ઘર એટલે ઘર (૧૪) કલ્પના રઘુ

ghar etale ghar

ઘર એટલે ઘર

ચાલો, ઘર ઘર રમીએ કહીને જીવનની શરૂઆત કઇ વ્યક્તિએ નહીં કરી હોય? ક્યારેક પત્તાનો મહેલ કે દરિયાની ભીની રેતથી બનાવેલો મહેલ કે પછી તુ મમ્મી અને હું પપ્પા કહીને સંબંધોનો માળો ગૂંથીને ઘર બનાવ્યા વગરનું બાળપણ હોઇજ ના શકે. યુવાનીમાં ઘર માટેના સપના અને ઘડપણમાં ઘરની વ્યાખ્યા અને જીવનના અંતિમ પડાવ પર દેહરૂપી ઘર છોડીને, નામ સરનામું બદલીને ચાલ્યા જવાનું. આમ જીવનયાત્રા ‘ઘર’ શબ્દની આગળ-પાછળ ઘેરાયેલી હોય છે.

ઇંટ, રેતી અને પત્થરથી બનેલું ઘર એ ઘર ના કહેવાય. ઘર ઘર રમતાં તો દરેકને આવડે પણ હકીકતમાં મકાનને સ્નેહ-પ્રેમની રેતી, માટીથી મજબૂત બનાવવું જરૂરી છે જેમાં લાગણીથી ધબકતા દિલોનાં શ્વાસનો વાસ હોય, તે ઘર કહેવાય.

ગટરનાં પાઇપ અને ઝૂંપડાને ઘર બનાવીને રહેનારા લોકો પણ છે. જરૂરી નથી કે શ્રીમંત વિસ્તારમાં મોટું કે ઇન્ટીરીયર ડૅકોરેશન, ભૌતીક સાધનો અને આધુનિક સુવિધાથી સજ્જ ઘરનેજ ઘર કહેવાય. જ્યાં પરિવારમાં પ્રેમ અને ઉષ્મા હોય, એક બીજા માટે ત્યાગ અને બલિદાનની, એકબીજાની લાગણીઓને સમજવાની ભાવના દરેકના દિલમાં રહેતી હોય, જ્યાં સૌ પોતાનાં માટે નહીં, એકબીજા માટે જીવતા હોય અને દરેકનાં સપના સમાન હોય, તે ઘર કહેવાય. ઘર હંમેશા જીવંત લોકોથી બનેલુ હોય છે. સંયુક્ત કુટુંબ રહેતુ હોય, તેમા વડીલોની છત્રછાયા હોય, બાળકો કિલ્લોલ કરતાં હોય ત્યાં ચકલા ચણવા આવે અને અતિથિઓનો આદર-સત્કાર થતો હોય, ચહલ પહલ હોય અને અવનવા ઉત્સવોની ઉજવણી થતી હોય, એ ઘર સ્વર્ગ સમાન છે. આમ એક લોહી, એક છત નીચે એકજ ઘરમાં કોઇ નવો નિખાર લાવે છે એ સિધ્ધ થયેલી હકીકત છે.

પ્રેમ અને લાગણીઓ ભેળવીને, ગૃહસ્થ અને ગૃહસ્થીના સંયોજનથી, ઇંટ, રેતી, સીમેન્ટનાં મિશ્રણથી જે માળખુ ઉભુ થાય એ ઘર છે. એવા ઘરની દિવાલો મજબૂત હોય છે. જ્યાં દિવાલો મજબૂત હોય અને કુટુંબ ભાવનાથી રંગાયેલી હોય ત્યાં બહારનાં ઝંઝાવાતો વચ્ચે પણ ઘરનાં સભ્યો સુરક્ષીતતા અનુભવે છે. પોતાનુ ગાદલુ-ઓશીકુ-ઓઢવાનુ હોય, આસપાસ પોતાના માણસો હોય, પોતિકાપણાની સુવાસ હોય, જ્યાં એકબીજાને સમાવી લેવા દરેક વ્યક્તિ તત્પર હોય, જ્યાં સુકો રોટલો કે ખીચડી ખાઇને પણ ઓડકાર આવે, જ્યાં રાત પડે કોઇ રાહ જોતુ હોય, જ્યાં નિશ્ચિંતપણુ હોય, દુનિયામાં ક્યાય પણ જાઓ, જે આવાસ તમને આકર્ષતુ હોય, જ્યાં તમને ખેંચાણનો અનુભવ થતો હોય, ત્યાં તમે કહી શકો આ મારૂં ઘર છે. ધરતીનો છેડો ઘર. ત્યાં તમને ફાઇવ સ્ટાર હોટલ કરતાં પણ વધુ હાશકારાનો અનુભવ થાય છે.

ક્યારેય ઘરના ચિત્રમાં કાળો રંગ જોયો છે? કાળો રંગ નકારાત્મકતા સૂચવે છે. ઘર હમેશા રંગીન સપનાથી સજેલું હોય છે. જ્યાં સવાર પડે છે અને સૂરજના સોનેરી કિરણો મેઘધનુષના તમામ રંગો ઘરમાં રહેનારના જીવનમાં ભરી દે છે. જ્યાં મોરના ટહૂકા જેવા ટહૂકાર અન્યના અવાજમાં રણકાર બનીને સ્પંદનો ઉભા કરે છે. જ્યા ઉમરા પર સાથીયા, આંગણામાં રંગોળી અને તુલસી ક્યારો હોય છે. ઉગતી સવારે અને સંધ્યાકાળે દીપ પ્રગટાવીને, સકારાત્મકતાને આવકારવા, ઇશ્વરની આરાધના અને પ્રભાતીયાથી શરૂઆત કરવામાં આવે છે. જ્યાં વાસણો ખખડે છે પણ વ્યક્તિઓના ટકરાવનો ધ્વનિ કોઇને સંભળાતો નથી. જ્યાં વડીલ, વૃધ્ધો અને માતા પિતાનાં અસ્તિત્વનો સ્વીકાર થાય છે. જ્યાં મોટા નાનાનું સન્માન થાય છે. જ્યા દરેકની વાણીમાં સંગીત છે. જ્યાં ઘરની સ્ત્રી લક્ષ્મીનું સ્થાન અનુભવે છે. જ્યાં દરેક વ્યક્તિ પોતાનુ પાત્ર દિલથી ભજવે છે એ ઘર છે. અને આવું ઘર એટલે ઘર. આવા ઘરની કલ્પનાને સાકાર સ્વરૂપ ભારત દેશમાં માત્ર આદર્શ ઘરવાળીજ આપી શકે! હકારાત્મકતાથી ભરપૂર આવું ઘર એક મંદીર સમાન હોય છે. જ્યાં તમને તમારી સુવાસ આવતી હોય છે. અને મન બોલી ઉઠે છે, ‘સુખનું સરનામુ એટલે ઘર’.

એ જમાનો હતો જ્યારે ભારતમાં સંયુકત કુટુંબ હતા, ત્યારે જન્મથી મૃત્યુ સુધી અનેક પેઢી એક સાથ રહેતી. જીવનની દરેક અવસ્થા એક ઘરમાં પસાર થતી. ત્યારબાદ, મા-બાપ ગામડાના ઘરમાં રહેતા અને સંતાન અર્થોપાર્જન માટે શહેરમાં આવીને પોતાનું ઘર માંડીને સ્થિર થવા માંડયા. પરંતુ હવે ભૌતિકતા અને વૈજ્ઞાનિક હરીફાઇના આધુનિક જમાનામાં વ્યક્તિનો પોતાનો વિકાસ જરૂરી બને છે અને ઘર, સ્વજનો અને દેશ છોડીને પરદેશમાં વસવાટ જરૂરી બની ગયો છે. હવેની પેઢી વણઝારાની જેમ રહે છે. નથી નોકરીનું ઠેકાણું, તો ઘરનો તો સવાલજ ઉભો નથી થતો. પતિ, પત્ની અને બાળકો અલગ અલગ જગ્યાએ રહેતા હોય છે. આમ ભારત બહાર ઘરની વ્યાખ્યા બદલાઇ ગઇ છે. જ્યાં ઘર બદલાય, ઘરવાળી બદલાય, રાચરચીલુ બદલાય, રહેણી કરણી બદલાય. હવેનો યુગ શીખવાડે છે, બધુ તોડતા શીખો, છોડતા શીખો. વ્યક્તિ પરણે, બાળક જન્મે, મોટું થાય, આર્થિક રીતે સધ્ધર થાય, છૂટું થાય, આપણામાંથી મારૂં-તારું થાય. એક પરિવાર બેમાં અને પછી ત્રણમાં વિભાજીત થાય ત્યાં ઘરની જૂની વ્યાખ્યા તો મમળાવવીજ રહી. હા, અપવાદ દરેક જગ્યાએ જોવા મળે છે.

હવેના મા-બાપ દેશમાંથી પોતાનું ઘર છોડીને પરદેશમાં સંતાન સાથે રહેવાનું પસંદ કરે છે. જેથી એક છત નીચે, એક ઘરમાં બાળકો સાથે રહીને તેમને મદદરૂપ થાય અને કુટુંબ ભાવના જળવાઇ રહે.

દિકરી માટે માતા-પિતાનું ઘર પછી પતિનુ ઘર અને વૃધ્ધાવસ્થામાં દિકરાનું ઘર, આમ ઘર બદલાતા રહે છે.

માતા-પિતાએ ક્યારેક વૃધ્ધાવસ્થામાં બે બાળકો વચ્ચે વહેંચાવુ પડે છે, શુ એ ઘર છે? મૃત્યુ સમયે શારીરિક અસહાયતાને કારણે પોતાનુ ઘર છોડી દિકરાને ઘરે રહેવુ પડે અને સતત પોતાનુ ઘર યાદ આવે, એ વલોપાત … શું એ ઘર છે? જે બાળકોને પોતાનાં ઘરમાં જન્મ આપીને જીવન જીવવા સક્ષમ બનાવ્યા હોય એ બાળકો, મા-બાપને એમના ઘરમાંથી જાકારો આપે અથવા તો મા-બાપના ઘરમાંથી પરણ્યા પછી પોતાના સ્વાર્થે મા-બાપને છોડીને તેના પરીવાર સાથે બીજે રહેવા જાય, શું એ ઘર ઘર રહેશે? જ્યાં આવનાર વહુ-દિકરો પોતાના ઘરમાં મા-બાપને કહે, ‘આ મારૂં ઘર છે, હું કહું તેમ તમારે રહેવું પડશે … ‘ શું મા-બાપ માટે આ ઘર કહેવાય? અને માટેજ આજકાલ ઘરડા-ઘરની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

દરેક વ્યક્તિના જીવનમાં એકતો ઘર હોયજ. સમગ્ર જીવન દરમિયાન જે માળખા સાથે યાદો, ઘટનાઓ, લાગણીઓ અને સપના જોડાયા હોય તેનેજ તે તેનુ ઘર સમજે છે અને અંત સમયે તેને પોતાના ઘરનું ખેંચાણ રહે છે. અંતિમ સમયે, હોસ્પીટલમાં દાખલ કરેલી, મૃત્યુનાં બીછાને સૂતેલી વ્યક્તિનો જીવ નિકળતો નથી. એનો જીવ પોતાના ઘરમાં હોય છે અને જેવી આ વ્યક્તિને ઘેર લઇ જવામાં આવે છે, પછી ભલે તે કૉમામાં હોય, પણ પોતીકુ ઘર તેને ‘હાશ’ આપે છે અને તેનો જીવ નિરાંતે શરીર છોડીને જાય છે. ક્યારેક વૃધ્ધ વડીલની આધુનિક યુગમાં આ માનસિક સ્થિતિ જોવા મળે છે. ઘર વિનાની વ્યક્તિ, ‘હોમલેસ’ નિરાધારની લાગણી અનુભવે છે.

અંતમાં ગુજરાતી સુગમ સંગીતનાં એક જાણીતા ગીતના શબ્દો યાદ આવે છે. ‘સાવંરીયો રે મારો … કોઇ પૂછે કે ઘર તારૂં કેવડું? મારા વા’લમજી, બાથ ભરે એવડુ …’

આ શબ્દો સૂચવે છે કે જ્યાં પ્રેમ છે ત્યા બાથમાં સમાય એવડુ ઘર પણ પૂરતુ છે. ઘર માટે વિશાળતાની જરૂર નથી, વિશાળ હ્રદય પુરતુ છે, પરંતુ કલિયુગની આ કઠીણાઇ છે, લાગણીઓ વિસરાઇ છે, ઔપચારિક્તા રહી ગઇ છે. ઘર મોટા થાય છે, દિલ નાનું થાય છે. પ્રશ્ન ઉદ્‍ભવે છે, રહેવું ક્યાં … ? પરંતુ એક વાત નક્કી છે, ઘર એટલે ઘર.

કલ્પના રઘુ

Advertisements
This entry was posted in ઘર એટલે ઘર. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s