સબળા નારી (૬) ડો ઇન્દુબેન શાહ અને

sabala nari.

                                                                   ગોમતીની  સાસરી”            

ગોમતી સાસરે આવી, મોટાબાને  હવે એકદમ નિરાંત થઇ ગઇ. ગોમતી  તેમની વહાલી દીકરી હવે ઘરની વહુ બનીને આવી. ગોમતીએ પણ  ધીમે ધીમે મોટા ઘરની બધી જવાબદારી લેવા માંડી. નાના દિયરો મુળજી અને દેવજી , ઉમરમાં ગોમતીના સમોવડીયા ગણાય. મોટો મુળજી  તેનાથી એકાદ વર્ષ મોટો અને દેવજી એકાદ વર્ષ નાનો. બન્ને આઠમા તેમજ સાતમા ધોરણમાં અભ્યાસ કરે. ગોમતી કુવારી હતી ત્યારે રજાને દિવસે તેમની સાથે પત્તા રમતી. તો કોઇ વાર કોડા રમતી. ગોમતીને કોઇ ભાઇ બેન નહી. એકની એક એટલે એને તો  બહુ મજા આવતી. સાથે રમનારા ભાઇ માંડવીમાં મળી ગયા. મુળજી અને રવજીને કોઇ બેન નોતી, એટલે ત્રણે જણા રજાના દિવસે મજાક મસ્તી કરતા.. બન્ને નટખટ નાના ભાઇઓ કોઇવાર ગોમતી અને મેઘજીના સંદેશવાહક પણ બનતા.

 લગ્ન થયા પછી બધું બદલાઇ ગયું. થોડો વ્યવહારાને વર્તનમાં ફેરફાર જરૂરી બન્યો. હવે ગોમતી, રવજી અને ગૌરીની નાચતી, હસી મજાક કરતી દીકરી,મોટા ઘરની સૌથી મોટી વહુ બની ગઇ. સવારના વહેલી ઊઠી નાહી ધોઇને  મોટાબાની  ઠાકોરજીની સેવાની તૈયારી કરે, પૂજાના ચાંદીના પાત્રો સાફ કરે. માળીએ લાવેલ ઋતુ પ્રમાણેના પુષ્પો મોગરા, ગુલાબ, જુઇ, ચંપાની સુંદર માળા બનાવે. ઠાકોરજીને  ધરાવવા      સામગ્રી માટે મગજના લાડવા મોટાબાએ શીખવાડ્યા તે ધ્યાનથી શીખી લીધા. રોજ બનાવવા લાગી. ચાલાક ગોમતીને કોઇ પણ કામ એક વખત બતાવે ને આવડી જાય. સવારના ધનજી અને સસરાજી માટે ગરમ ભાખરી, ગરમ બાજરીનો રોટલો તો કોઇ વાર ગરમ રવાનો શીરો બનાવે, સાથે બદામ પિસ્તા કેસરના કઢેલા દુધના તાંસળા ભરે.બન્ને બાપ દીકરાને પ્રેમથી સાત્વિક નાસ્તો કરાવે. બન્ને દુકાને જાય.પછી બન્ને દિયરોને ગરમ ગરમ રોટલી પીરસે, પ્રેમથી જમાડે, નિશાળે મોકલે .પછી મોટાબાને જમાડી પોતે જમે.

લડાઇ પછી મોંઘવારી દિવસે દિવસે વધી રહી હતી, દુકાનમાં માણસો રાખવા પોષાય નહીં.ધનજીનો મિત્ર હરીશ મોરબી આગળ આભ્યાસ માટે ગયો, સમજુ ધનજીએ પોતાની ઈચ્છા મનમાં જ દબાવી દીધી અઢાર વર્ષની ઉંમરે બાપા જોડે ધંધામાં લાગી ગયો.

 દુકાનના મુનિમ બચુભાઇ જમવા જાઈ તેમની સાથે ગોમતી બાપ દીકરાનું બપોરના જમવાનું ટીફિન મોકલાવે. મેઘજીભાઇ કોઇ વાર સમજીને ધનજીને બપોરે જમવા મોકલે “ધનજી બેટા તુ વહેલો નીકળ આજે માલનો છકડો આવવાનો છે, બચુભાઇને હું અહીં રહીએ તું જમીને અમારું ટિફીન લેતો આવ”,

ધનજી મનમાં હરખાઈ બહાર વિવેક દર્શાવે “બાપા તમારે ઠંડુ ખાવાનું,, હું રોકાવ છું” 

“ભઈ તારું કામ નહીં મારી ને બચુભાઇની હાજરીની જરૂર “, તું મોડું ન કર ગોમતી તારી રાહ જોતી હશે.

દિવસભરના થાક પછી ગોમતી અને ધનજી રાત્રે સયનખંડમાં ભેગા થાય,બસ આખી રાત તેમની એકલાની કોઇની ડખલ નહી ,બન્ને પ્રેમી પારેવડા તન, મનથી એકબીજામાં પરોવાય ગાઢ નિદ્રામાં પોઢી જાય. સવાર પડે ગોમતી ધનજીના બાહુને ધીરેથી અળગા કરે,ધનજી ઓઢણું ખેચી પાછી બાહુમાં જકડી ચૂમીઓનો ધોધ વર્ષાવે  બન્ને એકબીજાને ભીજવતા રહે. કુકડાનો કેકારવ સંભળાયો ગોમતી સફાળી ઊભી થઈ, અરે બહુ મોડું થઈ ગયું. જલ્દી ઓઢણુ ઓઢી બાથરૂમમાં,નિત્યક્રમ પતાવી રર્સોડા્માં ગઈ.

મોટાબાને જોયા,જૈ શ્રીકૃષ્ણ મોટાબા, જૈ શ્રી કૃષ્ણ આવી ગઈ બેટા પછી સ્મિત સાથેપુછ્યું ‘સવાણ છે ને બેટા”? ગોમતી શરમાતા’ તમે ય શું બા! આજે હસી મઝાક સાથે બન્નેએ સાથે સવારનું કામ આટોપ્યું. મોટાબા કોઇ વાર વજ્કાળજાના તો કોઇ વાર માખણ જેવા નરમ. હોશિયાર ગોમતી મોટાબાને બરાબર ઓળખતી થઈ ગઈ હતી.  કોઇ વાર ધનજી ગોમતીને વહાલમા કહેતો “તે તો મોટાબા પર જાદુ કર્યો છે,કોઈ દિ તારો વાંક જોતા જ નથી”,” તને શેની ઇર્ષા થાય છે! હું વાંકમાં જ નથી આવતી. હવે જટ દુકાન ભેળૉ થા બાપા પુગી ગ્યા હશે.”પછી કે’તો નહી ગોમતીએ મોડું કરાવ્યું.”

ગોમતીને ઉબકો આવ્યો મોઢા પર હાથ મુકી પરસાળમાં દોડી, મોટાબા પૂજા અધુરી મુકી બહાર આવ્યા, ગોમતીનો વાંસો પ્રસરાવતા બોલ્યા બેટા તને દી ચડ્યા છે.

“મોટાબા એટલે શું?”

“તું મા બનવાની છે”.

“હેં! હું મારી મા ને ઘેર જઇને કહી આવું?”

“હમણા નહીં, તું લીબુનું શરબત પી ને આરામ કર, આપણે બેઉ બપોરે હારે જઈશું”

“મોટાબા, હજુ રસોઇ બાકી છે.”

.”આજે હું અને સુખીબેન થઈને રસોડું પતાવશું, તારે ઊભા નથી થવાનું”.

 મોટાબા અને ગોમતી બપોરે ગૌરીને ત્યાં ગયા. ખડકી ઊઘડી, ગૌરી બહાર નિકળી ચોકમાં ગોમતી અને મોટાબાને જોયા.

આવો આવો વેવાણ, ખરે બપોરે! મુળજીભાઈને મોકલવા’તા ને હું આવી જાત, ગોમતી વાંકમાં આવી છે?”

“ગૌરી વહુ, તારી છોડીનો વાંક છે, બસ આજે જ મારી માને ઘેર જઇને કહેવું છે”.

“શું કહેવાનું છે?”

“ગૌરી વહુ, તું નાની થવાની અને હું વડ દાદી”

“વાહ, આવા સારા સમાચાર જણાવવાની ઊતાવળ તો મારી છોડી કરે જ ને.”

“ગૌરી વહુ, તારે એકાદ વર્ષ અહીં રોકાવું પડશે”.  

“બા-બાપૂજી છે, ગોમતીના બાપુને કોઇ તકલીફ નહીં પડે”.

બેઉ વેવાણ આમ વાતો કરતા હતા ત્યાં ગોમતી ચા, નાસ્તો લઈને આવી.

“મા, મોટાબાનો ચાનો ટેમ થ્યો છે, બેઉ ચા પી ને વાતું કરો”.

“જોયુ ગૌરી વહુ, તારી છોડી કેટલું બાધું ધ્યાન રાખે છે, હું એનો ક્યાં વાંક ગોતું”.

“વેવાણ હવે આપણે બેઉએ ગોમતીનું ધ્યાન રાખવું પડશે”.

આઠમે મહિને ગોમતીનો સીમંતનો પ્રસંગ ધામધૂમથી ઊજવ્યો, ગામની બધી સીમંતિની સ્ત્રીઓને આમંત્રણ અપાયા ખોળો પિત્રાઇ નણંદે ભર્યો.પગલા ભરાયા પગલે પગલે ગૌરીના ભાભીએ સોપારી રુપિયા મુક્યા, બધા ભેગા કરી દાનમાં આપ્યા. સિમંત પ્રસંગ પછી રિવાજ મુજબ ગોમતી પિયર આવી. મોટાબાએ મેથીના લાડવા વાળ્યા, ગોમતીને પિયર મોકલાવ્યા.

નવ મહિના પૂરા થયા , પ્રસુતિની પીડા ઊપડી. સરકારી દવાખાનાની નર્સને ઘેર બોલાવી કુદરતી પ્રસુતિ થઈ ગોમતીને દીકરો આવ્યો. મુળજીએ થાળી પીટી જાહેર કર્યું, બાર વર્ષે મેઘજીના ઘેર પારણું બંધાયું. આખા ગામમાં પેંડા વેંચ્યા. છઠે દિવસે નણંદને તેડા મોકલ્યા નણંદ પાંચ દોરિયા અને છઠીયું (છઠીને દિવસે પહેરાવામાં આવતું (ઝભલું) લઈને આવ્યા. છ્ઠી મંડાય દીવો કર્યો દીવાની વાટની મેસ ભેગી કરી ફૈબાએ ભત્રીજાની આંખમાં આંજી બોલ્યા “છઠીના આંજ્યા, ન જાય કોઇથી ગાંજ્યા”. ત્યાર બાદ  નામ કરણ વિધી કરવામાં આવી બાબાના સંખેડાના ઘોડીયાને સરસ કચ્છી ભરત ભરેલ સાટીનનું ખોયું  બાંધ્યું, બાબાને સુવડાવ્યો. પાંચ સૌભાગ્યવતી વહુ, દીકરીઓએ રેશમની દોરી પકડી હલકા હાથે બાબાને ઝુલાવતા ગીત ગાયું.

  “ઓળી ઝોળી પીપળ પાન, ફોઈએ પાડયું ધનેશ નામ”.

ગોમતીના ખોળો ભરાયાના ચોખાનો મીઠો ભાત ગૌરીએ બનાવ્યો. સાથે ચોખાના સારેવડા તળ્યા, બધી વહુ દીકરીઓને જમાડી અને કચ્છી ભરતના કાપડાની લહાણી આપી.

ગોમતીની નણંદને બે સાડી, બનારસી સેલું અને કચ્છી બાંધણી આપ્યા.

છઠીના દિવસે ગામના એક માત્ર ફોટૉ સ્ટુડીયોવાળા જીવણભાઇને ઘેર બોલાવી ફોટા પડાવ્યા અને સ્પેશીયલ મોટા કવરમાં બીડી રવજીને એર મેલથી મોકલાવ્યા.

ગોમતીનું પાંચમે મહિને જી આણું કર્યું.

એક ઘેરથી બીજે ઘેર જ જવાનું હતું, પરંતુ મોટા ઘર પ્રમાણે  રિવાજ બધા કરવાના.

ગોમતીને તેડવા મુહરત જોઈ સાસરીયા આવ્યા. બે દિયરો, નણંદ,ભાવનગરથી ફોઈ બાબાને રમાડવા આવેલ તેમને મોટાબાએ આગ્રહ કરી રોક્યા.” બેન ચાર દિ રોકાય જાવને ગોમતીને તેડવા જવાનું છે”.

મોટાબા અને મેઘજીભાઇ એમ પાંચ જણા થયા. ગૌરીએ જી આણું દેખાડયું. પહેરામણી કરી .ફૈબા બોલ્યા “ગૌરી વહુ અમારે જી આણામાં પહેરામણી ના હોય”.

“ફૈબા આ તો મારે ઘેર અને મેઘજીભાઇના ઘેર આટલે વર્ષ પારણુ બંધાયું એના હરખનું તમને બધાને આપું છું”.

 “બધા તલધારી લાપસીનું જમણ જમ્યા, ગોમતી અને ધનેશને લઈને ઘેર આવ્યા”.

આ આખો પ્રસંગ ગૌરીએ એકલે હાથ ઉકેલ્યો પૂર્ણ સંતોષ સાથે આફ્રિકા જવાની તૈયારી કરી.

 ગોમતીને ધનેશ પછી બે દીકરા ગણેશ અને ઉમેશ,  ત્યાર પછી બે દીકરી દીના અને નીશા. સૌથી નાનો ઉમેશ હતો.

બાજુવાળા કાકી, માસી વગર માગી સલાહ દેવા આવે, “ગોમતી વહુ તે પાંચ સુવાવડ અને નાના દિયરો પાછળ તારી જાત ઘસી નાખી”. માસી ટાપસી પૂરે બુન બાપડીને સાસુ નહીં કોણ સલાહ દે દસ વરસમાં પાંચ છોકરાની મા થઈ ગઈ”.

ગોમતીઃ”કાકી- માસી, ચા નાસ્તો  તૈયાર છે. તમે મારી ચિંતા છોડો મારા મોટોબા મારી સગી માથી વિષેશ છે. મને જરૂર પડશે ત્યારે તમને પૂછીશ”.

કહેવાય છે ને સાસુ ન હોય  ત્યારે ગામની સો સ્ત્રીઓ સાસુ થવા આવે.

ગોમતી કોઇને સાસુપણું કરવા નથી દેતી. બધાને વિવેક સાથે બિંદાસ જવાબ આપી દેતી. બા અને ગૌરી એકદમ ચિંતા મુક્ત થઈ ગયા.

ધનજીના નાના બેઉ ભાઇઓ મેટ્રિક પાસ થયા, બન્ને માટૅ ગોમતીએ મુંબઈની છોકરીઓ  ગોતી. ધામધૂમથી પરણાવ્યા. મુળજીના સસરાને મુળજી જેઠા માર્કેટમાં કાપડનો ધંધો. મુળજી તેમાં ગોઠવાઇ ગયો. સસરાએ કચ્છ કલા ભરતનો નવો ડીપાર્ટમેન્ટ ખોલ્યો. દેવજી ભણવામાં હોશિયાર તેને વસનજી ભાટિયાની સ્કોલરશીપ મળી ગઈ. ભણવાની બધી સગવડતા વસનજી ભાટિયાની સખાવતોની મદદથી થઈ ગઈ.

Advertisements
This entry was posted in સબળા નારી. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s