હદ —–રેખા શુક્લ

 

લક્ષમણ રેખા ખેંચાયેલી હદ માટે, એમ બનાવાતા આવ્યા નિયમો જિંદગી સરળ કરવા માટે…પણ હદ વટાવી જાય દુઃખ ને સ્ત્રી ઘર નો ઉંબરો વટાવે તો શું તેણે પોતાની રક્ષા કરી કે હદ વટાવી કહીશું ? એક સંયુક્ત કુટુંબમાંથી દિકરી માતા-પિતાનું, ભાઈ ભાંડુ નું બધાનું ધ્યાન રાખતી…હવે લગ્ન પછી પતિના ઘરે આવી છે…

સુષ્મા તેનું નામ ! ઉષ્મા થી છલોછલ, હંમેશપડ્યો બોલ ઝીલે…ક્યારેય કામ ની આળસ ના કરે….!! એક વાર પતિને ભાવતો ઓળો બનાવતા બનાવતા થોડી દાઝી ગયેલી…કોઈ ની સહાનુભૂતિ પણ ના મળી..આશ્ચર્ય ની વાત કે બધા એ હોંશે હોંશે ઓળો ખાધો…બધાને એટલો ભાવ્યો કે સુષ્મા માટે રહ્યો પણ નહીં. પોતાના ઘાવ ની પરવા કર્યા વગર વાસણ પણ કર્યા…જમ્યા વગર સૂઈ ગઈ..સૂવા નો ડોળ કર્યો.ઓશિકું ભીંજાતું હતું ને ટપકતાં આંસુ બંધ થાય તે પેહલા તો પરોઢ થઈ ગયુ હતુ. રોજ ની જેમ આજે પણ નાહી ને સૂર્ય નમસ્કાર કરી તુલસી ક્યારે પાણી રેડી રસોડા તરફ ચાલી….!!

ખોંખારો ખાતા સસુરજી ઉઠ્યા હતા તેમની સારવાર માં લાગી ના લાગી ને સાસુજી ના ચા-પાણી ચાલુ થયા..પોતાને પણ જલ્દી ટીફીન બનાવી ને બાળકો ને સ્કૂલે મોકલવાના છે ને પછી સ્કૂલે જવાનું છે. પેહલા ધોરણ ના ભૂલકાંઓને ભણાવતાં ક્યારેક તે પોતાના બાળકોને પણ યાદ કરી લેતી. બાકી તો સમય પ્રમાણે બાળકો જાતે જ ઉછેરાતા હોય છે ને…દઈ દઈ ને કેટલો

પ્રેમ આપો, કેટકેટલું શીખવો, સમય આવે શીખી જતા ના આવડે તો જિંદગી શીખવે. પોતાને મનગમતું કંઈક કરવું હોય તો પેહલા પરવાનગી લેવી પડતી. એક્ચ્યુલી સવારે ઉઠી ને છાપુ વાંચવાનો પણ ટાઈમ ક્યાં હોય છે…સારું થયું આ ટી.વી આવી ગયું તો…!! ક્યારેક ક્યારેક રેડીઓ પણ સાંભળી લેવા મળે છે…જો એમણે મૂક્યો હોય તો બાકી બાળકો લેસન કરતા હોય ત્યારે ઘરમાં રેડિયો વગાડવાની મનાઈ છે.

બે દીકરીઓ પછી બાબો અને હવે તો તે પણ દસ વર્ષ નો થઈ ગયો. સાસુ-સસરાજી પ્રભુધામ સિધાવ્યાં પછી ટ્યુશનો વધાર્યા હતા. જેમ જેમ છોકરાંઓ મોટા થાય તેમ તેમ ખર્ચા પણ વધે ને મોંઘવારી નું તો પૂછશો જ નહીં. યંત્રવત જીવન જીવ્યે જ જાવાનું ને તે પણ હસ્તે મોઢે. દિવાળી- નાતાલ ને ઉનાળા ના વેકેશન-મહેમાનને વહેવાર માં વર્ષો સરતાં રહે ને દીકરીઓ મોટી થઈ જાય…પોતે પણ આધેડ ક્યારે થઈ ગઈ તે અરિસો પણ ના જાણે.

ટકોરા મારી આભે આંગણાની બહાર ઝાંકળ ભીની પરોઢ ઉગી…આજ ફરી પાછા મોરલા બોલ્યા તે સાંભળ્યા જ્યારે બધા મોસાળે પધાર્યા. મોસાળે તો મજાજ હોય ને…બાપુજીનો દિકરોઘરે આવ્યો છે તેમ જ નાનાજી કહેતા…ખૂબ વ્હાલ થી ખબડાવતા…ત્રાજવામાં કંદોઈ પેંડા જોખે તો કહે વધારે મૂકજો ભાણીબા આવ્યા છે…સૂષ્મા ને માટે ફાફડા પણ પેક કરજો…!! પેલો કંદોઈ પણ વ્હાલ પિરસતો …!! એ વખત જ એવો હતો..માણસ ની કિંમત હતી.

પતિદેવ થોડા આકરા સ્વભાવ ના હતા એમને શિસ્તતા ને ચોખ્ખાઈ ની આદત હતી કેમ કે દાદાજી ડૉકટર હતા. બાળકો ને પ્રેમથી નહીં પણ નિયમોથી ઓર્ડર આપતા. બધા તેમના થી ડરે. સુષ્મા સમજે પણ કંઈ બોલી ના શકે. એક દિવસ રસ્તા પર કોઈ ઘરની બાબત વિશે વાત ચાલી રહી હતી ને પતિનો હાથ ઉપડ્યો સટાક…લાફા ના નિશાન ચાર દિવસ સુધી રહ્યા…પણ દિલ પર પડેલા તે તો રોજ તપી તપી ને બળ્યા..!! જાવક પ્રમાણે આવક વધારવી જોઈએ તેવુ તે માનતી અને પછેડી હોય તેટલી સોડ તાણવી તે માનતા…આમાં ઉત્તર દક્ષિણ ના વિચારો માં ત્રણેય બાળકો મોસાળે કાયમ શાંતિ અનુભવતા…!!

દિવાળી ના દિવસો માં એકવાર આગ લાગેલી…દીવડી ઓ ઝાડ ની નજીક મૂકાઈ ગયેલી તો…ઝાડ સૂકૂ હતું તો બળી ગયું ને દાઝ બધી સૂષ્મા પર ઉતરેલી…કેટલા નિશાન છૂપાવવા ?? વાલમ ના ઠપકા તો રોજ નયન કક્ષમાં ટપકે ઉપરથી વરસે માર ના નિશાન.

સૂષ્મા રોજ વિચારે ક્યારે આવશે જીવન ના ઝરૂખે ઉઘાડ ??? ચપટી સપનુ ચપટી વ્હાલ ને ફૂલ ફોરમ લઈ ને ઉડ્યું દીકરી પંખીણીઓ પણ ઉડી ગઈ પ્રિયતમ ના સોનેરી આંગણે !! શબ્દોના ઉઝરડા ઘાવ ખોદે રાખે…ઉપરથી સોડિયમ ક્લોરાઇડ ( મીઠુ) તો ભભરાતું જ રહે….!!!

શહેર નો ભાર પગમાં લાગ્યો…હવે કામ માં ચિત્ત લાગતું નથી..મન ને મજા નથી..! એ પણ ચાલ્યા ગયા છોડી ને …ને વ્યવહારૂ અભિનય છંછેડી રહ્યા…!! દિકરા એ બદલ્યુ ગામ ને હવે ઘરે એકલી સૂષ્મા કંટાળી જાય છે…છાપુ બંધાવ્યું છે માત્ર ખોલી ને બેસે છે…ટી.વી પણ ચાલુ છે પણ ક્યાં સાંભળે છે…!! અલમારીએ નજર માંડી તો કેટકેટલા વાસણો છે જે દર દિવાળીએ ચક ચક ચમકતા…હવે તો ત્યાં બાવા થઈ ગયા છે…પાછળ ચકલી પણ માળો કરતી નથી હવે તો..!!

દિવાલે થી સાસુ-સસરા ના ફોટા ઉતરી ગયા છે ને બાળકો ના પરિવાર સંગના ટીંગાઈ ગયા છે. મીઠુ મીઠુ સપનુ ભળી ને મુજમાં સંતાતુ’તુ તેને શું થઈ ગયુ ? રક્તકણે કળ ચડી ગઈ લાગે છે…અટવાણી, મૂંઝાણી ને ધ્રુજી ઉઠી…સૂષ્મા ક્યાં? પોતાને જ પૂછી રહી…!! Agony churns her heart and time whispers in her ear.  આરઝૂ એક હસરત થઈ ને રહી જશે…ગયેલા દિવસો ને માણસો પાછા ક્યાં આવશે ? નવેસર થી માંડુ ડગ…મોરપીંછ ગોતતા વૄંદાવન પહોંચી જવાશે…!!

બાજુમાં હેપ્પીસિંગ રહેતા હતા તે બહુ મજાકિયા…હંમેશા મજાક કરતા રહે…આજે પણ ટપકી પડ્યા ને સૂષ્મા ની વિચારમાળા નો ભંગ થયો. શિક્ષકની વેદના પ્રાર્થના ચિઠ્ઠી આંખોથી કળી ગયેલા હેપ્પીસિંગ હંમેશા હસાવી જતા…ક્યારેક હિંદી માં તો ક્યારેક ગુજરાતીમાં વાતો થાતી. આજકાલ બંને છોભીલા થયા વીના એકબીજા સાથે ચા-કોફી પણ પોર્ચ પર બેસી પીતાં. હેપ્પીસિંગ પણ એક્લા જ હતા…ક્યારેક વાનગીની આવી સુગંધ કહી સાથે જમતાં પણ ખરા. મન મળી જાય પછી એકબીજા વગર ગમે પણ નહીં. વેલીઓ ને પુષ્પોથી ઢંકાયેલું ફળિયું એક બગીચા ની ગરજ સારતું. છત્રી રાખીને ખુરશીઓ ગોઠવેલી પરિવાર સાથે બેસવા…પણ કોઈ હવે નથી આવતું સૌ પોતપોતામાં રચ્યા પચ્યા રહે છે. માત્ર દિવાળી માં ભેગા થાય. પણ ઘર તો સજેલું જ સુંદર લાગે…સ્ત્રી ની જેમ..!! સૂષ્મા ની માસુમતા હજુય અકબંધ એવી ને એવીજ ને એનું સૌંદર્ય સફેદ સાડીમાં પણ શોભી ઉઠે.એક જાજરમાન ભણેલા ધરની સમજુ સ્ત્રી ગણાતી.

એક સાંજે બગીચા માં ટહેલતી સૂષ્મા ને હેપ્પીસિંગે પ્રસ્તાવ મૂક્યો સાદી વિધિ થી લગ્ન કરી સાથે રેહવાનો…સૂષ્માનું મન સહવાસ ઝંખતું હતું અને હવે કોઈ પાસે નથી તો બહું એકલું લાગતું હતું. ઘરની હદ ઉંબરો ઓળંગવાનો વિચાર આવ્યો પણ એ ચૂપ રહી. વિચારી ને જવાબ આપીશ કહી બંને છૂટા પડ્યા.

તે વિચારી રહી આભને ઝરૂખે દેખાઈ રહ્યો છે સપના નો ઉઘાડ…. અત્યાર સુધી એક કમાઉ મોમ તે પહેલા એક કમાઉ દીકરો…વાલમનો ઠપકો ને માર પણ સહી લીધો…સમાજ ટેસ્ટ પર ટેસ્ટ પર ટેસ્ટ લેતું રહ્યું…આમ ખાલી ઘર માં ભીંતો રૂંવે…યાદો વળગે ..ના, ના આમ નહીં જીવાય. વ્હાલ નું વલોણું ફર્યું હ્રદયે….એક વાંકડીયાળી લટે હુક્મ ફરમાવ્યો અરિસે…અને છ ગુલાબ ની ભેટે એને શરમાવી દીધી…આવી રહી છે વસંત મુજ ઘરે હવે લંઉ વધાવી…સાચુ કહેજો શું ચડે? ભણતર કે સામાન્ય સમજ !! અને બંનેએ ઉંબરાની હદ ઓળંગી સાદી વિધિથી લગ્ન પતાવી એક આંગણે રહેવાનું નક્કી કર્યું …હા, હવે ત્યાં બલ્લે બલ્લે નું મ્યુઝિક ને હાસ્ય ની છોળો સંભળાય છે.

 

 

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

2 Responses to હદ —–રેખા શુક્લ

  1. Deejay.Thakore. કહે છે:

    વાહ બહુ સરસ અંત આવ્યો.ગમ્યું હદ ઓળંગી તો હક્ક મળ્યો કહી શકાય.

    Like

  2. Raksha Patel કહે છે:

    ‘હદ’ એક ખુબ સરસ લઘુ કથા છે! અતંમાં જે વળાંક લીધો છે, હદ ઓળંગવાથી સુખ પણ મળે એ સાબિત કરી દીધું!

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s