સેતૂ (૫) -વિજય શાહ

સેતુ

પ્રકરણ ૫

અઠવાડીયા બાદ સવારના પહોરમાં કેયા ઘરે આવી ત્યારે કાર્તિક ઘરે નહોંતો. સાધના બહેનને કહે “ મમ્મી આજે મને કાર્તિક્નાં રૂમમાં તેની ગેરહાજરીમાં રહેવું છે વાંધો તો નથીને?”

સાધના બહેન કહે “ મને શું વાંધો હોય? અમે તો તમને બંનેને હસતા અને કિલ્લોલતા જ જોવા માંગીયે છે.”

તેના હાથમાં ઢગલો ગીફ્ટબોક્ષ અને ફુલો જોઇને સાધનાબહેન મલક્યા. કારમાં બે વખત જઇને ઢગલો રાતા ગુલાબનાં ગુલદસ્તા લઇને આવીને પછી મમ્મીને કહ્યું કાર્તિકને કહેશો નહીં કે હું રુમમાં છું.”

“ સારુ તારા માટે ચા કે કૉફી કશું મોકલાવું? જમવામાં આજે હાંડવો કરવાની છું તારા માટે કશું કરું?

“ ના મોમ.. હું ભુખ લાગશે ત્યારે કશુંક બનાવી લઇશ.. લવ યુ મોમ!”

કેયા કાર્તિકનાં રુમમાં જઇને રુમનું બારણું બંધ કરી ગોઠવણમાં લાગી ગઇ હશે તેમ માનીને સાધનાબેન તેમના કામે લાગી ગયા..

બરોબર બારનાં ટકોરે લંચ માટે કાર્તિક ઘરે આવ્યો ત્યારે પહેલો જ પ્રશ્ન કર્યો.. “મમ્મી કેયા ઘરે છે?”

“કેમ?”

“આજે કોલેજમાં નથી ફોન ઉપાડતી નથી અને તેના મમ્મી કહે છે તે તો કોલેજ જવા સવારથી નીકળી ગઈ છે.”

ત્યાં એના રુમમાંથી મ્યુઝીક સંભળાયુ અને કાર્તિક રુમ તરફ ભાગ્યો. તેનું ફેવરાઈટ ગીત વાગતુ હતુ અને કેયા સરસ વસ્ત્રોમાં ફુલોથી આખો રૂમ શણગારીને ભેટોનો વચ્ચોવચ ઢગલો કરીને ઉભી હતી.. કેરિઓકી લગાડેલી હતી અને કેયા તેના ઉપર ઝુમતી સરસ ગીત ગાતી હતી…કાર્તિક્ને કલ્પના પણ નહોંતી કે કેયા આવું કંઇક કરશે… ત્યાં બેલ વાગ્યો અને બંને કુટુંબો ભેગા થઇને પોટ્લગ પાર્ટીમાં કાર્તિકનાં સરપ્રાઇઝમાં ભાગ લેવા આવી ગયા હતા.

હાંડવો તો હતો જ પણ સાધના બેને અને માધવી બેને સમજીને પુરે પુરુ ભાણું તૈયાર કરી દીધું હતું.. અને બંન્ને પપ્પાઓ જોબ ઉપરથી બ્રેક લઈને હાજર હતા.

કાર્તિકને હજી સમજાતુ નહોંતુ કે આ શું ચાલી રહ્યું છે? તેથી કેયાએ ફોડ પાડ્યો આજે આપણા વિવાહને એક અઠ્વાડીયુ થયુ તેનું ઉજવણું છે…માધવી બહેને વાતને આગળ વધારતા કહ્યુ.. હવે આવી સરપ્રાઇઝ પાર્ટીઓ નિયમિત થશે. ક્યારે થશે અને કેવી રીતે થશે અને કોણ કરશે તે બધુંજ સરપ્રાઇઝ રહેશે…સાધના બહેને બહુ પ્રેમથી કેયાને માથે હાથ મુકીને આશિર્વાદ આપ્યા અને ઓવારણા લીધા… જલ્દી જલ્દી ભણવાનું પુરુ કરો… અને.. કેયાએ નાક પર હાથ મુકઈને ઇશારો કર્યો.. મમ્મી એ વાત ૨૮ પછી ખબર છે ને કાર્તિકનું જાહેરમાં વચન…

આખુ ઘર આનંદમાં ઝુમી રહ્યુ હતુ

ડાઇનીંગ ટેબલ ઉપર ખાવાનું પિરસાયુ..કાર્તિક તો વારી જ ગયો હતો કેયાની ઘરમાં હક્ક કરીને ઘુસી જવાની આવડત ઉપર….હક્ક તો હતો જ .. પણ તેના ઉપર આવું સોનેરી વહાલભર્યુ આમંત્રણ..અહો સુખમ નો અનુભવ કરાવી ગયું

લંચ પુરો થયો મીઠાઇનાં છેલ્લે કોળીયે બંને પપ્પા પરત થયા.. માધ્વી બેને સાધનાબેન સાથે રસોડુ પતાવ્યુ અને કેયા અને કાર્તિક કોલેજ જવા નીકળ્યા…

ગાડીમાં બેસતાની સાથે પોતાની પાસે ખેંચતા કાર્તિક બોલ્યો..” કેયા આવું બધું તને ક્યાંથી સુઝે છે?”

“ જો મેં તને અને તારા ઘરનાંબધાને મારા માન્યા છે.. મારે પણ તે મારા વહેવાર અને વર્તનમાં દેખાડવુ પડેને? અને ભુલી ગયો? આજે વેલેન્ટાઇન ડે હતો…”

“ખરેખર? એતો ફેબ્રુઆરિમાં હોયને?”

જેને હ્રદય્થી ચાહ્તા હોઇએ તેને માટે કશુંક કરવું હોય તો વાર મુહુર્ત અને ચોઘડીયા ઓછા જોવાય? એ તો જ્યારે સ્ફુરે ત્યારે ઉજવવાનું .. વળી આપણે તો આખું આયખું પડ્યું છે ઉજવવાને… તો રાહ શું કામ જોવાની?

રાઇસ યુનિવર્સીટી જતી લેક્ષસને વૉલ્ગ્રીન સ્ટોરમાં ઉભી રાખી કાર્તિક બહાર નીકળ્યો અને મસ મોટું કાર્ડ લઇ આવ્યો જેને બે હાથમાં પહોળું કરી ધીમે રહી ગાડીમાં દાખલ થયો.

કાર્ડમાં લખ્યુ હતું

મારી વહેલી સવારની પહેલી કિરણ

તું છે તો ઉજાસ છે

નહીંતર જીવન ઉદાસ હોત

લવ

કાર્તિક

કેયા વહાલથી જોઇ રહી..

કાર્તિક બોલ્યો “આ મારી પહેલી કવિતા તારે નામ”…

કેયાએ કાર્તિકને અંદર ખેંચતા ગાલ ઉપર વહાલનું ચુંબન ભેટ ધર્યુ.

કાર્તિક કહે – આ શું? જરા જગ્યા તો સાચી પકડ…

કેયા લુચ્ચુ હસી અને કહે લગ્ન પછી તે બધુ…

ખોટો છણકો કરતા કાર્તિક બોલ્યો…”મારૂ આટલું મોટું કાર્ડ અને આટલું બધું વહાલ..પહેલી કવિતા બધુ સાવ માથે પડ્યું! “

“ માથે નહીં ગાલે પડ્યું..” ચાલ જલ્દી ક્લાસમાં મોડા પડશું.

“કેયાડી..”કહીને કાર્તિકે તેને માથે હાથ ફેરવ્યો વહાલનો અને અનુમતિનો…”હા કેયા તારે લીધેજ..હું ભણીશ..અને ૨૮ વર્ષની ભીષ્મ પ્રતિજ્ઞા પણ પાળીશ. મને તારો સાથ અને સંસ્કાર ગમે છે”.

*****

પ્રહલાદ બાપાની ફેક્ટરી સ્થિરતા પકડી ચુકી હતી તેવામાં કીર્તિ સ્વીડન ગયો. તેમને તે ગમ્યુ તો નહીં પણ હવે પેટ કરાવે વેઠ.. સાધનાની પહેલી ડીલીવરી તેથી તે જલગાંવ હતી અને અમદાવાદની સૌથી મોટી ફાર્માસ્યુટીકલ કંપની સારાભાઈ કેમીકલ્સનાં વળતા પાણી થતા ફોર્મ્યુલેશન નું ઘણું બધું કામ વહેંચાતુ થયુ પ્રહલાદ બાપાની બેંગાલ ફાર્માનું કામ સારુ તેથી તે કામ ઝડપથી વધવા માંડ્યુ.

પ્રહલાદ બાપાને ઘરનાં માણસો વધુ હોય તો સારુ એવું લાગતુ. રોમા અને રાગીણી નાં પતિઓને ફેક્ટરીમાં લાવી શકાય પણ મન માનતુ નહોંતુ..લાખો રુપિયાનો વહીવટ ઘરનાં માણસો હોય તો કરોડોમાં પહોંચે તેવી સફળતા તેઓ જોઇ રહ્યા હતા.ફેક્ટરી વિકસાવવી હતી. બાજુની જમીનનો પ્લોટ ખરીદવો હતો.રાગીણી નાં જન્મ દિવસે પ્રહલાદ બાપાને કેડીલા કંપનીમાં થી મોટો ફોર્મ્યુલેશન ઓર્ડર મળ્યો.

“ લક્ષ્મી દેવી પધાર્યા કહી” પ્રહલાદ બાપાએ તો આખા અમદાવાદમાં પેંડા વહેચાવ્યા.આ બાજુ કીર્તી નવી ડેવલપ થતી ડોપલર ટેકનોલોજી નો નિષ્ણાત બની ને ભારત આવવા નીકળ્યો ત્યારે મરિયમ માએ હ્યુસ્ટન એમ ડી એંડર્સન નો એપોઇન્ટ્મેન્ટ લેટર હાથમાં મુક્યો.

મુંબઈ ઉતરીને સીધો જલગાંવ જવા જતા જતા તેણે અમદાવાદ ફોન કર્યો. પ્રહલાદ બાપા પ્રસન્ન હતા..લક્ષ્મીદેવીનાં પગલે કેડીલાનો વરસનો રેટ કોંટ્રાકટ મળ્યો હતો તેથી હવે રેડીઓલોજી ને મૂક પૂળો અને ફેક્ટરીમાં લાગી જા ની વાત કરી ત્યારે તે ગંભિરતાથી બોલ્યો બાપા યશને તમારો જમણો હાથ બનાવો ..હું તો અમેરિકાનું પોષ્ટીગ લઇને આવું છું..એમ. ડી. એંડર્સન મોટી સંશોધન સંસ્થા છે કેન્સરમાં જે હું ભણીને આવું છું તેની ભારે માંગ છે.

“એટલે?”

એટલે તમે જલગાંવ આવો છોને? ત્યારે વધુ વાત કરીયે.

પ્રહલાદ બાપાને આ મોટો ઝાટકો હતો..તેમણે શું ધાર્યુ હતું ને શું થઇ રહ્યુ હતુ પણ હવે તીર ક્યાં તેમના હાથમાં હતું?

મહીને ૫૦૦૦ ડોલર નો પગાર ૮ રુપિયાનાં ભાવે કંઇ મોટો નહોંતો પણ તેટલા પૈસા કંઇ પ્રહલાદ બાપા આપવાનાં પણ નહોંતા. કંટ્રોલ ગુમાવવાની વાત પ્રહલાદ બાપા કરે તો તે કેવીરીતે? કારણ કે તેમને તો તે દાક્તરીમાં ગયો ત્યારથી જ ગમતું નહોંતું.

અંદરથી બહું ધુંધવાયા..પણ આ તો છેતરામણી થતી હતી…પાંખા આવી અને ભુલી ગયા કે તમને પાંખો અપાવતા સુધીની મંઝીલની નીસરણી બાપા હતા.

એમની આંખમાં ઝળઝળીયા આવી ગયા…દીકરી જેમ વિદાય લે અને બાપને રડવુ આવે તે રીતે નહીં પણ હજી દીકરો કમાઇને દે તે પહેલા હાથતાળી દઇને નાસી ગયાની હારને લીધે.

કીર્તિનાં દાદીમા સુમતા બા સારી રીતે સમજતા હતા કે પ્રહલાદ શું વિચારે છે તેથી તેઓ બોલ્યા પણ ખરા… “પ્રહલાદ લોહીનાં સબંધોમાં વેપારની ઘાલ મેલ ના કરાય. કેટલાક વૃક્ષો આપણે ઈચ્છતા હોઇએ ત્યારે ફળ ના પણ આપે…દીકરાને પાંખો આપી છે ને? તો હવે તેને ઉડવા મોકળુ આકાશ પણ આપ! તેઓ તેમનું ભાગ્ય લખાવીને આવ્યા હોય છે તું તેમના ભાગ્યવિધાતા બનવાનું દુઃસાહસ ના કર.

“પણ બા..અત્યારે મને તેની ખુબ જ જરુર છે.”

“ તારી જરુરિયાત સમજાવી જો. તે તેની જરુરિયાત સાથે સરખાવીને સુયોગ્ય નિર્ણય લેશે.”

“ બા. હવે તો તે હ્યુસ્ટન જવાની વાતો કરે છે.. પાંખોતો જાણે મળેલી જ છે પણ હવે અલગ પોતાનો માળો પણ બનાવી રહ્યો છે.”

“ તો રાજી થાને? તું માંગરોળથી કલકતા ગયો હતો ત્યારે તારા બાપૂએ તને રોક્યો હતો?”

“ હા બા. પણ તે વખત જુદો હતો.. બાપાની દુકાન સંભાળવા બે ભાઇઓ હતા અને મેં ફારમસીમાં ભણતર લીધું ત્યારથી નક્કી હતું કે હું માંગરોળ બાપાની દુકાન સાચવવાનો જ નથી.”

“બસ તો હવે સમજ કે તારા બાપા પણ આજ પરિસ્થિતિમાં હતા બસ તેમજ તેણે પણ ડૉક્ટરી લીધી ત્યારથી જ નક્કી હતું કે તારી ફાર્મસી ઉપર તે બેસવાનો જ નથી….પછી તું શું કામ તારી લાગણીઓને તારા હીતમાં જ બોલ્યા કરે છે? મોટા છોકરા થાય ત્યારે તેમને સમજવા અને તેમના દ્રષ્ટિબીંદુ પ્રમાણે ચાલવાની તક આપવાની. શક્ય છે તેઓ સાચા પણ હોય..”

“ પણ બા…”

“ આ પણ ને બણ છોડી દે..બસ તેઓ માને કે ના માને તારી વાત કહે અને તેનો અમલ થાય છે કે નહીં તે જોવાનું છોડી દે.

થોડીક શાંતિ પછી તેઓ બોલ્યા.. “બા મને ખબર નથી અજાણ્યો દેશ.. અજાણ્યા સાથીદારો એ સુખી નહી થાય તો?”

બા પહેલા તો ખુબ જ હસ્યા.. પછી કહે “ગાંડાભાઇ તું કલકતા જતો હતો ત્યારે તારા બાપા પણ આવીજ ચિંતા કરતા હતા.. તું દુઃખી થયો? બંગાલ કેમીકલ્સે તને બે વખતની રોટલી તો આપીને? બસ હવે તેનો ભાગ્ય વિધાતા ના બન. બાપ છે બાપ તરીકે આશિર્વાદ આપ અને સાથે સાથે એટલું પણ કહે કોઇ પણ દુઃખનો પ્રસંગ આવે તો તારી જાતને એકલો ના સમજતો.. આ બાપ બેઠો છે ત્યાં સુધી આ ઘર તને પોષશે અને જાળવશે. અને કહેજે કલ્યાણ થાવ.

પ્રહલાદ બાપા એમના પિતાજીનાં ફોટાનો જોઇ રહે છે અને બાને કહે છે “ હેં બા બાપા મારી ચિંતા કરતા હતા…?

“ એમને તો ધર્મ અને ભગવાન ઉપર બહું શ્રધ્ધા હતી. તું જ્યારે કલકત્તા જવા નીકળ્યો હતો ત્યારથી જ પ્રભુને સોંપી દીધેલો હતો..અને કહેતા “પ્રભુ મારું બાળ તારે હવાલે.”

 

કીર્તિનાં મમ્મી શકુ બા, સુમતાબા અને પ્રહલાદ બાપાની વાતોમાં મહદ અંશે મૌન જ રહેતા તેમને ખબર પ્રહલાદ બાપા સંવેદનશીલ અને હઠાગ્રહી.. પણ સુમતા બા એકલાજ તેમનાં વિચારો બદલી શકે ખાસતો કીર્તિની બાબતમાં. તેઓ જાણે કે સ્વકેન્દ્રી વલણ બંને નું સરખુ પણ હઠાગ્રહ.પ્રહલાદ બાપાનો વધુ.

કીર્તિ મોટો એટલે માન રાખે જ્યારે યશ અને ભાવના તો તેમને ગાંઠે જ ના અને તેથી કીર્તિ વધુ ગમે. અને આજકાલ કીર્તિ પાસેથી પણ તેમને શાંત નકારાત્મક વાતો જ મળતી

વળી કીર્તિ સમજી ગયો હતો બાપાનો વેરા આંતરા વાળો વહેવાર.. તેને ખબર હતીકે ડાહ્યો દીકરો તો દેશાવર જ શોભે અને તેથી હ્યુસ્ટન ખાતે પોષ્ટીંગ મળ્યું અને નક્કી કરી લીધું કે રુપિયા કરતા ડોલર એ ડહાપણ નું કામ છે.અને તેથી થોડીક હિંમત કરીને તે બાપાને ના કહેવાનું શીખી ગયો હતો. જો કે તેને તેમ કરવું કદીય ગમ્યુ નહોંતુ પણ એને લાગતું કે મોટો થયો એટલે શું ગુનો કર્યો?.

કીર્તિ શકુબા ઉપર પડેલો અને યશ પ્રહલાદ બાપા ઉપર તેથી પણ બા સાથે તેને વધુ ફાવતુ અને યશ ભલેને લુચ્ચાઇઓ કરે પણ પ્રહલાદ બાપાને તેના ઉપર હેત આછુ. પણ જબરો સેલ્સમેન..ભલભલાને ગોટે ચઢાવે પણ કીર્તિ ભાઇ સામે બહુ હોંશિયારી ના દેખાડે કારણ કે પરદેશ રહેતો મોટોભાઇ ભાગ ક્યાં પડાવવાનો હતો?

વળી કંપનીમાંથી એવી જ યોજના મુકે તેની જીત થાય અને ઉપલકીયા ઇનામોમાં સારામાં સારુ ઇનામ તેને ઘરે જાય.પગાર ઉપરાંત ભાડુ ભથ્થુ અને ટ્રાવેલ ટીકીટો નાં ફ્લાયીંગ માઇલો તેની મૂડી..

ભાવના પણ જાણે કે કીર્તિભાઇ અને સાધના ભભી અમેરિકામાં બેઠ બેઠા ગીલ્ટ અનુભવે તેનો ભર પેટ લાભ લેવાનું જ સમજે. જ્યારે પણ તક મળે ત્યારે “ અમારી તો તાકાત જ ક્યાં? નાં રોદણા રડે.. પ્રહલાદ બાપા વારે તહેવારે વહેવારો કરાવે પણ ડોલરમાં અને યશ રુપિયામાં કરે.

સાધના ને આ બધું કઠે પણ કીર્તિ કહે આખરે ઘી ઢળ્યુ તો ખીચડીમાં.. પણ સાધના કહે બાપા આ બધું ચાલવા દે છે તે ખોટું છે. પણ ડોલરે રૂપિયા સામે ચઢવા માંડ્યુ ત્યારે સાધના પણ ઉદાર બનતી રાગીણી અને રોમાનો વહેવાર કરાવતી કાર્તિક તો બહું નાનો એટલે સૌને વહાલો પણ હવે યશ અને ભાવના ને ત્યાં પણ સંતાનો થયા એથી ઘસાવાનું તો કીર્તિને જ થતુ.અને નજીક રહે તેથી વારે તહેવારે નાના મોટા ફાયદા યશ અને ભાવના ને થતા. શકુ બ કહે પણ ખરા મારા કીર્તિને બધામાં થી બાકત ના રાખો પણ પ્રહલાદ બાપા “તે તો ડૉલરમાં કમાય છે.. એને શું પડી છે કહી વેરો આંતરો કરતા જે સાધનાને ના ગમતુ.

તે કહેતી બાપા તે આશિર્વાદ છે અને ભલેને ૨૧ રૂપિયા તો ૨૧ પણ મારા છોકરાઓને ગણવાના… દર બે ત્રણ વરસે થતી ભારતની યાત્રામાં સારી એવી ભેટ સોગાદ લૈને આવતી સાધના ભાવનાનું ઘર કેમ વધુ ભરાય તે જોવાનું ખાસ ધ્યાન રખાય અને સરખામણીમાં મારી દીકરી નું ઘર ઘસાતુ કહીને તેનું ઘર ભરવા પ્રયત્નો થતા.

સાધના કહે પણ ખરી બાપા ડોલર અને રૂપિયાનો ભેદ ના કરાય અમારી પણ બાંધી આવક અને અહીં તમને એક રૂપિયામાં મળતી ચા ત્યાં અમને એક ડોલરમાં જ મળે છે શું તમે ૩૬ રૂપિયાની ચા પીઓ ખરા?

પણ થોડા સમય માટે આવતા હોઇએ ત્યાં ક્યાં મનદુઃખ કરવું કહીને તે શકુબા પાસે બળાપો કાઢી લેતી

કીર્તિ કહે તેમને તો ત્રણ સંતાનો છે પણ મારા તો એક જ મા બાપ છે તેમને સારું લાગતુ હોય તો મુકને પૂડો આ વહેવાર અને આશિર્વાદ નો. આટલી મોટી ઉંમરે તે બદલાવાનાં નથી અને આપણે તેમને બદલીને કામ શું છે?

સાધના કીર્તિની આ વૃતિને ભાગેડુ વૃતિ કહેતી..જો કે ક્યારેક તે મન પણ વાળી લેતી કારણ કે આખરે તો કીર્તિ પણ તેમનું જ સંતાન હતોને? અને કહેતો પણ ખરો સાધના પાકે કાંઠલે ઘાટ ના ચઢે.. થોડું ક નાણાકીય ઘસાવું પડે છે પણ અહીં તેમની સાથે રહીને તેમની દાદાગીરી યશ સહે છે તે હું ના સહી શક્યો હોત.

સાધના બબડે પણ શકુ બા પાસે જેમનું ક્યારેય પ્રહલાદ બાપા પાસે ચાલ્યુ હતું નહીં અને તેથી તે પણ કીર્તિની જેમ જ કહેતા.. તેઓ ના સુધરે અને તેમનું ધાર્યુ જ કરે.આખરે તો આ બધી સંપતિ તેમની આપ કમાઇ છેને?

Advertisements
This entry was posted in સેતુ. Bookmark the permalink.

One Response to સેતૂ (૫) -વિજય શાહ

  1. vijayshah કહે છે:

    Novel ‘SETU’ is becoming more Interesting and gripping.Dialogues add spice of liveliness to the developing plot. Picture of two sides is depicted very well-almost heart touching. Heratiest Congratulations.

    With warm regards,
    Dr Lalit Parikh

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.