સેતુ (૮) -વિજય શાહ

સેતુ

પ્રકરણ ૮

આ એક મહીનો કાર્તિક માટે દાદા બાનો લાડકવાયો દીકરો બની જવામાં ખુબ જ કામ લાગ્યો. હવે પપ્પા કરતા દાદા વધુ માનવંત હતા. કોણ જાણે શું ય હથેળીમાં ચાંદ બતાવી દીધો હતો કે બસ દાદા દાદા અને બા બા થઇ ગયુ હતુ. રોમા અને રાગીણી હતા પણ તે પોતાના ભણવામાં…જો કે ધર્મનાં સંસ્કારો પણ કામ કરતા હતા કાર્તિક માનતો હતો કે તે બા અને દાદાની સેવા કરે છે.જે લાભથી તે અમેરિકા હોવાને લીધે વંચિત રહેતો હતો.

જમવાના ટેબલ ઉપર બધા સાથે બેઠા હતા અને કાર્તિકે કહ્યું “ પપ્પા હું જો બી ફાર્મ થઉ તો બેંગાલ ફાર્મા મને આપવના છે.”

સાધના કહે “ હજીતો તુ ૮ માં છે ૧૨ મુ પાસ કર પછી તે દિશામાં વિચારીશું.”

પ્રહલાદ બાપા ની મોટી ચોરી પકડાઇ ગઈ હોય તેવા ભાવ કીર્તિએ તેમના મો ઉપર જોયા.

શકુબા પણ સડક હતા.

“ બાપા! કાર્તિક હજી નાનો છે અત્યારથી તેના મનમાં આ પ્રલોભનો નાખો છો તે સારું નહીં. કામ કરવુ અને આખી પેઢી ચલાવવી એ બે અલગ વાત છે.”

“ જો મેંતો તારામાટે સેવેલું સ્વપ્ન જ એને કહ્યુ છે. અને હજી તો હાથ પગ ચાલે છે એટલે દસ બાર વર્ષ વાંધો નહીં પણ પછી એ કામ નવી પેઢીએ કરવું તો પડશેને?”

“ પણ બાપા અહીંનાં ભણતરનો ઉપયોગ ત્યાં આવીને કેવી રીતે કરશે? અહીંની અદ્યતન તકનીકો અને ત્યાંનો કરપ્ટ વહેવાર? તમે તેના માનસને પ્રલોભનો આપો છો.. તેઅહીં જે ભણશે તેના ભણતરનાં આધારે તે મારા કરતા પણ વધુ સફળ થશે.”

“ જો ભાઇ હું તો મારી પાસે જે હોય તેજ આપી શકુંને?..આતો મમરો મુક્યો નિર્ણય તો હજી તે ભણી રહે પછી લેવાનો છે ને?”

કાર્તિક બોલ્યો “મેં દાદાને એ પણ કહ્યુ હતું કે યશ કાકા અને ભાવના ફઇનાં સંતાનો નો પણ બેંગાલ ફાર્મા ઉપર હક્કા હોયને?”

“ સાચુ પુછો તો હું તો તેને રેડીયોલોજીમાં જ આગળ વધતો જોવા માંગુ છુ.”

કાર્તિક જોઇ રહ્યો હતો બે વડીલોનું અલગ અલગ દ્રષ્ટિ બીંદુ. પ્રહલાદ બાપા તેમનું અધુરું કીર્તિ માટેનું સ્વપ્ન કાર્તિક દ્વારા પુરુ કરવા માંગતા હતા. અને પપ્પા જોઇ રહ્યા હતા કે રેડીયોલોજીમાં પોતાની પ્રેક્ટીસ કરે અને જે પોતે ન કમાઇ શક્યા તે કાર્તિક કમાય..કાર્તિક તો હજી ઘણો નાનો હતો પોતાનું સ્વપ્ન જોવા માટે.

સાધનાએ આ ધાર્યુ નહોંતુ કે પ્રહલાદ બાપા આટલી નાની વયનાં કાર્તિકને એમની શતરંજનું પ્યાદુ બનાવી દેશે… હવે તે ઇચ્છતી હતી કે રસનાં છાંટણાં જ હોય , ઘડા ના હોય..

પાછા જવાની બેગો ભરાવા માંડી..

શકુબા સાધના ને સમજાવવા માંગતા હતાકે તેઓ કીર્તિ અને યશને પ્રહલાદ બાપાનાં દીકરી પ્રેમથી બચાવવા માંગે છે પણ તેમનું પુલીનકુમારની કુટીલ નીતિ પાસે કશું ચાલતુ નથી.યશ તો પોતાને નુકસાન થવા દેતો નથી પણ કીર્તિ દુર રહે છે તેથી તે આડકતરી રીતે છોલાય છે..”

“બા.. તેમને સમજાવવા એટલે ધસમસતી નદીને વાળવી.. તેઓને આ બધી સમજણ તો છે પણ એક શ્રવણ દીકરાની જેમ તેઓ સમજે છે બધુ બાપાનું જ છે તેમને જેમ ઠીક લાગે તેમ તેનો વહીવટ કરે..વળી અમે અહીં આટલે દુર.. સારે માઠે સમયે તો ત્યાંનાં જ કામ લાગે તેથી તેઓ આંખ આડા કાન કરે છે.”

શકુબા કહે “ જો બેટા મારી ફરજ એટલે મેં કહ્યું બાકી ભાવના પણ મારું જ લોહી છે. અને કીર્તિ પણ.. હું સમજુ છું તેમ તેમની આ વહાલા દવલાની નીતિ ભવિષ્યમાં તેમને અપજશ અપાવશે.

“બા. તમારો આભાર.પણ આ વાત તમે પણ તેમને કહેજો કારણ કે તેઓ તો મને ના જ કહીને ઉભા રહેશે.. કારણ કે ઘરની કે કુટૂંબની વાતોમાં અમે પારકું લોહી અને પ્રહલાદ બાપા એ અમને બાકાત રાખેલા તેથી મને તો વાત કરતા પણ ડર લાગે.”

“ તે પણ તેમની વહાલા દવલાની નીતિનો જ પ્રતાપ છે બાકી તું કે હું એટલાજ કુટુંબી કહેવાઇએ અને આપણા વિચારો કુટુંબ હીતમાં સરખાજ ઉત્તમ કહેવાય.”ત્યાં નાના કાર્તિકે અવાજ દીધો “મોમ! દાદા બા ને બોલાવે છે”

બા એ સાડી સંકોરીને રુમ છોડ્યો ત્યારે સાધના પણ અહોભાવથી ગદગદ હતી. -પ્રભુ આમ કેમ બને? મા એક્દમ વહાલનો ઝરો અને બાપા એકદમ મામા શકુની..દાવ ચાલે તો ખબર સુધ્ધા ના પડે. એ તો સારુ છે કે કીર્તિ એક્દમ શકુબા ઉપર પડ્યા છે જો પ્રહલાદ બાપા ઉપર હોત તો શું થતે?

તેને શીતલનાં શબ્દો યાદ આવ્યા.. તે કહેતી હતી “ ભાભી તમે તો નસીબદાર છો કે કીર્તિ ભાઇ જેવા શાંત પતિ મળ્યા છે. યશ નો ગુસ્સો તો જાણે બીજા પ્રહલાદ બાપાજ. એમનું જ ધાર્યુ કરવાનું અને ના થાય તો આવી જ બને તેની વિચારધારા આગળ ચાલી શું બે ભાઇઓ વચ્ચે આટલો બધો તફાવત હોઇ શકે?

ભાવના બેન તો મીંઢા.પોતાની જરુરિયાત પ્રમાણે બદલાઇ શકે છે. જ્યાં સુધી તેમના ઉપર નાણાકિય ભાર ન આવતો હોય ત્યાં સુધી મીઠા પણ જેવી ખબર પડી કે ઘસાવુ પડશે ત્યારે પાકા અમદાવાદી.. નવતાડનાં સમોસા કે ખાડાનાં ગોટા સિવાય મહેમાન ક્યારેય કશું ના પામે. અને પુલીનભાઇ આ બધુ ચાલવા દે.

ખાસ તો તેમના સ્વસુર પક્ષે.. પણ યશ તો મોં પર કહી દે તે તો ઘરનું પાકુ જમણ ખાશે બહારનું કશું જ નહીં અને આ વાત સમજતા શકુબા ક્યારેક બબડે પણ ખરા આ વહેવારમાં ખુબ વહાલ ઉમેરો આ શું જ્યારે હોય ત્યારે તલવાર તાણેલી ને તાણેલી. ખાસ તો પ્રહલાદ બાપા રક્ષબંધન અને ભાઇબીજ નાં દિવસે વહેવારનાં નામે યશ પાસે તગડો વહેવાર કરાવે ત્યારે તો યશ હક્ક કરે કરે ને કરે જ.

કીર્તિ વિચાર તો કરતો થઇ જ ગયો હતો કે દાદા અને દીકરો બે પેઢી તો છે અને મને સીધી સ્પર્શે છે ત્યારે તેમને કેમ સમજાવું કે તમારી બેંગાલ ફાર્મસી કરતા ઘણું ઉજળુ ભવિષ્ય તેનું અહીં છે.

કાર્તિક્ને એમ વિચારતો કરવા પાછળ પ્રહલાદ બાપા તેમની બેંગાલ ફાર્મસીનાં ભવિષ્ય વિશે વિચાર કરતા હતા. કીર્તિ જો તેમની સાથે હોત તો યશ અને કુલીનને સહેવા ના પડત.અને અત્યારે કીર્તિ જે કમાય છે તેથી વધું બેંગાલ ફાર્મા નફો રળતી હોત.પ્રહલાદ બાપા ભાગ્યેજ તેમના સિવાય કોઇના વિશે વિચારતા હશે.. કીર્તિની વિચાર સરણી સ્પષ્ટ છે એક ધંધા ઉપર આખુ કુટૂંબ નભે તેના કરતા તે બહાર નીકળ્યો તો જે પગાર મળે છે તે વિના મૂડી રોક્યાનું વળતર છે ને? ત્રણ પેઢી ત્રણ વાતો.. જે દરેક નું દ્રષ્ટિબીંદુ આગવુ અને મર્યાદીત જે ફક્ત પોતાની જ પેઢી ને જુએ.છે અને દાવો થાય છે કાર્તિક્ની પેઢીનું ભલુ થાય છે.

બદલાવ સમય જ લાવે છે તેમ વિચારીને કીર્તિ શાંત થવા મથે છે.પ્રહલાદ બાપા સાધનાનાં છટકામાંથી બહાર રહેવા મથે છે.. કીર્તિ સમજી ગયો છે કે બાપા અત્રે આવીને જે જોવાનું હતુ તે જોવા માંગતા જ નથી.તેમને એમ ભ્રમ છે કે એની આવકો ભારતનાં ૩૬નાં ગુણાંકે જોતા હતા. પણ ખર્ચાને સમજવા માંગતા જ નહોંતા.. ખાસ કરીને માલપ્રેક્ટીસનો દાવો થાય તો રોડ ઉપર આવી જવાય. અને હાલમાં કોલેજ ભણતરનો ખર્ચો કેટલો મોટૉ છે તે સમજાવી શકતો નહોંતો.

બે કાંઠા દુર અને દુર જ રહેતા હતા..કદાચ આજ જનરેશન ગેપ છે. કલ આજ ઔર કલમાં ચલચિત્રમાં આજ નું પ્રતિક રાજકપૂર જે વેદના વેઠતો હતો તે આવી જ હતી ફક્ત ફેર એટલો હતો કે કાર્તિક હજી નાનો છે શાળામાં છે અને તેને સમજાવવાનો તેની પાસે સમય છે.તેણે સાંજે જમતા જમતા બહુજ સ્પષ્ટ ભાષામાં પ્રહલાદ બાપાને કહ્યુ “ બાપા બેંગાલ ફાર્મા કુટુંબની મિલકત છે તેને હમણા કાર્તિક અને તેની પેઢી થી દુર રાખો..તે મારી યશની અને ભાવના ની પેઢી માંથી ગળાયા પછી તેના સ્વપ્ના બતાડજો. કાચુ માનસ અને નાની ઉમંરે લેવાતા નિર્નયો તમે જેમ માનોછો તેનાથી વિપરીત પરિણામો પણ લાવી શકે છે.”

પ્રહલાદ બાપા બોલ્યા કીર્તિ એવી ભુલ મેં તારા માટે કરી હતી અને તારા પાકટ મગજે રેડીયોલોજીસ્ટ થવાનો નિર્ણય લીધોને?”

“ હા બાપા હું પણ કાર્તિકને તે તક આપવા માંગુ છુ.”

“ જો બેટા ઘરની પેઢીમાં તો અત્યારથી જ પળોટવા પડે. અને તે હું કરુ છુ. જરા કલ્પના તો કર અહીં ભણેલો દીકરો જ્યારે પેઢી સંભાળે તો પેઢી કેટલી વિકસે?”

“ બાપા મેં તમને પેઢી જાળવવા કેટલી તકલીફો વેઠી છે તે મને ખબર છે. કાયમ અનિશ્ચિંતતા અને ખેચમતાણી વાળી જિંદગી એ સમજે પછી તે મારગે વાળીશુ. અત્યારે નહીં એટલે નહીં” આટલું બોલતા તેનો ઉંચો થઇ ગયેલો અવાજ સાંભળી સાધના અને શકુબાને તકલીફ થઇ.”

પ્રહલાદ બાપાને કીર્તિનું વલણ ના સમજાયું કે ના સમજાઇ આ જીદ.

કીર્તિ અમુક હદથી પ્રહલાદબાપા આગળ ના વધે તેમ કહેવા મથતો હતો.અને કાર્તિક પણ કંઇ પુછ્યા વગર કરવાનો નહોંતો તેવો ભરોંસો હોવા છતા પાણી પહેલા પાળ બાંધી. મહીનો તો જોત જોતામાંપુરો થઇ ગયો પણ બાપા કંઇ બાઘા નહોંતા કે જાણતા નહોંતા કે કીર્તિ શું ઇચ્છે છે.તેમના ત્રણ મહીના નો સમય તેઓ જે ધારતા હતા તે કરીને ગયા. સાધનાએ હજાર ડોલર જમા કરાવવાના ચાલુ કર્યા.. અને ફાર્મસીની સારી સારી વાતો તેના મગજમાં નખવામાં સફળ થયા હતા.પેલો કીર્તિનો બડબડાટ જુગટુમાં હારેલા યુધિષ્ઠિરનાં બડબડાટ સમો હતો.

શકુબા કહે “કીર્તિ..યશ અને ભાવના ત્રણેય મારા સંતાનો હતા પણ તેમના જન્મ સમયે જુદા જુદા પરિબળો હતા તે મુજબ સંતાનો થયા હતા. કીર્તિનાં જનમ સમયે પ્રહલાદબાપા સ્ટ્રગલર હતા બેંગાલ ફાર્મા નાં ફ્રસ્ટ્રેશનો હતા તેથી દ્વીધામાં રહેતા પ્રસંગ જળે તેને નિર્ણય લેવામાં વિનમ્ર બનાવ્યો જ્યારે યશ વખતે પેઢી બરાબર જામી ગઇ હતી અને પ્રહલાદ બાપા બરાબર વિષયનાં ખાં બની ગયા હતા તે બધી વાતો યશ જન્મથી જ ગળથુથીમાં લૈને આવ્યો.. પ્રહલાદ બાપા વિચારે તે પહેલા તેના મગજમાં તે વિચાર નું અમલીકરણ હોય જ. ભાવના તો મારા અને તેમના બંને નાં દુર્ગુણોનું મૂર્તિમંત સ્વરૂપ.”

“ બા તમારામાં કયો દુર્ગુણ છે? તમે તો સર્વગુણ સંપન્ન છો.” સાધના તરત બોલી

ત્યારે શકુબા કહે “ મારો દુર્ગુણ એ કે તેમને મો પર જે કહેવું હોય તે ન કહીને મેં સ્વિકારી લીધું છે કે હું ક્યારેય તેમને પહોંચી નથી શકવાની. અને ભાવના બાપા પાસેથી તેમનું કામ કઢાવવા પુલીન કુમારને હાથો બનાવી દે છે.

સાધના શકુબાની વાતો સાંભળીને વિચાર કરતી થઇ ગઈ

ઘરનાં પાત્રો વિશે વિચારતા તેને કેટલીક વાતો સમજાઇ ગઇ હતી કે આ વહાલા દવલાની નીતિનાં જનક પ્રહલાદ બાપા છે પણ તેઓ બેંગાલ ફાર્માને ટકાવી રાખવા મથતા ભીષ્મ પિતામહ વધારે છે જ્યારે વનવાસ પામેલ પાંડુ અને હસ્તિનાપુરનાં ધ્રૂતરાષ્ટ્ર છે બે ભાઇઓ કીર્તિ અને યશ અને ઘરમાં આ ખેચં ખેંચી શરુ થઇ કારણ કે ફોર્મ્યુલેશન ના કામોમાં નફો ઘણો બધો દેખાય છે.આ કથા નાં ઘણા પાત્રો હજી છુપાયેલા છે પણ કાર્તિક્ને અર્ભિમન્યુ બનાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે જેમાં કોઇ બે મત નથી. ભાવનાબેન, શકુબા અને શફી કાકા આ મહાભરતમાં ક્યાં હશે તે કલ્પના કરવી જરા અઘરી છે.

આખરે તે દિવસ આવી ગયો જ્યારે શકુ બા અને પ્રહલાદ બાપા પાછા વળ્યા. કીર્તિ થોડોક ઉદાસ હતો તે વારંવાર શકુબાને જોતો અને તેની આંખો ભરાઇ જતી. તેમને પગે લાગતી વખતે તેઓ ફરી બોલ્યા બા થોડું ક વધારે રહ્યા હોત તો સારુ! શકુ બા એ પણ માથૂ હકારમાં હલાવ્યું અને કહ્યું “હવે રાગીણી માટે છોકરો શોધો એટલે અમે આવવાનાં જ.”

સાધના કહે “એ કામ તો અમે અમદાવાદ આવીને કરવાના છીયે”

પ્રહલાદ બાપા બોલ્યા” તમે ત્યાં આવો તો સૌથી સરસ અને અહીં રાખો તો આખુ કુટુંબ અહીં આવે ને?”

“ભલે બાપા રોમા કે કાર્તિકનાં લગ્ન અહીં કરીશું પહેલું લગ્ન તો ત્યાં જ કરીશુ.” સાધનાએ વિવેક સહ કહ્યું

રાગીણી કહે હજી તો મારે ભણવાનું છે પછી પ્રેક્ટીસ કરી પૈસા ભેગા કર્યા પછી લગ્ન ની વાત.

બેગો ગાડીમાં મુકાઇ અને આખુ કુટુંબ બા દાદાને મુકવા એરપોર્ટ પહોંચ્યુ. હ્યુસ્ટન નું એરપોર્ટ વિકસી રહ્યુ હતુ ચાર બેગો ભરેલી હતી અને હાથમાં તેમની શાલ અને ગરમ કપડા હતા. શકુબાની આંખો ચુમતી હતી બંને છોકરીઓ પણ આર્દ્ર હતી કાર્તિક દાદને વળગીને દાદાને પુછતો હતો.. “દાદા મને તો આ બધા રડે તે બીલકુલ ના ગમે.”

“તુ મારો સાચો દીકરો.જો મને રડવું આવે છે?”

“ હા. પણ પપ્પા પણ કેવા રડમસ થયા છે.”

“ જો બેટા પુરુષ રડી શકે તો તે ખરાબ નિશાની નથી અને આતો હવે ઉંમર થઇ તેમને આ દસ હજાર માઇલ્નું અંતર નડે છે . સાજે માંદે અમેરિકાથી દોડીને આવવુ સહેલ નથી.”

“મને સમજાય તેવું બોલો દાદા!”

“એવું છે કે અમે જીવ્યા તેટલું કંઇ હવે જીવવાના નથી.. આમેય પીળુ પાન ક્યારે ખરી પડીયે તે કહેવાય નહીં”.

“દાદા! હજી મને ના સમજાયું.. તમે પીળુ પાન કેવી રીતે?”

“ જો ભાઇ તમારા બધા કરતા અમે વહેલા જન્મેલા એટલે જવાનું પણ અમારે વહેલા.તે તો સાચુને?”

“પણ પીળુ પાન એટલે?”

“ઉંમરલાયક માણસો કહેવાઇએ ને એટલે એવું જ કહેવાય.”

“અરે દાદા તમને કંઇ થવાનું નથી હજી તો મારે તમારી પાસે ભણીને બેંગાલ ફાર્માનો વહીવટ શીખવાનો છે.”

કીર્તિ આ સાંભળતો હતો અને દાદા મુંછમાં મલકાતા હતા..

પ્રહલાદ બાપાનું ઑસડીયું કાર્તિક પી ચુક્યો હતો

સાધના બોલી “ હજી તો ભેંસ ભાગોળે છે ૮મું ધોરણ પાસ કરીને બીજા ૮ વર્ષ ભણવાનું છે ત્યાર પછી શું થશે અને કેવું થશે એ સમયનું કામ છે.”શકુબા જોઇ રહ્યા હતા અને પારખી ગયા હતા કે યશ અને તેના દીકરા માટે પ્રતિદ્વંદી તૈયાર થઇ રહ્યો હતો. ફૂલ હાર કરી બધા ફરી થી બા દાદાને પગે લાગ્યા અને ડેલ્ટા પ્લેનનાં કાઉંટર ઉપરથી બધા છુટા પડ્યા. શકુ બા છેક છેલ્લે સુધી કીર્તિને જોઇ રહ્યા હતા અને પ્રહલાદ બાપા પોતાના અભિમન્યુને.. કાર્તિક્ને…

પાછા વળતા બંને બેનો એ કાર્તિક્ને કારમાં ઉધડો લીધો..

“ દાદા તો કહે પણ તારે તો પપ્પાએ ના પાડી છે ને? તારે એ દિશામાં નથી વિચારવાનું. દાદાને તો ઘણા છે પણ પપ્પાનો તો તું એક્નો એક છે.અને તારા ભવિષ્ય વિશે વિચારવાનો અને ભણાવવાનો સૌથી પહેલો હક્ક પપ્પાનો છે. ખબર છેને?”

થૉડાક સમય સુધી બંને બેનો ને સાંભળ્યા પછી કાર્તિક બોલ્યો “ હું દાદુને ખાલી રાજી કરવા તેમની વાતો સાંભળતો હતો મારે તો અમેરિકન જિંદગી જીવવી હોય તો અમદાવાદ જઇને રહેવાની વાત જ ના હોયને?

સાધના અને કીર્તિને થોડીક હાશ થઇ.

કીર્તિ તે વખતે બોલ્યો “ જો બેટા આંબાનાં ફળો તેના સમયે પાકે ત્યારે મીઠાશ આવે.. સમય કરતા વહેલા પાકે તો તે સંકોચાઇ જાય.અને અમેરિકા વધુ વિકસીત દેશ છે અહીં તકો વધુ હોય અને દાદા તેમનું ભવિષ્ય જુએ ત્યારે તારે પણ તારું ભવિષ્ય જોવું જોઇએને?”

 

 

Advertisements
This entry was posted in સેતુ. Bookmark the permalink.

One Response to સેતુ (૮) -વિજય શાહ

  1. Lalitkumar Parikh કહે છે:

    Excellent going with psychological and logical presentation of three generations’ views and problems in a very interesting and gripping style.Slowly the climax will creep in, moving the story to a very exciting phase. The writer deserves a lot of praise for his skill to depict very contrasting characters and their spicy dialogues.at the same time he keeps himself equally devoted to his great and dedicated service to Gujarati Language and Gujarati literature.May His Tribe Icrease.
    Lalit Parikh

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.