ફ્યુનરલ- એક હાસ્યલેખ -નવીન બેન્કર-


આપણા  સિનિયર્સ એસોસિયેશનના મેમ્બર- પેલા જીવીકાકી -ગુજરી ગયા. તેમનું ફ્યુનરલ ગુરૂવારે બપોરે ૧૧ થી ૧ વચ્ચે, ગાર્ડન ઓક ફ્યુનરલ હોમમાં રાખ્યું છે.’ Funeral home

સામાન્ય રીતે કોમ્યુનિટીમાં કોઇ  ગુજરી જાય ત્યારે ઇ-મેઇલ મારફતે મેસેજ મળતા હોય છે.  જીવીકાકી નામ તો જાણીતું હતું પણ ચહેરો યાદ આવતો ન હતો. કદાચ વર્ષોથી કાકી બિમાર હોવાના કારણે મીટીંગમાં કે પિકનિકમાં દેખાતા ન હતા. આવો શોકસંદેશ મળતાં જ, હું મારા કોમ્પ્યુટર પર ગુજરાતી ફોન્ટ્સમા શોકસંદેશ કે શ્રધ્ધાંજલિ લખી નાંખું અને બધાંને મોકલાવું. ફ્યુનરલમાં પણ જઉં અને સિનિયર્સના વડીલ તરીકે કોઇ મને માઈક પર બોલાવે તો બે શબ્દો કહું પણ ખરો. મને આ બધાંની સારી ફાવટ છે. છાપામાં ફોટા સહિત ‘ફુલ ગયું ને ફોરમ રહી ગઈ’ જેવી શ્રધ્ધાંજલિઓ પણ લખી આપું.

એ દિવસે મારે , બે વખત નહાવું પડે. મારી પત્ની ચુસ્ત પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ છે. એટલે ફ્યુનરલમાંથી આવ્યા બાદ, મારે તરત જ, ક્યાંય અડ્યા વગર, બાથરૂમમાં જઈને બધા જ કપડાં કાઢી નાંખીને,પલાળી દઈને સ્નાન કરવું પડે. ઘરમાં પગ મૂકતાં જ ચીસાચીસ કરવા લાગે કે-‘ જોજે ક્યાંય અડતો નહીં. ખિસ્સામાંથી રૂમાલ કાઢવાનું ભૂલતો નહીં. બધો બોળાવાળો કરી મૂકીશ. મારા ઠાકોરજીને- ‘  વગેરે વગેરે..અને હું એના ઠાકોરજીને મણમણની ચોપડાવતો, નિર્વસ્ત્ર થઈને નહાવા બેસી જઉં. ગાળાગાળી કરૂ પણ પત્નીના ડરથી એનું કહ્યું તો માનું જ.

હાં ! તો આ કયા જીવીકાકી ગયા એ જાણવા હું ફ્યુનરલમાં ગયો. ૧૬” બાય ૨૦” ની તસ્વીર જોઇને હું જીવીકાકીને ઓળખી ગયો. પહેલી હરોળમાં સફેદ વસ્ત્રો પહેરેલા એમના આપ્તજનોને જોઇને મને થયું કે અરે! આ બધાંને તો હું ઓળખું છું. ચાર દીકરીઓ, બે દીકરા, પ્રપૌત્રો, ભાઈઓ બધાંને હું ઓળખું.પણ કોઇને, જીવીકાકીને કારમાં લઈને મીટીંગસ્થળે મૂકવા આવતા જોયેલાં નહીં. જીવીકાકી હંમેશાં પાડોશણની રાઈડ લઈને જ આવતા હતા. અથવા મારા જેવા પરગજુ વોલન્ટીયરને વિનંતિ કરીને બોલાવી લેતા. જીવીકાકીના નવ પરિવારજનોએ ગળગળા થઈને, ગળે ડૂમો ભરાઇ જવાના અભિનય સાથે, શ્રધ્ધાંજલિઓ આપી. બેક ગ્રાઉન્ડમાં, કોફીનની પાછળથી, જીવીકાકીના બાળપણથી જુવાની અને ઘડપણ સુધીના ખુબસુરત ફોટાઓની સ્લાઈડો સ્ક્રીન પર દર્શાવાતી હતી. હું, પણ, કારમાં રાઈડ આપતી વખતે,જીવીકાકીએ કહેલી તેમના જીવનની ખાટીમીઠી વાતોને યાદ કરી રહ્યો હતો.

એક બીજા ફ્યુનરલમાં એક ડોક્ટરના પિતાશ્રી ગુજરી ગયેલા. એમના ભાઇઓ પણ બધા જ ડોક્ટર્સ. સદગત પિતાશ્રી પણ ડોક્ટર હતા, ડાઘુઓની સામે કોફીનમાં મૃતદેહ પડ્યો હતો અને એક પછી એક દીકરાઓ, સદગત પિતાશ્રીને શ્રધ્ધાંજલિ આપતા હતા.  એમના એક દીકરા ડોક્ટર આદિત્ય ઐયરે પિતાજીની અંત્યેષ્ઠિ ક્રિયામાં મદદરૂપ થવા આવેલા એક રૂપાળા, પ્રૌઢ સન્નારીને જોઇને, કાંઇક આવી મતલબની શ્રધ્ધાંજલી આપવા માંડી.

‘આજથી ત્રીસ વર્ષ પહેલાં, હું આ શહેરમાં આવેલો ત્યારે અમે એક નાટક કરેલું. એમાં આ બહેન ( પેલા પ્રૌઢ ખુબસુરત સન્નારી ) પણ એમાં કામ કરતા હતા.  એ મારા હિરોઇન હતા. નાટક કરતાં, એના રિહર્સલ /પ્રેક્ટીસ  કરવામાં વધારે મજા આવતી. ખરૂ ને પ્રિયંકાબેન ? ( નામ બદલ્યું છે ) …. અને પછી આદિત્ય ઐયર સાહેબ ભુતકાળની સ્મૃતિઓમાં ખોવાઈ ગયેલા. અને ડાઘુઓ સ્તબ્ધ થઈને જોઇ રહ્યા હતા. ફ્યુનરલ માં આવા યે નંગ ભટકાઇ જાય છે.

અમારા શહેરના એક ભાઈને જો શ્રધ્ધાંજલિ આપવા માટે માઈક હાથમાં આપીએ એટલે, પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન કરવા માટે, સંસ્કૃતમાં ફાડવા માંડે અને પછી ‘ઇતિ, મતિ, બુધ્ધી’…થી શરુ કરીને આખી ભીષ્મ-સ્તૂતિ શરૂ કરી દે. ત્યાંથી નહીં અટકતાં, મતિ અને બુધ્ધીનો તફાવત સમજાવવા માંડે અને મહાભારતના  યુધ્ધમાં ભીષ્મપિતામહ, બાણશય્યા પર પડેલા અને શ્રીકૃષ્ણ ભગવાનને બોલાવી પોતાની બે માનસપુત્રીઓનું દાન કરેલું એની કથા કહેવા માંડે. અમે તો આ બધું અગાઉ પણ એટલી બધી વાર સાંભળેલું કે જેવો એ વક્તા ઉભો થાય કે અમે તો બીડી પીવા ફ્યુનરલ હોમની બહાર જતા રહીએ અને પુષ્પાંજલિ સમયે હાજરી આપવા જ આવીએ.

એક બીજા વક્તા શ્રધ્ધાંજલિ આપવા ઉભા થાય કે તરત મૃતદેહ ના કોફીન સામે બે હાથ જોડીને, ગળગળા થઈ જવાના અભિનય સહિત શરૂ કરે-‘ દાદા…’ શ્રોતાઓમાંથી કોઇ સુધારે-‘ દાદા નથી, દાદી છે.’ એ સાંભળીને સુધારી લે કે- ‘દાદી…છેલ્લા દિવસોમાં તમે મને ફોન કરી કરીને કહેતા કે’ સુધાકર, પેલું ભજન સંભળાવ ને ! અને મને તમારી પાસે આવવાવો સમય જ ન મળ્યો.’ આવો, આપણે બધા ‘બા’નું પ્રિય ભજન ગાઈને તેમને અંજલી આપીએ’. અને પછી એક લાં..બ્બુ ભજન એમના ખોખરા સ્વરે આપણા માથે ઠપકારે. પાછું આ જ નાટક બીજી કોઇ ડોશીના ફ્યુનરલમાં યે સાંભળવાની આપણે તૈયારી રાખવાની.

હવે તો , ફ્યુનરલ ૧૧ વાગ્યે હોય તો હું ૧૨ કે સવા બાર વાગ્યે જ જઉં અને વીઝીટર્સ બુકમાં નામ લખીને, કોરીડોરમાં સોફા પર જ બેસું છું અને પુષ્પાંજલિ સમયે, લાઈનમાં ઉભો રહીને, મૃતદેહ સમક્ષ નતમસ્તકે ઉભો રહી, મૃતકના  અન્ય પરિવારજનો, મારી હાજરીની નોંધ લે એ રીતે, પુષ્પાંજલિ કરીને, દરવાજા પાસે લાઇનસર ઉભેલા પરિવારજનોને ભેટીને કે જયશ્રીકૃષ્ણ કરીને વિદાય લઉં છું.

ફ્યુનરલની આગલી સાંજે મૃતકના નિવાસસ્થાને ભજન રાખ્યા હોય ત્યાં જવાનું હું ટાળી દઉં છું. એના બે કારણો-  એક તો, સુતકીને ઘેર જવાથી યે સુતક લાગે અને કપડાં બોળીને મારી પુષ્ટિમાર્ગિય ભક્તાણી પત્ની મને નવડાવે. અને બીજું, એમના નિવાસસ્થાન પાસે પાર્કીંગ ન મળે અને દૂરદૂર ગાડી પાર્ક કરીને ચાલવું પડે. સોફામાં બેસવાની જગ્યા ન મળે અને નીચે શેતરંજી પર બેસવું પડે તો ટાંટીયા વળતા નથી. વળી ભજન આઠ વાગ્યા પછી જ હોય એટલે રાત્રે ડ્રાઇવ કરવું પડે.

અમુક સમજુ સજ્જનો ફ્યુનરલમાં ચોક્સાઇપુર્વક અમુક સમયમર્યાદામાં પ્રસંગને સમેટી લેતા હોય છે. બીનજરૂરી વક્તાઓને કે ચીટકુ વિદ્વાનોને માઈક આપવાનું ટાળે છે.

 મેં તો મારા રજીસ્ટર્ડ વીલમાં લખી દીધું છે કે મારા અવસાન પછી, ‘દેહદાન’ જ કરી દેવું.   

નો ફ્યુનરલ…     નો  શ્રધ્ધાંજલિઓ….    નો ભીષ્મસ્તુતિઓ

 

*****************************************લખ્યા તારીખ- બીજી ઓક્ટોબર ૨૦૧૫.

 

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

One Response to ફ્યુનરલ- એક હાસ્યલેખ -નવીન બેન્કર-

  1. પિંગબેક: ફ્યુનરલ- એક હાસ્યલેખ -નવીન બેન્કર- | શબ્દોનુંસર્જન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s