કૃષ્ણ જન્મ શા માટે?-ડૉ ઇંદુબેન શાહ

દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી આવી, સૌએ ધામધુમથી ઉજવી, જોર શૉરથી જન્મ ઘોષણા થઇ.

નંદ ઘેર આનંદ ભયો, યશોદાને લાલો ભયો

જય કનૈયા લાલકી, હાથી ઘોડા પાલખી

વિચાર આવે, કૃષ્ણ જન્મ લે અને પાછો વૈકુઠ જતો રહેતો હશે? કોઇ રાક્ષસ ની હત્યા નથી કરતો! રોજ સવાર પડે, પેપરની હેડલાઇન, સ્કુલની માસુમ બાળા પર શિક્ષકે કર્યો બળાત્કાર, તો ક્યારેક પિતાએ સ્ટેપ ડૉટર પર બળાત્કારના સમાચાર સાંભળવા મળે, પોલિસ નાગરિક વચ્ચે મારામારીના સમાચાર, આતંકવાદીઓએ રાયફલ ,મશીનગનથી સેંકડો નિર્દોશ નાગરિકોના જાન લીધાના સમાચાર, આ બધુ વાંચતા મન ઉદાસી અનુભવે, વિચાર આવે આટલા નર રાક્ષસો, નરાધમો, દુઃશાસનો ને કૃષ્ણ  જોઇ રહ્યો છે? કેમ અવતાર લઇ વૈકુઠ છૉડી પૃથ્વી પર જ્ન્મ લેતો નથી? દ્વાપર યુગમાં જન્મ લીધો ત્યારે, નવજાત બાળ કૃષ્ણે પુતનાનુ વિષ પીધુ તેના જ મુખમાં રેડ્યું, તેને મારી મોક્ષ આપ્યો, શિશુપાળ, કંસ જેવા રાક્ષસોને માર્યા, માતા દેવકી અને પિતા વાસુદેવને કાળા કારાવાશમાંથી છોડાવ્યા, રાજ અપાવ્યું ,મથુરાના લોકોને સુખ શાંતિ આપી.જમુના નદીમાં રહેતા કાળીયા નાગના વિષથી પવિત્ર પાણી જેરી બન્યું, તે કાળીયાને નાથ્યો, જમુના નદીના નીર પવિત્ર કર્યા. આટલા કામો તો કૃષ્ણે બાળ  અવસ્થામાં જ પૂરા કર્યા.

અનેક લીલા ગોકુળની ગોપીઓ સાથે કરી, ગોરસ ફોડ્યા માખણ ચોર્યા, ભક્તિનો મહિમા વધાર્યો.

કિશૉર અવસ્થાની ગરીબ સુદામાની મિત્રતા  નિભાવી તેને તવંગર બનાવ્યો તેની ઝુપડીનો મહેલ કર્યો.

હસ્તિનાપુરમાં,અંધ ધૃતરાષ્ટ્ર્ના આંધળા પુત્ર પ્રેમ, અને મામા શકુનીના કપટથી, પરેશાન થતા પાંડવો અને ફોઇ કુંતીને કૃષ્ણ તે મદદ કરી.પોતે અર્જુન સખાના સારથી બન્યા મહાભારતના યુધ્ધમાં ગયા, અર્જુને લાગણીવશ બની ગાંડિવ હેઠે મુક્યું ત્યારે અર્જુનના સખા બની તેને ગીતા જ્ઞાન આપ્યું. સમય આવે પોતાની પ્રતિજ્ઞા તોડી, રથનું પૈડુ ઉપાડી ભિષ્મને પાડ્યા.આ રીતે અધર્મની સામે ધર્મનો વિજય કરાવ્યો.આ બધા કામ કરવા કૃષ્ણ તે જન્મ લીધો.

શું તને નથી દેખાતો? કળિયુગમાં થતો આટલો બધો અધર્મ? કે તને કોઇ નારદ જેવા ભક્તએ હજુ સંદેશો નથી પહોંચાડ્યો?

આજ કાલ ચંદ્ર સુધી માનવ પહોંચ્યો, પરંતુ કોઇને વૈકુંઠ સુધી સમાચાર પત્ર પહોંચાડવાની શોધ નથી કરી!

અરે કૃષ્ણ તુ તો  ત્રિકાળ જ્ઞાની, તારી ઇચ્છા વગર તો પાંદડુ પણ ન હલે, તો શું આ બધુ તારી ઇચ્છાથી થઇ રહ્યું છે?

ના ના એવું તો ન બને,  બહેન દ્રોપદીની એક પુકાર સાંભળી તેની લાજ બચાવવા ચીર પૂરા પાડ્યા, દુઃશાસનને થકવી દીધો,તો આજે આટલી બધી બેન દીકરીઓની લાજ લુટાતી કૃષ્ણ તું કેમ  જોઇ રહ્યો છે?

તારું કહેવાનું એમ છે ને કે કોઇ સાચો ભક્ત નથી, આજ કાલ મંદિર, મસ્જિદ , ચર્ચ બધી જગ્યાએ પાખંડીઓ ધર્મના નામે અધર્મ કરી ભોળા અબુધ લોકોને ફસાવી રહ્યા છે.

સાચી વાત પ્રભુ, નાના મોઢે મોટી વાત માટે માફી માગી લઉ છું, પણ તે હજાર અધર્મી સામે પાંચ ધર્મીઓનું રક્ષણ કર્યું, તેમ સેંકડો શું, આજે હજારો પાંખંડીઓ સામે લાખો અબુધ બાળ, બહેનોનું રક્ષણ કરવા આવ, આ મારી તારા જન્મ દીને નાની સરખી માગણી છે.

સ્વીકારી લે ને પ્રભુ.

અંતરમાં અવાજ સંભળાયો , ભક્ત જરૂર પરંતુ એ પહેલા તું મારું સાંભળ, તમે  મારા દ્વાપર યુગના અવતારથી કંઇ શિખ્યા?  જો શિખ્યા હો તો તમે પાંચ ધર્મીઓ ભેગા મળી અર્જુન બની જાવ, ગીતા જ્ઞાન સમજો, સાચા ભક્ત બનો, નિષ્કામ કર્મ કરો.

વિચાર આવ્યો કૃષ્ણ અવતારે આપણને શું શિખવ્યું? માનસ પટ પર ૫૦૦૦ હજાર વર્ષ પૂર્વેના ઇતિહાસના પાના એક પછી એક ખૂલવા લાગ્યા.સાચી વાત.

કૃષ્ણ અવતાર આપણને ઘણું શીખવે છે.

પાપીઓનો નાશ કરવો

ગોપીઓ જેવો નિર્મળ નિષ્કામ  પ્રેમ કરવો .(આજકાલ થતો સ્વાર્થી પ્રેમ નહીં)

ધર્મની રક્ષા, નિષ્કામ કર્મ.

સાચી મિત્રતા નિભાવવી, મિત્રને કપરા સમયમાં મદદ કરવી,

તવંગર પાપીઓનો સાથ છોડી, ગરીબ પણ સાચાને સાથ આપવો.

ભગવાને પાપી દુર્યોધનના પકવાન ન સ્વીકાર્યા, વિદુરના ઘરની ભાજી સ્વીકારી.

આ બધુ મનુષ્યને શિખવવા ભગવાન અવતાર લે છે.

મનમાં  પ્રભુને હાથ જોડી કબુલ કર્યું, સાચું  પ્રભુ, ગાંધી, માર્ટીન લુથર કીંગ, મેન્ડેલા  જેવા મનુષ્યઓ શિખ્યા, અને હા મલાલા જેવી નાની બાળાએ પોતાના શિક્ષા મેળવવાના અધિકાર સામે લડત કરી, પોતે ઘવાણી, છતા દુનિયા સામે, અત્યાચારીઓને ઉઘાડા પાડ્યા. પરંતુ આવા આંગળીના વેઢે ગણાય તેટલા લોકો શું કરી શકે?

આ કળિયુગમાં  માનવની વસ્તી હજાર ગણી વધારે છે, હજારોની સંખ્યામાં કૌરવો જેવા લોકો છે. એટલે જુજ સારા લોકોથી આ કામ થઇ શકે તેમ નથી.હે કાના તારો આવવાનો સમય પાકી ગયો છે, પૃથ્વી વાસીઓ પર મહેરબાની કર, ધર્મ સ્થાપિત કરવા આવ, મારા પ્રભુ આવ..

પ્રભુ ગીતામાં તે કહ્યું છે તે હું આજે યાદ કરું છું.

यदा यदाही धर्मस्य ग्लानिर्भवति भारत।

अभ्युत्थात्म धर्मस्य तदात्मान सृजाम्य हम॥

પ્રભુ મારી નમ્ર વિનંતી છે, આજે તારા જન્મ દિને, હવે તારા નિર્દોષ, અબુધ બાળકોને બચાવવા અવતાર લે,

પૃથ્વીને નરાધમ રાક્ષસોથી બચાવ.

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

1 Responses to કૃષ્ણ જન્મ શા માટે?-ડૉ ઇંદુબેન શાહ

  1. Charu Vyas કહે છે:

    ________________________________

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.