ઘર એટલે ઘર (૯) પ્રીતિ સેનગુપ્તા

   હૃદયની અંદરનાં સ્થાન

ghar etale ghar

જીવનમાં કેવું બનતું હોય છે. કશુંક દૂર થઈ જાય તે પછી જ ખ્યાલ આવે છે કે કેટલું નિકટનું હતું એ કશુંક. એવું જ બને છે ઘર વિષે પણ. મોટા ભાગના લોકો કદાચ ઘરને છોડ્યા પછી જ સમજ્યા હશે હૃદયમાં એનું સ્થાન. ને ઘણા લોકો ઘરને કંઇક ભૂલી પણ જઈ શક્યા હશે.

મારી જ બાબતે બધું ઊંધું બન્યું. મારા જીવનનો આધાર હતું મારું ઘર. ને મારે માટે આખું ભારત હતું મારું ઘર. જ્યારે પણ ઘર – કે હોમ (home) ની વાત કરતી ત્યારે મારા મનમાં સંદર્ભ દેશનો રહેતો. એને છોડીને પરદેશ આવી એના ઘણા મહિનાઓ પહેલાંથી મન તીવ્ર પીડા અનુભવતું રહેલું – આ ભૂમિથી દૂર જવાનું છે, આ હવાથી દૂર જવાનું છે.

અને અહીં અમેરિકામાં કેટલાંયે વર્ષો વીત્યાં છતાં ઘર ભૂલાયું નહતું. માનવું અઘરું છે કે દસ દસ વર્ષો સુધી દેશના ઝુરાપામાં આંસુ સારતી રહી હતી. કેટલીયે સરસ હુંફાળી સાંજે બહાર નીકળી હોઉં કે બાલ્કનીમાં બેઠી હોઉં, ને પવન વહેતો આવે, મોઢાને ને બાહુને સ્પર્શે, અને તરત બોલાઈ જાય, અરે, બરાબર ઘર જેવો પવન છે આ તો. 

ઘર તો શું, ઘરના પવનનો સ્પર્શ પણ ભુલાયો નહતો. એ જ રીતે અહીં એકસો ફૅરનહીટ જેટલી ગરમી થઈ જાય તે વખતનો ઉષ્ણ, શુષ્ક તડકો. દેશનો ઉનાળુ તડકો અનુભવાય ત્વચા પર તરત જ. પછી ગરમીની ફરિયાદ પણ શું કરવાની? દેશની ગરમ બપોરની યાદમાં મલકવાનું.

આવા મલકાટ સાથે આપણો પ્રેમ-ભાવ જોડાયેલો હોય છે. સ્થાનનો પ્રેમ, કોઈ પ્રિયપાત્રનો પ્રેમ. આ લાગણીમાંથી જ આકારાતો હોય છે આપણા રહેઠાણનો, આપણા ગામનો આપણો ખ્યાલ. નાની ઉંમરે દેશથી નીકળી આવ્યાં તે જમાનામાં આ એક જ જગ્યાને આપણે જાણતાં હતાં. જ્યાં જન્મ્યાં, ને જ્યાં વસવાટ કર્યો તે જગ્યા. પોતાનું ગામ.

મન કેવું ઠરીને રહી શકતું ત્યાં – પોતાના ગામમાં. બધું પરિચિત- રસ્તાઓ, રાહદારીઓ, વૃક્શો ને એમનાં પરનાં ફૂલો; ગલીને નાકે પાણીના માટલાની પરબ લઈને બેઠેલાં માજી; મેંદીથી રંગેલી દાઢીવાળા, ઊંચા, પાટા ઓળંગતી વખતે સામસામે થઈ જતા કાબુલીવાલા; સાયકલ ચલાવતાં મહેનત પડે તેવા ધૂળના ઢગલા, મોટરને સાવ ધીમી કરાવી દેતાં ગાડાં, ચાલવા નીકળવાનું મન થાય તેવી આનંદકર સાંજો, ખડખડતી ટ્રેનની વ્હીસલ દ્વારા કોઈ અજાણી જગ્યા તરફ મનને ખેંચી જતી ગૂઢ રાતો.

સ્થળ, સમય, સંવેદન- બધું યે પરિચિત. ને એ કારણે જ ધરપત, એ કારણે જ નિરાંત. આ પરિચિતતાનો જ આધાર, એના દ્વારા જ પોતાની ઓળખાણ. પોતાનું ગામ એટલે પોતાનું ઘર, પોતાનું ઘર એટલે સ્વયં પોતે જ. ઘર છૂટ્યા પછી પણ એ, પોતાનું હોવું, નથી છૂટતું. ત્યારે જે હતાં તે જ રહી જઈએ છીએ આપણે. એ અર્થમાં ક્યારેય દૂર નથી થતું ઘર આપણાંથી, ને આપણે ઘરથી.

અસંખ્ય, ને કદાચ સઘળાં ગામો હવે એવાં જ નથી રહ્યાં. કદાચ સાવ બદલાઈ ગયાં છે. એ રસ્તા કે રાહદારી કે એ માજી કે કાબુલીવાલા કે એ ધૂળ કે એ ગાડાં કે એ સાંજો કે એ રાતો હવે મળવાનાં તો શું, ક્યાંયે દેખાવાનાં પણ નથી. હવે એમની યાદો જ છે સાધારણ જેવો આધાર. લિસોટા જેવી યાદો, ને એમનો નબળો શો આધાર.

હું નાની હતી ત્યારે બહેનપણીઓ સાથે, સરસ કપડાં પહેરી, પાછલા રસ્તે થઈ, પાટા ઓળંગી, અખાડાના ખુલ્લા ધૂળિયા કમ્પાઉન્ડમાં થઈ ગૌરી વ્રતની પૂજા કરવા એક નાના મહાદેવ પર જતી. સાથે મમ્મી પણ આવતી. પૂજારી કશાંક વિધિ-પૂજા કરાવતા હશે. પછી હસતાં-રમતાં અમે ઘેર જતાં રહેતાં, ઉપવાસનું સરસ સરસ ખાવાનું ખાતાં, મઝા કરતાં.

જીવનમાં આ વ્રતની કે વિધિ-પૂજાની શું અસર થઈ તે કોને ખબર, પણ એ મહાદેવ માટે – એટલેકે એ મંદિર માટે- મારામાં કશુંક ખેંચાણ રહી ગયું. મારે ગામ પાછી જાઉં ત્યારે મનમાં થાય કે લાવ, એ મહાદેવ જઈ આવું. એ બહુ બદલાયું નથી. એનું કમ્પાઉન્ડ થોડું મોટું થયું, અંદર જવા માટે એને ફરતે લાંબું જવું પડે છે, પણ મંદિર એનું એ જ છે. સાવ નાનું. એટલા અર્થમાં મારું ને મારું જ.

જાઉં ત્યારે શિવને ઘેર જરાક બેસું છું – સામેની બેંચ પર. બપોર હોય કે આરતીનો સમય ના હોય ત્યારે કોઈ જ ના હોય. ત્યારે બહુ ગમે છે ત્યાં ઘડીક બેસવું. ક્યારેક પૂજારીની નજર પડે છે, ને એમાં નવાઇ હોય છે, ને સંદેહ પણ હોય છે. એમ કે કોણ છે આ અજાણી એકલી સ્ત્રી? કદાચ ઘર વગરની, ગામ વગરની હશે- એ શક્યતા એમને નહીં ગમતી હોય.

એ જાણતા નથી, કે જે ઘર મારું ના પણ રહ્યું હોય, ને જે ગામ એનું એ ના રહ્યું હોય તે પણ હજી છે તો મારાં જ. એ છે મારા હૃદયની અંદરનાં સ્થાન. હંમેશ માટે મારાં જ.

 

 

Advertisements
This entry was posted in ઘર એટલે ઘર. Bookmark the permalink.

2 Responses to ઘર એટલે ઘર (૯) પ્રીતિ સેનગુપ્તા

  1. પ્રીતિબેન ખુબ સાચી વાત કરી. દેશ છોડી પરદેશ વસતા લોકોની પીડા નુ આબેહુબ વર્ણન છે. સ્કુલની બહાર વેચાતા ચણીબોર ને જાતજાતના ચુરણ નો સ્વાદ હજી મોઢામા છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.