તમે એવાને એવા જ રહ્યા (૧૮) ડૉ લલિત પરીખ

વાર્તાકાર અને નવલકથાકાર નવલકિશોર જેટલા વાર્તાઓ અને નવલકથાઓ લખવાના શોખીન હતા એટલા જ ખાવાપીવાના પણ જબરા શોખીન હતા.સવારે વહેલા જાગી  જઈ,કલમ કાગળ પકડે એ પહેલા તો નાસ્તાના ડબ્બાઓ,બિસ્કીટના પેકેટો અને ગરમ પાણીમાં નાખતા જ તૈયાર થઇ જાય એવા ઈન્સ્ટન્ટ ચાના પેકેટો લઈને જે બેસી જાય તે તેમને ખબર પણ ન પડે કે કેટલું  ખવાયું -પીવાયું અને કેટલું લખાયું.બંને સમાંતર ચાલતા મનગમતા કાર્યોમાં તેઓ જેટલા વ્યસ્ત રહેતા એટલા જ મસ્ત અને બિન્ધાસ્ત પણ રહેતા.ધર્મધજા ફરકાવનારી પત્ની નાહી ધોઈ પૂજાપાઠ કરી તેમને ગરમ ગરમ નાસ્તો અને સરસ મઝાની ઉકાળેલી આદૂ-ફુદીના વાળી ચા સર્વ કરે ત્યારે લેખનકાર્યને થોડો વિસામો આપે અને પત્નીનો આભાર માનતા માનતા ગરમ નાસ્તાના અને તેથી પણ વધારે તો અતિ પ્રિય એવી કડક મીઠી ચાહના, સાહિત્યિક શૈલીમાં ભરપૂર અને ભારોભાર વખાણ કરતા  કરતા બે ત્રણ કપ ચા અને વે ત્રણ પ્લેટ નાસ્તો પેટમાં પધરાવે ત્યારે જ તેમને શાંતિ થાય,ત્યારે જ તેમને સવાર પડ્યાની મઝા આવે અને ત્યારે જ જુના જમાનાના શિરામણનો જલસો  માણવાની મઝા  આવે….                                                                                                                                   

અતિ ધર્મિષ્ઠ પત્ની ધર્મિષ્ઠા એકાદાશીઓ કરે,સોમવાર અને શનિવાર કરે,સંતોષી માતાનો શુક્રવાર કરે,જયારે પણ આવે ત્યારે અધિક માસ કરે,ચાતુર્માસ તો કાયમ કરે જ કરે;પણ સાથે સાથે પતિ પરમેશ્વરને પણ પ્રસન્ન પ્રસન્ન રાખવા માટે, તેમના ચા-નાસ્તાનો,તેમને  ગરમ ગરમ જમાડવાનો,પરણ્યા ત્યારથી શરૂ કરેલો  વર્ષો જુનો શિરસ્તો પણ બરાબર નિયમપૂર્વક જાળવી રાખે અને તદનુસાર ઉત્તમોત્તમ પ્રબંધ પણ કરે.શિયાળાની ઠંડીમાં તો ગરમ ગરમ શીરો,કે રાબ કે તાજી ગરમ ગોળપાપડી પણ સવારના નાસ્તામાં હોંસે  હોંસે બનાવી આપે. 

  “હું બેસી ગયો છું ” એમ નવલકિશોર બોલે કે તરત જ બેસી ગયાનો અધ્યાહાર “જમવા બેસી ગયો છું” એમ  સમજી પોતાની ઝડપી ગતિથી તેમને પીરસે,જમાડે અને સાહિત્યના રસોમાં રમમાણ રહેતા પતિને, ભોજનના છયે છ રસોનો ભરપૂર આનંદાનુભવ કરાવે.કારેલાનું અથાણું પણ હોય,ગળ્યો  ગળ્યો મોરબો પણ હોય,ખાટા- તીખા- મીઠા અથાણાઓ  પણ હોય અને બે શાક, દાળ કે કઢી તો હોય જ હોય.ચટણી પણ તેમને શાકની જેમ ખાવા જોઈએ.કચૂંબર અને દહીં -છાશ તેમ જ  પાપડ-પાપડી તો તેમને જોઈએ જ જોઈએ.વર્ષોથી તેમનું ટાણું સાચવનારી ભારતીય નારીના પ્રતીક સમાન ધર્મિષ્ઠા પતિની પ્રસન્નતામાં જ પોતાની પ્રસન્નતા જોવા ટેવાઈ ગઈ હતી. 
   આમ બધું બરાબર જ ચાલતું હતું એવામાં એક વાર આસ્થા ચેનલ પર કોઈ સંતે કે બાપૂએ  મહાવાક્ય સમાન એક કથન કર્યું જે અનાયાસે તેમનાથી  સંભળાઈ ગયું કે” ભીમે એક જ વાર એકાદશી કરી જીવનભરનું પુણ્ય કમાઈ લીધેલું અને એ જ પ્રકારે વર્ષમાં એક વાર ભીમ એકાદશી કરનારને આજે પણ પૂર્ણ પુણ્ય પ્રાપ્ત થાય”.તેમના ધૂની મનમાં આ વાક્ય ઘૂસી ગયું એટલું જ નહિ,મન-સરોવરમાં તરંગોના તરંગો ઉત્પન્ન કરવા લાગી ગયું.તેમને થયું કે પોતે એક દિવસ તો ઉપવાસ કરી જ શકે.વગર ઉપવાસ કર્યે પણ ગયા જન્મમાં કરેલા પુણ્યના પ્રતાપે ધર્મિષ્ઠા જેવી, તેમને બધી રીતે સાચવનારી પતિપ્રેમી પત્ની મળી છે, તો ભીમ અગિયારસ કરીને આવતા જન્મનું પુણ્ય કમાઈ લઉં, તો  જન્મે જન્મે આ જ ધર્મિષ્ઠા તેમને ધર્મપત્ની સ્વરૂપે મળતી રહે.બીજે જ દિવસે ભીમ અગિયારસ હોવાની  એ  જાહેરાત સાંભળી ન સાંભળી કે   તેની  સાથે જ નવલકિશોરે પણ પત્નીની સામે, રસોડામાં કદાચ પહેલી જ વાર જઈને  
જોરદાર જાહેરાત કરી કે:”આવતી કાલે ભીમ અગિયારસ છે અને હું આ અગિયારસ અને તે પણ નકોડી-નિર્જળા કરવાનો છું.આ મારો નિશ્ચય છે,નિર્ધાર છે, પ્રણ છે. 
 
  પત્ની હસીને બોલી:” હવે આ ઉમરે આવા ખોટા ધતિંગ કે ફિતૂર ન કરો તો સારું.એક  ટંક પણ   ભૂખ્યા નથી રહી શકતા તે કાલે ભીમ અગિયારસના  
દહાડે સાવ નકોડી,નિર્જલા એકાદશી કરશો? જવા દો ખોટી જીદ.” 
 આવડા મોટા સંતે કહ્યું છે કે ભીમ એકાદશી કરે તેને વરસભરની એકાદાશીઓનું  પુણ્ય મળે એટલે મારે તો એકાદશી કરવી જ છે,ધરાર કરવી જ છે.
   જિદ્દે ચડેલા પતિ વાર્યે નહિ થાકે,હાર્યે થાકશે એમ સમજી ધર્મિષ્ઠાએ  કાયમની જેમ મૌનનો મહામંત્ર અપનાવ્યો. તેને ખાતરી હતી કે સવાર પડશે એટલે નાસ્તાના ડબ્બાઓ પોતમેળે ગોઠવાશે,ખુલશે અને ઈન્સ્ટન્ટ ચાના સબડાકાઓ સાથે તેમનું લેખન કાર્ય શરૂ થઇ જશે અને પોતાને  નાહીધોઈ    
પરવારી,પૂજાપાઠ કરીને તેમને   તેમનું  ગરમાગરમ ચા-નાસ્તાનું નીરવું જ પડશે.રાતના વાળુમાં બીજે દિવસે  નકોડી ભીમ અગિયારસ કરવાની છે એ ધ્યાનમાં રાખી નવલકિશોરે એક રોટલો વધારે ખાધો,ખીચડીમાં દૂધમલાઇ- ખાંડના મોટા મોટા  કોળિયા પણ પ્રેમે પ્રેમે સબડકા ભરતા  ભરતા ખાધા એટલે બરાબર ખાધા. સવારે આંખ ખુલતા જ તેમને  સંતવાણીનું સ્મરણ થયું, ભીમ એકાદશીનું સ્મરણ થયું અને કોરી ચા પણ ન પીનારા લેખક મહાશયે કોરા કાગળ અને કલામની કસરત શરૂ કરવાની કોશિશ આરંભી.ન કલમ ચાલી,ન મગજ ચાલ્યું.મન શૂન્યમનસ્ક જેવું થવા લાગ્યું.થાકીને પોતાનું જ  લખેલું પાછલું પ્રકરણ વાંચવાનો પ્રયત્ન કરી જોયો તો આંખે અંધારા આવવા લાગ્યા.છેવટે અગાઉના પ્રકરણોના પૃષ્ઠો ગોઠવવાનો નીરસ
વ્યાયામ શરૂ કરી મન મનાવવા લાગ્યા.
પત્ની ધર્મિષ્ઠા સ્નાન કરતા કરતા  ‘આજ એકાદશી’નું ભજન  ગાઈ રહી હતી ત્યારે તેમને ભજનમાં ભોજનના ભ્રમનો બંગાળી જોક યાદ આવવા લાગ્યો.એક નવા આવેલા બંગાળી પાડોશીએ એક વાર “આજ રાતે આવજો અમારે ત્યાં ભોજન છે.” કહી ભાવભીનું આમંત્રણ આપેલું જે સાંભળી પોતે ખુશ ખુશ તેને ત્યાં ગયેલા તો એક બે કલાક સુધી ભજન ચાલ્યા અને અંતે  સાકરિયા ચણા વહેંચાયા ત્યરે તેમનાથી પૂછ્યા વગર રહેવાયું નહિ કે:” તમે તો ભોજન પર બોલાવેલાને ?” તો એ બંગાળી મોંશાય બોલેલા “આ બે કલાક  ભોજન જ ચાલ્યાને? ભજનને ભોજનની જેમ બોલાતો તેમનો લહેકો સમજાયો ત્યારે જ તેમને ઘરે જઈને ભોજન કરવાની સમજ આવેલી.                                                                                                            પત્નીની નિત્ય પૂજા પૂરી થઇ એટલે તેણે દયાદૃષ્ટિથી તેમની સામે જોયું કે એ પોતાનો વિચાર,નિર્ણય,નિર્ધાર કે પ્રણ છોડવાનો વિચાર કરે છે કે નહિ? તેમને બુંદેલખંડના  નકલી કિલ્લાની વાર્તા યાદ આવી ગઈ અને મન મક્કમ રાખી તેઓ આવેલા સમાચારપત્રમાં માથું અને આંખો નાખી ભયંકર મૌનમાં શાંત -જો કે મનમાં અશાંત-એવી મુદ્રામાં બેઠા રહ્યા.સમય તો ગોકળ ગતિએ આગળ વધતો દેખાતો હતો અને ઘડિયાળનો એક કલાક જતા તેમને યુગ વીત્યા જેવો અનુભવ થવા લાગ્યો.પત્ની સાથે પાસેની હવેલીમાં દર્શને ગયા તો અગાઉનું જોયેલું અન્નકૂટનું દૃશ્ય તાદૃશ થવા લાગ્યું.ઘરે પાછા ફરી, બીજી વાર છાપામાં મથું ઘાલ્યું તો માથું દુખવા લાગ્યું અને આંખ ઘેરાવા લાગી.પત્ની એ જોઇને બોલી :”ઉપવાસના દિવસે સૂવું 
વર્જ્ય છે.” આ શબ્દો નવલકિશોરને  વજ્ર જેવા લાગ્યા.જેમ તેમ, મુસલમાનો રોજા  કરતી વખતે કોગળા કરતા કરતા ચોરીને પાણી પી લે, તેમ તેમ ણે પણ કોગળા કરવાનું નાટક શરૂ કરી દીધું-ગળામાં  ખખ  ખખ જે થઇ રહ્યું હતું.જેમ તેમ બપોર વીતી,સાંજ વીતી અને રાત પડી.પત્ની પાડોશીને ત્યાં 
એકાદશીના ભજન કાર્યક્રમમાં ગઈ અને નવલ કિશોરને પોતાની જ નવલકથાના પ્રકરણો  વાંચતા વાંચતા એકાએક એવી તો ભૂખ લાગી કે તેમનાથી રહેવાયું નહિ અને તેમણે એક પછી એક ડબ્બામાંથી બુકડા ભરી  ભરી તીખું ગળ્યું જે મળ્યું, તે મોઢામાં નીરવાનું શરૂ કરી દીધું.ગાંઠિયા પર અને તેમાંય તીખા તળેલા ગાંઠિયા પર મારો ચલાવતા, તેમ જ મોટા ડબ્બામાંથી મગજના લાડુ અને ગોળપાપડીના  બટકાઓ પુરઝડપે મોઢામાં  મૂકતા  અને  પેટમાં પહોંચાડતા  તેઓ ખીર આરોગતા ભગવાન બુદ્ધની જેમ પ્રસન્ન થયા.જો કે તેમને પોતાનો અત્યારનો વહેવાર જોતા, કનૈયાલાલ મુન્શીના  ‘ગુજરાતના નાથ’ના    ભૂખ્યા નેરા   બોબડાનું અનાયાસે સ્મરણ  થવા લાગ્યું. 
  ત્યાં તો પત્ની એકાએક આવેલા ભૂકંપની ધાસ્તીથી ઘરે પાછી દોડી આવી તો ભૂકંપનો કોઈ એક આંચકો પણ ન અનુભવી શકેલા પતિને ડબ્બાઓ સાથે રમખાણ કરતા જોઈ તેને આંચકો લાગ્યો.પતિ આક્રમક રીતે તીખું-ગળ્યું આરોગી રહ્યા હતા એ જોઈ, તેનાથી ભૂકંપ કરતા ય વધુ જબરો આંચકો અનુભવતા  તેણે પૂછ્યું :” બસ થઇ ગઈ ભીમ એકાદશી? મેં પહેલા જ કહેલું કે  …….નિર્જલા એકાદશી કરવાની તમારી હૈસિયત જ નથી.ભીમ એકાદશી ભૂલી જાઓ અને બોલો હવે તમારા માટે ગરમાગરમ જમવાનું શું બનાવી  દઉં ? શીરો પૂરી ભજીયા બનાવી  દઉં ? હું તમને જાણું ને? તમે એવા ને એવા જ રહ્યા અને બદલવાના પણ નથી.કહેવત ખોટી થોડી જ છે કે ‘કરતા હો સો કીજીયે ઔર ન કીજીયે  કાગ……. “
ભીમ એકાદશી કરી રહેલા નવલ કિશોર શરમાઈને, ઓચપાઈને,મૂંઝાઈને આંખો બંધ કરી ગયા.તેમને મુન્શીનો નેરો બોબડો જ દેખાયા કર્યો.         
(સમાપ્ત)       
Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s