‘વાર્તા રે વાર્તા ‘ બેઠકની ચર્ચા -જયશ્રીબેન મર્ચન્ટ

 

સર્જક કે લેખકનું કામ એક ઈમારતના આર્કીટેક જેવું છે. એક સારી ઈમારત માટે એનો પ્લોટ, પ્લાન અને નકશો હોવો જેમ અત્યંત આવશ્યક છે તેમ એક સારી ટૂંકી વાર્તા માટે પણ પ્લોટ, પ્લાન અને નકશો હોવો અનિવાર્ય છે.

તો એક બીજો પ્રશ્નો એ થાય છે કે વાર્તાનો – એ ટૂંકી વાર્તા હોય, નવલિકા, લઘુ નવલકથા કે પછી સંપૂર્ણ સ્વરુપધારી નવલકથા હોય, – પ્લોટ, પ્લાન અને નકશો એટલે શું અને એ નક્કી કેમ કરાય? વાર્તાનો આવિર્ભાવ સહુ પ્રથમ તો અંતરમનની સચ્ચાઈમાંથી થાય છે અને એ ક્યો વિષય છે, સર્જક નક્કી કરે છે. આ વિષયનો ઉદ્ભવ ટૂંકી વાર્તાનો પ્લોટ છે. આ પ્લોટ નક્કી થાય પછી કપરું કામ છે સ્થળ, સમય અને પાત્રોનું ચયન, જે પ્લોટ્ને અનુકુળ હોય. આ છે ટૂંકી વાર્તાનો પ્લાન. આ પ્લાન જો precise – સુનિશ્ચિત અને પરિશુધ્ધ ન હોય તો પાત્રોનું લેખન દિશાહીન બની જાય છે. પન્નાલાલ પટેલ ની “કંકુ” વાર્તા ઉદાહરણ રુપે ટાંકુ છું. આખી વાર્તામાં કંકુનુ પાત્ર ક્યાંય પણ ભટકી નથી જતું. લેખક એના ભટકતા મનને જ્યારે આલેખે છે ત્યારે પણ વાર્તાતત્વનું સ્ખલન નથી થતું અને વાર્તા એના વિષયના પાટા પરથી ભટકી નથી જતી. આ તો જ શક્ય બને છે જો પ્લાનમાં યથાર્થતા હોય. વિષયનો ઉઘાડ ક્યા સથળ અને સમયમાં છે અને એ નક્કી થયા પછી એને અનુરુપ ભાષા તથા પાત્રોનું પાત્રાલેખન હોવું જોઈએ. અગર એ ન હોય તો વાર્તાનો flow – વહેળો સહજ નથી લાગતો. સહજતા ચૂકી ગયા તો પછી સશક્ત પાત્રો કે વિષય પણ વાચકના ભાવવિશ્વને ઝંકૃત કરી શકતા નથી. ઘણી વાર્તાઓનો પોત – પ્લોટ પાંખો હોય, પણ સહજતાનો વહેળો એટલી સચ્ચાઈથી વહેતો હોય છે કે વાંચનાર એમાં ગળાડૂબ ભીંજાય છે. આ જ છે સાચા સર્જકનો જાદુ. અહીં હું ગુલાબદાસ બ્રોકરની “ધૂમ્રસેર” વાર્તાનો ઉલ્લેખ કરીશ. આ વાર્તા હવે સહજતા અને પાંખા પોતને ધ્યાનમાં લઈ વાંચી જવાની હું નમ્ર વિનંતી કરીશ.

લેખકના હ્રદયમાંથી જ્યારે કોઈ ઘટના, કોઈ બીના સ્ફૂરે છે તો એ વિષયને કઈ રીતે આલેખશે એની સ્પષ્ટતા સહુ પ્રથમ હોવી જોઈએ. એના પછી પાત્રોનું ઘડતર અને પાત્રાલેખન માટેનું વસન વણાય છે. આ પાત્રો વાર્તાના વિષયની પૂર્તિ કઈ રીતે અને કઈ પૃષ્ઠભૂમિમાં કરશે એનું સતત ધ્યાન લેખકે રાખવું પડે છે. વાચકનો કથારસ આરંભથી અંત સુધી બની રહે એ માટે વિષયનું નાવિન્ય અથવા તો આલેખનમાં વૈવિધ્ય તો હોવું જોઈએ જ પણ વાતને વાતમાં ને વાતમાં રસની ક્ષતિ સિવાય સ્ફૂર્તિથી આગળ લઈ જવી એમાં જ સર્જકની સચ્ચાઈ, સહજતા તથા સક્ષમતાની કસોટી થાય છે. પાત્રો થકી વાત આગળ વધારવી અને જે કહેવું છે લેખકને એ કોઈ પણ જાતના પૂર્વગ્રહ વિના કહી જવું એમાં સર્જકની પરિપક્વતા પ્રગટ થાય છે. સારી ટૂંકી વાર્તાના આરંભ, મધ્ય અને અંત એક પાતળા પણ મજબૂત તાંતણે બંધાયેલા હોય છે. આરંભ એવી રીતે થવો જોઈએ જે વાંચનારના મનમાં આગળ શું થાય છે એ વિષે કુતુહલ અને જિજ્ઞાસા ઉત્પન કરે અને વાચક ઉત્સુકતાથી આગળ શું થાય છે એ વાંચવા આતુર બને. આ આતુરતાને વાર્તાના મધ્યમાં સબળ પાત્રો અને સુઘડ ચિત્રાંકનથી એક દેહમાં સર્જક ઢાળે છે. આ વાર્તાના દેહમાં વાર્તાના અંતની ચમત્કૃતિ પ્રાણપ્રતિષ્ઠા કરે છે જેના લીધે વાર્તા, ભાવક-વાચકના દિલો-દિમાગ પર અમીટ છાપ છોડી જાય છે. આ બધામાં એક સર્જક્ને સતત સતર્ક રહેવું પડે છે ટૂંકી વાર્તાના કદ વિષે જેથી કરીને વાર્તામાં જે કહેવાનું છે તે તાઝગી અને સાદગી સાથે કહી શકે.  આ આખી વાત ને અહી એક ઉદાહરણ રુપે રજુ કરીશ. મારે અમેરિકામાં નોકરી કરતી એક એવી ભારતીય સ્ત્રી- ઉષ્મા-ની વાત કરવી છે જે, ૭૦ અને ૮૦ ના દાયકામાં અમેરિકા આવે છે, ભારતમાં લગ્ન કરીને. અહીં આવીને સાંસ્કૃતિક આઘાત અને મનમાં ઉભરાતી ગડમથલ સાથે નોકરી કરતી આ નારી, ઉષ્મા, અહીં sexual harassment – જાતિય શોષણનો શિકાર બને છે અને અંતમાં મારે આ ઉષ્માને માનસિક અને સામાજિક અપઘાત અને આઘાતોમાંથી સદંતર મુક્ત – liberated- બતાવવી છે. તો હું, એક લેખક તરીકે કઈ રીતે આ વાર્તાને પ્રારંભ, એક સશક્ત મધ્ય દેહ અને પ્રાણવંત અંતથી જીવિત કરીશ? હું આરંભ કરીશ કે ઉષ્મા આખા દિવસના કામ પછી ઘરે આવે છે સાંજના અને ખૂબ જ હતાશા ને ક્રોધથી ગ્રસિત છે. ઉષ્માનો નોકરીનો આજનો દિવસ સારો નથી ગયો કારણ એના બોસે આજે એનું જાતિય શોષણ કરવાની કોશિશ કરી જેના લીધે એને પોતાના અસ્તિત્વ માટે ઘૃણા ઉપજે છે. હવે એક લેખક તરીકે મારે નક્કી કરવાનું છે કે મધ્યમાં વાર્તાના દેહને હું કેવી રીતે ઘડીશ જેથી વાર્તાનો અંત વાર્તામાં પ્રાણ પૂરનાર સંજીવનીનું કામ કરે? વાર્તાના મધ્યમાં, શું હું ઉષ્માને અતિ મહત્વાકાંક્ષી પણ મધ્યમ વર્ગની ર્નૈતિકતાના મૂલ્યોનો આદર કરનારી બતાવીશ કે પછી એના લગ્નજીવનમાં અસંતોષ બતાવીશ કે એને કામ કરવા બહાર જવું પડે છે અથવા તો એક સીધી, સાદી મધ્યમ વર્ગીય, કૌટુંબીક તથા સામાજિક જવાબદારીને નૈતિકતા પૂર્વક નિભાવનારી પત્ની તરીકે એના પાત્રને વિકસાવીશ? અંતમાં, શું ઉષ્મા એની મહત્વાકાંક્ષા પૂરી કરવા, ન ઈચ્છવા છતાં એના બોસની જાતિય શોષણની માંગણીને તાબે કઈ રીતે થાય છે અને છતાંયે એની આગળ વધવાની મહત્વાકાંક્ષા પૂરી ન થવાથી એ હતાશ થઈને, સ્વયં પોતાને બરબાદ કરે છે તો એનો અંજામ કઈ રીતે આવે છે કે પછી ખૂબ ગણત્રીપૂર્વક લગ્નજીવનના અસંતોષને પોતા પર હાવી થવા દઈને, બોસની માંગણીને આધીન થઈ પોતાના લગ્નજીવનમાં કઈ રીતે અને કેટલા સમજોતા કરે છે જે એના મનને સાવ ભાંગી નાખે છે? સર્જકે આ પૃષ્ઠભૂમિ નક્કી કરીને એના પાત્રોને ઘડવાના હોય છે. લેખકમાં કે સર્જકમાં પોતાના લખાણ કે સર્જનમાં, અંતરમનને આધીન થઈને સત્યને એના સદંતર નગ્ન સ્વરુપે રજુ કરવાની એક હિંમત અને સચ્ચાઈ હોવી જ જોઈએ, નહીં તો એ લખાણ કે સર્જન, વિષય કે પાત્રાલેખન ગમે તેટલું સારુ હોય પણ શાશ્વતતાની એરણ પર ખરું ઊતરતું નથી. વાર્તાનો લેખક તો ખરા અર્થમાં સર્જેનહાર જ નહીં પણ સૂત્રધારનું પાત્ર નેપથ્યમાં રહીને એને ભજવવાનું હોય છે. પાત્રો, વાર્તાનું પોત, વાર્તાનો વિકાસ અને વાર્તાનો અંત, આ બધી ક્રિયા-પ્રક્રિયાનું સંકલન એવી સિફત અને સહજતાથી કરી જાય કે વાર્તાનુ શિર્ષકથી માંડી, એનો અંત પણ સાર્થક લાગે, તો જ સુત્રધારનું કાર્ય સર્જકે સારી રીતે ભજવ્યું એમ કહી શકાય. વાર્તાનો મધ્યદેહ, વાર્તાના આરંભ અને અંત વચ્ચેનો “રામ-સેતુ” બનાવી શકે ત્યારે જ લેખક કે સર્જક, સાચા અર્થમાં સર્જનહાર બને છે.

​મિત્રો ભાગ -3 – આવતા હપ્તામાં

જયશ્રીબેન મર્ચન્ટ -કેલીફોર્નીયા –

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s