સબળા નારી (૧૧) રાજુલ શાહ

sabala nari.

ધનજી, મુળજી અને દેવજી નાના હતા ત્યારથી મોટાંબાએ એમને પાંખમાં લીધા હતા. મા અને બા એમ બેવડા વ્હાલથી એમને ઉછેર્યા હતા. પણ સાથે સાથે સંસ્કારની ધરોહર રોપવાનું પણ ભૂલ્યા નહોતા. દેવ દર્શન, ભગવાનની ભક્તિ પ્રભુનો પ્રસાદ આ બધું જીવનમાં કેટલું મહત્વનું છે એ સમજાવવાનું ચૂક્યા નહોતા. તો ઇશ્વરે આપેલા માનવીય સંબંધોનું મૂલ્ય પણ આંકતા એમને શિખવાડ્યું હતુ. નાના હતા ત્યારથી રામાયણ –મહાભારતની વાતો કહીને જુદી જુદી રીતે ત્રણેને પરિવારની એકતા, ભાઇ-ભાઇ વચ્ચેનો સ્નેહ શું છે એ કહેતા રહેતા. થોડા સમજણા થયા ત્યારે એમની ઉત્સુકતા વધતી ગઈ, સવાલો પણ વધતા ગયા મોટાબાં એમના બાળ માનસને અનુરૂપ દાખલા આપતા રહેતા.

“ હેં મોટાંબા , આ રામ કરતાં તો રાવણ જોરાવર ના કહેવાય? આપણા બધાને એક જ માથુ અને એમને તો દસ માથા છે તો પણ રામ સામે હારી

ગયા?” ધનજીના સવાલનો એ ત્રણેને સમજણ પડે એવો જવાબ આપેલો તે આજ સુધી ત્રણે ભાઇઓએ હ્રદયમાં કોતરી રાખ્યો હતો.

મોટાંબા કહેતા કે રાવણ રામ કરતાં મોટો, તાકાત અને  જ્ઞાનમાં પણ ચડિયાતો,  રાવણની લંકા પણ સોનાની પણ રામ સાથે એના ભાઇઓ હતા

જ્યારે રાવણની સાથે એનો ભાઇ વિભિષણ નહોતો. હાથની પાંચે આંગળીઓ મળે તો મુઠ્ઠી બને અને એ મુઠ્ઠીમાં જે તાકાત હોય એ તાકાત પાંચે

આંગળીઓ અલગ હોય તો ના રહે. માટે દિકરાઓ તમે પણ આ બોધ જીવનમાં હંમેશા યાદ રાખજો. ભાઇઓ જો ભેળા હશો તો જગ જીતશો.

ધનજી, મુળજી અને દેવજી જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેમની વચ્ચેનો પ્રેમ ઉત્તરો ઉત્તર વધતો ચાલ્યો. અને એમાં ગોમતી પણ નિમિત્ત બની રહી. બંને દિયરોને દિકરાની જેમ સાચવ્યા અને તક મળતા સ્વાર્થને બદલે પરમાર્થ કરી જાણ્યો. મસ્ક્ત જવાની તક ધનજીને મળી હતી પણ એણે બેય ભાઇઓને આગળ કર્યા.

મસ્ક્ત જઈને જે પ્રગતિ થઈ એમાં મોટાભાઇ-ભાભીના ત્યાગનો પાયો હતો એ વાત તો કેમે ભુલાય એવી ક્યાં હતી ? દેવજીએ મુંબઈ આવીને જે

કાઠુ કાઢ્યું હતું એ તો કાકાની અપેક્ષા કરતાં અનેક ઘણું વધુ હતું. ધીમે ધીમે મુંબઈના બિઝનેસ વર્લ્ડમાં દેવજીનું નામ લેવાતું થયું. કામ કામને શિખવે અને એક વાર સફળતા મળે એટલે કામ કરવાની ધગશ પણ વધતી જાય. રોલેક્સની એજન્સી લીધી ત્યારે મનમાં એક ગણતરી ચોક્કસ હતી કે આટલા સમયમાં મોટાભાઇએ એમનું નસીબ ભાઇઓના નામે લખી દીધું હતું એ હવે એમને વ્યાજ અને વ્હાલ સાથે પાછુ વાળવાની સોનેરી તક વિધાતાએ આપી હતી.

 રોલેકસ ઘડિયાળની એજન્સી લીધી ત્યારે શરૂઆતમાં તો ધનજીએ પણ કલ્પના કરી નહોતી કે આ આટલું મોટું સાહસ એમના નામે ખેડાયું છે.

શરૂઆતમાં દેવજી શૉ-રૂમ પર આવતો અને ખપ પુરતો સમય ફાળવતો. પણ ધીમે ધીમે ધનજીએ જે રીતે કુનેહથી કામ સંભાળવા માંડ્યું એ જોઇને દેવજીએ એ શૉ-રૂમ પર જવાનું ઓછું કરીને પોતાના જ કામમાં મન પરોવ્યું. ધનજીમાં ધંધાની સૂઝ તો પહેલેથી હતી જ. મેઘજીના મૃત્યુ પછી જે રીતે એણે કારોબાર સંભાળ્યો હતો એ આવડત અને એ કુનેહ એને અહીં કામ આવી.

ધનજી મુંબઈમાં ગોઠવાઇ ગયો એ પછી હવે તો માંડવીમાં ઘર ચાલુ રાખવાની કોઇ આવશ્યકતા હતી નહીં. ગોમતી અને બાળકોને પણ મુંબઇ તેડાવી લીધા. મોટાંબા ને તો માંડવી શું કે મુંબઈ શું , જ્યાં મસ્કત રહી આવ્યા હોય એને મુંબઈમાં ગોઠવાતા ક્યાં વાર લાગવાની હતી? અને હવે તો ધનજી –ગોમતી પણ ભેળા હતા એટલે એમને મન તો આ સોનામાં સુગંધ સમુ હતું.

થોડો સમય તો સૌ સાથે રહ્યા પરંતુ કોઠાડાહ્યા મોટાંબાનું માનવું હતું કે ડુંગરા તો દૂરથી જ રળિયામણા. ગમે તેટલો સ્નેહ હોય પણ સાથે રહેવાથી ક્યારેક જમાવેલું દૂધ ફાટી જાય એમ પરિવારમાં તડ પડતાં વાર ન લાગે. અને બીજી એક વ્યવહારિકતા સમજાવતા કહ્યું કે જ્યાં ધંધો એક હોય ત્યાં રસોડા અલગ સારા.

મોટાંબાની સલાહને માન્ય રાખીને ધનજી અને દેવજીએ એક ઉત્તમ માર્ગ કાઢ્યો. સૌને મોટાંબાની માયા અને હૂંફ મળી રહે એ રીતે એક એવું ઘર લીધું જ્યાં ઉપરનો આખો માળ દેવજી અને તેનો પરિવાર રહે અને નીચે ધનજી- ગોમતી અને બાળકો સાથે મોટાંબા તો ખરા જ. સાથે ના સાથે અને તેમ છતાં અલગ. મોટાંબાની વ્યહવારિક દ્રષ્ટિએ સૂચવેલો માગ સાચે સૌ માટે ખુબ ફળદાયી નિવડ્યો.

હવે સવાલ ઉઠતો હતો માંડવીના ઘરનો. મેઘજીનો સમગ્ર પરિવાર હવે તો મુંબઈમાં સ્થાયી થઈ ગયો એટલે માંડવીનું ઘર બંધ પડ્યું. કાકાની સલાહ એવી હતી કે જે ઘર બંધ પડ્યું રહે એ ધીમે ધીમે અવાવરૂ બનતું જાય. હવે આટલું મોટું ઘર એમ જ સાચવણી વગર તો ખંડીયેર થઈ જાય એટલે એ વેચી નાખવું જોઇએ. કાકાની વાત સાચી હતી પણ એમ કંઇ માંડવીની માયા છુટતી નહોતી . એટલે મોટાંબાએ વચગાળાનો રસ્તો કાઢ્યો.અડધું ઘર ભાડે આપવું અને બાકીનું બંધ. આ ઘર એવી વ્યક્તિને ભાડે આપવું કે જે બાકીના ઘરની સાર-સંભાળ રાખે અને તેમ છતાં પચાવી ના પાડે.

આમ તો કેટલીય પેઢીઓ વર્ષોથી માંડવીમાં રહે એટલે એક જાતની શાખ બંધાઇ ગયેલી. વળી આ ઘર તો શુકનવંતુ નિવડ્યું હતું ને? મેઘજી અને એનો

પરિવાર સુખ-સંપતિ પામ્યો હતો અને સૌ બહાર નિકળ્યા તે પણ ઉજ્જવળ ભાવિ માટે એટલે આ ઘર લેવા તો સૌ કોઇ તૈયાર હતા. અંતે મેઘજીના દૂરના પિતરાઇનેઆ ઘરનો હવાલો સોંપીને સૌ નિશ્ચિંત બની ગયા.

ધનજીના બાળકો ઘણા વર્ષોથી માંડવીમાં જ રહીને ભણ્યા હતા એટલે શરૂઆતમાં થોડી નહીં ઘણી અગવડ પડી એમને મુંબઇના માહોલમાં

ગોઠવાતા. એક તો અંગ્રેજી માધ્યમ અને મુંબઈની અદ્યતન રહેણી-કરણી એનાથી થોડા બઘવાઇ તો ગયા જ હતા પણ ગોમતીએ એમને સાચવી લીધા. વળી સૌ સાથે હતા એટલે દેવજીના સંતાનો સાથે રહીને ધીમે ધીમે એ લોકો પણ ટેવાતા ગયા.

રોલેક્સ નામ એવું છે કે એના માટે કશી જ બાંયેધારી આપવાની હોય નહીં.જ્યાં નામના જ સિક્કા પડતા હોય ત્યાં એના માટે કોઇ વિશેષણ કે

આભૂષણની જરૂર રહે ખરી? રોલેક્સ વાપરનારો એક આખો વર્ગ હોય છે અને મુંબઈ જેવા શહેરમાં તો એને પસંદ કરનારાની ક્યાં ખોટ હોય? દિવસે દિવસે ઉત્તરો ઉત્તર પ્રગતિ થતી ગઈ એમ એમ દેવજી અને ધનજીને એને વધુને વધુ વિકસાવવાની ઇચ્છા પ્રબળ બનતી ગઈ.

મુળજીએ પણ મસ્કતમાં સારું એવું કાઠું કાઢ્યું હતુ. એને ઘણીવાર થતું કે મોટાભાઇએ મસ્કત જોયું નથી . ઘણા બધા પ્રેમ અને આગ્રહથી એણે ધનજી અને ગોમતીને મસ્કત જોવા ફરવા અને રહેવા બોલ્યાવ્યા. બાળકો ધનેશ, દિશા ગણેશ નિશા અન સૌથી નાનો ઉમેશ પણ હવે મુંબઈથી માહેર થઈ ગયા હતા અને વળી મોટાંબા પણ હતા. એટલે તેમની કોઇ ચિંતા નહોતી. મોટાંબા એ જ આગ્રહ કરીને ગોમતી અને ધનજીને મસ્કત ફરવા મોક્લ્યા. માંડવીથી માંડ બહાર નિકળેલી  ગોમતી માટે મસ્કત તો બાપરે……આટલા ઉંચા ઉંચા અદ્યતન બિલ્ડીંગ અને દિવસ રાતનો ઝાકમઝોળ નજારો જોઇને તો એ આભી જ બની ગઈ.

મુળજીએ બંનેને ખુબ પ્રેમથી ફેરવ્યા.

હવે જરા ફુરસદ મળતા એ ધનજીને પોતાની સાથે એની શોપ પર લઇ ગયો. મુળજી કામ કરવાની ધગશથી પ્રભાવિત થયેલા ધનજીના મનમાં એક વિચાર સ્ફૂર્યો. જેમ રોલેક્સનું નામ છે એમ સ્વીસ વૉચ પણ આગવું સ્થાન ધરાવે છે. એને પસંદ કરનારો ઉચ્ચ વર્ગ છે તો શા માટે કોઇ એક જ નામથી બંધાઇ જવું? ધનજીએ પોતાના મનની વાત પ્રગટ કરતાની સાથે મુળજીએ વધાવી લીધી. એની પણ અત્યંત ઇચ્છા હતી કે મોટાભાઇ એની સાથે હોય.

“ તમે જો સંભાળતા હો તો મારી પુરેપુરી તૈયારી છે મોટાભાઇ”  એણે હર્ષપૂર્વક વાત આગળ વધારી.  “ મારા એકલાથી તો નહીં જ પહોંચી વળાય અને આમાં બહારના કોઇનો સાથ લેવો એના કરતાં ઘર મેળે જ ટેકો મળી જાય તો સૌથી ઉત્તમ.” ધનજી તો હંમેશા ભાઇઓની સાથે ઉભો રહેવા તત્પર હોય જ. અને સાચે જ મુળજીએ આ અંગેના ચક્રો ગતિમાન કરી દીધા. ધનજીના નામે સ્વીસની એજન્સી લેવાઇ ગઈ. હવે તો ધનજીનો એક પગ મુંબઈમાં અને એક પગ મસ્કતમાં …….

સ્વીસની એજન્સી મળતાં ધનજી વધુને વધુ પ્રવૃત્તિમય બનતો ચાલ્યો. પણ હવે એણે એક નિયમ કરી દીધો હતો કે એ જ્યારે જ્યાં જાય ત્યાં ગોમતીને સાથે લઇને જતો. આમ ગોમતીનું પણ મુંબઈ- મસ્કત અને સ્વીત્ઝર્લેન્ડ વચ્ચેની આવન-જાવન વધતી ગઈ.

મોટાંબા ખુશ હતા. ત્રણે દિકરાઓની પ્રગતિ અને ત્રણે દેરાણી-જેઠાણી વચ્ચેનું સખ્ય જોઇને સંતુષ્ટ હતા. ખાસ કરીને ગોમતીને આવી રીતે દુનિયા મહાલતી જોઇને તો એમની આંતરિક ખુશી અનેક ગણી વધી જતી અને કેમ ન હોય ગોમતીમાં તો હંમેશા એમને દિકરીનુ સ્વરૂપ દેખાતું.

 

Advertisements
This entry was posted in સબળા નારી. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s