ઘર એટલે ઘર (૫)……… વિનોદ પટેલ

ghar etale ghar

દરેક મનુષ્યને જીવનનું એક સ્વપ્ન રમતું હોય છે કે મારે પણ મારું પોતાનું ઘર હોય . આ સ્વપ્નને જેમ બને એમ જલ્દી સાકાર કરવા માટે એ પ્રયત્નશીલ બને છે. છેવટે જ્યારે એ પોતાના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે એને સ્વર્ગ માત્ર એક હાથ જ છેટું લાગે છે. એને મનથી એમ લાગે છે કે મારું ઘર એ જ મારા માટે મારું સ્વર્ગ છે .મિત્રો સાથે એ જ્યારે એના ઘરના ઘરની વાત કરતો હોય છે ત્યારે એના હૃદયનો ઉમળકો ઉડીને આંખે વળગે એવો સ્પષ્ટ દેખાય છે.

આમ જોવા જઈએ તો ઘર એટલે સિમેન્ટ, લોખંડ, લાકડું ,રંગ રોગાન વિગેરે ભૌતિક ચીજ વસ્તુઓથી બનાવેલું એક મકાન.દરેક ઘર એક મકાન છે પણ દરેક મકાન એ કઈ ઘર નથી.દરેક મકાનમાં એક ઘર રહેતું હોય છે.ઘર એમાં રહેતાં માણસોના જીવનની વાતો જાણતું હોય છે.દરેક ઘરમાં જીવન ધબકતું રહેતું હોય છે. મકાનનાં સરનામાં બદલાતાં રહે છે,એમાં અવાર નવાર રાચ રચીલું બદલાયા કરે છે, મકાનમાં તોડ ફોડ થતી રહે છે,પરંતુ એમાં વસતા માણસોના ઈતિહાસ સાથેનો ઘરનો આત્મા કદી બદલાતો નથી એનો એજ રહે છે.

એક મકાનની કિંમત આંકી શકાય છે .એને વેચી કે ખરીદી શકાય છે . ઘરમાં જેઓ રહે છે એમના માટે એની કિંમત અમુલ્ય હોય છે.સંજોગોવશાત જ્યારે ઘર વેચવું પડે છે ત્યારે ઘણા વર્ષો જ્યાં રહ્યા હોય, જીવનના સારા માઠા પ્રસંગોનું જે સાક્ષી બન્યું હોય ,જેની સાથે અંતરથી માયા બંધાઈ ગઈ હોય એ ઘરથી વિખુટા પડતાં જીવ કપાય છે એ મારો પોતાનો અનુભવ છે.ભલે મકાન વેચાતાં મોટી કિંમત મળી હોય પણ જે ઘર હતું એ તો હવે નથી રહ્યું વિચાર સાથે મનને મનાવવાનું મુશ્કેલ બની જાય છે. ઘર વેચાયા પછી પણ તક મળતાં ત્યાં જઇને એ વેચાયેલા ઘર પર એકાદ નજર નાખી આવવાનું મન થયા કરે છે.

જે ઘરમાં તમે જન્મ્યા કે તમારાં બાળકો જન્મ્યાં, ઉછરીને મોટાં થયાં એ ઘર સાથે તમારા હૃદયનો તાર જોડાઈ જાય છે.જે ઘરમાં પરણીને નવોઢાને લાવી વિવાહિત જીવન શરુ કર્યું હોય,એક પક્ષીની જેમ તિનકા તિનકા એકઠા કરી સુંદર માળો રચ્યો હોય , ઘરને સજાવ્યું અને સમાર્યું હોય એ ઘરની સાથે અં જે માયા બંધાય છે એને સમજવો અને શબ્દોમાં બયાન કરવો દુષ્કર છે.

ભલે બાહ્ય દ્રષ્ટીએ ઘર નાનું લાગતું હોય , ઝુંપડા જેવું હોય પણ દરેક ઘરમાં રહેતા જન જીવનનો આત્મા એક સરખો હોય છે. ઘરમાં રહેતા માણસો હૃદયના તારથી જોડાએલા હોઈ ઘરમાં માંદગી આવી હોય એ સંજોગોમાં એમાં રહેતા સભ્યોનો જીવ તાળવે આવી જાય છે.માંદાની માવજતમાં આખું ઘર ઉપર તળે થઇ સેવામાં લાગી જાય છે.

મકાન શું અને ઘર એટલે શું એના વિષે કવિ મિત્ર શ્રી વિવેક મનહર ટેલરએ એક બેનમુન ભાવવાહી ગઝલ લખી છે.એમના આભાર સાથે એ અત્રે પ્રસ્તુત કરુ છું.

હતી ક્યારે છતો, દિવાલ કે કો’ આવરણ ઘરનું ?

અમે તો નામ દીધું છે, જ્યાં જઈ થંભે ચરણ, ઘરનું.

યુગોથી જાતને સમજાવવા કોશિશ કરું છું હું,

છતાં પણ થઈ નથી શક્તું પૂરૂં સ્પષ્ટીકરણ ઘરનું.

ફકત બે પળ તેં મારા બારણા પર હાથ મૂક્યો’તો,

એ દિ’થી થઈ ગયું છે શાશ્વતી ચંપાકરણ ઘરનું.

હું તારી સામે જોઉં ને મને પીંછા સમી હળવાશ

અગર લાગે તો સમજી જઈશ, છે આ અવતરણ ઘરનું.

ઘણાને ઘર ઉપાડી ચાલવાની હોય છે આદત,

કે એના રોમે-રોમે જ્યાં જુઓ ત્યાં સંક્રમણ ઘરનું.

રહો ઘરમાં અગર તો ઘર કદી ખાવા ય ધાસે છે,

અને ઘર બહાર હો ત્યારે જીવો છો સંસ્મરણ ઘરનું.

હવે ઘરમાં જ દ્રશ્યો એવા દેખાતા રહે છે રોજ કે

થઈ ગ્યું ક્યારનું અહીંથી મહાભિનિષ્ક્રમણ ઘરનું.

કોઈ સમજ્યું નથી, કોઈ સમજવા પણ નથી નવરૂં,

મકાનોમાં આ ક્યારે થઈ ગયું રૂપાંતરણ ઘરનું ?

જતી વેળાએ મેળવવાને તેં લંબાવ્યો જ્યારે હાથ

, હું અવઢવમાં રહ્યો ત્યાં થઈ ગયું હસ્તાંતરણ ઘરનું.*

બની રહે જો ગઝલ તોરણ તો સૂકાતી જશે પળ-પળ,

રહે તાજી એ કાયમ જો બને વાતાવરણ ઘરનું.

-વિવેક મનહર ટેલર

એમ કહેવાય છે કે ધરતીનો છેડો ઘર.તમે વિશ્વના કોઈ પણ સ્થળે પ્રવાસે ગયા હો, ઘર કરતાં ય બહુ કીમતી રોનકદાર હોટલોમાં રહ્યા હો, પરંતુ બધે ફરીને છેવટે તો તમારે ઘેર પરત આવવું જ પડે છે. જ્યારે ઘેર આવી તમે હૃદયના તારથી જોડાએલ તમારા કુટુંબી જનો વચ્ચે ફરી આવી જાઓ છો ત્યારે તમારા જીવને જે હાશકારો થાય છે એ અવર્ણનીય છે.તમારું વિશ્વ ઘરથી શરુ થાય છે અને ઘેર આવીને અટકે છે.ઘર જ એક આખરી વિસામો છે જ્યાં આવવાથી હૃદયને “હાશ” ની અનુભૂતિ થાય છે. જાણીતાં લેખિકા વિનોદિની નીલકંઠએ એમના નવા બંગલાનું નામ “ હાશ “ રાખ્યું હતું એ કેટલું સૂચિત છે !

તમે જે ઘરમાં રહો છે એ મકાન ભલે મહેલ જેવું અનેક ખંડ વાળું વિશાળ અને ભવ્ય હોય પરંતુ એમાં રહેતા સભ્યો માત્ર ઔપચારિક રીતે, હૃદયના કોઈ ભાવ કે પ્રેમની લાગણી વિના રહેતા હોય તો એને ઘર કહી ના શકાય. એને તો કોઈ હોટેલ,મોટેલ જેવું નિર્જીવ માત્ર દેખાવનું મકાન જ કહી શકાય .તમે જો મકાનને ઘરમાં ફેરવી શકો તો એ તમારી જીત છે અને તો જ તમે જીવનનો ખરો આનંદ અને સુખ એ ઘરમાં માણી શકો. ઘરમાં જેટલાં વધુ સાધનો અને ચીજવસ્તુઓનો ખડકલો હોય એ સાચું સુખ આપી નથી શકતું. જે ઘરમાં મુખ પર હાસ્ય જણાતું ના હોય ,એકબીજાનાં મન ઊંચાં રહેતાં હોય એ ઘર બધી જ સાહબી કે સગવડો સાથે પણ સાચું ઘર બની શકતું નથી. કદાચ એટલે જ કહેવત પડી ગઈ હશે કે “જે હસે એનું ઘર વસે.”

માત્ર વસ્તુઓથી લાદેલું નહી પણ ખરેખર હળી મળીને, હસી ખુશીથી વસતું ઘર સૌને પ્રાપ્ત થાઓ એવી શુભેચ્છાઓ .

–વિનોદ પટેલ, સાન ડીયેગો, કેલીફોર્નીયા

   

 

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

4 Responses to ઘર એટલે ઘર (૫)……… વિનોદ પટેલ

 1. Kalpana Raghu કહે છે:

  V.nice! Short and sweet!

  Like

 2. પિંગબેક: ( 762 ) ઘર એટલે ઘર …… વિનોદ પટેલ | વિનોદ વિહાર

 3. Anila Patel કહે છે:

  A house is built by hands & a home is built by hearts.

  Like

 4. P.K.Davda કહે છે:

  બહુ જ સરસ છણાવટ કરી છે, ખાસ ઘર વેંચતી વખતે થતી લાગણીની ચર્ચા યથાર્થ છે. હું મુંબઈમાં મારૂં ઘર વેંચી અમેરિકા કાયમી વસવાટ માટે આવ્યો છું, પણ મુંબઈનું ઘર શા માટે વેંચ્યું એ વિચાર હજી શોધી મારો પીછો છોડતો નથી.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.