ફાંસીને માચડે ૭ સપના વિજાપુરા

fansine machade thi

 બેવફાઈ

કુસુમ અને બેવફાઈ! ઝળઝળીઆ ભરેલી કોમલની આંખમાં કુસુમની છબી ઊભરી આવી. ‘ મારી કુસુમ’,’ મારી કુસુમ’ બીજા પુરુષની બાહોમાં ! કોમલના દિમાંગમાં એક જ વિચાર હથોડાની જેમ વારંવાર અથડાતો હતો. વારંવાર કુસુમને મિત્રની બાહોમાં સમાઈ જતી જોતો હતો. માથું ઝટકીને આ વિચારને વારં વાર ખંખેરવાની કોશીશ કરતો હતો. પણ ફરી એજ વિચાર ગાયની ફરતે ફરતી બગઈની જેમ પાછો આવી જતો હતો. મારામાં શું કમી હતી? મેં એવું શું કર્યુ કે તેણે મારા વિશ્વાસનો ઘાત કર્યો ?ક્દાચ એણે વિશ્વાસઘાત ના પણ કર્યો હોય અને મેં એને નાહક મારી નાખી હોય? હે, ઈશ્વર શું સાચું છે? કાશ કે લાશ બોલી શકતી હોત? તો હું, મારી કુસુમની લાશને પૂછત, શું સાચું છે? હે, ઈશ્વર મને કાંઈ સમજણ પડતી નથી! શું સાચું છે? લાશ તો જૂઠૂં ના બોલેને? ઓહ કુસુમ બોલ, બોલ તે આવું શા માટે કર્યુ? તારા કોમલને દગો ? તારા કોમલને દગો? રહી રહીને આ વિચારે તેના દિમાગનો કબજો લઈ લીધો ! મેં તને કેટલો પ્રેમ આપ્યો. તે મારાં પ્રેમની કદર ના કરી.
એ ધીરે ધીરે ઊભો થયો. હાથમાં ગીતા લીધી. ગીતા ખોલીને માથે રાખી. પછી ખોલીને વાંચવા લાગ્યો તો ગીતાના શ્લોક પણ જાણે લીટી જેવાં બની ગયા હતાં. શબ્દો જાણે ઊડી ગયા હતાં. કહે છે ને કે મન ભટકતું હોય જ્યાં ત્યાં મારું તો બોલ સજદામાં પડીને શું કરું?
ફરી કોમલે ગીતાને માથે અડાડી બંધ કરી મૂકી દીધી.એ વિચારવા લાગ્યો, ‘શું શ્રીમદ ગીતામાં બેવફાઈ વિષે કાંઈ લખ્યું છે?ચોક્કસ લખ્યું જ હશે. બેવફાઈ કરનારને શું સજા મળવી જોઈએ? શું સજા? મોતની સજા? હાં એજ બરાબર છે. એણે મારાં દિલનું ખૂન કર્યુ તો મેં એનું એમાં શું ખોટું છે. હા, એનો આત્મા ભટકવો જ જોઈએ! એને ક્યાંય શાંતિ નહીં મળે ,એમ જ જેમ મને શાંતિ નથી! પણ આ શું ? કુસુમ એનાં લોહીમાં ભળેલી છે. એક એક ટીપામાં. મારું લોહી જો થીજી જાય તોજ કુસુમ મારામાં ફરતી બંધ થાય..

કોમલને એક પ્રસંગ યાદ આવી ગયો. જાણે કાલે જ બન્યો હોય તેવું લાગતું હતું. એ બન્ને સાંજના ઘરની પાછળનાં બગીચામાં બેસી ચા પી રહ્યા હતાં. માદક સુહાનું વાતાવરણ હતું. બગીચો ગુલાબનાં ફૂલો થી મઘમઘી રહ્યો હતો. ભમરા ફૂલો પર મંડરાઈ રહ્યા હતાં. કોમલની આલિંગનમાં બેઠેલી કુસુમે કહ્યુ,’ કોમલ તારા જેવો હેન્ડસમ અને દેખાવડો યુવાન મેં નથી જોયો. તને હું ખૂબ ચાહું છું.” કોમલે એકદમ લોભાવનારું સ્મિત કર્યુ હતું. એનાં લાંબાં કાળા કેશમાં હાથ પ્રસારતા એણે લુચ્ચુ સ્મિત કરીને કહ્યું હતું”,એમ?

મારાં કરતાં વધારે સુંદર દેખાવડો બીજો કોઈ પુરુષ તારાં જીવનમાં આવે તો? તો શું તું મને છોડી દઈશ?? કુસુમે એને જોરથી ધક્કો માર્યો હતો. એનો ચહેરો ગુસ્સાથી એકદમ લાલ થઈ ગયો હતો. એ એકદમ ઊભી થઈ ગઈ હતી. કોમલે એનો હાથ પકડી પાછી બેસાડી દીધી અને એક હળવું ચુંબન એનાં કપાળ પર કરી કહ્યુ,’ જાન હું તો મજાક કરું છું! તું આવી રીતે રીસાઈ ગઈ. મને તો મારાં કરતાં તારા પર વિશ્વાસ વધારે છે. મારું મન કદી લપસે પણ તું બેવફાઈ કરે એ તો હું સ્વપનામા પણ ના વિચારી શકું.” કુસુમ એકદમ રીસામણા અવાજમાં બોલી હતી કે,” તને મારાં સમ છે જો મજાકમાં પણ આવી વાત કરી તો. કારણકે તું તો મારી જાન છે અને જાન કદી છોડી શકાય? આવી વાત કદી ના કરતો. તારા વગર તો હું બીલકુલ સુની . તારા વગર હું ફૂંક વગરની વાંસળી છું. તું જ મારું જીવન છે.”
હા, જીવન પણ એક આંટીઘૂંટી છે. એક સમયે બન્નેના જીવનમાં પ્રેમની વર્ષા વરસતી હતી ત્યારે હવે કુસુમના દિલના એક ખૂણામાં એકલતા ઘર કરી ગઈ હતી. બાળકની ઝંખના વધતી જતી હતી. કોમલ બાળકની વાતમાં જરા પણ રસ લેતો ના હતો. કુસુમ એક પછી એક હોસ્પીટલના, દવાખાનાના, ક્લિનીકના દરવાજા ખટખટાવતી હતી. જ્યારે બધી દવાઓ અને ફર્ટીલીટી પિલ્સ ખાઈને થાકી તો ભગવાન તરફ હાથ લંબાવ્યો. દોરા ધાગા અને જે મંદિરની મહીમા સાંભળે એટલે ત્યાં પહોંચી જાય. છતાં જાણે ભગવાન પણ રીસાઈ ગયો હતો. એ સુની કુખ પર હાથ ફેરવતી અને દિલમાંથી એક હાય નીકળી જતી. હવે કોમલના રોમાન્સમાં એને રસ પડતો ન હતો. એની પ્રેમની વાતો પણ ખોખલી લાગતી હતી. કારણકે એને સંતાન સુખ નહોતી આપી શક્તી. કુસુમને હમેશા લાગતું કે કોમલમાં કોઈ કમી હશે. કારણકે ડોકટર પાસે જવાની વાતને હમેશા ટાળી દેતો. હા, કુસુમમાં કોઈ કમી ના હતી ઘણાં ડોકટરોએ જણાવ્યું હતું. એનાં બધાં રીપોર્ટ નોરમલ આવતાં હતાં.
કુસુમ હવે ઉદાસ રહેવા લાગી હતી. કોમલના પ્રેમનો ઉત્સાહથી જવાબ પણ આપી શકતી ના હતી. એને બસ કોમલને જુએ એટલે એજ વાત યાદ આવે કે આ માણસ મને બાળક નથી આપી શકતો. આમે ય કુસુમ, કોમલના ગુસ્સાવાળા અને “હું“ પણા વાળા સ્વભાવને પહેલેથી સહન કરતી હતી. પણ પોતાની આવડતથી આટલાં વરસ કાઢી નાંખ્યા. રુક્ષતા પણ પ્રેમમાં ઓટ લાવે છે.
કોમલ પણ કામને લીધે વધારેને વધારે બહારગામ જવા લાગ્યો. એને પણ કુસુમનું નીરસ વર્તન કઠતું હતું. બન્ને વચ્ચે જાણે ખાલીપણાની એક મોટી ખાઈ હતી. જે દિવસે દિવસે વધતી જતી હતી.
કોમલ સાથે બે ત્રણવાર એને ડોકટરને બતાવવાની વાત કરી પણ કોમલમાં રહેલો મેઇલ ઈગો ચીલ્લાઇને ના પાડતો. કારણકે એ સ્વીકારવા તૈયાર જ નહોતો કે એનામાં કોઈ કમી હશે. પછી કુસુમે બાળકને ખોળે લેવાનું કહ્યું તો એમાં પણ કોમેલે કોઈ રસ લીધો નહી. એ હમેશા કહેતો કે ઈશ્વરની ઈચ્છા હશે તો આપણને બાળક થશે અને ખાઈ વધતી જતી હતી . કુસુમને એકલતા કોરી ખાતી હતી. દિલ બાળકની કીકીયારી માંગતું રહેતું. બારીમાં બેસી બાલકોને જોયા કરતી. કોઈ બેનપણીના પ્રેગનેટ થવાના સમાચાર સાંભળતી તો કલાકો સુધી તકીયામાં માથું નાંખી રોયા કરતી. પણ એનું દુખ સાંભળવાવાળુ કોઈ ના હતું. હા કોમલ તો બહારગામ ફરતો હતો. આ અંતર હવે બન્ને એ સ્વીકારી લીધું હતું
કોમલ પહેલા એને આલિંગનમાં લેતો તો એ શરમાઈને બાહોમાં આવી જતી. હવે એને કોમલનો સ્પર્શ પણ સહન ન થતો. ડોકટરની આપેલી તારીખોમાં એ કમને કોમલ સાથે દેહસંબંધ બાંધતી પણ મહીનાના અંતે જ્યારે એને પીરીયડ આવી જતો તો પાછી ડીપ્રેશનમાં જતી. એને સહારો આપવા માટે કોમલ હાજર હોય જ નહીં.
હા, સ્ત્રી અને વેલ બન્ને સરખા હોય છે. જ્યાં જરા પ્રેમ અને લાગણી દેખાય એ તરફ ઢળવા માંડે છે. અને કુસુસનું હ્ર્દય પણ આ ખાલીપણું ભરવા માંગતું હતું. એ દિવસે જ્યારે અજીત એનાં ઘરે આવ્યો. ત્યારે એ ઉદાસ થઈ બારી પાસે બેઠી હતી. સામેથી ઊંચો સશક્ત અજીત આવી રહ્યો હતો .

એ પહેલા તો એને ઓળખી ના શકી. પણ નજીક આવતા. એકદમ ખીલી ઊઠી અરે આતો સુરભીનો પતિ. એની બેસ્ટ સખી. જે કોમલના ખાસ મિત્ર અજીતને પરણી હતી. અજીત બારણે આવી પહોંચ્યો. દરવાજાની બેલ વાગી. એ ધસી ગઈ દરવાજો ખોલવા. ‘ અજીત આવો આવો. બહુ દિવસે દેખાયા?” કહી એ દરવાજા પરથી ખસી ગઈ. અજીત ઉદાસ દેખાતો હતો. એનાં કાળા ઘુંઘરાળા વાળ એનાં કપાળ સાથે રમી રહ્યા. ગોરો અજીત રંગીન શર્ટમાં શોભતો હતો. એણે બેસવા કહ્યુ અને રસોડામાં પાણી લેવા ગઈ. બહાર આવી પાણી આપી એ પૂછી બેઠી, ” અજીત સુરભી ક્યાં છે? એ સાથે નથી આવી?’ અજીતની આંખો ભીની થઈ ગઈ. એણે કુસુમ સામે જોયું અને પછી ખૂલી બારીમાંથી દેખાતા આસમાની રંગનાં આકાશમા જાણે શું શોધી રહ્યો હતો. એ ક્યાંય સુધી ચુપ રહ્યો કાંઈ બોલતો ના હતો. આ મૌન એકદમ ગુંગળાવનારુ હતું. ફરી એની નજર બારીમાંથી ઘરમાં આવી. હજું આંખોમાં પાણી હતાં. કુસુમનું દિલ બેસતુ જતું હતું. એ એકદમ ઊભી થઈ ગઈ અને અજીતની પાસે પહોંચી ગઈ. એને ધીરેથી એનાં ખભા પર હાથ મૂકી કહ્યુ, “અજીત કહો મને શું થયું છે? કાંઈ ન બનવાનું તો નથી બન્યું ને? “અને અજીતના બાંધી રાખેલા વહેણ છૂટી ગયાં. આંખોમાંથી ચોધાર આંસું વહેવા લાગ્યાં. હવે કુસુમ ખરેખર ગભરાઈ ગઈ. એણે અજીતના બન્ને હાથ પોતાનાં હાથમાં લઈ લીધાં અને કહેવા લાગી, “ અજીત કહો મને શું થયું છે?” અંતે નાના બાળકની જેમ અજીત હીબકે ચડી ગયો. કહેવા લાગ્યો પણ શબ્દો ગળામાં અટવાતા હતા, “કુસુમ, કુસુમ, સુરભી, સુરભી આપણને છોડી ચાલી ગઈ. સુરભી તારી મિત્ર આ દુનિયા છોડી ગઈ મને તથા મારી દીકરીને મૂકીને.” અને અજીત નાના બાળકની જેમ રડી પડ્યો. કુસુમ પણ પોતાની પ્રિય સખીના મોતના સમાચાર સાંભળી સ્તબ્ધ થઈ ગઈ હતી. અજીતનો હાથ પકડી બેસી રહી હતી.આજીત હજું ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો.” મારે તને ફોનમાં આવા સમાચાર આપવા ન હતાં એટલે ઘરે આવી ગયો. કાર અકસ્માતમાં તારી પ્રિય સખી અમને રઝળતા મૂકી ચાલી ગઈ. અજીયે અચાનક રડતાં રડતાં પોતાનું માથૂં કુસુમનાં ખૉળામાં મૂકી દીધું. હવે કુસુમની આંખોમાંથી પણ આંસુની ધાર વહી રહી હતી. સુરભી સાથેનું બચપન, જવાની નજર સામેથી પસાર થઈ ગયાં. હવે સુરભી નથી, હવે સુરભી નથી. દિલ માનવા તૈયાર જ ન હતુ. પણ નથી સુરભી. ઓહ ઈશ્વર આ તે શું કર્યુ અને એ પણ અ્જીતના કેશમાં હાથ ફેરવવા લાગી અનાયસે એણે અજીતનું માથું પોતાની છાતી સરસુ ચાપી દીધું. અજીતે પણ એને પોતાની બાહોમાં લઈ લીધી. બન્ને પ્રેમમાં અને લાગણીમાં ભીંજાઈ રહ્યા હતાં.

ત્યાં કોમલ ચાવીથી દરવાજો ખોલી અંદર દાખલ થયો. કોમલ કુસુમને અજીતના આલિંગનમાં જોઈ ધૂંઆફૂઆ થઈ ગયો. પોતાના દિલની મલ્લીકા આવી હાલતમાં. ગુસ્સો શેતાનનું ઘર છે. એને તો બસ અજીત અને કુસુમ એક બીજામાં સમાયેલા દેખાતાં હતાં. બેવફાઈ કુસુમની બેવફાઈ. કોઈએ કહ્યુ હોય તો જુદી વાત આતો આંખે દેખ્યુ, કેમ જુઠૂ માનવું ? એને નજર સમક્ષ જોયેલું દ્રૂશ્ય ભુલાતું ન હતું. એ કાચા કાનનો ન હતો. કુસુમને અજીતના આલિંગનમાં જોઈ. અંતે કોમલે પોતાની ફુલ જેવી પત્ની કુસુમનું કાસળ કાઢી નાખ્યું.
ક્રોધમાં ભાન ભૂલેલાના હાથે અક્ષમ્ય અપરાધ થઈ ગયો. હા, આંખે દેખ્યું ખોટું ન હતું ? કોમલે હકિકત જાણવાનો પ્રયત્ન સુદ્ધા ન કર્યો. પત્ની બેવફા છે એવું માની લીધું. પ્રેમની ઈમારત સાવ કાચા પાયા પર ચણી હતી. છાતી ઠોકીને દાવો કરતો હતો,“હું કુસુમને ચાહું છું”! પ્રેમી પ્રેમમાં આંધળો ન બને ! કોમલે પ્રેમ નામને કલુષિત કર્યો. બદનામ કરી પત્નીને !

સહાનુભૂતિને,’ બેવફાઈ’નું પ્રમાણ પત્ર આપનાર પાગલ પ્રેમી ફાંસી સિવાય ક્યાં ઠરે ?

 

Advertisements

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

2 Responses to ફાંસીને માચડે ૭ સપના વિજાપુરા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.