે સમાશે એ અકળ પ્રશ્ન હતો. જે મોટાંબા કળી ગયા હતા. તેમની અનુભવી આંખો વ્યક્તિને ઓળખી શકતી. કોઈને પણ કશું ન કહેવામાં ડહાપણ માન્યું. ધરતી આવતી ત્યારે જાણે અજાણે તેની તોછડાઈનું પ્રદર્શન કરતી. તે આવે ત્યારે જાણે ધરતી ધમધમ ન કરતી હોય એવું લાગે!તે ખૂબ ધનાઢ્ય બાપની દીકરી છે એમ વાતવાતમાં જણાવતી. ગોમતી અને મોટાંબા મૌન પાળી તેને સહી લેતાં. ધનેશને કાંઇ પણ કહેવામાં માલ નથી તે જાણતા હતાં.
લગ્ન તો મુંબઈમાં ખૂબ ધામધૂમ પૂર્વક કરવાનું સર્વાનુમતે નક્કી થયું. સી.સી.આઈનો હૉલ બુક કરાવી લીધો. ધનજીને આજે ખૂબ આનંદ થયો. બે ભાઈઓને પ્રેમથી જાળવ્યા હતાં. આખા કુટુંબને એક તાંતણે બાંધી રાખવાનું શ્રેય મોટાંબા અને ગોમતીને આપતો. દીશા પણ રોહિત સાથે લહેરમાં હતી. હવે ઘરમાં છમછમ ઝાંઝર ઝણકાવતી ધનેશની વહુ આવશે ! ” ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે”.
કમ સે કમ છ મહિના તૈયારીના થશે એમ સહુને જણાવી દીધું. ખુબ હોંશથી લગ્નની તૈયારી શરૂ કરી. હજુ તો દીશાના લગ્નનો થાક ઉતર્યો ન હતો ત્યાં ધનેશના લગ્ન. ગોમતી કુશળ સ્ત્રી હતી મોટાંબાનો સહારો હોય પછી પૂછવું શું ? તડામાર ખરીદી, ઘરેણાં, લુગડાં , શેલાં . સાડીઓ અને જાનૈયાઓને આપવાની ભેટો. મોટાં લિસ્ટ તૈયાર કર્યા. સોની, દરજીને ત્યાંના ધક્કા શરૂ થયા. ગોમતીએ ધનજી સાથે બહારગામ ક્યાંય પણ જવાની ઘસીને ના પાડી. ધનજી જાણતો હતો ગોમતી હવે હાથ નહી રહે. પોતાનું ધાર્યું બધું કરશે. તેને ખુશ જોઈ તે પોરસાતો દીકરો પરણાવવાનો હતો. આબેહૂબ પ્રતિકૃતિ બાપની, સ્વભાવમાં ? ધરતીને ગમતાં હીરાના અને સોનાના સેટ તૈયાર થઈ ગયા. મોટાંબાએ ખાસ તેના માટે ચંદનહાર કરાવ્યો. બન્ને કાકા અને કાકીએ મનભરીને આપ્યું. દીશાએ પોતાના લગ્નમાં પિતાએ આપ્યા હતાં તે સેટમાંથી એક રાજીખુશીથી આપ્યો. તેને રોહિત પાસે આવો ખોટો ખર્ચ કરાવવો ન હતો. રોહિત દીશા પર વારી ગયો. ધનજીએ દીકરાના લગ્નની ખુશાલીમાં દીશાને ગાડું ભરાય તેટલું આપ્યું. રોહિત, પિતા પુત્રીને આપે તેમાં વચ્ચે કદી બોલતો નહી. દીશા, રોહિતની સમજદારીને માણતી. નિશા તો દીદી અને જીજુને જોઈ નાચી ઉઠી.
ખૂબ રંગે ચંગે ધામધુમથી લગ્નનો લહાવો સહુએ માણ્યો. હનીમુન કરવા તાજાં પરણેલાં વરઘોડિયા પેરિસ પહોંચી ગયા. હજુ તો પેરિસથી આવ્યા નથી ત્યાં બીજા શુભ સમાચાર મળ્યા. ધનજીને વારેવારે કામ માટે મસ્કત જવું પડતું હતું. ગોમતી દર વખતે સાથ આપી શક્તી નહી. ઘરસંસાર ચલાવવાનો હતો, કાંઇ ઘરઘર નહોતાં રમતા! ધનજીને ગોમતી વગર જવું ગમતું નહી. નાના ભાઈઓને પૂછી જોયું’જો ધનેશ અને ધરતી મસ્કત આવે અને ધંધો સંભાળે તો કેમ”?
બન્ને ભાઈ ,મોટાભાઈની દૂરંદેશી પર આફ્રિન થઈ ગયા. જુવાન લોહી નવા નવા નુસ્ખા અજમાવે, ધંધામાં વૈવિધ્યતા લાવે તેનાથી રૂડું શું? તેમણે ધનજીના વિચારને સમર્થન આપ્યું. ધરતીને થયું હાશ, સંયુક્ત કુટુંબમાં રહેવું નહિ પડે ! તેને તો ધનેશમાં રસ હતો તેના માતા પિતા અને ઘરડાં મોટાબામાં જરા પણ નહી. મોઢા પર મીઠું બોલે પણ આંખના ભાવ મોટાંબા સમજી શકતાં. તેમના કરતાં ધરતી ૫૦ વર્ષ નાની હતી.
પ્લેનમાં ઉડીને મસ્કત આવ્યા. બન્ને કાકા જાણતા હતાં નવા પ્રેમ પંખીડા પોતાનો માળો વસાવે તે યોગ્ય છે. ધનેશ અને ધરતીને બધી છૂટ મળી ગઈ. પૈસાની રેલમ છેલ હતી. હજુતો ૩૦નો આંકડો ખાસ્સો દૂર હતો ત્યાં આટલું બધું, અ ધ ધ ધ ! ઘમંડ અને ઉદ્ધતાઈ ન પ્રવેશે તો જ નવાઈ લાગે. પરસેવો પાડી પૈસો કમાયા હોય તો તેની કિમત સમજાય. આ તો તૈયાર ભાણું મળ્યું હતું. મસ્કતના જુવાનિયાઓમાં ધંધાદરી વર્તુલમાં ગરમા ગરમ ચર્ચાનો વિષય બની ગયા.
ધરતી ,કાકાજી અને કાકીજીની આમન્યા રાખતી નહી. ધનેશ, ગોમતી અને ધનજીનો દીકરો. તેમાંય પાટવી કુંવર પણ પત્નીના હાથની કઠપૂતળી બની ગયો. મુળજીકાકા વડિલ તરિકે શિખામણના બે બોલ કહે ત્યારે શાંતિથી સાંભળતો. પ્રત્યાઘાત ન આપી દેવાય તેની કાળજી રાખતો. માત્ર ધરતીનું કર્યું અને કહ્યું ચલાવતો. થાકીને મૂળજીએ મોટાભાઈને વાત કરી.
ધનજી માટે આ સમાચાર ખૂબ આઘાત જનક હતા. પહેલાં તો તેણે માનવાનો ઈન્કાર કર્યો. ધનેશ સાથે ફોન પર વાત કરવાનો પ્રયાસ ધરતીએ નિષ્ફળ બનાવ્યો. હવે તેને અને ગોમતીને શંકા ગઈ. ગોમતી જ્યારે મોટાંબાને વાત કરી રહી હતી ત્યારે તેને અટકાવતાં મોટાંબા બોલ્યા,’ગોમતી બેટા પુત્રના લક્ષણ પારણમાં અને વહુના બારણામાં’ . સાચું કહું, મને આ વાતની ગંધ પહેલા દિવસથી આવી ગઈ હતી’ !
Advertisements