‘ ફ્યુનરલ-હળવે હૈયે ‘ (૫) હેમાબહેન પટેલ

Funeral home

“ પંખી નવું પીંજરુ માગે “

ભારતમાં ફ્યુનરલમાં સ્ત્રીઓ હાજર ના રહી શકે એટલે સ્મશાનની વિધિ જોઈ ના હોય પરંતું સાંભળેલી વાતોથી બધું જાણતા હોય કે સ્મશાનમાં અંતિમ ક્રિયા કેવી હોય.સ્ત્રીઓમાં સહનશક્તિ હોય પરંતુ ઈમોશનલ વધારે હોય એટલે ચિતાની આગમાં બળતુ શબ જોઈ ના શકે કદાચ એટલેજ એવો રિવાજ પાડી દીધો એમ લાગે છે.આમેય નાનપણમાં નનામી જોઈને બહુજ બીક લાગતી હતી. ભુલથી પણ નનામી જોઈ હોય તો આખી રાત ઉંઘ ન આવે.આજે પણ આવા પ્રસંગમાં સામેલ થવાનો હમેશાં અણગમો હોય પરંતું લોકલાજે હાજરી આપવી પડે.કોઈના સુખમાં ભાગીદાર ના થઈ તો ચાલે દુખમાં તો અવશ્ય થવું જોઈએ.સમાજમાં સુધારા થયા એટલે સારું છે, જુના સમયમાં તો જનારની પાછળ સગાં-સબંધી-મિત્ર મંડળ-પાડોશી હદ કરી મુકતાં ! શોક મનાવવાની રીત માઝા મુકી દેતી હતી ! પાંચ છ વર્ષની નાની ઉંમરે જોયેલુ આછી સ્મૃતિ હજુ પણ તાજી છે.જાત જાતના કઢંગા રિતી રિવાજ જે હદ કરી મુકે અને જીવવાનુ પણ મુશ્કીલ કરી દે.અત્યારે તો મરણનો શોક પણ સાચેજ બધે સમજદારી પૂર્વક શાંતિથી પાળે છે.

અમેરિકામાં ફ્યુનરલ પધ્ધતિ સૌ કોઈ જાણે છે.અંત્યેષ્ઠિ માટે કોફીનમાં રાખેલ મૃત વ્યક્તિને એવી રીતે સાચેવેલ હોય છે જોઈને એમ લાગે શાંતિની નીંદરમાં પોઢી રહ્યું છે ઉઠીને જાણે હમણાં બોલી ઉઠશે,સુંદર વસ્ત્ર, મેકઅપ કરેલ હોય જોઈને લાગે નહી આ મૃત દેહ છે. કોફીનમાં જે ચિર નીંદ્રામાં પોઢી રહ્યું છે તેનુ હૈયુ હળવું થઈ ગયું છે.આત્મા અનંતની સફરે નીકળ્યો છે, મૃત્યુ તેનો માર્ગ મોકળો કરી દેછે, તેનો જીવાત્મા તો આનંદ આનંદમાં રાચી રહ્યો હોવાથી શરીર છોડીને સુખ શાંતિ અનુભવે છે.ફરીથી નવું શરીર, નવું જીવન અને આત્માની યાત્રા આગળ ચાલે છે.મરનારને કોઈ દુખ નથી પરંતું મરનાર માણસના પરિવારજન દુખી દુખી હોવાથી તેમનુ હૈયુ આક્રંદમાં ડુબી જાય છે.ભગવાને માયાનુ વળગણ એવુ આપ્યુ છે,એ માયાના બંધન છોડવા બહુજ કઠીન કામ છે. સ્વજન પરલોક જવા માટે કાયમ માટે વિદાઈ લે, ફરીથી ક્યારેય તેનુ મૉ જોવાનુ નથી મળવાનુ આવી ક્ષણે હૈયુ હળવુ કેવી રીતે રહે ? છતા પણ કલેજા પર પત્થર મુકીને જનારને વિદાઈ આપવી પડે છે.જીવનમાં બે પ્રસંગ સૌથી વધારે પીડા આપે છે એક દિકરીની સાસરે વિદાઈ અને બીજો સ્વજનનુ મૃત્યુ, બંને હ્રદયને પીડા આપે છે.

ઘણી બધી વખત ફ્યુનરલમાં જવાનુ થાય છે પરંતુ જ્યારે પોતાના પરિવારના સદસ્યનુ મૃત્યુ હોય ત્યારે મન વધારે દુખી થઈ જાય. વ્યવહાર નિભાવવા માટે બીજા કોઈના ફ્યુનરલમાં જઈએ ત્યારે એટલુ દુખ ના થાય, દિલમાં દયાભાવ હોય માટે અરર-બિચારા-બહુજ ખરાબ થયુ વગેરે શબ્દો મૉઢામાંથી સરી પડે.કોઈના પણ ફ્યુનરલમાં જઈએ ત્યારે મૃત દેહ જોઈને આ ગીત ચોક્ક્સ યાદ આવ્યા વીના ન રહે

“ એકલા જ આવ્યા મનવા એકલા જવાના સાથી વીના સંગી વીના એકલા જવાના.

ત્યારે એક ક્ષણ માટે તો વિચાર આવે શું આખરે જીવનની આ સચ્ચાઈ છે ? સૌની એક દિવસ આ દશા ચોક્ક્સ થવાની છે, બધું જ અહિંયાં મુકીને અરે આ શરીર પણ સાથે નથી આવવાનુ, ત્યારે જીવન પ્રત્યે અણગમો થાય, જીવનમાં કોઈ રસ ન રહે, વિચારે એક દિવસ જો મરવાનુ છે તો જીવીને શું કરવાનુ ? આ તો ક્ષણીક ભાવ આવે તે સ્મસાન વૈરાગ કાયમ ન રહે ઘરે જાય એટલે પાછા સંસારની માયાજાળમાં ફસાય.ગૌતમ બુધ્ધ જેવા કોઈક જ અપવાદ હોય કે જેની જીવન રાહ બદલાઈ જાય.અમેરિકામાં ફ્યુનરલ વખતે ખરેખર તો શાંતિ હોય, પૂજા થાય, ધુન બોલાય, ભજન ગાય, ગીતા પાઠ કરવામાં આવે,વિદાઈ લઈ રહ્યા હોય તેને માટે બે શબ્દ બોલીને શ્રધ્ધાંજલિ આપવી, આમ જોવા જઈએ તો બધું હળવે હૈયે જ થાય છે, દિલના ભાવ દબાવીને કોઈ રોળ-કકળ નહી, ફક્ત આંખના અશ્રુ દેખાય. સત્ય તો એ છે,જે જીવાત્મા શરીર છોડીને બીજી દુનિયામાં જઈ રહો છે તે જીવાત્માને આગળ સદમાર્ગે જવાનો વેગ મળે તેને માટે સતસંગ અને ઈશ્વર ભજન બહુ જ જરૂરી છે, તેની પાછળ ખોટા રિતી રિવાજોનો કોઈ મતલબ નથી.જુના સમયમાં લોક્લાજને કારણ મજબુરી હતી મનથી કમનથી રુઢિચુસ્ત રિવાજો પ્રમાણે ચાલવું પડતુ હતું અત્યારે લોકોમાં સાચા-ખોટાની સમજ આવી છે, સમાજની બહુ પરવા નથી કરતા પોતાની સગવડ અને અનુકુળતા પ્રમાણે ચાલે માટે રિતી રિવાજોમાં ઘણા ફેરફાર થયા છે. છતાં પણ ફ્યુનરલની ક્રિયા તો તેની રીતે ચાલતી રહેવાની છે.

કોઈનુ ફ્યુનરલમાં બેઠા હોઈએ ત્યારે કોફીનમાં મૃત શરીર જોઈને અવિનાશભાઈ વ્યાસની આ સુંદર પંક્તિઓ યાદ આવે છે જે જીવનની સચ્ચાઈ દર્શાવે છે.

“ પંખી નવું પીંજરુ માગે “

પંખીડાને આ પીંજરુ, જુનું જુનું લાગે,

બહુએ સમજાવ્યું તો યે પંખી, નવું પીંજરુ માગે

ઊમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો

અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો

અણદીઠેલ દેશ જાવા લગન એને લાગે

માન માન ઓ પંખીડા આ નથી રાજવીની રીત

આવું જો કરવું હતું તો નહોતી કરવી પ્રીત

શાને કાજે મારો તું સથવારો ત્યાગે રે

સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝૂલો

હીરે જડેલ વીંઝણો મોતીનો મોંઘો અણમૂલો

પાગલ ના બનીએ ભેરુ કોઈના રંગરાગે રે

ઓછું શું આવ્યું સાથી કે સથવારો ત્યાગે

જન્મ ધરીને પીંજરે જીવ્યા હારોહાર

પણ જ્યાં સૂરજ મંડ્યો ડૂબવા ત્યાં તૂટ્યો તંબૂરાનો તાર

અધૂરું ભજન સંગાથી ઉમળકો ભાગે

પણ પંખી વાણી ઊચરે કે આખર જવું એક દહાડે

આ નથી નિજનુ ખોળિયું આ તો મકાન રાખ્યું ભાડે

પોઢવાને કાજે પાગલ સારી રાત જાગે.

અવિનાશભાઈની આ રચનામાં એક એક શબ્દમાં કેટલી બધી ઘેહરાઈ અને સચ્ચાઈ સમાયેલી છે.

જ્યારે જીવાત્મા આ શરીર છોડીને જાય છે ત્યારે શરીરની યાતના બતાવી છે, શરીરમાંથી જીવ નીકળે છે ત્યારે દેહ અસહ્ય દુખ અનુભવે છે.તેની પીડા બીજું કોઈ જોઈ નથી શકતું.જેને થકી શરીર ચાલતુ હોય તે જીવ દેહમાંથી નીકળે ત્યારે દુખ તો થાય જ.જીવાત્મારુપી પંખીને આ શરીર રુપી પીંજરુ હવે જુનુ લાગે છે અને હવે તેને આ પીંજરુ છોડીને બીજે જાવુ છે.જીવને આ જરજરિત શરીરમાં તેનો શ્વાસ રુંધાતો હોવાથી તેમાંથી આઝાદ થવું છે,નક્કી કર્યુ આ જુનુ પીંજરુ છોડીને જે દેશ જોયો નથી તે પરલોકમાં જવાની તાલાવેલી લાગી,કાયા સમજાવે છે તૂં મારા મનનો રાજા છે, હે પંખી તૂં માની જા ના જઈશ રાજવીને આ રીત શોભે નહી. આ દેહ જીવાત્માને સમજાવે છે જો તારે જવું જ હતું તો મારી સાથે પ્રીત કેમ કરી ? પંચમહાભુતમાંથી બનેલ શરીર કહે છે શાને કાજે તૂં મારો સાથ છોડીને જાય છે ? હે જીવાત્મા મેં તને સોને મઢેલ બાજઠિયા સમાન બેસવા માટે દિલ આપ્યુ,સોને મઢેલ ઝુલા સમાન ઝુલવા માટે મન આપ્યુ,હીરે જડેલ વીંઝણા સમાન મોતિના મોંઘેરા વિચારો આપ્યા ,તૂં પાગલ ના બનીશ, તને શું ઓછું આવ્યું ? શું ખરાબ લાગ્યું ? કે મારાથી નારાજ થઈને મારો સથવારો છોડવાનો વિચાર કર્યો. મારો ત્યાગ કરે છે. તારા વીના આ કાયાનો કોઈ અર્થ નથી . આપણે સાથેજ જન્મ લઈને સાથે જ જીવ્યા. પરંતું જીવનની સંધ્યા કાળે જ્યાં સૂરજ ડૂબવા લાગ્યો છે ત્યારે શ્વાસરુપી તાર તૂટ્યો ને સાથે હળીમળીને ગાતાં હતાં જીવનના જે રાગ, જીવનના ગીત, હવે આપણા ગીત અધુરાં રહેશે, તારા વીના જીવવાનો ઉમળકો હવે રહ્યો નથી.તારા વીના જીવન શક્ય નથી.દેહની આનાકાની પછીથી હવે આ જીવાત્મા રુપી પંખી બોલ્યુ, “મારે એક દિવસ તો તને છોડીને જવાનુ જ હતું, આ ખોળિયું મારું નથી મારે તો આ ભાડાના મકાન સમાન છે, રહીને જ્યાં આગળ પોઢવા માટે આવ્યો પરંતું તને જીવનનો માર્ગ બતાવવા માટે દીવાદાંડી સમાન બનીને આખી રાત જાગતો જ રહું છું. તારો અને મારો આટલો જ સાથ હતો.આજે તો અહિંયાં તારી સાથે હતો કાલે બીજુ ખોળિયું શોધીશ. હું એક મુસાફર છું હું એક જગ્યાએ રહી ન શકું, મારી યાત્રા અટકી જાય.

 

 

 

Advertisements
This entry was posted in ફ્યુનરલ " હળવે હૈયે". Bookmark the permalink.

One Response to ‘ ફ્યુનરલ-હળવે હૈયે ‘ (૫) હેમાબહેન પટેલ

  1. પિંગબેક: ‘ ફ્યુનરલ-હળવે હૈયે ‘ (૫) હેમાબહેન પટેલ | શબ્દોનુંસર્જન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s