વાચક લખે છે (૧૩ ) રોહીત કાપડીયા

વાયુને હંફાવવા બળ ના કરે

                                                                       વાયુને હંફાવવા બળ ના કરે.

                            એ સુગંધી છે, કદી  છળ ના કરે

                           પુષ્પ પર ડાઘો પડે એ બીકથી

                           જીવવાની જીદ ઝાકળ ના કરે

                           સ્વપ્નને સંકેલવાની બાબતે

                           ઉંઘતો માણસ ઉતાવળ ના કરે

                           ખુબ ઘેરી ને ગહન છે લાગણી

                           એ ઝરણાંની જેમ ખળખળ ના કરે

                           ક્રોધ તો કરતો નથી ‘ઈર્શાદ ‘ પણ

                           ના ગમે તો વાત આગળ ના કરે

                                                                     ચીનુભાઈ મોદી

                  કોઈ પણ ખ્યાતનામ કવિની કલ્પનાથી કંડારાયેલી રચનાનો રસાસ્વાદ કરાવવાનું અત્યંત કપરું હોય છે. રસાસ્વાદ કરાવતા એ પણ શક્ય બંને કે કવિની કલ્પનાના શિલ્પ અને આપણે મનમાં રચેલું શિલ્પ અલગ જ હોય. ખેર! તો પણ નામી ગીત અને ગઝલકાર ચીનુભાઈ મોદીની ઉપરોક્ત રચનાનો રસાસ્વાદ કરાવવાની ચેષ્ઠા કરું છું. ક્યાંક મારી સમજફેર હોય તો પ્રથમ જ ક્ષમા માંગી લઉં છું.

                પ્રથમ ચાર પંક્તિમાં સજ્જનતાની વાત કવિ બહુ જ નાજુકાઇથી કરે છે. જે સજ્જન હોય તે સદા યે સરળ જ હોય છે. સજ્જનતા એમનો સ્વભાવ હોય , એમની પ્રકૃતિ હોય. એ તો નિસ્વાર્થ ભાવે સત્કાર્યો કરતાં જીવન સફરમાં આગળ વધતાં હોય છે. તેઓ કદી કોઈને પાછળ પાડી દેવામાં માનતા નથી. તેમને કોઈને પછાડવામાં રસ નથી હોતો કે બીજાને હરાવવામાં રસ નથી હોતો. રજનીશજીએ એક નાનકડાં વાક્યમાં જિંદગી જીવવાની રીત બતાડી છે — ‘ તરો નહીં વહો ‘ બસ સજ્જનો પણ આ રીતે વહેવામાં જ માનતાં હીય છે. સત્કાર્યોની સુવાસ ફેલાવવામાં જ માનતા હોય છે.

                               પુષ્પ પર ડાઘો પડે એ બીકથી

                               જીવવાની જીદ ઝાકળ ના કરે

        એક નાનકડી કથા આ ગહનતાથી ભરેલી બે પંક્તિને સરળ બનાવી દેશે. એક મહાન સંતની ભક્તિથી ખુશ થઈને ઈશ્વરે કહ્યું “માંગ ,માંગ તું જે માંગીશ તે આપીશ.” સંતે કહ્યું” મને તું મળી ગયો એટલે સર્વસ્વ મળી ગયું. હવે મને બીજું કશું નથી જોઈતું. મારે કશું નથી માંગવું. “ઈશ્વરે સંતની કસોટી કરતાં કહ્યું” ભલે તારે કશું નથી જોઈતું પણ હું તને એવું વરદાન આપું છું કે તું જેના મસ્તક પર હાથ ફેરવશે એનાં બધાં જ દુઃખ, દર્દ અને બીમારી એક પળમાં દૂર થઇ જશે.” આ સાંભળતાં જ સંત બોલી ઉઠ્યાં ” ના, ના ઈશ્વર આવું વરદાન તો કદીયે ના આપીશ. જો આવું થાય તો લોકો મને જ ઈશ્વર માની લેશે અને તને ભૂલી જશે.” ઈશ્વરે ફરી કહ્યું ” શું તું નથી ઇચ્છતો કે લોકોનાં દુઃખ, દર્દ અને બીમારી કાયમ માટે દૂર થાય.?”સંતે કહ્યું” હું તો ઈચ્છું છું કે આખા વિશ્વનું ભલું થાય. માટે તારે જો આપવું જ હોય તો એવું વરદાન આપ કે મારાં પડછાયામાં જે કોઈ આવે તેનાં દુઃખ, દર્દ અને બીમારી દૂર થઇ જાય.આમ કરવાથી એ લોકોની તારાં પરની શ્રદ્ધા જળવાય રહેશે અને મારામાં પણ અભીમાન નહીં આવે.” સજ્જનો પણ આ રીતે સત્કાર્યમાં જ માનતાં હોય છે નામમાં નહીં. ઝાકળનું બિંદુ પુષ્પપત્ર પર મોર્તીની જેમ ચમકતું હોય છે પણ એ કયારે ય તે સ્થાનને વળગી રહેવામાં માનતું નથી. એ તો થોડી વારમાં જ રંગ અને તેજની લહાણ કરી ઉડી જાય  છે, કારણકે એને ખબર છે કે જો એ એનાં સ્થાનને વળગી રહેશે તો એ જ્યારે સુકાઈ જશે ત્યારે પુષ્પપત્ર પર એનો ડાઘ પડી જશે.

        પછીની બે પંક્તિમાં કંઇક જૂદી જ વાત કવિ કરે છે. જીવન સફરમાં મોહ નીંદરમાં સૂતેલો માનવી ભ્રામક સુખનાં સ્વપ્નોમાં રાચતો હોય છે. એ સુખ એનાં નસીબમાં લખાયેલું જ નથી હોતું, છતાં પણ એ એને પંપાળે છે.સંવારે છે, સજાવે છે.હકીકતની દુનિયાના દુખોને ભૂલીને એને આ ભ્રામક સ્વપ્ન વિશ્વમાં રાચવું ગમતું હોય છે. કદ્દાચ એથી જ માણસ નથી ઈચ્છતો કે એનું સ્વપ્ન પૂર્ણ થઇ જાય.એ મોહ નીંદરમાંથી જાગૃત થવા જ નથી ઈચ્છતો .

                       દુઃખ એટલું હતું જીવનમાં કે

                       શમણાનું સુખ પણ પ્યારું લાગ્યું

                    વાસ્તવિકતા એટલી વસમી હતી  કે

                       ભ્રમણાનું સુખ પણ વહાલું લાગ્યું.

    પછીની બે પંક્તિમાં લાગણીની ગહનતાની વાત હૈયું ભીંજાઈ જાય એ રીતે કવિ કરે છે.લાગણી હંમેશા હૃદયનાં ઉંડાણમાંથી ને મનના ભીતરથી પ્રગટતી  હોય છે. આ લાગણી ખામોશીમાં પણ ઘણું બધું કહી જતી હોય છે. સાચી લાગણીમાં ક્યારે ય માંગણી નથી હોતી. અપેક્ષા નથી હોતી. સ્વાર્થ વૃતિ નથી હોતી. ઉપર ઉપરથી વહી જતાં ઝરણા જેવો ખળખળ અવાજ એમાં નથી હોતો. એતો ધોધની જેમ વહે છે અને તો યે સાવ નિશબ્દ હોય છે. શાંત હોય છે. આ લાગણી ક્યારેક આશીર્વાદ રૂપે ,ક્યારેક આવકાર રૂપે, ક્યારેક આશ્વાશન રૂપે, ક્યારેક શુભેચ્છા રૂપે ,ક્યારેક પ્રેરણા રૂપે તો ક્યારેક પ્રશંશા રૂપે છલકાતી હોય છે.

     અંતિમ બે પંક્તિમાં કવિ મનની શાંતિ જાળવવામાં ઉપયોગી વાત કરે છે. ગમતાનો ગુલાલ તો સહેલાઈથી કરી શકાય પણ અણગમતી વાતનો સામનો કરવા માટે સમાજ અને સહનશીલતા જોઈએ.આપણું ધાર્યું નાં થાય કે પછી આપણને ન ગમતી વાત સામે આવે ત્યારે ક્રોધિત થવાને બદલે ખામોશ રહેવામાં જ સાર છે.સાવ નજીવી વાતમાં બે બુદ્ધિમાન વ્યક્તિ બોલાચાલી પર ઉતરી આવ્યાં અને પછી તો  ક્રોધિત થઇ એકબીજાને ન કહેવાનું કહેવા લાગ્યા. એક ત્રીજી વ્યક્તિ પણ ત્યાં હાજર હતી પણ ખામોશ હતી. બૂમબરાડા સાંભળીને બહારથી અંદર આવેલા લોકોએ પેલી ત્રીજી વ્યક્તિને પૂછ્યું” તમે કેમ ચૂપ છો, કેમ કંઈ બોલતા નથી ”  એ વ્યક્તિએ ધીરેથી કહ્યું” two mad men were enough in the room” વાતને આગળ નાં વધારતા જો કંઇક નથી ગમતું તો ત્યાંથી વળાંક લઇ દૂર જતાં રહેવામાં જ સાર છે.

                                                             રોહીત કાપડિયા

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

One Response to વાચક લખે છે (૧૩ ) રોહીત કાપડીયા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s