પ્રતિકૂળતા (૧૩) રાજુલ કૌશિક

કેમ માઇજી, આમ ઝુલતા મિનારાની જેમ ચાલો છો?

ડૉક્ટર રૂસ્તમજીએ એમની ક્લિનિકમાં પ્રવેશી રહેલા લગભગ પચાસ વર્ષની ઉંમરના સુમનબેનને જોઇને હળવી મજાક કરી લીધી. આમ પણ તેઓ પારસીઓમાં હોય તેવા સ્વભાવગત રમૂજી પ્રકૃતિ ધરાવતા હતા. ચહેરા પર હંમેશા સ્મિતની એક લકીર ખેંચાયેલી રહેતી હતી. શહેરમાં છેલ્લા વર્ષોથી ઑર્થોપેડિક સર્જન તરીકે એમની નામના હતી. હાથની લકીરોમાં જશની રેખા છેક લાંબે સુધી નજરે પડે એટલી સ્પષ્ટ દેખાતી હતી અને તેના કરતાં ય વધુ તો તેમના ચહેરા પરના હાસ્યની રેખા વધુ અસરકાર જણાતી હતી.

તેમણે કરેલા ઓપરેશનમાં આજ સુધી એકપણ ઓપરેશન નિષ્ફળ ગયાનું કોઇને યાદ નથી. સુમનબેન પણ એવી જ શ્રદ્ધા સાથે રૂસ્તમજીની ક્લિનિકમાં તેમને બતાવવા માટે આવ્યા હતા. બંને પગના ઢીંચણમાં ઘસારો શરૂ થઈ ગયાને પણ ઓછામાં ઓછા પાંચ વર્ષ થઈ ગયા હતા. જ્યાં સુધી ચલાય ત્યાં સુધી તો ચલાવી લેવું એવી વૃત્તિના લીધે આજ સુધી પગની વેદના કે તકલીફ તેમણે ગણકારી નહોતી. પરંતુ આજકાલથી પગની વેદના વધવા માંડી હતી. રૂસ્તમજીની ખ્યાતિની તેમને અહીં સુધી ખેંચી લાવી હતી.

સુમનબેનનો કેસ દેખીતો જ ઇમર્જન્સી કહી શકાય તેવો હતો.

‘કેમ માઇજી અત્તાર લગણ શું કરીયું? આ ઢબકઢોયાની જેમ ચાલવાનું થયું તે ઘડી સુધી કેમ જાગ્યા નહીં?” રૂસ્તમજીએ સુમનબેનને ટેબલ પર લેતાની સાથે સવાલ કર્યો કારણકે ટેબલ પર ચઢવા માટે પણ સુમનબેનને સાત-પાંચ થઈ ગઈ હતી રૂસ્તમજી માત્ર ડૉક્ટર જ નહોતા, તેમનામાં એક સહ્રદયી ઇન્સાન પણ જીવતો હતો. પારસી હતા એટલે એમની ભાષામાં ક્યાંક અસલી લઢણ આવી જતી..

‘શું કરું સાહેબ, મને એમ કે આ તો રોજનું થયું એની પાછળ ક્યાં દહાડા બગાડવા.’

ટાંટીયા બગડે તેના કરતાં દહાડા બગાડવા સારા નહી?’ રૂસ્તમજી સુમનબેનના લગભગ અંગ્રેજી આલ્ફાબેટના સી (C) શેપના ગોળાકારે વળી ગયેલા બંને પગ જોઇને સુમનબેનને પુછી લીધું. રૂટીન ચેકઅપ કરીને સુમનબેનને એક્સરે અને બ્લડ રિપોર્ટ કરાવીને ફરી બતાવી જવા કીધું. કારણકે રૂસ્તમજીને સુમનબેન એનીમિક તો લાગ્યા જ હતા. તે દિવસે તો એક્સરે લઈને સુમનબેન રૂસ્તમજી પાસે ગયા જ નહીં.

“એક્સરે જોઇને જ રેડીયોલૉજી ડીપાર્ટમેન્ટમાંથી જે સમજવા મળ્યું તેમાં સુમનબેનને ઝાઝી સમજણ પડી નહોતી પરંતુ ફેમિલી ડૉક્ટરની સાથે વાત થયા મુજબ એટલી તો સમજણ પડી જ ગઈ કે ઑસ્ટૉપોરોસીસનો અત્યંત ખરાબ કેસ કે પેશન્ટ કહી શકાય એમાં સુમનબેનની ગણતરી આવતી હતી. બંને પગના એક્સરે જ ઘણું કહી દેતા હતા. અર્ધ ગોળાકારની જેમ વળેલા પોલી નળી જેવા પગના નળાના એક્સરે જોઇને ફેમિલી ડોક્ટર પણ હેબતાઇ ગયા હતા.

ઘરના સભ્ય જેવા ફેમિલી ડોક્ટરે તેમ છતાં સુમનબેનને એકવાર ઑર્થોપેડિક ડોક્ટરને મળીને સલાહ લેવાની સલાહ તો આપી જ. પરંતુ કહે છે કે જેનું નસીબ બે ડગલા આગળ હોય તેને ગમે ત્યાંથી પીડા ભોગવવાની આવે જ,તેના માટે ક્યાંય પણ અનુકૂળતા શોધે તે પહેલા કોઇ પણ પરિસ્થિતિ પ્રતિકુળ થઇને જ ઉભી રહે.

ઢીંચણનું ઓપરેશન કરાવવાનો નિર્ણય લે તે પહેલા જ સુમનબેનને થાપાનું ફ્રેક્ચર થયું. ડૉક્ટર રૂસ્તમજી માટે પણ આ અઘરો કેસ સાબિત થયો. સુમનબેનના થાપાના હાડકા પણ એટલી હદે બરડ અને બટકણા થઇ ગયા હતા કે તેમના થાપાને સાંધવા પ્લેટ મુકવાની પ્રક્રિયાથી પણ હાડકામાં તિરાડ પડતી જતી હતી. રૂસ્તમજી એ એક સાદુ સીધુ ઉદાહરણ આપ્યું કે જે દિવાલ નબળી પડી હોય તેમાં ખીલી મારવા જાવ તો તેનાથી પણ દિવાલમાં બીજી તિરાડો પડી જાય તેવી સુમનબેનના પગના હાડકાની હાલત હતી.

રૂસ્તમજીનું કૌશલ્ય કામ તો કરી ગયું પણ સુમનબેનના નસીબ અથવા કહો કે તેમની શારીરિક તકલીફ કહો ડૉક્ટર રૂસ્તમજીના હાથ હેઠા પડ્યા. સુમનબેનને એક અઠવાડિયા પછી ઘરે લાવ્યા અને એમ્બ્યુલન્સમાંથી હજુ તો તેમના બેડ પર મુકતાની સાથે તેમના થાપા પર મુકેલી પ્લેટની બાજુમાં જ બીજું એક ફ્રેકચર થયું જેની ડૉક્ટરને કલ્પના હતી પણ પરિવારજનો માટે કલ્પના બહારનું હતું.

વાત આટલેથી અટકતી નહોતી. હવે તો ઓપરેશન પણ શક્ય નહોતું. સુમનબેનના બંને પગને ટ્રેકશનમાં મુકી દીધા જેથી એક જ સ્થિતિમાં રહેવાથી કદાચ ફ્રેકચર સંધાવાની નહીવત શક્યતાને કોઇ આધાર તો મળી રહે. પ્રતિકુળતા કોને કહેવાય એની સુમનબેનને જાણ નહોતી પરંતુ એક પણ પરિસ્થિતિ એમના માટે અનુકૂળ તો નહોતી જ.

મરજાદી વૈષ્નવ એવા સુમનબેન જે ન્હાયા વગર સવારની ચા પણ ન પીવે તેમને માત્ર સ્પંજથી કામ ચલાવી લેવું પડતું. નાની મોટી તમામ કુદરતી હાજત માટે પણ બેડ-પેનનો સહારો લેવાનો હતો. ઠાકોરજીની સેવા, ઠાકોરજીના હિંડોળાના દર્શન વગર કે ઠાકોરજીને ભોગ ધરાવ્યા વગર મોં મા અન્નનો દાણો પણ ન નાખે તેવા શ્રધ્ધાળુ સુમનબેન માટે ઠાકોરજીની સેવા તો દૂર દર્શન પણ દુર્લભ થઈ ગયા.

અઠવાડિયું, પખવાડિયું, મહિનો, વરસ, બે વરસ….આમ ને આમ સુમનબેન એક જ સ્થિતિમાં તેમનું જીવન વ્યતિત કરી રહ્યા છે. બીજી કોઇ શારીરિક તકલીફ નથી, નથી ડાયબિટીસ કે નથી હ્રદય કે કિડનીની કોઇ સમસ્યા. પણ જે સમસ્યા છે તેનો પણ કોઇ ઉપાય નથી.

ચાર દિવાલ વચ્ચે એક જ સ્થિતિમાં સુઇ રહેવાની કલ્પના પણ થથરાવી મુકે ત્યાં જેનો કોઇ ઉપાય નથી, જેનો કોઇ અંત નથી એવી બીમારી સાથે દિવસો પસાર કરવાના છે. સૌ માટે સતત દોડતા રહેતા સુમનબેન આજે પોતાની જાતે, પોતાની મરજીથી પડખું પણ ફેરવી શકતા નથી. અને એમને પડખું ફેરવનારને પણ સતત ડર રહ્યા કરે છે કે રખેને કદાચ તેમને મદદ કરવા જતા તેમના માટે બીજી નવી કોઇ ઉપાધીમાં ન મુકી દે. વર્ષો જુના પીળા પડી ગયેલા જીર્ણશીર કાગળને પુસ્તક વચ્ચેથી કાઢવા જઈએ અને એ કાગળ જ્યાંથી પકડીએ ત્યાંથી ફાટતો જાય એવી હાલત સુમનબેનની હતી.

હવે આટલા વખતે બીજી કોઇ દવાઓ પણ અર્થહીન બની ગઈ છે. કેલ્શિયમ ડેફિશ્યન્સી માટે પણ કશું જ અસરકારક નિવડે તેમ નથી.

માનવીના જીવનમાં આનાથી વધીને બીજી કઈ પ્રતિકૂળતા હોઇ શકે? પ્રતિકૂળતા એટલે શું આપણે જે વિચાર્યું હોય તેનાથી વિરૂધ્ધ પરિસ્થિતિ આવીને ઉભે રહે તે કે પછી આપણે કલ્પના પણ કરી ન હોય અને જેને આપણે સંભાળી જ ન શકીએ તેવી સ્થિતિ?

પ્રતિકૂળતા એટલે કદાચ એવો સમય, એવા સંજોગ કે જેની સામે સૌના હથિયાર હેઠા પડે…..તેને જ પ્રતિકૂળતા કહેતા હશે ને !!!!

Advertisements
This entry was posted in પ્રતિકૂળતા. Bookmark the permalink.

2 Responses to પ્રતિકૂળતા (૧૩) રાજુલ કૌશિક

  1. Rajul Kaushik કહે છે:

    Thanks. And only Rajul Kaushik please. No shah.  

    Rajul Kaushik http://www.rajul54.wordpress.com

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s