વાચકની કલમે” (4) જયવંતી પટેલ

 

આ મહિનાનો વિષય છે “વાચકની કલમે”  “શ્રી  ચિનુભાઈ  મોદી” ‘ઈર્શાદ’ ની કોઈ પણ રચના ઉપર આસ્વાદ લખવો।(કવિતા કે ગઝલ  ) તો ચાલો માણીએ. સરસ અને સંવેદનશીલ. સીધી દિલને અડકતી ગઝલ ઉપર વાચકની કલમે આસ્વાદ.

સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

મને ક્યાં ખબર: હું છું વહેતો પવન,
બધાને ઘેર ફરવાનો મોકો મળ્યો.

હતાં ઝાંઝવા એથી સારું થયું,
મને રેત તરવાનો મોકો મળ્યો.

થયું: હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

શ્રી ચિનુભાઈ મોદીની રચના ઉપર આસ્વાદ લખવો એટલે જળ જળ બમ્બાકાર થતો હોય ત્યાં દરીયામાં પાણી ભરી છંટકારવુ છતાં નમ્ર પ્રયાસ કરું છું.
શ્રી ચિનુભાઈ મોદીનાં લખાણમાં ખૂબ ઊંડાણ હોય છે.  તેમજ દ્વિઅર્થી પણ ખરું.  સચોટ લખાણ ખૂબ ઊંડું જઈ શકે છે. અને હદયને સ્પર્શી જાય છે.  જીવનમાં ઘણું બધું બની જાય છે.  કંઈક ગમતું, કંઈક ન ગમતું.  પણ તેમાંથી પાર થઇ, પાછા ઊઠી બેઠા થઇ સાચી રાહ પકડવી એ કંઈ જેવાતેવાનું કામ નથી.  મુસીબતો કોના જીવનમાં નથિ આવતી ?  પણ મુસીબતોનો સામનો કરવો અને તેમાંથી સાચું દ્રષ્ટી બિંદુ પકડવું એજ શૂરાની પહેચાન છે.

સરસ વાત કરવાનો મોકો મળ્યો

તને પુષ્પ ધરવાનો મોકો મળીયો

આ પંક્તિ કોને સંબોધીને લખાય છે?  કહી શકશો?  હું એમ માનું છું કે તે ભગવાનને અનુસંધીને લખાય છે.  જયારે તમે તમારામાં ખૂબ ઊંડા જઈ શકો ત્યારે ભગવાન સાથે પણ સરસ રીતે વાત કરી શકો છો.  અને એવો મોકો વારંવાર નથી મળતો.  તેને માટે ખૂબ પ્રયત્ન કરવા પડે છે.  અંતરની ખાનદાની રાખવી પડે છે.  અત્યારે પર્યુષણ મહાપર્વ ચાલી રહયા છે આ પર્વમાં જૈન ધર્મ અનુસાર આત્મ શુધ્ધી થાય છે.  આપણે દરરોજ સ્નાન કરી બાહય શુધ્ધી તો કરીએ છીએ પણ આત્મ શુધ્ધીની પણ એટલીજ જરૂરિયાત હોય છે.  એ માટે સ્વ ને ઓળખવાની જરૂર હોય છે. માનવ, ભગવાન અને આત્મા એ ત્રણેય નું મિલન એટલે પરમ આત્મા –  પરમાત્મા.  સ્વ ની ઓળખ આ પર્વ દરમિયાન કરવાનો મોકો મળે છે.

જ્યાં સરળતા, પ્રેમ અને સમજ હોય ત્યાં તમે નિખાલસતા લાવી વાત કરી શકો છો.  તમે કહેશો – પ્રેમિકાને પણ આ બધી વસ્તુ લાગુ પડી શકે છે.  હા,  જરૂર પડી શકે છે.  પણ અહી એ નિખાલસ વાતો પછી પુષ્પ અર્પણ થાય છે.  ખૂબ પવિત્રતા વર્તાય છે.  આટલી વિનમ્રતા અને પ્રેમ સહિત પુષ્પો તો પ્રભુનાં પાદ ચરણમાં જ અર્પણ થાય.  પ્રેમિકા આ સ્થાન ન લઈ શકે.  અને જયારે પ્રભુ સાથે વાર્તાલાપ થતો હોય ત્યારે અંતરમન વિકસિત થાય છે.  અંતરની વાતો કરવાનો મોકો મળે છે.  એમાં સમર્પણનો ભાવ આવે છે. અને ત્યારેજ પુષ્પો ધરવાનો મોકો મળી જાય છે.

મને ક્યાં ખબર હું છું વહેતો પવન

બધા ઘર ફરવાનો મોકો મળ્યો

જીવનમાં સ્થિરતા લાવવી કે હોવી જરૂરી છે.  એવું આપણે માનીએ છીએ.  પણ કંઈક કિસ્સાઓ એવા હોય છે  કે લાખ પ્રયત્ન કરવા છતાં એ સ્થિરતા ન આવે.  જીવન ડામાડોળ થયા જ રાખે.  ચઢતી પડતી આવે તે સાથે સુખ અને દુઃખની ભાવના પણ આવે.  તેમાંથી પણ આશ્વાશન લેતાં આવડવું જોઈએ  ચિનુભાઇ એ ખૂબજ સરસ રીતે વાતને વાળી લેતાં કહયું  હું વહેતાં પવન જેવો – ભલે સ્થિર ન હોવ પણ એ રીતે બધા ઘરો એટલે કે માનવોને મળવાનો અને ઓળખવાનો અવસર મળીયો.  જુદાં જુદાં માનવીના સંપર્કમાં આવવું, તેમની મનોદશાનો ખ્યાલ લાવવો અને વળતાં તેમને કઈ મદદરૂપ થવું એ માનવતાની ઉચ્ચ કક્ષાની સિદ્ધિ છે.  મધર ટેરેસા એ પોતાનું આખું જીવન ભારતનાં ગરીબોને મદદ કરવામાં અને સમજવામાં કાઢી નાખ્યું.  કેટલી દયા હશે એ હૃદયમાં ત્યારે ક્ષય અને કોઢ જેવાં ચેપી રોગવાળાઓ ની સેવા થઈ શકે.  અને આવા હૃદયને ઉપરવાળા સાથે સાચું કનેક્શન યાને કે સેતુ બંધાયેલો હોય છે.  એટલે પેલી કહેવત પ્રમાણે ” ક્સુતરે લાભ ” થયો.

થયું : હાશ સારૂ કે છે તો ખરો

ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો

જીવનને ઉપર છલ્લી રીતે જીવતાં ઘણાં માનવીઓ મુખ ઉપર હાસ્ય રાખી એમ બતાવે કે તેઓ જે કરે છે તેમાં કંઈજ ખોટું નથી.  નજીવી વાત માટે પણ ખોટું બોલી શકાય છે. પણ જયારે એને જ પછડાટ પડે ત્યારે જ બોધ મળે અને ભગવાનનો ડર રાખતાં શીખે  – એ પણ એક મોકો મળેલો જ કહેવાય.

બચતમાં હતા અશ્રુઓ એટલે

નયન બન્ને ભરવાનો મોકો મળ્યો

જયારે બધુંજ લુંટાઈ જાય છે ત્યારે આવી ભાવના ઉત્કર્શે છે.  કાળની ગતિ સામે કોઈનું ચાલતું નથી.  આપણા ખૂબ વ્હાલા સ્વજન ચાલ્યા જાય – રાયમાંથી રંક બની જવાય, સમગ્ર સ્વપ્નની દુનિયા બનાવી હોય તે ભાંગી જાય , બધું વેરણ છેરણ થઈ જાય – શા માટે આવું બન્યું એ પણ ન સમજાય પણ તેનો પડઘો જીવનની દરેક ક્ષણમાં વરતાય.  મન એટલું દુઃખી થઈ જાય કે ન સમજાય કે કોની પાસે આ હૈયા વરાળ કાઢું.  બની ગયું તેને ન બન્યું કેવી રીતે થાય. ભૂલો કરી તેની આટલી કપરી સજા.  હવે નથિ સહેવાતું કારણકે સમય કોઈને માટે ઠહેરતો નથિ અને નાસીપાસ થતાં એજ ભાવના આવે કે મારી પાસે હવે શું બચ્યું છે?  નયનોમાં અશ્રુઓ ભરી ખૂલ્લા દિલે રડી લેવાનો જાણે મોકો મળી ગયો.  ચિનુભાઇ ની  વ્યક્ત કરવાની શૈલી કંઈ અનોખી જ છે.

મુસીબત પડી એ તો સારું થયું

સ્વજનને સરવાનો મોકો મળ્યો

પરિસ્થિતિ સારી હોય ત્યારે સગાવાહલા ખૂબ પ્રેમ બતાવે છે.  મિત્રો પણ અવારનવાર ફોન કરે છે.  ખબર અંતર પૂછે છે.  પણ જયારે ચંચળ લક્ષ્મીદેવી પલાયન થઈ જાય ત્યારે અને એવી બીજી ઘણી મુસીબતો જીવનમાં આવે છે ત્યારે સાચા મિત્રો જ સાથ આપશે.  જે આપણા સ્વજન હોય પણ જરૂરિયાત વખતે કામ ન લાગતાં હોય, એવા સ્વજનને  મોકો મળતાં સરી જતાં વાર નથી લાગતી.  જાણે મોકાની રાહ ન જોતાં હોય !  અહી ચિનુભાઇ એ ખૂબ જ સરસ રીતે વ્યંગમાં આ વાત કહી દીધી છે.  જયારે બધા સાથ છોડી જાય ત્યારે તે એકલો તમારી પાસે ઊભો રહે એ સાચો મિત્ર, સાચો સ્વજન – સરવાનો મોકો મળે અને સરી જાય તે સ્વજન કેવો !!!

ગઝલને થયું છે  આ “ઈર્શાદ ” તો

ઠરીઠામ  ઠરવાનો મોકો મળ્યો

ચિનુભાઇ ની ગઝલોમાં ખૂબ મર્મ રહેલો હોય છે.  મગજમાં વિચારો આવવા અને તેને રસપૂર્વક પ્રદર્શિત કરવાં એ પણ એક કળા છે.  તેમની લાક્ષણિકતા અને ભાવો એમની કવિતા અને ગઝલમાં ખૂબ જોવા અને માણવા મળે છે.  આ કંઈ નાની સૂની વાત નથી.  ગઝલને પણ કોઈ માનવી એની નિરાળી ભાષામાં પ્રદર્શિત કરે તો તેનું માન વધી જાય છે.  ગઝલને પણ ઠરીઠામ થવાનો મોકો મળે છે. અને “ઈર્શાદએ ” આ કામ કર્યું છે.

જયવંતી  પટેલ

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

One Response to વાચકની કલમે” (4) જયવંતી પટેલ

  1. Manoj કહે છે:

    Wow! you are doing well in your retirement. Nice activity and its good for mind and body. I hope and wish you never retire from such activity. All the best, Jayvantiben. Manoj

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s