જીવનની જીવંત વાત – સુરેશ જાની

story

story

નવ્વાણું માર્ક

      હું ભણવામાં ઠીક ઠીક હોંશિયાર હતો. ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત આ વિષયો પરીક્ષામાં હમ્મેશ મારા વર્ગમાં હું સૌથી વધારે માર્ક લઈ આવતો. અમારી શાળામાં દરેક ધોરણમાં ચાર વર્ગ રહેતા. દસમા ધોરણમાં બધા હોંશિયાર વિદ્યાર્થીઓને એકઠા કરી એક અલાયદો વર્ગ ‘ક’ બનાવાતો; જેથી અગિયારમા ધોરણની એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં ઝળકી શકે તેવા હોંશિયાર વિદ્યાર્થીઓ પર શિક્ષકો ધ્યાન કેન્દ્રિત કરી; તેમને એ મેરેથોન દોડ માટે તૈયાર કરી શકે.

        આ વાત દસમા ધોરણની વાર્ષિક પરીક્ષાની છે. હું અલબત્ત ‘ક’ વર્ગમાં હતો અને ક્લાસમાં મારો પહેલો નમ્બર આવ્યો હતો. ગણિત સિવાય બધા વિષયમાં  આખા વર્ગમાં મારા  સૌથી વધારે માર્ક આવ્યા હતા. આવું કદી બન્યું ન હતું. સમાજશાસ્ત્ર અને હિન્ન્દીમાં પણ મને સૌથી વધારે ગુણ મળ્યા હતા; પણ ગણિતમાં દર વખતે સો લાવનાર મને 99 માર્ક જ. આટલા સારા પરિણામ છતાં હું ખિન્ન થઈ ગયો. મેં 12 માંથી આઠ સવાલ નહીં, પણ ત્રણ કલાકના પેપરમાં બારે બાર સવાલના જવાબ આપ્યા હતા. છતાં પણ આમ કેમ બન્યું?

          પરિણામ મળ્યા બાદ છુટીને હું અમારા ગણિતના શિક્ષક શ્રી. ચિતાણિયા સાહેબ પાસે રડમસ ચહેરે ગયો. અને ડરતાં ડરતાં પુછ્યું,” મને 99 માર્ક આપ્યા છે તો મારી ભૂલ કયા પ્રશ્નમાં થઈ છે તે મને જણાવશો? ”

            સાહેબ બોલ્યા, “ ભાઈ, જો! તેં બારે બાર સવાલ સાચા ગણ્યા, તે વખાણવા લાયક છે. રીત પણ બરાબર છે; અને અક્ષર પણ સારા છે. ભૂમિતીની એક સાબિતી તો તેં બે રીતે આપી છે. આટલું બધું કામ ત્રણ કલાકમાં ભાગ્યે જ કોઈ કરી શકે.”

           મેં કહ્યું, ” તો સાહેબ! મારો એક માર્ક કેમ કાપ્યો?”

         સાહેબ બોલ્યા,” તું મને મળવા આવે તે માટે મેં આમ કર્યું. મને ખબર જ હતી કે તું મને મળવા જરૂર આવશે. ”

         હવે મારાથી ન રહેવાયું. હું લગભગ રડી જ પડ્યો અને બોલ્યો,” તો સાહેબ ! મારો વાંક શું?”

         સાહેબે છેવટે કહ્યું,” જો, ભાઈ! તેં ઉત્તરવહી ઉપર પહેલા જ પાને લખ્યું છે કે – ગમે તે આઠ જવાબ તપાસો. આ તારું અભિમાન બતાવે છે. એ તારા અભિમાનનો એક માર્ક મેં કાપ્યો.  એકાદ જવાબમાં તારી ભૂલ થઈ હોત; અને મેં તેના માર્ક કુલ માર્કમાં ગણ્યા હોત તો તને દસેક માર્કનો ઘાટો પડત. મેટ્રિકમાં બોર્ડમાં નમ્બર લાવનારાઓમાં એક એક માર્ક માટે રસાકસી હોય છે. તેમાં આવું થાય તો? એનાથીય વધારે તો,  તારી હોંશિયારી તને જીવનમાં કામ લાગશે; તેના કરતાં વધારે આ અભિમાન તને નડશે. ”

          મેં કાનપટ્ટી પકડી લીધી અને ચિતાણિયા સાહેબને હ્રદયપૂર્વક નમસ્કાર કર્યા.

          ત્યાર બાદ જ્યારે જ્યારે મારા જીવનમાં ગર્વ લેવા જેવા પ્રસંગો આવ્યા છે ત્યારે ત્યારે મને એ  ચિતાણિયા સાહેબ અને એ 99 માર્ક યાદ આવી જાય છે.

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

One Response to જીવનની જીવંત વાત – સુરેશ જાની

  1. Kalpana Desai કહે છે:

    વાહ ! બહુ સરસ બોધ.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s