કુમાર લેખિકા પારિતોષિક વિજેતા વાર્તા-નિમિષા દલાલ

11255364_10204562501652087_1431947627458976885_n

દીદી, મારી દીદી….  

મારી ચાવી થી દરવાજો ખોલી હું અંદર આવી. હોસ્પિટલમાં મમ્મીની હાલત મારાથી જોવાતી નહોતી. પપ્પા હજુ હોસ્પિટલમાં મમ્મી પાસે જ હતા. મૌલિક અમેરિકાથી આવ્યો નહોતો. મારે પણ મમ્મી પાસે જ રહેવું હતું પણ પછી ઘર નું ધ્યાન રાખવાનું હતું ને ! ઘરનું કે… પછી… પપ્પાએ શિખામણોનું પોટલું બાંધીને મને ઘરે મોકલી દીધી.

હજુ તો અંદર આવી ને સહેજ આંખ બંધ કરી સોફા પર બેઠી કે અવાજ આવ્યો..

“મ…મ…” મને ખૂબ ગુસ્સો આવ્યો.. એ ખૂબ નજીક આવી મને ઢંઢોળવા લાગી..

“મ…મ…” ‘મ’ સિવાય બીજું કશું એ બોલી જ નહોતી શકતી. મેં આંખ ખોલ્યા વિના જ જોરથી એને ધક્કો માર્યો.. એ દૂર ફંગોળાઈ, રડવા લાગી. મેં આંખ ખોલી એની સામે જોયું. એક વખત તો દયા પણ આવી. બીજી જ પળે મમ્મી દેખાઈ. મમ્મીની આ સ્થિતિ માટે એ જ જવાબદાર છે. ન તો એ હોત.. ન તો એ મારી વસ્તુઓને અડતે..  ન તો મને ગુસ્સો આવતે..  ન તો હુ એને મારતે… ન તો મમ્મી એને બચાવવા આવતે.. ન તો મમ્મી આજે હોસ્પિટલમાં હોતે… એક એ ના હોત તો દુનિયામાં શું ઓછું થઈ જવાનું હતું  ? હું ત્યાંથી ઉઠીને મારા રૂમમાં જતી રહી અને ફેન ચાલુ કરી બેડ પર પડી. બે દિવસ પહેલાનો એ બનાવ મારી આંખ સામે આવી ગયો.

હું કોલેજથી આવીને મારા રૂમમાં ગઈ તો…

“મમ્મી.. મમ્મી..” બોલતી  હું મમ્મીને શોધતી રસોડામાં ગઈ.

“મમ્મી જો દીદીએ મારા મેક અપ બોક્ષનું સત્યાનાશ વાળી નાખ્યું.”

“કંઈ નહીં બેટા, હું તને નવો અપાવી દઈશ.” મમ્મીએ મારી સામે જોયા વિના ભાખરી બનાવતા જવાબ આપ્યો. આ મમ્મી, કદી દીદીને કંઈ કહેશે નહી. હું પગ પછાડતી રૂમમાં આવી. દીદી જાણતી હતી કે મમ્મી તેને કંઈ કહેવાની નથી એટલે એ તો બિન્દાસ મેક અપ કરતી હતી. મેં એના હાથમાંથી મેક અપ બોક્ષ ઝુંટવવાની કોશિશ કરી પણ એ બોક્ષ લઈને ઘસડાતી રસોડા તરફ ભાગી.. ખબર નહી મારા મગજ પર ઝનૂન સવાર હતુ. નાનપણથી મનમાં ને મનમાં ઘૂંટાતો ગુસ્સો એ દિવસે નીકળી ગયો. ને મેં દીદીને વાળ ખેંચી ખેંચીને મારી.. મમ્મી રસોડામાંથી આવી મને અટકાવવાની વ્યર્થ કોશિશ પણ કરી.. દીદીને લોહી નીકળ્યું એટલે હું મારા રૂમમાં ભાગી ગઈ.

જ્યારથી સમજણી થઈ છું ત્યારથી દીદીને જોઉં છું.. બધા એને ખૂબ લાડ કરે. મને જે અપાવે તે એને માટે લેવાનું જ હોય. હું સ્કૂલે જતી ને મારે માટે સ્કૂલબેગ લવાતી તો તે રડીને માગતી અને પપ્પા લાવી આપતા.. સ્કૂલબેગ ખભા પર ભરાવીને એ આખા ઘરમાં ફરતી. મારે મારી જાતે ખાવાનું ને તેને મમ્મી લાડથી કોળિયા કરીને ખવડાવતી.. એક વાર તો મારી સ્કૂલની રીક્ષામાં બેસવાની એવી જીદ કરી કે એ રીક્ષામાં સ્કૂલે આવી અને પપ્પા એને કારમાં પાછી ઘરે લઈ ગયા. અને મૌલિક ? મારો નાનો ભાઈ, એ પણ એને વહાલ કરતો. એની સાથે રમતો. એ એમેરિકા ભણવા ગયો ત્યારે રોજ એ ત્યાંથી ફોન કરતો અને માત્ર દીદી સાથે વાત કરતો. દીદી અહીથી ખાલી “મ..મ..” કર્યા કરતી ને ફોન પર એની લાળ લાગ્યા કરતી.

ગન્દી દીદી.. પગ પર ઉભી ન થઈ શકતી, મોં માંથી હંમેશા લાળ પડ્યા કરે.. હાથ પણ કોણીએથી વળેલા. અને ‘મ’ સિવાય તો કશું બોલતા આવડે નહી. એની ભાષા ખાલી મમ્મી અને પપ્પા જ સમજી શકતા. મેં કદી સમજવાનો પ્રયત્ન નહોતો કર્યો. હું એને ખૂબ નફરત કરતી. અને તે દિવસે મારી વસ્તુને એ અડી એટલે મારો ગુસ્સો જ્વાળામુખીની જેમ ભભૂકી ઉઠ્યો. હું બેડ પર પડી રડતી હતી. એ આવીને મને ખેંચવા લાગી

“મ…મ…” ટેબલ પરથી મમ્મીનો ફોટો લીધો ને બતાવતા “મ.. મ..” મેં ફોટો એના હાથમાંથી લઈ લીધો તો એણે મારા કપડા ખેંચ્યા અને બહારના રૂમ તરફ ખેંચવા લાગી.. મમ્મી ના ફોટા તરફ આંગળી કરી ઈશારાથી સમજાવ્યુ કે મમ્મીને કંઈ થયું છે મમ્મી બોલતી નથી. હું ઝડપથી બહારના રૂમ તરફ દોડી મમ્મી બેભાન પડી હતી. બાજુના ઘરમાંથી ડોક્ટરને બોલવ્યા, એમણે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાનું કહ્યું. પપ્પાને ફોન કરી સીધા હોસ્પિટલ બોલાવી દીદીને ઘરમાં પૂરી મમ્મીને હોસ્પિટલમાં દાખલ કરી દીધી.

આજે બે દિવસથી મમ્મી જીવન મરણ વચ્ચે ઝૂલે છે. મને ભાન જ નહોતું રહ્યું કે દીદી પણ એક માણસ છે એને પણ વાગે.. ને મમ્મી તેને ખૂબ પ્રેમ કરે છે. એક વિકલાંગને પ્રેમ સિવાય શું જોઇએ ? દીદી મારાથી ગભરાતી પણ મને કેટલો પ્રેમ પણ કરતી. હું જીમમાંથી આવું ત્યારે પાણીનો ગ્લાસ લઈને આવતી. હું એનો પ્રેમ સમજ્યા વિના એ ગ્લાસ ફેંકી દેતી તો પણ એ બીજે દિવસે પાછી હાજર. તે દિવસે શાક સમારતા જરા ચપ્પુ વાગ્યુ ને લોહી નીકળ્યું તો એ રડવા બેસી ગઈ ને પપ્પાને બોલાવી લાવી. એનો પ્રેમ હું કેમ સમજી શકતી નહોતી ?

ત્યાંતો પાછો “મ..મ..” અવાજ આવ્યો ને એ અવાજે હું વર્તમાનમાં આવી ને મેં અવાજની દિશામાં જોયું તો દીદી પાણીનો ગ્લાસ લઈને મને ધરતી હતી. આ વખતે મેં એ પાણી ઢોળી નહી નાખ્યું ને એની સામે જોતા જોતા પી ગઈ. એની આંખમાં ખુશીની કેટલી ચમક હતી. હું રડી પડી. એણે ઈશારાથી મને એના મોં પાસે બોલાવી ને મારા ગાલ પર પપ્પી કરી. મેં એની સામે મજાકભર્યા ગુસ્સાથી જોયું એ બીને થોડી પાછળ ખસી. મે મારો ગાલ લૂછ્યો અને એનું મોં પણ. પછી મારા ગાલને એના હોઠ સામે ધર્યો એ ખુશ થઈ મને વળગી પડી અને ક્યાંય સુધી એના હોઠ મારા ગાલ પર રહ્યા. રાતે એની પથારીની સાથે મારી પથારી કરી બંને બહેનો વળગીને સૂઈ રહી. મમ્મીના ખોળામાં જેવી હૂંફ લાગતી તેવી હૂંફ મને લાગી રહી હતી.

બીજે દિવસે સવારે પપ્પા આવ્યા તે પહેલા દીદીને ઉઠાડી મેં તૈયાર કરી દીધી હતી. દૂધ પીવડાવતા મેં પૂછ્યું, “દીદી, મમ્મીને મળવા આવીશ ?” એણે ખુશીમાં ડોકું હકારમાં ધૂણાવ્યું.

“આજે લઈ જઈશ હું તને.” અમે બંને બહેનો પપ્પાની રાહ જોવા લાગ્યા. પપ્પા આવ્યા ને અમને બંનેને તૈયાર જોઈ એમને નવાઈ તો લાગી પણ બોલ્યા વિના રૂમમાં જતા રહ્યા. પપ્પાને હોસ્પિટલે મુકવા જતા દીદી તૈયાર થઈ.

“દીદી, હું પપ્પાને મૂકીને આવું છું તને લેવા. પપ્પાને સરપ્રાઈઝ આપીશું.” મેં દીદી ના કાનમાં કહ્યું. પપ્પા આ જોયા કરતા હતા પણ બોલ્યા નહી. હોસ્પિટલે પપ્પાને ઉતાર્યા,

“પપ્પા મારે થોડું કામ છે હું ગાડી લઈ જાઉં છું.”

“તુ મમ્મી પાસે નથી આવતી ?”

“કામ પતાવીને આવું છું.”

“ઓકે.” પપ્પા અંદર જતા રહ્યા ને હું દીદીને લેવા ઘરે પાછી આવી.

હોસ્પિટલમાં વ્હીલચેરમાં બેસાડી હું દીદીને આઈ.સી.યુ.માં મમ્મી પાસે લઈ ગઈ. પપ્પા આ જોઈ કંઈ બોલે એ પહેલાં જ મેં કહી દીધું,

“પપ્પા, પાંચ મિનિટ માટે ડો.ની પરમીશન મેં લઈ લીધી છે.” પપ્પાને સવારથી જ મારું વર્તન વિચિત્ર લાગતું હતું પણ બસ એ બોલ્યા વિના મને જોઈ જ રહ્યાં હતાં.. કદાચ આઘાતમાં હશે પણ એમની આંખોમાંથી છલકાતી ખુશી હું જોઈ શકતી હતી.

“મ..મ..” દીદીએ મમ્મીને બોલાવી. મમ્મીએ કોઈ હરકત નહીં કરી. દીદી મમ્મીને ઢંઢોળતી રહી

“મ્..મ્..” પણ મમ્મી આંખ ખોલી નહોતી રહી અને દીદીને મમ્મી પાસે આવી તેના કરતા ખૂશી એની વધારે હતી કે હું તેને અહી લાવી હતી. તેને કહેવું હતું કે,

“મમ્મી, જો પૂજા મને અહી લાવી છે, એણે મને તેનો ડ્રેસ પણ પહેરવા આપ્યો છે, મને પાવડર લગાવી ચાંલ્લો પણ કર્યો છે, મારા માથામાં તેની હેરબેંડ નાખી આપી છે, જોને હું કેટલી સુંદર દેખાઉ છું.. મને પૂજાએ તૈયાર કરી છે.  મને અરીસામાં પણ બતાવ્યું હતું.” એ પોતાની “મ…મ..” ની ભાષામાં કેટલું બધું બોલી.. આજે મને એની ભાષા સમજાઈ રહી હતી. મમ્મીએ આંખ ન ખોલી. એટલે મેં એનો હાથ પકડ્યો અને તે મને વળગી પડી. મેં પણ દીદીને પ્રેમથી મારા શરીર સાથે ભીંસી. પછી એણે પપ્પાનો હાથ પકડીને હચમચાવ્યા ને જાણે કહ્યું, “પપ્પા તમે મમ્મી ને ઉઠાડોને, આજે તો મને દૂધ પણ પૂજાએ પાયું મમ્મી, અને મેં એક પણ ટીપું ઢોળાયા વિના એ પીધું. મમ્મી, આજે હું ખૂબ ખૂશ છું મમ્મી, જોને. પૂજા અને મારી દોસ્તી થઈ ગઈ છે મમ્મી. હવે પૂજા મારા પર કદી ગુસ્સે નહી થાય. ” પપ્પાએ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો. એમની આંખો ભીની થઈ ને મારી પણ આંખોમાં ઝળઝળિયાં આવ્યાં અને એનો “મ..મ..” નો અવાજ ધીરે ધીરે ધીમો પડતો ગયો. એ થાકી ગઈ હોય એમ લાગ્યું. એના મોંમાંથી લાળ પડતી હતી..

“મમ્મી, જો હું દીદીને લાવી છું મમ્મી, સોરી મમ્મી. મેં દીદીને પણ સોરી કહ્યું મમ્મી. એણે મને માફ કરી દીધી હેં નેં દીદી. ?” દીદી એ ખુશ થઈને માથું હકારમાં ધૂણાવ્યું. “મ.. મ..”

“મમ્મી હવે તો આંખો ખોલ.” ને હું રડી પડી. દીદી પણ મને વળગી. એની પણ આંખો માંથી આંસુ પડી રહ્યાં હતાં. થોડી વાર રહીને એણે ફરી “મ્..મ્.” કહી મમ્મીને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. પણ….

પછી તે મમ્મીના શરીર પર હાથ ફેરવતા ફેરવતા ઢળી પડી.

ત્યાં તો મમ્મીના દેહમાં સળવળાટ થયો ને મમ્મીએ આંખો ખોલી…

“દીદી જો મમ્મીએ આંખો ખોલી.. દીદી… દીદી, તું બોલતી કેમ નથી ? જો દીદી, તું બોલશે નહી તો હું ગુસ્સે થઈ જઈશ હોં.” પણ દીદી કંઈ બોલી નહીં.. “દી…દી…” મેં દીદી ને ઢંઢોળી… પણ એનો દેહ વ્હીલચેર માંથી જમીન પર ઢળી પડ્યો.

Advertisements
This entry was posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ. Bookmark the permalink.

3 Responses to કુમાર લેખિકા પારિતોષિક વિજેતા વાર્તા-નિમિષા દલાલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s