સેતુ (૧૪) વિજય શાહ

સેતુ

લગ્ન ધાર્યા હતા તેમ કાર્તિક તરફ સાદગી અને કેયા તરફ વધુ ધામ ધુમ પૂર્વક થયા. મિત્રો ખુબ નાચ્યા. વિદાય વખતે રડવાની મનાઇ હતી. કાર્તિકભાઇ અને કેયાભાભીની પ્રેમ સફળતા, ચાર્મી તેમજ કેવીન ને ગમી ગઈ હતી. નવી પેઢી આ વેરા આંતરાને સમજતી હતી પણ માન પુર્વક જોતી નહતી. કેવીન તો આ કારણે યશને પણ તડફડ કરી દેતો હતો.

લગ્ન સંપન્ન થયા શનીવારે અને બધા વિખરાવાનાં હતા સોમવારે. રવીવારની સાંજે બેંગાલ ફાર્માનાં બધા શેર હોલ્ડરોની મીટીંગ હતી. નીચેનાં હોલનાં ગોળ ટેબલની ફરતે બધા ગોઠવાયા હતા. યશ એકલો બેચેન હતો. તેણે પ્રહલાદ બાપાનાં ઘણાં રૂપ જોયા હતા ! આજે ચેરમેન તરીકે  જુદા  ભાસતા હતા. તેમની બાજુમાં શકુબા બેઠા હતા. બન્ને દીકરાઓ અને વહુઓ પણ ટેબલ પર ગોઠવાયા હતા. ભાવના અને પુલિનકુમારને પણ સ્થાન મળ્યું હતું.

ત્રીજી પેઢી કાર્તિક, કેયા, કેવીન અને ચાર્મીને પાછળ જુદી જગ્યા અપાઇ હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે, પુછવામાં આવે તો જ બોલવાનું. દરેકના ટેબલ ઉપર દસ વર્ષની બેલેન્સ શીટ હતી.

યશને તો ખબર હતી કે હાથીના ચાવવાના અને બતાવવાના જુદા હોય છે. એટલે એણે બહુ ધ્યાન ના આપ્યુ. પુલીનકુમારથી ન રહેવાયુ,  કહ્યું યશભાઇ આ સાચી બેલેન્સશીટ છે અને બધા ઉપલક પૈસા આપણામાં લોન તરીકે ફળવાયા છે.

“શું?” યશે બેલેન્સ શીટ ખોલી તો ચક્કર ખાઇ ગયો. કંપનીનો સૌથી મોટૉ દેવાદાર ડાયરેક્ટર યશ હતો.  ત્યાર  પછી પુલીનકુમારનો નંબર આવે.

પ્રહલાદ બાપા એ ખોંખારો ખાઇને મીટીંગની શરુઆત કરતા કહ્યું,”લગ્ન પછી  ઉજવણી હોય પણ આ આંકડાએ મારી આંખો  ખોલી અને તમારી પણ ખોલવા માંગુ છુ’.

બેંગાલ ફાર્મામાં તમારો પણ ફાળો છે. એ ફાળાનાં કામ મુજબ તમને પગાર પણ આપ્યા છે. ફક્ત ઉપલક્ની રોકડી રકમો જે આજ દિન સુધી માંગી નથી તે રકમો હવે કંપની ને પાછી જોઇએ છે. જાહેર છે કે તેની આજ દિન સુધી જરુરિયાત નહતી.  હવે કંપનીના  વિકાસ માટે અને આવનારી પેઢીનું ધન અને વિકાસ કાજે પૈસા પાછા લેવાનો સમય  આવી ગયો છે.

“પણ પપ્પા, આ બે હિસાબી રકમો તો રોકાઇ ગઈ! ખવાઇ ગઇ!” યશે ગલ્લા તલ્લા કરવા માંડ્યા ત્યારે શકુબાએ ઇશારો કરીને તેને શાંત રહેવા કહ્યું.

પ્રહલાદ બાપા આગળ ચાલ્યા.

ફાઇઝર કંપનીમાં આપણી પેટંટ સ્વિકારાઇ છે. એક્ષ્પોર્ટનું ખુબ  મોટુ કામ આપણને મળે  તેવી શક્યતા છે.  એવું મારું માનવું છું.  અમારા બંનેના ગયા પછી આ કંપની તમારા ત્રણ જણાની છે. કીર્તિ, યશ અને ભાવનાની. કુટુંબ છે, સંપથી રહીશું તો આપણો વિકાસ અત્યારે છે તેના કરતા અનેક ગણો થશે.  કુસંપ કરશો તો પરિણામ એવું પણ આવે કે આપણે બેંગાલ ફાર્મા વેચવા મુકવી પડે.

તમે આ સાચી બેલેન્સ શીટ સમજી મારા બે પ્રશ્નોનાં જવાબ આપજો. એક. આ કંપની તમે વેચવા બેસોતો કેટલા પૈસા આવે. બીજુ, તમારે ખરીદવાની હોય તો કેટલામાં ખરીદો ?  યશે થોડોક શ્વાસ લીધો કારણ કે ઉપલક્નો હિસાબ કરવો સહેલો છે પણ તેના ઉપર ટેક્ષ ભરવાનો અને સજા પામવાનું કામ કઠીન હોય છે.

એના વિકૃત મગજે પહેલો પ્રશ્ન કર્યો આ વેચાણ ઉપલકમાં કરવાનું છે કે ચેકમાં?

શકુબા બોલ્યા “બાપાએ બેલેન્સ્શીટ જેમાં બનાવી તેમાં”

થોડોક સમય ગયો અને ત્રણે જણાએ પોત પોતાની રીત આંકડા ભર્યા અને કાગળ આપ્યા. પ્રહલાદ બાપાએ કાગળ ઉપર નજર ફેરવી અને યશને કહ્યું તમને લોકોને મારી આટલા વર્ષની મહેનત ક્યાંય ના દેખાઈ?

“ પપ્પા, આજે તમે એવાં પ્રશ્નો પુછતા હતા કે જે એમ સાબિત કરે છે કે સાઠે બુધ્ધી નાઠી છે..” બેંગાલ ફાર્મા તો કંઇ વેચાતુ હોય? કે તેનો કોઇ ખરીદ દાર હોય ખરો?”**

“ બેટા હવે મને થાક લાગ્યો છે. મારે નિવૃત્ત થવું હોય તો કેવી રીતે થઉં? આ જવાબદારીઓ સમજે એવું તો કોઇ જોઇએ ને? હું કોને તૈયાર કરું? કેવીન કોમ્પ્યૂટર ફીલ્ડમાં જવાનો છે અને ચાર્મી આર્કીટેકમાં !” પુલીન કુમારને વક્રોક્તિની તક મળી ગઈ.  હવે તમે આ બધુ વેચવાના નથી તો તમારા લાયક ક્વોલીફાઇડ દીકરાને જ બધું આપી દો ને?”

પહેલી વખત ઉશ્કેરાતા પ્રહલાદ બાપા બોલ્યા, “ આનું  નામ દુધ પાઇને સાપ ઉછેરવો. આ બધા હિસાબો એટલેજ કર્યા અને ત્યારે તો ખબર પડી કે તમે અણહક્ક્નું કેટલું લીધું છે” !

“ ગઇ કાલે શકુબાએ મને હલકો કર્યો . આજે તમે કોથળામાં પાંચશેરી રાખીને મારો છો?”

ભાવના બોલી, “ આ છોકરાઓની વચ્ચે એમને તમે બહું ના કહો બાપા.”

“ભલે આ મીટીંગ પુરી કરતા પહેલા છેલ્લી વાત કહી દઉં, હું કંપની નો બધો વહીવટ કીર્તિને સોંપી નિવૃત્ત થઉ છું. તમને બંનેને તમારા ભાગ મળી ગયા છે. આજથી બેંગાલ ફાર્માનાં ચેરમેન કીર્તિ રહેશે અને આખી કંપની તેની કહેવાશે.”

થોડી વાર રહીને ગળગળા અવાજે તે બોલ્યા, “તમારે જોવું છે તેણે કંપની ખરીદવાનું કારણ શું બતાવ્યુ છે?. પ્રહલાદ બાપાની શાખ, તેની  કિંમત શું ભરી છે? પ્રહલાદ બાપાનું દેવુ અને તેની ઉપર બા અને બાપાનાં સંપૂર્ણ ઘડપણનો એકાધિકાર”.

કેયા સૌથી પહેલા ઉભી થઇ અને તાળીઓ પાડવા માંડી. તેની સાથે જ કેવિન અને ચાર્મી પણ જોડાયા. શકુબાની આંખો પણ છલકાઇ! સાધના અને કાર્તિક પણ તાળીઓ પાડવામાં જોડાયા.

કીર્તિએ ઉભા થઇ શકુબા અને પ્રહલાદ બાપાને વંદન કર્યા. યશ અને પુલીનકુમારને કહ્યું,” કદાચ આજે પહેલી વખત મારી ફરિયાદ દૂર થઇ છે. બાપાને મન હું વિપ્લવી અને વિદ્રોહી સંતાન છું તે ભ્રમ ભાંગ્યો છે. તેઓને તેમના હાલ પર મુકીને નાસી ગયેલો એકલપેટો પુત્ર હું નથી ! અહીં મેં જોયું તે પ્રમાણે તો તેઓને મન સદા હું, ડાહ્યો દીકરો છું અને હતો”.

કંપનીના ચેરમેન પદને સ્વિકારવા મારે પહેલા તો ભારત આવવું રહ્યું.  હું રેડીયોલોજીસ્ટ એટલે દવા બનાવ્યા પછી તેની  અસરનું નિદાન, એ મારું કામ. પ્રહલાદ બાપા ચેરમેન તરીકે રહેશે, કંપનીનો વહીવટ તેઓ કરશે. અમેરિકામાં વિકસેલા આધુનિક નિયમો દાખલ થશે’.

હું, કુટુંબને એક રાખવાના મતનો છું. પાછલા હિસાબોમાં માથુ નહીં મારું, પણ નવી કાર્ય પ્રણાલીમાં મને કાળા કોઇ પણ કામ નથી કરવા! રેડ પડે અને ભ્રષ્ટાચાર આચરવો પડે તેવું કશું  હું ચાલવા નહીં દઉં’.

ત્રણે જુવાનીયા તેમના પપ્પા સાથે રહી બધા કાળા ધોળા શીખી જાવ. આ કંપનીના વિકાસ માટે ફક્ત ધોળા  કામ કરીશું.  કમાઇએ તો ટેક્ષ પણ ભરશું . બનશે તો હલકી કક્ષાનો કાચો માલ  કદી ખરીદશું પણ નહીં અને વાપરીશું પણ નહીં. હા,આપણે માત્ર સ્પર્ધામાં ટકી રહેવા ઉત્પાદન નથી કરવું . આપણ સારી બ્રાંડનો માલ બનાવશું. આપણે સસ્તી નહીં પણ સારી દવાઓનું ઉત્પાદન કરીશું.’

મારે સહુને બેંગાલ ફાર્માના નેજા હેઠળ રાખવા છે.  સાથે  સૌનું દ્રષ્ટિબિંદુ એક કરાવવું છે. પૈસા એક માત્ર જીવન લક્ષ્ય ન રાખવું. જીવનમાં હેત, પ્રીત પણ મહત્વનાં છે. મોટાને વંદન અને નાનાને વહાલ એમાં બાંધ છોડ નહી ચલાવાય. ખાસ કરીને મારું, તારું અને  વેરા, આંતરાનું ગણિત ભૂલી જજો ! મારી પેઢીના એટલે કે યશ અને ભાવનાએ તો ટ્રસ્ટી બનવાનું છે.  આ પૈસા તો આપણી આવનારી બોંતેર પેઢીનું ધન છે. તેને વેડફી તો ના  શકાય ? ક્યારેક ઢીંક ખાઇને પણ, પ્રહલાદ ઠક્કરબાપાનું સંતાન કુટુંબથી છુટુ ન પડવું જોઇએ. હા, ભવિષ્યમાં કેતન કોમ્પ્યુટર ફીલ્ડમા અને ચાર્મી આર્કીટેક્ટ બની નામ કાઢી  તેમનું ઉજળુ કરશે’!

સંપ ત્યાં જંપ વાળી ઉક્તિને ફરી  એકવાર કહીશ.’ બેંગાલ ફાર્મા’ એ માત્ર નામ નથી ! એ પ્રહલાદ ઠક્કર અને શકુબાનું સ્વપ્ન છે ! જે આજે બીજી પેઢીમાંપ્રવેશી રહ્યું છે. બીજી પેઢી એ આવતી ત્રીજી પેઢીની ટ્રસ્ટી છે. આ પેઢીમાં જન્મ મળવો એ ગૌરવની વાત છે. તેને જાળવવું તે આપણું કામ છે. આપણી જવાબદારી છે’. સર્વેને વંદન કરી માઇક શકુબાને સોંપી કીર્તિભાઇ બેસી ગયા. હાજર રહેલા સૌએ ઉભા થઇ ચેરમેનને તાળીઓથી વધાવ્યા.

શકુબાએ માઇક હાથમાં લઇને ખુબ ગદગદ અવાજે કહ્યું, “પ્રભુએ મારા ધાવણની લાજ રાખી. મને વેરો આંતરો કરતા, પૈસા માટે ભ્રષ્ટાચાર આચરતા અને ગોટાળા કરતા સંતાનો જોઇ શરમથી મારી ગરદન ઝુકી જતી હતી.

જ્યારે કેયાએ કાર્તિકને છોડ્યો, ત્યારે મેં તેંને કારણ પુછવા ફોન કર્યો હતો. ત્યારે ફોન ઉપર રડતા રડતા તે બોલી હતી શકુબા જે ઘરમાં, તમારા જેવી જાજ્વલ્યમાન સ્ત્રીને માન અને આદર ન મળતું હોય તેની  એક ઇચ્છા પુરી કરવા આટલું બધું કકલવું પડતું હોય તે ઘરમાં મારું તો શું વજન પડશે? જેને કારણે  મારો સ્વીટ હાર્ટ જતો કરવો પડશે.”ત્યારથી મેં મનોમન નિર્ણય કર્યો કે કેયા અને કાર્તિક ને આ કારણ સર તો છુટા નહીં જ પડવા દઉં. આજે મને આનંદ છે, કે જે અમે હતા તે ભટકેલા જીવો હતા! આજથી નવો જન્મ પામ્યા છીએ. શીતલ કે સાધનાએ પણ આ વેરા આંતરા નહી સહેવાના. ઘરમાં અમે બે અથવા  જેમણે મોભી હોવાનું  માનભર્યુ સ્થાન ખોયું હતું તે પાછું મેળવી રહ્યા છીએ.

કેયા બેટા તારો ખૂબ આભાર. તારા જ્ઞાનનો લાભ બેંગાલ ફાર્માને આપવા કાર્તિક સાથે  અમદાવાદ ચાલ. હા, કાર્તિક જેટલો પગાર તો બંગાલ ફાર્મા આપશે કે નહીં તે્ની ખબર નથી. ત્રીજી પેઢીની માનવંતી કુટુંબની ભાભી તો તું જ બનીશ. પ્રહલાદ બાપાનાં જ્ઞાનની વારસદાર  તું બની શોભાવવાની !’.

‘વાત પુરી કરું તે પહેલા એક મોટી અને અગત્યની વાત જાહેર કરી દઉં’

‘ફાઇઝરનાં ખર્ચે આયુર્વેદીક એક્ષ્પોર્ટ યુનિટ નું સંશોધન કેન્દ્ર બેંગાલ ફાર્મા બની રહી છે . જો તેની દવાઓ અમેરિકાનાં ક્વૉલીટી ટેસ્ટમાં પાસ થશે તો કામ કરતા પાંચ પેઢીઓ થાકશે એટલું બધું કામ દાદા અને દીકરો લઇ આવ્યા છે’.

ચાલો, અહીંથી ભારત પહોંચીએ ત્યારે બધા લડાઇ, ઝઘડા અને મન દુઃખોને દરિયામાં પધરાવી દેજો. સહુ, સંગે મળીને ગાઈશું, ‘ સુખ ભરે દિન આયો રે  મૌજ મનાઓ’!

યશ અને પુલીન બંને અસ્વસ્થ હતા. તેમને સમજાતુ નહોંતુ કે જે થઈ રહ્યું છે તે સારુ છે કે નરસુ? તેમને હવે લાગતુ હતું કે અંધ ધૃતરાષ્ટ્રનું ભિષ્મ પિતામહમાં રુપાંતર કેવી રીતે થયું?

સાંજે નાના સમારંભમાં કેયા અને કાર્તિકના મિત્રો આમંત્રિત  હતા. શકુબા એ જાતે ભોજન પીરસ્યું. આદર, સન્માન મિશ્રિત વહાલ  સાથે સહુએ તેનો રસાસ્વાદ માણ્યો.

સંપૂર્ણ

Advertisements
This entry was posted in સેતુ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s