ફાંસીને માચડેથી (૮) સુનહરો સંસાર-પ્રવિણા કડકિયા

fansine machade thi

કોમલના મનમાં ઢોલ ઢબુકતા હતાં કુસમના દિલો  દિમાગ પર શરણાઈના સૂર ગુંજી રહ્યા હતાં
આજે  કોમલ સાથે લગ્નના મધુરા બંધનમાં બંધાઈ. કુસુમની માએ પ્રેમથી દીકરીને સાસરે વિદાય કરી.કોમલની માતાના હૈયે ઉમંગ માતો ન હતો. તેનો લાડલો આજે કુસુમને પરણીને ઘરે લાવ્યો
હતો. કુમકુમ અને ચોખાથી વરવધુને વધાવ્યા. આંગણે કુમકુમના થાપા માર્યા. ઘરમાં પાણિયારે
કળશ મૂકાવ્યો.ચારેકોર આનંદ ઉલ્લાસ છવાયા હતા.કોમલના નાના ભાઈ અને બહેન ભાભીની
આજુબાજુ આંટા મારતા હતા. પિતાજી ખુશ હતા.તેઓ જ્યારે ખુશ હોય ત્યારે ઢોલિયે પગ પર પગ
ચડાવી તળિયા પર તાલ દે. જોનારને કદાચ વિચિત્ર લાગે! કોઈ ચકાચૌંધ ન હતી. સાદગી અને
સૌમ્યતા મિશ્રિત વાતાવરણ પવિત્ર તેમજ ખુશનુમા વરતાતું હતું.

સુનહરો સંસાર માત્ર પૈસાથી નથી રચાતો ! તેની મજબૂતાઈ હોય છે પતિ અને પત્ની વચ્ચે
નિર્મળ પ્રેમ.એક બીજા પર અટૂટ વિશ્વાસ. કોમલ અને કુસુમને લગ્ન થયે દસ વર્ષના વહાણાં
વાયા.પ્રેમી પારેવડા આજે પણ તેમના માળામાં ગુટરગુ કરતાં જણાય.અત્યાર સુધીના એક પણ
દિવસ એવો ન હતો કે કામ પરથી સીધો કોમલ ઘરે ન આવ્યો હોય.જેવું કામ ખતમ,કોમલનું
સ્કૂટર સીધું ઘર ભણી.કુસુમ કાગડોળે તેની રાહ જોતી ઉભી હોય.શાણી તો એવી કે તેના આવતાં
પહેલાં બધા કામ આટોપી લે ! જેથી જેવો કોમલ આવે કે તેના આખા દિવસના કામનો અહેવાલ
સાંભળે.જો તેને કામમાં અસંતોષ કે તકલિફ જણાય તો સુલઝાવવાના રાહ વિષે બન્ને જણા વિચાર
વિનિમય કરે.

કોમલને કુસુમની આ ટેવ ખૂબ ગમતી.જેને કારણે તેના દિમાગ પરથી દસ મણની શીલા હટી જતી.
ખૂબ હળવો થઈ કુસુમનો સંગ માણતો. બાળક બન્નેને વહાલા હતા અને  જોઈતા પણ હતાં.નસિબ
પાધરા કે કુસુમને બે વખત દિવસ ચડ્યા પણ ગર્ભ ટક્તો નહી.અફસોસ કર્યા સિવાય કોઈ આરો ન
હતો.સમજુ અને પ્રેમાળ પતિ,પત્ની ઈશ્વરની ઈચ્છા ગણી ઘા સહી લેતા.

‘કેમ આજે આવતા મોડું થયું? ઘડિયાળમાં જો, રાતના ૯ વાગી ગયા’.

‘અરે પણ સાંભળતો ખરી’?

‘શું સાંભળું’?

‘કારણ, બીજું શું.’

‘હવે તને બહાના બનાવતા આવડી ગયા છે ! મારો વિચાર કર્યો હતો?’

‘અરે, મારા સાહેબની.દીકરીને ઓચિંતા હૉસ્પિટલમાં લઈ જવી પડી. સાહેબે મને બધી જવાબદારી સોંપી. હવે બધા કામ આટોપી નિકળે નહી ત્યાં સુધી હું કેવી રીતે ઘરે આવી શકું?’

‘આ તો હું ચિંતામાં અધમૂઈ થઈ ગઈ, એટલે કહેવાઈ ગયું. માફ કરજે’.

‘અરે ગાંડી, તને હું નથી ઓળખતો? મને પણ તારા વિચાર સતાવતા હતા. ખેર, હવે જમવા આપીશ ? મારા પેટમાં ઉંદરડા દોડે છે’.

કુસુમે થાળી પિરસી. બન્ને કાયમ એક ભાણામાં જમતા. આમ રિસામણા, મનામણામાં જીંદગી પસાર કરતાં. કિલ્લોલ કરતું તેમનું જીવન મિત્રોની ઈર્ષ્યાનું કારણ બનતું. લગ્નની પ્રથમ રાત્રીથી નક્કી કર્યું હતું કે, ગમે તેવો દિવસ પસાર થાય , લડાઈ ઝઘડો પણ ભલે થાય રાતના સૂવા જતાં પહેલાં સંધિ કરી લેવાની. આ શરત કુસુમે મૂકી હતી. કોમલે તેને પ્રેમથી સ્વિકારી હતી. આ હતું તેમના સુખી દાંપત્યુંનું રહસ્ય!

‘કોમલ જાગે છે કે સૂઈ ગયો ‘?  કુસુમે ધીરેથી તેના કાનમાં પૂછ્યું.

‘વહાલી, તારે કાંઈ પણ કહેવું હોય તે સવાર સુધી રાહ જોઈ શકે ? આજે મને ખૂબ થાક લાગ્યો છે.

કુસુમને નવાઈ લાગી હમેશા તત્પરતા બતાવતો કોમલ આજે . કેમ આમ બોલ્યો. મનમાં શંકા ગઈ. કોમલની તબિયત તો સારી છે ને ? કોમલ આજે ઑડિટ હોવાને કારણે આખો દિવસ કામમાં ડૂબેલો હતો. તેના મોઢા પર અને આખા શરીરમાં થાક વરતાતો હતો. કુસુમ સમજી ગઈ. તેણે રૂમની લાઈટ બંધ કરી, પંખો ચલાવ્યો અને રસોડાનું કામ પુરું કરી રહી. કામ કરતાં વિચારી રહી, ‘હું કેટલી નસિબદાર છું. આવો સુંદર અને પ્રેમાળ પતિ મળ્યો છે’.

તેની સહેલી રાધાનો વર દારૂ પીતો અને કદીક તેને મારતો પણ ખરો ! જ્યારે કોમલ, કુસુમને હાથમાં રાખતો. કુસુમ પણ કાંઈ કમ ન હતી. કોમલના દરેક કાર્યમાં મદદ રૂપ થતી, તેની બધી વસ્તુઓ એવી સરસ ગોઠવીને રાખતી કે કોમલ તેના પર ફિદા થઈ જતો. આમ જોઈએતો બન્ને જણા એકબીજાના પૂરક હતા. જાણે પ્રભુએ તે બન્નેને એકબીજા માટે ખાસ ઘડ્યા હોય! સંજોગ જોઈ મેળવી આપ્યા. પતિ અને પત્નીના સ્નેહાળ રિશ્તામાં બંધાયા !

સવારે કોમલ ઉઠ્યો. સરસ મજાની આદુ, ફુદીનો અને એલચીવાળી ચાય પીને તાજો માજો થઈ ગયો. કુસુમનો આભાર માન્યો.જીંદગીમાં જો ઉથલ પાથલ ન થાય તો તે રસહીન લાગે.કંઈક વૈવિધ્યતા સહુને ગમે. કુસુમને નોકરી કરવી હતી. કોમલને તે મંઝૂર નહતું. તેને થતું જો કુસુમ નોકરી કરવા જશે તો પોતાની સાહ્યબી ઓછી થઈ જશે. બાળકો તો હતા નહી. ખોટો ખર્ચો કરવા કુસુમ કદાપી તૈયાર ન હતી.

અચાનક આંધી આવી. સુખી સંસારને વેરણ છેરણ કરી મૂક્યું હોત! કોમલ અને કુસુમના લગ્નની ગાંઠ સાક્ષાત અગ્નિની સાક્ષીએ બંધાઈ હતી. જોવા જઈએ તો દરેક લગ્ન આવી રીતે થતા હોય છે. આ તો ૨૧મી સદીમાં પવિત્ર લગ્નના રિશ્તાને એરૂ આભડ્યો છે. હજુ હાથની મેંદીનો રંગ વિલાયો નથી ત્યાં છૂટાછેડાની નોબત આવી જાય. એકના એક બાળકોના લગ્નમાં લાખો રૂપિયાનું પાણી કર્યું હોય તેવા લગ્નમાં વિચ્છેદ એ સાવ સામાન્ય વાત છે. કોમલ અને કુસુમ બન્ને તે જાણતા હતા. આમ જોવા જઈએ તો આવા સમાચાર તેમના જીવનને વધુ સ્થિરતા આપતા હતા. સમાચાર સનસનાટી ભર્યા હતા.

કોમલની નાની બહેન કુસુમના પિયરના કોઈ સગાની સા્થે પરણી હતી. તેના ઘરમાં જ્યારે કુસુમ વિશે એલફેલ બોલાતું તે કોમલની બહેનથી સહન થતું નહી. તેની ભાભી એટલે કોમલની પત્ની કુસુમ સાવ નિર્દોષ હતી. ભાભી વિષે ખોટું આળ નાની નણદી સહી ન શકી. તેણે પતિને સમજાવ્યો. શંકાશીલ પતિ, પત્નીનું કહ્યું સાંભળવાને બદલે સામે પક્ષે જઈ બેઠો. હવે નાની નણદી માટે કોઈ ઉપાય હતો નહી. કોઈને કહ્યા વગર ભાભી પાસે આવી પહોંચી. કોમલ હજુ ઘરે આવ્યો ન હતો. નણદીને દરવાજામાં જોઈ કુસુમ હેબતાઈ ગઈ !

‘ન કાગળ ન તાર, તમે અંહી ક્યાંથી ?’

‘ભાભી, બોલતાં જ તેનાથી રડાઈ ગયું’.

‘અરે, પણ કાંઈ બોલો તો ખરા’?

‘બસ હવે હું એ ઘરે પાછી નથી જવાની’.

મામલો ગંભિર છે એ સમજતાં કુસુમને વાર ન લાગી. કોમલના માતા કે પિતા હવે હયાત ન હતા. કુસુમ ઘરના બધાને પ્યારથી બાંધી રાખવામાં સફળ થઈ હતી. બહેન તમે શાંતિથી બેસો, પાણી પીઓ. તમારા ભાઈ આવે પછી વાત કરીશું. કવિતાને દિલે ધરપત થઈ. કોમલ આવ્યો. નાની કવિતાને જોઈ ખુશ થયો,’ અરે તાર,ટપાલ કાંઈ નહી ક્યાંથી આવી ચડી”?
‘ભાઈ શું કહું, મારા ઘરમાં બધા ભાભી વિષે એલફેલ બોલે મને કેવી રીતે સહન થાય’.
‘અરે, પગલી એમાં કાંઇ ઘરના સાથે ઝઘડો થાય’?
કવિતાએ બધી માંડીને વાત કરી. કુસુમ નિશ્ચિંત હતી. આ બધી વાત કોમલને ખબર હતી.કોમલને કુસુમ પર પાકો વિશ્વાસ હતો.બચપનમાં તેની સાથે ભણતો વિવેક, અનાથ હતો. કુસુમે તેને બહેનનો પ્યાર આપી તેની હિમત વધારી હતી. વિવેકને બધી જાતની મદદ કરતી. ઘણી વખત નાસ્તામાંથી ભાગ આપતી. તેની કૉલેજની ફી પણ પોતાના બાપુ પાસે ભરાવતી. આજે વિવેક મુંબઈમાં ઘર બનાવી સ્થાયી થયો છે. વનિતા સાથે પરણી સુખી સંસાર ભોગવે છે. બે જોડિયા બાળક છે. જે કુસુમને ‘ફોઈબા’ કહી બોલાવે છે.કોમલને આખી વાત અથથી ઈતિ સુધીની ખબર હતી. હવે કવિતાના સાસરા પક્ષમાંથી કોઈ વિઘ્નસંતોષી આવી વાતનું વતેસર કરતા હતા.

કોમલ અને કુસુમ, કવિતાને સાસરે પાછી મૂકવા ગયા. કવિતાના પતિ કનુને બધી ખુલાસાપૂર્વક વાત કરી. વિવેકના લગ્ન
વખતના ફોટા તેમજ તેના હાલના બાળ બચ્ચા સાથે કુટુંબના ફોટા સહુને બતાવ્યા. કનુએ ભાભીને માફ કરવા વિનંતિ કરી. ઉદાર દિલની કુસુમે વિના સંકોચે સહુના દિલ જીતી લીધાં આવી સુંદર અને પ્યારી કવિતાની ભાભી જાણી બધા ખુશ થયા. સહુ જાણે છે ગોળીને ગરણું બંધાય, ગામને મોઢે કદી શક્ય નથી. ઘરના સહુનો ભ્રમ દૂર થયૉ. કનુ તેમજ તેના કુટુંબીઓ અને સગા વહાલાંને કુસુમની સાચી ઓળખાણ થઈ. ઉદાર દિલની કુસુમ કદી કોઈનું મનમા લાવતી નહી. કુસુમ અને કોમલ પાછા પોતાના સંસારમાં રમમાણ થઈ ગયા.

‘તને મારા પર ખૂબ ભરોસો છે’?

‘મારા પર હોય તેના કરતાં વધારે. તું મારી એકેની એક પ્રિય પત્ની છે. કદાચ હું બેવફા થઈ શકું પણ તું?

અસંભવ.’ કહી કોમલે કુસુમને આલિંગન આપ્યું.

કુસુમ ખૂબ રાજી થઈ.તેને લાગ્યું ‘જીવન સાર્થક’ છે પતિનો આટલો બધો વિશ્વાસ સંપાદન કર્યો છે.

આજકાલ કુસુમ થોડી ઉદાસ રહેતી હતી. કોમલે વિચાર્યું જ્યાં સુધી કારણ કહે નહી ત્યાં સુધી સામે ચાલીને

પુછવું નથી. પાંચેક દિવસ થઈ ગયા. કુસુમ બેચેન હતી. ‘ખરો છે, મને ઉદાસિનતાનું કારણ પણ પૂછતો

નથી. સાવ લાપરવાહ થઈ ગયો છે’.

આખરે મૌન તોડ્યું, ‘તને મારી જરા પણ લાગણી નથી?’

‘કેમ, વળી મેં તને ક્યાં અને ક્યારે દુભવી”?અજાણ બનતાં કોમલ બોલ્યો.

‘તને મારી ઉદાસી દેખાતી નથી?’
ક્ષ
‘તું કાંઈ કહે તો ખબર પડે ને”?

‘આ તમને સ્ત્રીઓને ગડીને ભગવાને હાથ ધોઈ નાખ્યા છે’.

‘કેમ આજે આવું બોલવું પડ્યું’?

આમ ચર્ચા ઘણી લાંબી ચાલત. કુસુમ થાકી ગઈ હતી. તેને મહિના ઉપર ચાર દિવસ થયા હતા. વિચારી રહી કદાચ ઈશ્વરે સામું જોયું હોય. આ વાત કોમલને કહેવા ઉત્સુક હતી. તેને બદલે લાંબો વાદ વિવાદ ચાલ્યો. અંતે કહ્યા વગર મોઢું બીજી તરફ કરીને સૂઈ ગઈ. તે હવે વાદ વિવાદ કરી વાતાવરણ ઉગ્ર કરવામાંથી છટકવા માગતી હતી.

કોમલ આખી રાત પથારીમાં પડખા ફેરવતો રહ્યો. તેનું દિમાગ જાણે કામ કરતું બંધ ન થઈ ગયું હોય? વિચારોની વણઝાર ચાલતી હતી. કશું સમજાતું ન હતું. સવારે નોકરી પર જવાનું હતું. આખરે આંખ મળી ત્યારે ઘડિયાળમાં સવારના પાંચ વાગ્યા હતા. સવારે મને કે કમને સાત વાગે તો પથારી છોડવી પડે. કુસુમે ચા અને નાસ્તો તૈયાર થયા ત્યારે તેને ઉઠાડ્યો. હસતું મુખડું જોઈને રાતનું દર્દ કોમલ વિસરી ગયો. કુસુમને સોડમાં તાણી બોલ્યો,’ હવે તો જવાબ આપ મારી પ્રિયે’?

કુસુમથી રહેવાયુ નહી. તેણે કોમલના કાનમાં ધીરે રહીને કહ્યું. કોમલ એકદમ ઉછળ્યો. ગાંદાની જેમ કુસુમ પર વહાલની વર્ષા કરી રહ્યો. અંતે કુસુમે કહેવું પડ્યું,’મારા રાજ્જા ચાલો નોકરીએ જવાનું મોડું થાય છે’.

‘ચાલ આજે નોકરીએ કહેવડાવી દંઉ મારી તબિયત સારી નથી’.

કુસુમ હસી પડી, ‘મારી કે તારી’?

અગત્યનું કામ હોવાથીગયા વગર છૂટકો ન હતો. કુસુમનો આનંદ ક્ષણ જીવી નિકળ્યો. કોમલના ગયા પછી નહાવા ગઈ ત્યારે માસિક સ્રાવ શરૂ થઈ ગયો હતો. ખૂબ રડી. તેના હાથમાં કાંઈ નહતું. સાંજના કોમલ ઘરે આવશે ત્યારે કેવી રીતે સમાચાર આપશે તેની દ્વિધામાં પડી ગઈ. કોમલનું મુખડું તેની નજર સમક્ષ તરવરી રહ્યું. એકલા આખો દિવસ ઉદ્વેગમાં ગયો. કોમલની દેખતાં તેને ધિરજ બંધાવાની હતી.

કોમલ નારજ થયો. કુશળતાથી ભાવ છુપાવી, કુસુમને દુઃખ ન થાય તેનો ખ્યાલ રાખ્યો. પ્યારની ઉંચાઈના  દર્શન થયા. પતિ અને પત્ની સ્વનો નહી અન્યનો વિચાર કરી દિલમાં દર્દ છુપાવી રહ્યા.  આવા સુનહરા સંસારને કોની બૂરી નજર લાગી. વિધિના ખેલના પ્યાદા બન્યા. ક્યારે કોની મતિ ભ્રષ્ટ થાય તે કળવું મુશ્કેલ છે. જ્યારે કુદરતે રાજી થઈ સઘળું આપ્યું હોય ત્યારે તેનું નામ સ્મરણ કરી સદા આભાર માનવો. આજ અને કાલમાં જ્યારે જો તફાવત જણાય ત્યારે ક્યાંક માનવી ગુમરાહ થઈ જાય છે.

સુનહરા સંસારમાં બાળકની ભૂખ હલચલ મચાવી રહી. કુસુમ  તેની માની પુરાણી વાતને હવે થોડી સમજતી હતી, પણ તે સમયે હજુ યુવાવસ્થાની વસંત બારણે ટકોરા મારી રહી હતી. તેથી તેની વાતને હવામાં ઉડાડી બેફિકર થઈ ઊડતી હતી. પણ આજે સમય જુદો છે, આજે એ સોહામણી વસંતની ઋતુ ગ્રીષ્મ થઈને યૌવન પર ઠરીઠામ બનીને બેસી ગઈ છે. આજે માની વાત પણ પૂરેપુરી સમજાઈ શકે તેટલી તે સમજદાર થઈ ચૂકી છે. કોમલની સાથે બાળકને સંભાળી શકે તેટલી મજબુત થઈ ચૂકી છે. તો યે આટલા વરસ લગ્નને થયાં તોયે ઘરઆંગણ ને ખોળો બેય ખાલી છે. કાશ આ ખોળામાં નાનકડી પગલીઓ પાડનાર કોઈ આવી જાય. દીકરી કે દીકરો જે હોય તે પણ એક બાળક, મારૂ પોતાનું એક બાળક હોય તો હૈયે સંતોષ થઈ જાય.

એકવાર તો કવિતાનાં સાસુયે આવ્યાં તો તે ય બોલી ઉઠ્યાં તાં કે કુસુમ છોકરાનો પ્લાન પણ જલ્દી જલ્દી કરજે. કારણ કે મોડેથી છોકરા કરીશ તો મોટા કરતાં વાર લાગશે ને પાછળથી તમારી ઉંમર વધશે તો યે તમે છોકરાં જ મોટા કરતાં રહેશો. પ્રેમ તો એ મને ખૂબ જ કરે છે, પણ પ્રેમની સાથે પત્ની તરફની વાતે ય વગર શબ્દે સમજી જાવી જોઈએ ને કે પત્ની ને એક બાળકની ઝખનાં છે. આમ જોવા જઈએ તો કોમલને પણ શેર માટીની ખોટ સાલતી હતી.

Advertisements

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.
This entry was posted in ફાંસીને માંચડે. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s