નવરંગ ચૂંદડી -રોહીત કાપડિયા

navarang cundadi

                                            ————————————-

         સાત વર્ષથી નવરાત્રિની ગરબા હરીફાઈમાં સ્મિતાને પ્રથમ ઇનામ મળતું હતું. છેલ્લાં ચાર વર્ષથી એ ઈનામ સ્વીકારી લેતી પણ પછી એ ઈનામ બીજી યોગ્ય વ્યક્તિને આપવાની ભલામણ કરતી. આ વખતે પણ એણે એમ જ કર્યું. સ્ટેજ પર આવીને ઈનામ સ્વીકાર્યું ને પછી પોતાના જ હાથે નિર્ણાયકોએ સૂચવેલી બીજી યોગ્ય વ્યક્તિને ઈનામ આપવાનું સૂચન કર્યું. માઈક હાથમાં લઇ કહ્યું”માં દુર્ગાની અસીમ કૃપા અને મારાં પરિવારનો બેશુમાર પ્રેમ મારાં હૃદયમાં ભાવનાનું પૂર લાવે છે અને મારું તનમન ભક્તિમાં મસ્ત બનીને ઝૂમવા લાગે છે. મને ઈનામ કરતાં વધારે આપના આશિર્વાદની જરૂરત છે, જેથી હું જીવનભર માં નાં ગરબા ભક્તિભાવ પૂર્વક ગાઈ શકું.” અને હાથ જોડીને એ નીચે ઉતરી ગઈ.

         દૂર ખુરશી પર બેઠેલાં ,સ્મિતની આંખમાં પોતાની પત્નીની આ વિનમ્રતા જોઈ આંસુ આવી ગયાં. એ ભીની આંખોમાં એની સામે અતીત આવી ગયો. સ્મિતાનું માંગુ જ્યારે એનાં માટે આવ્યું હતું ત્યારે પ્રથમ મુલાકાતમાં જ તેણે સ્મિતાને કહ્યું હતું “તમે મને પસંદ છો , પણ એક વાતનો ખુલાસો કરી દઉં. હું સિદ્ધાંતોમાં જીવનાર માણસ છું, ને એટલે જ કદાચ તમને રાજરાણી જેવા સુખ-ચેન  કે એશો-આરામ ક્યારે ય નહિ આપી શકું. હાં ! સુંડલા ભરીને પ્યાર જરૂરથી આપી શકીશ. હવે નિર્ણય તમારે લેવાનો છે. ” સ્મિતાએ હસીને કહ્યું હતું “સુંડલા ભરીને પ્યાર આપવાની વાતો કરો છો ને પાછા એ પ્યારને સોનાથી તોલવા પણ માંગો છો ? મે તો જ્યારથી તમારી પ્રમાણિકતાની, તમારી નીતિની,તમારા આદર્શોની અને તમારી સાદગીની વાતો સાંભળી હતી ત્યારથી હું તમને વરી ચૂકી છું. ” પછી તો બંને લગ્નગ્રંથિથી જોડાયા અને આંખનાં પલકારામાં નવ વર્ષ વિતી ગયાં. આ નવ વર્ષમાં તેમનો પ્રેમ ઉતરોતર વધતો જ ગયો. ખુશીનાં જન્મ પછી તો ઘરમાં આનંદની છોળો ઉછળતી હતી. ખેર ! એ ક્યારે ય સ્મિતાને સુંદર કપડાં કે દાગીનાથી સજાવી શક્યો નહીં. સ્મિતાએ જો કે ક્યારે ય ફરિયાદ ન કરી હતી કે કોઈ માંગણી પણ ન કરી હતી.નવરાત્રિમાં પણ બધાં જ રોજે રોજ અલગ અલગ રંગના અને અલગ અલગ ભરતકામ કરેલાં એક થી એક ચઢિયાતાં વસ્ત્ર પરિધાન કરતાં ,પણ સ્મિતા તો છેલ્લાં આઠ વર્ષથી એક ની એક નવરંગી સાડી પહેરતી. દર વર્ષે એ પૈસા બચાવવાનાં પ્રયત્નો કરતો ને દર વર્ષે વિધાતા એની કસોટી કરતી હોય તેમ ક્યારેક બાપુની માંદગી, ક્યારેક બા ની માંદગી, ક્યારેક સ્મિતાની  સુવાવડ, તો ક્યારેક ખુશીની માંદગી ને બસ એની બચત, એનું દિવાળીનું બોનસ બધું જ ખલાસ થઇ જતું. સ્મિતાને સજાવવાના એનાં સ્વપ્નાંઓ અધૂરાં જ રહી જતાં. આ વખતે સ્મિતાએ પહેલેથી જ કહી દીધું હતું” આ દિવાળીમાં બા માટે વ્હીલચેર લાવવાની છે. ઘરમાં ને ઘરમાં એ કેટલા કંટાળી જાય છે. ” આવી પ્રેમાળ પત્ની માટે એ કંઈ કરી નથી શકતો એ વિચારે એણે આંખમાં આવેલાં આંસુને સારી દીધાં ને ઉદાસ મને ઘરે પાછો ફર્યો.

              ઘરે આવ્યાં પછી પણ સ્મિતને ચેન પડતું ન હતું. તેને સ્મિતા માટે કંઇક કરવું હતું. એણે વિચાર્યું કે આ દિવાળીમાં તો કોઈ પણ હિસાબે સ્મિતાને મનપસંદ બે-ત્રણ સાડી અપાવશે જ . પણ ફરી પૈસાનો બંદોબસ્ત કેવી રીતે કરવો એ પ્રશ્ન એનાં મનમાં ઘૂમરાવા લાગ્યો. દિવાળીને પણ હવે બહુ ઓછા દિવસો બાકી હતાં. દિવાળીમાં પણ તેને બોનસ સિવાય કોઈ બીજી આવક ન હતી. તેનાં સિદ્ધાંત મુજબ એ કોન્ટ્રાક્ટર કે સપ્લાયર પાસેથી દિવાળીની ભેટ પણ સ્વીકારતો નહીં. એ જાણતો હતો કે રોકડ રૂપિયામાં અપાતી ભેટ એ લાંચનો જ એક પ્રકાર છે. જે લોકો એનાં આ સિદ્ધાંતની વાત જાણતાં હતાં તે લોકો તો ક્યારે ય તેને ભેટ આપવાની હિંમત કરતાં નહીં. અચાનક જ તેનાં મનમાં વિચાર આવ્યો -આ વખતે નવા આવેલાં ત્રણ ચાર કોન્ટ્રાક્ટર અને સપ્લાયરને હું દિવાળી લેતો નથી એ વાતની ખબર નથી. જો હું તેમની પાસેથી દિવાળીની ભેટ લઇ લઉં તો સ્મિતાને માટે આરામથી સાડીઓ લઇ શકું. હું દિવાળીની ભેટ લઈને પણ તે લોકોની અંગત રીતે કોઈ મદદ નહીં કરું. જિંદગીમાં પ્રથમ વાર એણે સિદ્ધાંતોમાં બાંધછોડ કરવાનું નક્કી કર્યું.

              રાતે સૂતી વખતે એણે સ્મિતાને પણ કહ્યું ” તને મસ્ત બનીને ગરબા ગાતી અને ઝૂમતી જોવી એ જિંદગીનો લહાવો છે, પણ હું કેટલો કમનસીબ છું કે તને થોડી નવી રંગબેરંગી સાડી  પણ નથી અપાવી શકતો. છેલ્લાં આઠ વર્ષથી નવરાત્રિમાં પણ તું એકની એક નવરંગી સાડી——-“સ્મિતાએ વાતને વચ્ચેથી જ અટકાવતાં કહ્યું”બહુ રાત થઇ ગઈ છે. હમણાં સૂઈ જાઓ. કાલે વાત કરીશું. “

                સ્મિત દશેરાની રજા હોવાથી થોડો મોડો ઉઠ્યો. સ્મિતા તો રસોડામાં ચાલી ગઈ હતી. અચાનક જ એની નજર ઉતાવળમાં સ્મિતાએ બહાર છોડેલી ડાયરી પર પડી. સ્મિતા પરણીને આવી તે દિવસથી રોજ ડાયરી લખતી. ક્યારે ય એણે સ્મિતની ડાયરી વાંચવાની કોશિશ કરી ન હતી. આજે કોણ જાણે કેમ પણ એને સ્મિતની ડાયરી વાંચવાની ઈચ્છા થઇ. એણે વિચાર્યું કે લાવ વાંચું તો ખરો કે કાલના ઇનામ માટે એ શું લખે છે.એણે ડાયરી વાંચવાની શરૂઆત કરી.

               ફરી એક વાર માતાની અસીમ કૃપાથી મને ઇનામ મળ્યું. મારી ખુશીનો કોઈ પાર ન હતો. અફસોસ ! રાતે સ્મિતે કરેલી એ વાત થી મનમાં થોડું દુઃખ થયું. સ્મિતે મારી પાસે જુદા જુદા રંગની સાડીઓ નથી એ વાતનું દુઃખ જતાવ્યું. પોતાની જાતને એમણે કમનસીબ ગણી. ખેર! એમને  ક્યાં ખબર છે કે એમનાં મુખ પર છલકતું ઈમાનદારીનું સુવર્ણનીય તેજ મારાં અંગને સોનેરી રંગની ભેટ આપે છે. એમનાં ચહેરાં પર ઉડતો ખુશીનો ગુલાલ મારાં અંગને લાલ રંગની ભેટ આપે છે. એમનો શાંત અને સૌમ્ય સ્વભાવ મારાં અંગને લીલાછમ રંગની ભેટ આપે છે. એમનો પ્રેમાળ સ્પર્શ મને આસમાનમાં સફર કરાવતાં આસમાની રંગની ભેટ આપે છે. અને આ બધાથી વધુ શ્રેષ્ઠ તો એમનું સાદગી, સત્યપ્રિયતા,આદર્શો અને સિદ્ધાંતોથી જીવાતું નિષ્કલંક જીવન જે કાંચ જેવું પારદર્શક છે તે એની પારદર્શકતામાં સમાયેલા બધાં જ રંગોની મારાં અંગને ભેટ આપે છે. આવાં અનેક રંગોની ભેટ મેળવી હું મારી જાતને કેટલી ભાગ્યશાળી સમજુ છું. મને કોઈ વાતનું દુઃખ નથી તો આજે એમને  મારી પાસે જુદાજુદા રંગની સાડીઓ નથી એ વાતનું કેમ દુઃખ થયું ? શું મારાં વર્તનમાં ક્યાંક એમને  એવો ભાસ થયો હશે ? શું મારાથી અજાણતામાં કોઈ ભૂલ થઇ ગઈ હશે? શું મારાં ચહેરાં પર અસંતોષની છાયા દેખાઈ હશે? ના, ના માતાજી એ જે જીવન જીવે છે તે અનન્ય છે. એમનું ફૂલોની જેમ મહેકતું, પક્ષીઓની જેમ ચહેકતું અને અનેકને માટે દીવાદાંડીની જેમ ઝળહળતું  જીવન એ જ તો મારાં જીવનનો આનંદ છે. હે, પરમ કૃપાળુ પરમાત્મા ! એમનાં જીવનમાં મારાં થકી કોઈ પણ દુઃખનો પ્રસંગ ન સર્જાય તે જ ચાહ.

                 વાંચતા વાંચતા જ સ્મિતની આંખમાં આંસુઓ આવી ગયાં. પત્નીના રૂપમાં એને  જાણે સાક્ષાત દેવીના દર્શન થયાં હોય એવું લાગ્યું. કોઈક પ્રેમાળ પણ મજબૂત હાથે જાણે એને  ખોટું કરતાં રોકી લીધો. કોન્ટ્રાક્ટર અને સપ્લાયર પાસેથી દિવાળી લેવાના વિચારને એણે સિદ્ધાંતોની પાવનકારી જ્યોતિમાં જલાવી દીધો. ફરી એક વાર રાવણ હણાઈ ગયો. ફરી એક વાર સીતાના સતીત્વના કારણે રામની જીત થઈ.ફરી એક વાર સિદ્ધાંતોના તેજથી પૃથ્વી ઝળહળી ઉઠી.ત્યાં જ એનાં કાનમાં રસોડામાંથી આવતી એની પત્નીનાં મીઠા, મધુર  અને ભાવપૂર્ણ અવાજમાં ગણગણાતી પ્રાર્થનાની પંક્તિ અથડાઈ ——-

          ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા…….

મુંબઇ સમાચાર. 4-11-2015

 

Advertisements
This entry was posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, લઘુ કથા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s